“સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0નું લક્ષ્ય શહેરોને સંપૂર્ણ કચરામુક્ત કરવાનું છે”
“મિશન અમૃતના આગામી તબક્કામાં દેશનું લક્ષ્ય 'સ્યૂએજ અને સેપ્ટિક વ્યવસ્થાપનમાં સુધારો, આપણા શહેરોને જળ-સલામત શહેરો બનાવવા અને આપણી નદીઓમાં ક્યાંય પણ સ્યૂએજ ડ્રેઇન ના હોય તે સુનિશ્ચિત કરવાનું' રહેશે”
“સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશનની સફરમાં દેશનું એક મિશન છે, એક આદર છે, એક સન્માન છે, એક મહત્વાકાંક્ષા છે અને પોતાની માતૃભૂમિ પ્રત્યે અજોડ પ્રેમ પણ છે”
“બાબાસાહેબ આંબેડકર શહેરી વિકાસને અસમાનતા દૂર કરવાનું એક મોટું માધ્યમ માનતા હતા... સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબાસાહેબના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે”
“સફાઇ એ દરેક વ્યક્તિ, દરેક દિવસ, દરેક પખવાડિયા, દરેક વર્ષ, પેઢી દર પેઢી માટે એક મોટું અભિયાન છે. સફાઇ એક જીવનશૈલી છે, સફાઇ એ જીવનનો મંત્ર છે”
“2014માં, માત્ર 20 ટકા કરતાં ઓછા કચરાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. આજે આપણે લગભગ 70 ટકા દૈનિક કચરાની પ્રક્રિયા કરી રહ્યાં છીએ. હવે, આપણે તેને 100% સુધી લઇ જવાનું છે”

નમસ્કાર! કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત કેબિનેટમાં મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પુરીજી, શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, શ્રી પ્રહલાદ સિંહ પટેલજી, શ્રી કૌશલ કિશોરજી, શ્રી બિશ્વેશ્વરજી, તમામ રાજ્યોના ઉપસ્થિત મંત્રીગણ, અર્બન લોકલ બોડીઝના મેયર્સ અને ચેર પર્સન, મ્યુનિસિપલ કમિશનર્સ, સ્વચ્છ ભારત મિશનના અમૃત યોજનાના આપ સૌ સારથિ, દેવીઓ અને સજ્જનો!

હું દેશને સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશનના આગામી તબક્કામાં પ્રવેશ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2014 માં દેશવાસીઓએ ભારતને ખુલ્લામાં શૌચથી મુક્ત કરાવવાનો – ઓડીએફ બનાવવાનો સંકલ્પ લીધો હતો. 10 કરોડથી વધુ શૌચાલયોના નિર્માણ સાથે દેશવાસીઓએ આ સંકલ્પ પૂરો કર્યો. હવે સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0નું લક્ષ્ય છે કચરા મુક્ત શહેર, કચરાના ઢગલાથી સંપૂર્ણ મુક્ત શહેર બનાવવું. અમૃત મિશન તેમાં દેશવાસીઓની વધારે મદદ કરવાનું છે. શહેરોમાં સોએ સો ટકા લોકોની સ્વચ્છ પાણી સુધીની પહોંચ હોય, શહેરોમાં ગટરનું સારામાં સારું વ્યાવસ્થાપન હોય, તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. મિશન અમૃતના આગામી તબક્કામાં દેશનું લક્ષ્ય છે – ‘ગટર અને સ્વચ્છતાનું વ્યવસ્થાપન વધારવું, આપણાં શહેરોને પાણી સુરક્ષિત શહેરો બનાવવા અને એ બાબતની ખાતરી કરવી કે આપણી નદીઓમાં ક્યાંય પણ કોઈ ગંદી નહેર ના પડે.

