આજે આપણે જે શાસનનો મૂળભૂત સિદ્ધાંત અપનાવી રહ્યા છીએ તે 'નાગરિક દેવો ભવ' છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સેવાઓને વધુ કાર્યક્ષમ અને નાગરિકો પ્રત્યે વધુ પ્રતિભાવશીલ બનાવવાનો છે: પ્રધાનમંત્રી
આજનું ભારત આકાંક્ષાઓથી ભરેલું છે; દરેક નાગરિકના પોતાના સપના અને ધ્યેયો છે અને તે સપનાઓને પૂર્ણ કરવામાં દરેક શક્ય સહાય પૂરી પાડવાની આપણી જવાબદારી છે: પ્રધાનમંત્રી
દરેક નિર્ણય લેતા પહેલા, જ્યારે આપણે વિચારીએ છીએ કે આપણી ફરજ આપણા માટે શું જરૂરી છે, ત્યારે આપણા નિર્ણયોની અસર આપમેળે અનેકગણી વધી જાય છે: પ્રધાનમંત્રી
આપણે આપણા વર્તમાન પ્રયાસોને ભવિષ્યના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ - એક નિર્ણય ઘણા નાગરિકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે અને આપણું વ્યક્તિગત પરિવર્તન સંસ્થાકીય પરિવર્તનનો માર્ગ કેવી રીતે મોકળો કરી શકે છે: પ્રધાનમંત્રી
એક સારો પ્રશાસક અને સારો જાહેર સેવક તે હશે જેની પાસે ટેકનોલોજી અને ડેટાની ઊંડી સમજ હશે; આ સમજ નિર્ણય લેવાની પ્રક્રિયાનો મુખ્ય ભાગ બનશે: પ્રધાનમંત્રી
આપણે અલગ-થલગ કામ કરવાની વૃત્તિને તોડીને વધુ સંકલન, સહિયારી સમજણ અને સંપૂર્ણ સરકારના અભિગમ સાથે આગળ વધવું જોઈએ; ત્યારે જ આપણું દરેક મિશન સફળ થશે: પ્રધાનમંત્રી

પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી પી. કે. મિશ્રાજી, કર્મયોગી ભારતના ચેરમેન શ્રી એસ. રામાદોરાઈજી, કેપેસિટી બિલ્ડિંગ કમિશનના ચેરપર્સન એસ. રાધા ચૌહાણજી, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો !

કર્મયોગી સાધના સપ્તાહના આ આયોજન માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. 21મી સદીના આ કાલખંડમાં ઝડપથી બદલાતી વ્યવસ્થાઓ, ઝડપથી બદલાતી દુનિયા અને તેમની વચ્ચે તેટલી જ ઝડપથી આગળ વધતું આપણું ભારત, આના માટે પબ્લિક સર્વિસને સમયને અનુરૂપ નિરંતર અપડેટ કરવી જરૂરી છે. કર્મયોગી સાધના સપ્તાહ, તે જ પ્રયાસની એક મહત્વની કડી છે. આપ સૌ પરિચિત છો, આજે ગવર્નન્સના જે સિદ્ધાંતને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ, તેનો મૂળ મંત્ર છે- નાગરિક દેવો ભવ:. આ મંત્રમાં સમાયેલી ભાવના સાથે આજે પબ્લિક સર્વિસને વધુ સક્ષમ, નાગરિકો માટે વધુ સંવેદનશીલ બનાવવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. હવે શાસનને સિટિઝન-સેન્ટ્રિક બનાવીને એક નવી ઓળખ આપવામાં આવી રહી છે.

સાથીઓ,

સફળતાનો એક મોટો સિદ્ધાંત એ પણ છે કે બીજાની રેખાઓ ટૂંકી કરવાને બદલે, પોતાની રેખા મોટી કરો. આપણા દેશમાં આઝાદી પછીથી અનેક પ્રકારની સંસ્થાઓ અલગ-અલગ ફોક્સ સાથે કામ કરી રહી હતી, પરંતુ આવશ્યકતા હતી એક એવી સંસ્થાની, જેનું ફોકસ કેપેસિટી બિલ્ડિંગ હોય, જે સરકારમાં કામ કરનારા દરેક કર્મચારી, દરેક કર્મયોગીનું સામર્થ્ય વધારે. આ જ વિચારધારાએ કેપેસિટી બિલ્ડિંગ કમિશન-CBC ને જન્મ આપ્યો. આજે CBCના સ્થાપના દિવસ પર આ નવી શરૂઆત, અને iGOT મિશન કર્મયોગીની સફળ ભૂમિકા આપણા પ્રયાસોને અનેકગણી ઊર્જા આપી રહ્યા છે. મને વિશ્વાસ છે, આ પ્રયાસોથી આપણે આધુનિક, સક્ષમ, સમર્પિત અને સંવેદનશીલ કર્મયોગીઓની ટીમ બનાવવામાં સફળ થઈશું.

