માલદીવ્સના વિદેશમંત્રી શ્રી અબ્દુલ્લા શાહીદે આજે નવી દિલ્હીમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. શ્રી અબ્દુલ્લા હાલમાં છઠ્ઠી ભારત- માલદીવ્સ સંયુક્ત કમિશન મિટિંગ સંદર્ભે ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે.

પ્રધાનમંત્રીએ માલદીવ્સમાં રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહીમ મોહંમદ સોલીહના નેતૃત્ત્વમાં તેમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં સરકાર દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ બદલ વિદેશમંત્રી શાહીદને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને માલદીવ્સ વચ્ચે જોડાણનું સ્તર વધી રહ્યું હોવાનું સંતોષપૂર્વક નોંધ્યું હતું અને છેલ્લા એક વર્ષમાં બંને દેશોના દ્વિપક્ષીય સહકારના કારણે આવેલા સકારાત્મક પરિણામોની પણ તેમણે નોંધ લીધી હતી. છઠ્ઠી JCM દરમિયાન ચર્ચાઓના કારણે બંને પક્ષ પારસ્પરિક પ્રગતિની સમીક્ષા કરવા માટે સમર્થ થશે અને બંને દેશો વચ્ચે પારસ્પરિક લાભ તેમજ સહકાર માટેના સંબંધો વધુ ઘનિષ્ઠ અને ઘેરા બનાવવા માટે વધુ મહાત્વાકાંક્ષી ભાવિ માર્ગ તૈયાર કરવામાં મદદ મળશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સશક્ત, લોકશાહી, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ માલદીવ્સ માટે માલદીવ્સની સરકાર સાથે ભાગીદારી કરવા માટે ભારત પ્રતિબદ્ધ હોવાનો પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો.

ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોને આગળ ધપાવવામાં પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશી અને પ્રબળ નેતૃત્ત્વ બદલ માલદીવ્સના વિદેશમંત્રી શાહીદે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં માલદીવ્સમાં અમલમાં મુકવામાં આવેલી વિકાસની વિવિધ પહેલોમાં ભારતે આપેલા સહકાર બદલ તેમણે ખરા હ્રદયથી પ્રશંસાની લાગણી વ્યક્તિ કરી હતી. માલદીવ્સનું ટોચનું નેતૃત્ત્વ ‘ઇન્ડિયા ફર્સ્ટ’ નીતિ પ્રત્યે તેમજ ભારત સાથેના સંબંધો હજુ પણ વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.