સાથીઓ,

સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશનની અત્યાર સુધીની યાત્રા ખરેખર દરેક દેશવાસીને ગર્વથી ભરી દેનારી છે. તેમાં મિશન પણ છે, માન પણ છે, મર્યાદા પણ છે, એક દેશની મહત્વકાંક્ષા પણ છે અને માતૃભૂમિ માટે અપ્રતિમ પ્રેમ પણ છે. દેશે સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી જે હાંસલ કર્યું છે, તે આપણને આશ્વાસન આપે છે કે દરેક ભારતવાસી પોતાના કર્તવ્યો માટે કેટલો સંવેદનશીલ છે, કેટલો સતર્ક છે. આ સફળતામાં ભારતના દરેક નાગરિકનું યોગદાન છે, સૌનો પરિશ્રમ છે અને સૌનો પરસેવો છે. અને આપણાં સ્વચ્છતા કર્મી, આપણાં સફાઇ મિત્રો, દરરોજ સાવરણો ઉપાડીને રસ્તાઓ સાફ કરનાર આપણાં ભાઈઓ બહેનો, કચરાની વાસને સહન કરીને પણ કચરો સાફ કરનાર આપણાં સાથીઓ સાચા અર્થમાં આ અભિયાનના મહાનાયક છે. કોરોનાના મુશ્કેલ સમયમાં તેમના યોગદાને દેશને નજીકથી જોયો છે, અનુભવ કર્યો છે.

હું દેશની આ સિદ્ધિઓ પર દરેક ભારતવાસીને અભિનંદનની સાથે જ ‘સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0’ અને ‘અમૃત 2.0’ માટે શુભકામનાઓ આપું છું. અને તેનાથી સુખદ બીજું શું હોઇ શકે કે નવી શરૂઆત આજે ગાંધી જયંતીના એક દિવસ પહેલા થઈ રહી છે. આ અભિયાન પૂજ્ય બાપુની પ્રેરણાનું જ પરિણામ છે, અને બાપુના આદર્શો વડે જ સિદ્ધિની દિશામાં આગળ વધી રહ્યું છે. તમે જરા કલ્પના કરો, સ્વચ્છતાની સાથે સાથે તેનાથી આપણી માતાઓ બહેનો માટે કેટલી સુવિધા વધી છે! પહેલા કેટલીય મહિલાઓ ઘરમાંથી બહાર નીકળી નહોતી શકતી, કામ પર નહોતી જઈ શકતી કારણ કે બહાર શૌચાલયની સુવિધા જ નહોતી મળતી. કેટલીય દીકરીઓને શાળામાં શૌચાલય ના હોવાના કારણે અભ્યાસ છોડવો પડતો હતો. હવે આ બધામાં પરિવર્તન આવી રહ્યું છે. આઝાદીના 75મા વર્ષમાં દેશની આ સફળતાઓને, આજના નવા સંકલ્પોને, પૂજ્ય બાપુના ચરણોમાં અર્પિત કરું છું અને નમન કરું છું.

સાથીઓ,

આપણાં સૌનું એ પણ સૌભાગ્ય છે કે આજે આ કાર્યક્રમ બાબા સાહેબને સમર્પિત આ આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં આયોજિત થઈ રહ્યો છે. બાબા સાહેબ, અસમાનતા દૂર કરવા માટેનું બહુ મોટું માધ્યમ શહેરી વિકાસને માનતા હતા. વધુ સારા જીવનની આકાંક્ષામાં ગામડાઓમાંથી ઘણા બધા લોકો શહેરો તરફ આવે છે. આપણે જાણીએ છીએ કે તેમને રોજગાર તો મળી જાય છે પરંતુ તેમનું જીવન સ્તર ગામડાઓ કરતાં પણ મુશ્કેલ સ્થિતિમાં રહે છે. આ બાબત તેમની ઉપર એક રીતે બમણા માર જેવો હોય છે. એક તો ઘરથી દૂર, અને ઉપરથી આવી મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું. આ સ્થિતિને બદલવા માટે, આ અસમાનતાને દૂર કરવા ઉપર બાબા સાહેબે ખૂબ ભાર મૂક્યો હતો. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો, બાબા સાહેબના સપનાઓને પૂરા કરવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે.

