મિત્રો,
ગયુ અઠવાડીયુ સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવામાં વીતી ગયુ પરંતુ કયાંક વરસાદ આવ્યો, કયાંક ના આવ્યો...આપણી આશા ઠગારી નીવડી.
આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ કે બધે જ સારામાં સારો વરસાદ હવે સમયસર આવે, મેઘરાજા મહેર કરે.
વરસાદની પ્રતિક્ષા આપણે કરતા હતા ત્યારે એક સારા સમાચાર પ્રાપ્ત થયા જે આપણને સૌને ગૌરવ અપાવે એવા છે.
આ સમાચારની ખુશી આપની સાથે હું વ્યકત કરૂં છું.
આપ સૌને જાણ થઇ હશે કે ગુજરાત સરકારના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ પ્રોજેકટ (SWAGAT : STATE WIDE ATTENTION ON GRIEVENCES WITH APPLICATION OF TECHNOLOGY) ને યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડર૦૧૦ મળ્યો છે.
લોકશાહીમાં સર્વોપરી શકિત, જનતા જનાર્દન છે અને જનતાની ફરિયાદો, રજૂઆતોનું વાજબી ન્યાયી નિરાકરણ થાય એ લોકશાહી સુશાસનની સાચી કસોટી છે.
મને જણાવતા સંતોષ થાય છે કે ગુજરાત સરકારે સામાન્ય નાગરિકની રજૂઆતો અને ફરિયાદો સાંભળવાની આગવી પહેલરૂપ, વ્યવસ્થારૂપે આ સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ પ્રોજેકટ કાર્યરત કર્યો અને ટેકનોલોજીનો વ્યવહારૂ ઉપયોગ થતા આટલી મોટી સિધ્ધિ મેળવી છે.
સંયુકત રાષ્ટ્રસંઘે ‘‘જાહેર સેવાઓમાં પારદર્શિતા, ઉત્તરદાયિત્વ અને પ્રતિભાવ પ્રક્રિયામાં ગુણાત્મક સુધારા’’ માટે ગુજરાત સરકારના સ્વાગતપ્રોજેકટને ર૦૧૦નો આ વૈશ્વિક પ્રતિષ્ઠિત એવોર્ડ આપ્યો છે.
ભવિષ્યમાં સ્વાગત ઓન લાઇન દ્વારા ગુજરાતના નાગરિકોને પોતાની રજૂઆતોમાં ઝડપી ન્યાયની અનુભૂતિ થતી રહેશે.
સ્વર્ણિમ જ્યંતી વર્ષ ર૦૧૦માં ગુજરાતને સંયુકત રાષ્ટ્રસંઘની આ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને માન્યતા પ્રાપ્ત થઇ છે, એનું ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઇએ.
સ્વાગત કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપતો સલાઇડ શો અહી સાથે રાખેલ છે
સ્વાગત કાર્યક્રમનો સ્લાઇડ શો જોવા કલીક કરો
આપનો,