સાથીઓ,

કેટલાક અઠવાડિયા પહેલા જ્યારે સેવા તીર્થનું લોકાર્પણ થઈ રહ્યું હતું, ત્યારે પણ મેં તમારી સમક્ષ વિગતવાર વિકસિત ભારતના સંકલ્પની ચર્ચા કરી હતી. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણને ફાસ્ટ ઇકોનોમિક ગ્રોથ જોઈએ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી જોઈએ, આપણે દેશમાં મોટી સંખ્યામાં કુશળ કાર્યબળ તૈયાર કરવા પડશે, અને આ લક્ષ્યોની સફળતામાં આપણી જાહેર સંસ્થાઓ અને જાહેર સેવકોની ભૂમિકા ખૂબ મહત્વની છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ, અનુભવી પણ રહ્યા છીએ કે આજનું ભારત કેટલું મહત્વાકાંક્ષી છે. દરેક દેશવાસી પાસે તેના પોતાના સપના છે, પોતાના લક્ષ્યો છે, અને આપણા સૌ પર તે સપનાઓને પૂરા કરવા માટે વધુમાં વધુ સપોર્ટ આપવાની જવાબદારી છે. આપણું શાસન એવું હોવું જોઈએ કે દેશના નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ (Ease of Living), ક્વોલિટી ઓફ લાઈફ (Quality of Life) દિવસેને દિવસે ઉત્તમ થવી જોઈએ; આ આપણો માપદંડ છે. અને આ માટે, તમારે દરરોજ કંઈક નવું શીખવાની જરૂર છે; તમારે પોતાને કર્મયોગીની ભાવનામાં ઢાળવાની જરૂર છે.

સાથીઓ,

જ્યારે આપણે વહીવટી સેવાઓમાં સુધારા અને પરિવર્તનની વાત કરીએ છીએ, તો તેનો એક આશય છે- જાહેર સેવકોના વ્યવહારમાં પરિવર્તન. આ વાત આપણે સૌ જાણીએ છીએ કે જૂની વ્યવસ્થામાં જોર 'અધિકારી' હોવા પર વધારે હતું. પરંતુ આજે દેશનું જોર કર્તવ્ય ભાવના પર વધારે છે, પદ નહીં, કાર્યનું મહત્વ વધે. બંધારણ પણ આપણા કર્તવ્યોથી જ આપણને અધિકાર પ્રદાન કરે છે. દરેક નિર્ણય પહેલા, જ્યારે તમે એ વિચારશો કે તમારી ડ્યુટી શું કહે છે, તો તમારા નિર્ણયોની અસર પોતાની મેળે અનેકગણી વધી જશે, અને હું તમારી સામે એક વાત ફરી પુનરાવર્તિત કરીશ, આપણે આપણા વર્તમાન પ્રયાસોને ભવિષ્યના એક મોટા કેનવાસ પર જોવા જોઈએ. 2047, વિકસિત ભારત, આ જ કેનવાસ છે આપણો, આ જ લક્ષ્ય છે. આપણે આજે જે કામ કરી રહ્યા છીએ, તેની અસર દેશની વિકાસયાત્રા પર શું થશે, આપણા એક નિર્ણયથી કેટલા નાગરિકોનું જીવન બદલાઈ શકે છે. આપણું એક વ્યક્તિગત પરિવર્તન કેવી રીતે સંસ્થાકીય પરિવર્તન બની શકે છે. આ પ્રશ્ન આપણા દરેક પ્રયાસનો હિસ્સો હોવો જોઈએ. મારા અનુભવથી હું એ કહી શકું છું, આના માટે તમારે ખૂબ ઊર્જા જોઈએ છે, આ ઊર્જા આપણને માત્ર અને માત્ર સેવાભાવથી જ મળી શકે છે.