સાથીઓ,

આઝાદીના આ 75મા વર્ષમાં દેશે ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ની સાથે ‘સૌના પ્રયાસ’નું આહવાહન પણ કર્યું છે. સૌના પ્રયાસની આ ભાવના, સ્વચ્છતા માટે પણ તેટલી જ જરૂરી છે. તમારામાંથી કેટલાય લોકો દૂર-સુદૂરના ગ્રામીણ વિસ્તારોમાં ફરવા ગયા હશો, આદિવાસી સમાજના પરંપરાગત ઘરોને જરૂરથી જોયા હશે. ઓછા સંસાધનો હોવા છતાં તેમના ઘરોમાં સ્વચ્છતા અને સૌંદર્યને જોઈને દરેક વ્યક્તિ આકર્ષિત થઈ જાય છે. એ જ રીતે તમે ઉત્તર પૂર્વમાં જાવ, હિમાચલ અથવા ઉત્તરાખંડના પહાડો પર જાવ, પહાડો પર નાના નાના ઘરોમાં પણ સાફ સફાઇના કારણે એક જુદી જ હકારાત્મક ઉર્જા પ્રવાહિત થતી રહેતી હોય છે. આ સાથીઓની સાથે રહીને આપણે એ શીખી શકીએ છીએ કે સ્વચ્છતા અને સુખનો કેટલો નજીકનો સંબંધ હોય છે.

એટલા માટે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો અને પ્રગતિ માટે પર્યટનની સંભાવનાઓનો સુધારવાનું શરૂ કર્યું તો સૌથી મોટું ધ્યાન સ્વચ્છતા અને આ પ્રયાસમાં પણ સૌને જોડવા ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યું. નિર્મળ ગુજરાત અભિયાન, જન જન આંદોલન બન્યું, તો તેના ઘણા સારા પરિણામો પણ મળ્યા. તેનાથી ગુજરાતને નવી ઓળખ તો મળી જ પરંતુ રાજ્યમાં પ્રવાસન પણ વધ્યું.

ભાઈઓ બહેનો,

જન આંદોલનની આ ભાવના સ્વચ્છ ભારત મિશનની સફળતાનો આધાર છે. પહેલા શહેરોમાં કચરો રસ્તા ઉપર થતો હતો, ગલીઓમાં જોવા મળતો હતો, પરંતુ હવે ઘરોથી માત્ર કચરો એકત્રિત કરવા ઉપર જ ભાર નથી મૂકવામાં આવતો પરંતુ સાથે જ કચરાને છૂટો પાડવા ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. ઘણા બધા ઘરોમાં હવે આપણે જોઈએ છીએ કે લોકો સૂકો અને ભીનો કચરો બંને માટે જુદી જુદી કચરાપેટી મૂકવામાં આવે છે. ઘરમાં જ નહિ પરંતુ ઘરની બહાર પણ જો ક્યાંય ગંદકી જોવા મળે છે તો લોકો સ્વચ્છતા એપ ઉપર તેને રિપોર્ટ કરે છે, બીજા લોકોને જાગૃત પણ કરે છે. હું એ વાતથી ખૂબ ખુશ થાઉં છું કે સ્વચ્છતા અભિયાનને મજબૂતી આપવાનું બીડું આપણી આજની પેઢીએ ઉપાડ્યું છે. ચોકલેટના કાગળિયા હવે જમીન પર નાંખવામાં નથી આવતા પરંતુ ખિસ્સામાં નાખવામાં આવે છે. નાના નાના બાળકો હવે મોટાઓને ટોકે છે કે ગંદકી ના કરશો. દાદાજી, નાનાજી, દાદીજીને કહે છે કે ના કરશો. શહેરોમાં નવયુવાન, જુદી જુદી રીતે સ્વચ્છતા અભિયાનમાં મદદ કરી રહ્યા છે. કોઈ કચરામાંથી કંચન બનાવી રહ્યું છે તો કોઈ જાગૃતિ વધારવામાં લાગેલું છે.

લોકોમાં પણ હવે એક સ્પર્ધા છે કે સ્વચ્છ ભારત રેન્કિંગમાં તેમનું શહેર આગળ આવવું જોઈએ અને જો પાછળ રહી જાય છે તો ગામડા ઉપર દબાણ ઊભું થાય છે કે ભાઈ શું થયું, તે શહેર આગળ નીકળી ગયું આપણે શું કામ પાછળ રહી ગયા? આપણામાં શું ખામી છે? મીડિયાના લોકો પણ તે શહેરની ચર્ચા કરે છે, જુઓ પેલા તો આગળ નીકળી ગયા અને તમે રહી ગયા. એક દબાણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હવે એવું વાતાવરણ બની રહ્યું છે કે તેમનું શહેર સ્વચ્છતા રેન્કિંગમાં આગળ રહે, તેમના શહેરની ઓળખ ગંદકીથી ભરેલા શહેરની ના હોય! જે સાથી ઈન્દોર સાથે જોડાયેલ છે અથવા ટીવી પર જોઈ રહ્યા હશે તેઓ મારી વાતથી હજી વધારે સહમત થશે. આજે દરેક વ્યક્તિ જાણે છે કે ઈન્દોર એટલે સ્વચ્છતામાં ટોચનું શહેર! આ ઈન્દોરના લોકોનો સહભાગી સિદ્ધિ છે. હવે આવી જ સિદ્ધિ વડે આપણે દેશના દરેક શહેરને જોડવાનું છે.

