વાયબ્રન્ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ
વિશ્વવિખ્યાત અર્થશાષા પ્રો. જગદીશ ભગવતીનું વ્યાખ્યાન
ગુજરાત વિકાસ વિષય વસ્તુ ઉપર પ્રેરક ચિંતન
પ્રો. જગદીશ ભગવતીઃ
ગુજરાત મોડેલ સમૃદ્ધિ પોષક અને વિકાસ સાતત્યની અનુભૂતિ કરાવે છે
સામાજિક, આર્થિક પરિવર્તનની ગતિ વધુ તેજીલી બનાવીએ
મુખ્ય મંત્રીશ્રીઃ
ગુજરાતે માત્ર વિકાસની દિશા જ નહીં, વિકાસના મોડેલની નામના મેળવી છે

ભારતની આર્થિક નીતિઓ અને સુધારાઓનું વિશ્લેષણ કરતાં તેમણે જણાવ્યું કે, સમૃદ્ધિ અને સંપત્તિના વિતરણની વ્યૂહરચનામાં સામાજિક-આર્થિક પરિવર્તનનો મહિમા હોવો જોઇએ. આરોગ્ય સેવા, લઘુત્તમ રોજગાર, શિક્ષણ, આવાસ અને જીવન આવશ્યક માળખાકીય સુવિધાઓમાં પરિવર્તનનો અહેસાસ થવો જોઇએ. રાજકીય નીતિઓ અને તેની અસરો આ સંદર્ભમાં મુલવવી જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. વિશ્વની આ સંદર્ભની ઉત્તમ વ્યૂહરચનાને સ્થાનિક વાતાવરણમાં પરિવર્તિત કરવા પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતની જાહેર છબી અને ઓળખ વિકાસની બની છે અને વિકાસ માત્ર વેપાર વણજનો નહીં, સામાજિક-આર્થિક પરિવર્તનના સુધારા સાથેનો છે. ગુજરાત એક્સપીરિયન્સ આની પ્રતિતી કરાવે છે, એમ સ્પષ્ટપણે પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્યું હતું.
ગુજરાતે આર્થિક સુધારાને માનવીય સ્પર્શ આપ્યો છે અને તેને વધુ સઘન વ્યાપક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તેનું શ્રેય તેમણે મુખ્ય મંત્રીશ્રીને આપ્યું હતું. પ્રો. જગદીશ ભગવતીએ ગુજરાતે વિકાસ અને ટેકનોલોજીના વિનિયોગ સાથે કૃષિ વિકાસ ઊંચો દર હાંસલ કર્યો છે તેની વ્યૂહરચનાને પણ પ્રભાવક ગણાવી હતી. પ્રબુદ્ધ નાગરિકોએ વિશ્વના સામાજિક-આર્થિક પરિવર્તન સંદર્ભમાં પ્રો. જગદીશ ભગવતી સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મોડેલની દેશમાં ચર્ચા થાય છે તે માત્ર વિકાસની નોંધ નથી પરંતુ વિકાસના મોડેલ તરીકેની પ્રશંસા થાય છે અને આ ફલશ્રુતિ આપણને વધુ સારું કરવાની પ્રતિબદ્ધતા માટે પ્રેરે છે, એમ જણાવ્યું હતું.
વિશ્વના સાંપ્રત પ્રવાહોને અનુરૂપ ગુજરાતની વિકાસયાત્રાને પ્રોત્સાહક નીતિ નિર્ધારણ માટેની ચિંતન પ્રક્રિયા ઉભી કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત વ્યાખ્યાન શ્રેણીની ભૂમિકા દર્શાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આખો ભગવતી પરિવાર ગુજરાતની ગૌરવરૂપ અમાનત છે. ગુજરાતનું મૂલ્યાંકન અને તારીફ કરીને ગુજરાતને સાચી દિશામાં પ્રેરતા પ્રો. જગદીશ ભગવતીના મંતવ્યોને મુખ્ય મંત્રીશ્રીએ ખૂબ જ પ્રેરણાદાયી ગણાવ્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસના વ્યૂહમાં માત્ર ભૌતિક પ્રગતિ કે માળખાકીય સુવિધા પર્યાપ્ત નથી પરંતુ વિકાસ સાથે પર્યાવરણને સુસંગત પ્રકૃતિનું તાદાત્મ્ય વ્યવસ્થા સાથે જોડવું પડશે. ગત ૩૦૦ વર્ષમાં જે પ્રદૂષણના પાપ કર્યા છે તે વધુ ના થાય પરંતુ પ્રાકૃતિક શક્તિઓને વિકાસમાં જોડવા ગુજરાત તત્પર છે.
વાયબ્રન્ટ ડેમોક્રેસી, ટેલેન્ટ અને યુથ પાવર એ ભારતની તાકાત છે અને ગુજરાત તેમાં અગ્રીમ યોગદાન આપવા માંગે છે તેનો નિર્ધાર વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિને વિકાસમાં નિર્ણાયક બનાવવા ઉપર ભાર મુકયો હતો. મુખ્ય મંત્રીશ્રીએ વિકાસમાં જનભાગીદારી વ્યાપક ફલક વિકસાવવા, લોક સુખાકારીને સુદૃઢ કરવા માટે ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં ગુજરાત અગ્રેસર છે અને હવે તો ગુજરાતે લોંગ ડીસ્ટન્સ લર્નિંગ માટે ૩૬ મેગાહર્ટસ્નું આખું ટ્રાન્સપોન્ડર ઉપયોગમાં લેવાની પહેલ કરી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. આ વ્યાખ્યાન શ્રેણીમાં વિવિધ સામાજિક-આર્થિક ક્ષેત્રના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવશ્રી અને વરિષ્ઠ સચિવશ્રીઓ તથા નિવૃત્ત સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી કમિશનર શ્રી વી. થીરૂપુગલે સ્વાગત પ્રવચનમાં પ્રો. જગદીશ ભગવતીનો પરિચય અને વ્યાખ્યાન શ્રેણીની ભૂમિકા આપી હતી.