સાથીઓ,

જ્યારે આપણે લર્નિંગની વાત કરીએ છીએ, તો આજના પરિપ્રેક્ષ્યમાં ટેકનોલોજીનું મહત્વ ખૂબ વધી જાય છે. આપ સૌ જોઈ રહ્યા છો, છેલ્લા 11 વર્ષોમાં શાસકીય અને વહીવટી કામોમાં કઈ રીતે ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશન થયું છે. આપણે ગવર્નન્સ અને ડિલિવરીથી લઈને ઇકોનોમી સુધી, ટેક-રિવોલ્યુશનની તાકાત જોઈ છે. હવે AI ના આગમન પછી આ પરિવર્તન વધુ ઝડપી બનવાનું છે. તેથી, ટેકનોલોજીને સમજવી અને તેનો સાચો ઉપયોગ કરવો, એ પબ્લિક સર્વિસનો એક અનિવાર્ય હિસ્સો બની ચૂક્યો છે. હવે ઉત્તમ એડમિનિસ્ટ્રેટર, શ્રેષ્ઠ પબ્લિક સર્વન્ટ એ જ હશે, જેને ટેકનોલોજી અને ડેટાની સમજ હશે. આ જ તમારા ડિસીઝન મેકિંગનો આધાર બનશે. તેથી, AI ના ક્ષેત્રમાં કેપેસિટી બિલ્ડિંગ અને નિરંતર લર્નિંગને સરળ બનાવવા માટે કામ થઈ રહ્યું છે. આમાં આપ સૌની ભાગીદારી અને સહભાગિતા, બંને ખૂબ મહત્વપૂર્ણ છે. મને આશા છે, કર્મયોગી સાધના સપ્તાહમાં આ વિષય પર પણ તેટલું જ ફોકસ કરવામાં આવશે.

સાથીઓ,

આપણા ફેડરલ સ્ટ્રક્ચરમાં દેશની સફળતાનો અર્થ છે- રાજ્યોની પણ સામૂહિક સફળતા. આપણે દાયકાઓ સુધી દેશમાં રાજ્યોનું વર્ગીકરણ જોયું છે, શું-શું સાંભળતા હતા, આગળ વધેલા રાજ્યો, પછાત રાજ્યો, બીમારુ રાજ્યો, આજે આપણે એવી તમામ વ્યાખ્યાઓને ખતમ કરી રહ્યા છીએ. આપણે રાજ્યો વચ્ચેના દરેક પ્રકારના અંતરને ભરવાના છે, અને આ ત્યારે જ થશે, જ્યારે દરેક રાજ્ય એક સરખી તીવ્રતાથી કામ કરશે. આપણે સાયલોઝને તોડવાના છે, આપણે ઉત્તમ સંકલન અને સહિયારી સમજ સાથે આગળ વધવું પડશે. આના માટે આપણને હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચની જરૂર છે. સરકાર અને બ્યુરોક્રેસી બંને આ અપ્રોચને અપનાવશે, તો દરેક મિશનમાં સફળતા મળશે. સાધના સપ્તાહ દ્વારા આ જ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાથીઓ,

આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ, સામાન્ય માનવી માટે સ્થાનિક ઓફિસ જ સરકારનો ચહેરો હોય છે. તમારી કાર્યશૈલી, તમારો વ્યવહાર, આનાથી જ લોકશાહી અને બંધારણીય વ્યવસ્થાઓમાં નાગરિકોનો ભરોસો નક્કી થાય છે. તેથી, આપણે જે પણ કરીએ, જે પણ સ્તરે કરીએ, આપણે તે ભરોસાને સાચવીને રાખવાનો છે. હું એકવાર ફરી કેપેસિટી બિલ્ડિંગ કમિશનની પૂરી ટીમને અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે કર્મયોગી સાધના સપ્તાહ, વિકસિત ભારતની આપણી યાત્રામાં એક મહત્વનો અધ્યાય બનશે.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

નમસ્કાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
APEDA Facilitates First Export Of Premium Areko Cherries And Scentrose Plums From J&K To Singapore

Media Coverage

APEDA Facilitates First Export Of Premium Areko Cherries And Scentrose Plums From J&K To Singapore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 જુલાઈ 2026
July 19, 2026

Exports Booming, Skies Opening, Energy Transforming — PM Modi’s India in Full Flight