હું દેશની દરેક રાજ્ય સરકારને, સ્થાનિક વહીવટને, શહેરોના મેયર્સને એ આગ્રહ કરું છું કે સ્વચ્છતાના આ મહાઅભિયાનમાં એક વાર ફરીથી લાગી જાવ. કોરોનાના સમયમાં થોડી સુસ્તી ભલે આવી છે પરંતુ હવે નવી ઉર્જા સાથે આપણે આગળ વધવાનું છે. આપણે એ યાદ રાખવાનું છે કે સ્વચ્છતા, એક દિવસનું, એક અઠવાડિયાનું, એક વર્ષનું અથવા કેટલાક જ લોકોનું કામ છે એવું નથી. સ્વચ્છતા, દરેક વ્યક્તિનું, દરરોજ કરવાનું, દર અઠવાડિયે, દર વર્ષે, પેઢી દર પેઢી ચાલનારું મહાઅભિયાન છે. સ્વચ્છતા એ જીવનશૈલી છે, સ્વચ્છતા એ જીવન મંત્ર છે.

જે રીતે સવારે ઊઠતાની સાથે જ દાંતોને સાફ કરવાની આદત હોય છે ને તે જ રીતે સાફ સફાઇને આપણે આપણાં જીવનનો હિસ્સો બનાવવો જ પડશે. અને હું આ માત્ર વ્યક્તિગત સ્વચ્છતાની વાત નથી કરી રહ્યો. હું સામાજિક સ્વચ્છતાની વાત કરી રહ્યો છું. તમે જરા વિચાર કરો, રેલવેના ડબ્બામાં સફાઇ, રેલવે પ્લેટફોર્મ પર સફાઇ એ કઈં અઘરું નહોતું. થોડો પ્રયાસ સરકારે કર્યો, થોડો સહયોગ લોકોએ આપ્યો અને હવે રેલવેનું ચિત્ર જ બદલાઈ ગયું છે.

સાથીઓ,

શહેરમાં રહેનારા મધ્યમ વર્ગના, શહેરી ગરીબોના જીવનમાં જીવન જીવવાની સરળતા વધારવા માટે અમારી સરકાર રેકોર્ડ રોકાણ કરી રહી છે. જો 2014ની પહેલાના 7 વર્ષોની વાત કરીએ તો શહેરી વિકાસ મંત્રાલય માટે સવા લાખ કરોડની આસપાસનું બજેટ જ ફાળવવામાં આવતું હતું. જ્યારે અમારી સરકારના 7 વર્ષોમાં શહેરી વિકાસ મંત્રાલય માટે લગભગ લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ રોકાણ, શહેરોની સફાઇ, કચરા વ્યાવસ્થાપન, નવા ગટર વ્યાવસ્થાપન પ્લાન્ટ બનાવવા ઉપર કરવામાં આવ્યું છે. આ રોકાણ વડે શહેરી ગરીબો માટે ઘર, નવા મેટ્રો રુટ અને સ્માર્ટ સિટી સાથે જોડાયેલ પ્રોજેક્ટ્સ પૂરા થઈ રહ્યા છે. આપણે ભારતવાસી આપણાં લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ, તેનો મને પૂરો ભરોસો છે. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતની ગતિ અને સ્કેલ બંને આ ભરોસામાં હજી વધુ વૃદ્ધિ કરે છે.

આજે ભારત દરરોજ આશરે એક લાખ ટન કચરા ઉપર પ્રક્રિયા કરી રહ્યું છે. 2014મા જ્યારે દેશે અભિયાન શરૂ કર્યું હતું તો દેશમાં દરરોજ ઉત્પન્ન થનાર કચરાના 20 ટકા કરતાં પણ ઓછા ઉપર પ્રક્રિયા કરવામાં આવતી હતી. આજે આપણે લગભગ લગભગ 70 ટકા પ્રતિદિન કચરા ઉપર પ્રક્રિયા કરી રહ્યા છીએ. 20 થી 70 સુધી પહોંચ્યા છીએ. પરંતુ હવે આપણે આને 100 ટકા સુધી લઈને જવાનું જ જવાનું છે. અને આ કામ માત્ર કચરાના નિકાલના માધ્યમથી જ નહિ થાય પરંતુ કચરામાંથી કંચન બનાવવાના માધ્યમથી પણ થશે. તેની માટે દેશે દરેક શહેરમાં 100 ટકા કચરાનું વિભાગીકરણ કરવાની સાથે સાથે તેની સાથે જોડાયેલ આધુનિક મટિરિયલ રિકવરી સુવિધા બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આ આધુનિક સુવિધાઓમાં કચરાને છૂટો પાડવામાં આવશે, રી-સાયકલ થઈ શકે તેવી વસ્તુઓ ઉપર પ્રક્રિયા કરવામાં આવશે, જુદી પાડવામાં આવશે. તેની સાથે જ શહેરોમાં બનેલા કચરાના પહાડોને, પ્રોસેસ કરીને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવશે. હરદીપજી, જ્યારે હું આ મોટા મોટા કચરાના ઢગલાને સાફ કરવાની વાત કરી રહ્યો છું તો અહિયાં દિલ્હીમાં પણ આવો જ એક પહાડ વર્ષોથી અડ્ડો જમાવીને પડેલો છે. આ પહાડ પણ દૂર થવાની રાહ જોઈને બેઠો છે.

સાથીઓ,

આજકાલ જે દુનિયામાં ગ્રીન જોબ્સની સંભાવનાની ચર્ચા ચાલી રહી છે, ભારતમાં શરૂ થઈ રહેલું આ અભિયાન અનેક ગ્રીન જોબ્સનું પણ નિર્માણ કરશે. દેશમાં શહેરોના વિકાસ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. હમણાં ઓગસ્ટના મહિનામાં જ દેશે રાષ્ટ્રીય ઑટોમોબાઇલ સ્ક્રેપેજ નીતિ જાહેર કરી છે. આ નવી સ્ક્રેપેજ નીતિ કચરામાંથી કંચન બનાવવાના અભિયાનને વર્તુળાકાર અર્થતંત્રને વધારે મજબૂતી આપે છે. આ નીતિ, દેશના શહેરોનું પ્રદૂષણ ઓછું કરવામાં પણ મોટી ભૂમિકા નિભાવશે. તેનો સિદ્ધાંત છે – રીયુઝ, રીસાયકલ અને રિકવરી. સરકારે રસ્તાઓના નિર્માણમાં પણ કચરાના ઉપયોગ પર ખૂબ ભાર મૂક્યો છે. જે સરકારી ઇમારતો બની રહી છે, સરકારી આવાસ યોજનાઓ અંતર્ગત જે ઘરો બનાવવામાં આવી રહ્યા તેમાં પણ રિસાયકલિંગને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

સ્વચ્છ ભારત અને સંતુલિત શહેરીકરણને એક નવી દિશા આપવામાં રાજ્યોની બહુ મોટી ભાગીદારી રહી છે. હમણાં આપણે કેટલાય સાથી મુખ્યમંત્રીઓનો સંદેશ પણ સાંભળ્યો છે. હું દેશની પ્રત્યેક રાજ્ય સરકારનો આજે વિશેષ આભાર પ્રગટ કરું છું. તમામ રાજ્યોએ પોતાના શહેરોની પાયાની જરૂરિયાતોને સંબોધિત કરી, જળ પુરવઠાથી લઈને સ્વચ્છતા સુદ્ધાં માટે આયોજન કર્યું. અમૃત મિશન અંતર્ગત 80 હજાર કરોડ કરતાં વધુના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. તેનાથી શહેરોને વધુ સારા ભવિષ્યની સાથે યુવાનોને નવા અવસર પણ મળી રહ્યા છે. પાણીના જોડાણો હોય, ગટર લાઇનની સુવિધા હોય, હવે આપણે આ સુવિધાઓનો લાભ પણ સોએ સો ટકા શહેરી પરિવારો સુધી પહોંચાડવાનો છે. આપણાં શહેરોમાં ગટરના પાણીનું વ્યાવસ્થાપન વધશે તો શહેરોના જળ સંસાધનો સ્વચ્છ થશે, આપણી નદીઓ સાફ થશે. આપણે એ સંકલ્પ સાથે આગળ વધવું પડશે કે દેશની કોઈપણ નદીમાં થોડું પણ પાણી સ્વચ્છ કર્યા વિના ના પડે, કોઈ ગંદી નહેર નદીમાં ના પડવી જોઈએ.

સાથીઓ,

આજે શહેરી વિકાસ સાથે જોડાયેલ આ કાર્યક્રમમાં, હું કોઈપણ શહેરના સૌથી મહત્વપૂર્ણ સાથીઓમાંથી એકની ચર્ચા જરૂરથી કરવા માંગુ છું. આ સાથી છે આપણાં લારી ગલ્લા, ફૂટપાથ પર બેસનારા શેરીના ફેરિયાઓ. આ લોકો માટે પીએમ સ્વનિધિ યોજના, એક આશાની નવી કિરણ બનીને આવી છે. આઝાદીના દાયકાઓ વીતી ગયા છતાં પણ આપણાં આ સાથીઓની કોઈ ખબર લેવામાં નહોતી આવી. થોડા ક પૈસા માટે તેમને કોઈ પાસેથી ઘણા બધા વ્યાજ પર ધિરાણ લેવું પડતું હતું. તે દેવાના બોજમાં ડૂબેલા રહેતા હતા. આખો દિવસ મહેનત કરીને કમાતા હતા, પરિવાર માટે જેટલું આપતા હતા તેના કરતાં વધારે વ્યાજવાળાને આપવું પડતું હતું. જ્યારે લેવડદેવડનો કોઈ ઇતિહાસ ના હોય, કોઈ દસ્તાવેજ ના હોય તો તેમને બેંકો પાસેથી કોઈ મદદ મળવી પણ શક્ય નહોતી.

આ અશક્યને શક્ય કર્યું છે – પીએમ સ્વનિધિ યોજનાએ. આજે દેશના 46 લાખ કરતાં વધુ લારી ગલ્લાવાળા ભાઈઓ બહેનો, શેરીના ફેરિયાઓ આ યોજનાનો લાભ ઉઠાવવા માટે આગળ આવ્યા છે. તેમાંથી 25 લાખ લોકોને લગભગ લગભગ અઢી હજાર કરોડ રૂપિયા આપી પણ દેવામાં આવ્યા છે. શેરીના ફેરિયાઓના ખિસ્સામાં અઢી હજાર કરોડ રૂપિયા પહોંચ્યા એ નાની વાત નથી જી. તેઓ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને બેંકો પાસેથી જે ધિરાણ લીધું છે તે પણ ચૂકવી રહ્યા છે. જે શેરીના ફેરિયાઓ સમય પર લોન ચૂકવી દે છે તેમને વ્યાજમાં પણ છૂટ આપવામાં આવે છે. બહુ ઓછા સમયમાં આ લોકોએ 7 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા છે. ક્યારેક ક્યારેક આપણા દેશમાં બુદ્ધિમાન લોકો કહી નાખે છે કે આ ગરીબ માણસને આ બધુ ક્યાંથી આવડશે, આ એ જ લોકો છે જેમણે કરીને બતાવ્યું છે એટલે કે પૈસા આપવા અથવા લેવા માટે 7 કરોડ વખત કોઈ ને કોઈ ડિજિટલ રીત અપનાવી છે.

આ લોકો શું કરે છે કે જથ્થાબંધ વેપારીઓ પાસેથી જે સામાન ખરીદી રહ્યા છે, તેની ચુકવણી પણ પોતાના મોબાઈલ ફોન વડે ડિજિટલ રીતે કરવા લાગ્યા છે અને જે છૂટક સામાન વેચી રહ્યા છે, તેના પૈસા પણ નાગરિકો પાસેથી તેઓ ડિજિટલ રીતે લેવાની શરૂઆત કરી ચૂક્યા છે. તેનો એક બહુ મોટો લાભ એ પણ થયો છે કે તેમની લેવડદેવડની ડિજિટલ હિસ્ટ્રી પણ બની ગઈ. અને આ ડિજિટલ હિસ્ટ્રીના કારણે બેન્કોને ખબર પડે છે કે આ આમનો કારોબાર આવો છે, અને આટલું ચાલી રહ્યું છે તો બેંક દ્વારા તેમને બીજી લોન આપવામાં સરળતા થઈ રહી છે.

સાથીઓ,

પીએમ સ્વનિધિ યોજનામાં 10 હજાર રૂપિયાની પહેલી લોન ચૂકવવા ઉપર 20 હજારની બીજી લોન અને બીજી લોન ચૂકવવા ઉપર 50 હજારની ત્રીજી લોન શેરીના ફેરિયાને આપવામાં આવે છે. આજે સેંકડો શેરીના ફેરિયાઓ, બેંકો પાસેથી ત્રીજી લોન લેવાની તૈયારી કરી રહ્યા છે. હું આવા દરેક સાથીને, બેંકોની બહાર જઈને વધુ વ્યાજ પર ધિરાણ ઉપાડવાના દૂષ્ચક્રમાંથી મુક્તિ અપાવવા માંગુ છું. અને આજે દેશભરના મેયર મારી સાથે જોડાયેલ છે, નગરોના અધ્યક્ષ જોડાયેલ છે. તે સાચા અર્થમાં ગરીબોની સેવાનું કામ છે, સાચા અર્થમાં ગરીબમાં ગરીબને સશક્ત કરવાનું કામ છે. તે સાચા અર્થમાં ગરીબને વ્યાજના દુષ્ચક્રથી મુક્તિ અપાવવાનું કામ છે. મારા દેશના કોઈપણ મેયર એવા ના હોવા જોઈએ, કોઈપણ જોડાયેલ કોર્પોરેટર, કાઉન્સેલર એવા ના હોવા જોઈએ કે જેના દિલમાં આ સંવેદના ના હોય અને તેઓ આ પીએમ સ્વનિધિને સફળ કરવા માટે કઇંક ને કઇંક પ્રયાસ ના કરતાં હોય.

જો તમે બધા સાથીઓ જોડાઈ જશો તો આ દેશનો આપણો આ ગરીબ વ્યક્તિ.. અને આપણે કોરોનામાં જોયું છે, આપણી સોસાયટી, ચાલીમાં, મહોલ્લામાં શાકભાજી આપનાર જો નથી પહોંચતો તો આપણે કેટલી તકલીફમાંથી પસાર થઈએ છીએ. દૂધ આપવાવાળો નથી આવતો તો આપણને કેટલી તકલીફ પડે છે. કોરોના કાળમાં આપણે જોયું છે કે સમાજના એક એક વ્યક્તિનું આપણાં જીવનમાં કેટલું મૂલ્ય હતું. જ્યારે આપણે એ અનુભવ કર્યો તો શું એ આપણી ફરજ નથી કે આટલી સારી યોજના તમારી પાસે ઉપસ્થિત છે. તેને વ્યાજમાં મદદ મળી રહી છે, તેને પોતાનો કારોબાર વધારવા માટે પૈસા સતત મળી રહ્યા છે. શું તમે તેને ડિજિટલ લેવડદેવડની તાલીમ ના આપી શકીએ? શું તમે તમારા પોતાના શહેરમાં હજાર, બે હજાર, 20 હજાર, 25 હજાર, એવા આપણાં સાથી હશે, શું તેમના જીવનને બદલવા માટે પગલાં ના ભરી શકીએ?

હું ખાતરી પૂર્વક કહું છું મિત્રો, ભલે આ પ્રોજેક્ટ ભારત સરકારનો હોય, ભલે આ પીએમ સ્વનિધિ હોય, પરંતુ જો તમે આને કરશો તો તે ગરીબના દિલમાં જગ્યા તમારી માટે બનશે. તે જય જયકાર તે શહેરના મેયરનો કરશે, તે જયજયકાર તે શહેરના કોર્પોરેટનો કરશે. તે જેણે તેની મદદ માટે હાથ ફેલાવ્યો છે તેની જયજયકાર કરશે. હું ઈચ્છું છું કે જયજયકાર તમારો થાય. મારા દેશના દરેક શહેરના મેયરનો થાય, મારા દેશના દરેક કોર્પોરેટનો થાય, મારા દેશના દરેક કાઉન્સલેરનો થાય. આ જયજયકાર તમારો થાય કે જેથી જે ગરીબ લારી અને ફૂટપાથ પર બેઠેલો છે તે પણ આપણી જેમ શાનથી જીવે. તે પણ પોતાના બાળકોના સારા શિક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે.

ખૂબ સરળતાથી કરી શકાય તેમ છે સાથીઓ, પરંતુ આ કામમાં આપણાં સૌનું યોગદાન.. હું બધા જ કમિશનર્સને કહેવા માંગુ છું કે આ માનવતાનું કામ છે, તે જમીનના સ્તર પર આર્થિક સફાઇનું પણ કામ છે. એક સ્વાભિમાન જગાડવાનું કામ છે. દેશે તમને આટલા પ્રતિષ્ઠિત પદ પર બેસાડ્યા છે. તમે દિલથી આ પીએમ સ્વનિધિ કાર્યક્રમને પોતાનો બનાવી લો. તન મન ધનથી તેમાં લાગી જાવ. જોત જોતામાં જોજો તમારા ગામના દરેક પરિવાર શાકભાજી પણ ખરીદે છે ડિજિટલ પેમેન્ટ સાથે, દૂધ ખરીદે છે ડિજિટલ પેમેન્ટ સાથે, જ્યારે તે જથ્થાબંધમાં લેવા જાય છે તો ડિજિટલ પેમેન્ટ કરે છે. એક મોટી ક્રાંતિ આવવાની છે. આટલી નાનકડી સંખ્યાના લોકોએ 7 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યા. જો તમે બધા લોકો તેમની મદદમાં પહોંચી જશો તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી શકીએ છીએ.

મારો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરી વિકાસની સાથે જોડાયેલ તમામ એકમોને વ્યક્તિગત રૂપે આગ્રહ છે કે તમે આ કામમાં પાછળ ના રહેશો. અને બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલ ભવનમાંથી જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે તો ગરીબ માટે કઇંક કરવું એ આપણી ફરજ બની જાય છે.

સાથીઓ,

મને ખુશી છે કે દેશના બે મોટા રાજ્ય, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ આ બંને રાજ્યોમાં સૌથી વધુ શેરીના ફેરિયાઓને બેંકોમાંથી લોન આપવામાં આવી છે. પરંતુ હું તમામ રાજ્યોને આગ્રહ કરીશ કે તેમાં પણ સ્પર્ધા કરવામાં આવે, કયું રાજ્ય આગળ નીકળી જાય છે, કયું રાજ્ય સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે, કયું રાજ્ય સૌથી વધુ ત્રીજી લોન શેરીના ફેરિયાઓને ત્રીજી લોન સુધી લઈ ગયું છે. 50 હજાર રૂપિયા તેના હાથમાં આવ્યા છે, એવું કયું રાજ્ય કરી રહ્યું છે, કયું રાજ્ય સૌથી વધુ કરી રહ્યું છે. હું ઇચ્છીશ કે તેની પણ એક સ્પર્ધા કરી લેવામાં આવે અને દર છ મહિને, ત્રણ મહિને તેની માટે પણ તે રાજ્યોને પુરસ્કૃત કરવામાં આવે, તે શહેરોને પુરસ્કાર આપવામાં આવે. એક તંદુરસ્ત સ્પર્ધા ગરીબોનું કલ્યાણ કરવાની, એક તંદુરસ્ત સ્પર્ધા ગરીબોનું કલ્યાણ કરવાની, એક તંદુરસ્ત સ્પર્ધા ગરીબોનું ભલું કરવા માટેની, એક તંદુરસ્ત સ્પર્ધા ગરીબોને સશક્ત કરવા માટેની. આવો, તે સ્પર્ધામાં આપણે સૌ જોડાઈએ. તમામ મેયર જોડાય, તમામ નગર અધ્યક્ષ જોડાય, તમામ કોર્પોરેટર જોડાય, તમામ કાઉન્સેલર જોડાય.

સાથીઓ,

આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે,

આસ્તે ભગ આસીન: યઃ ઊર્ધ્વ: તિષ્ઠતિ તિષ્ઠત: |

શેતે નીપધ્ય માનસ્ય ચરાતિ ચરતો ભગ: ચરવૈતિ ||

એટલે કે કર્મ પથ પર ચાલતા જો તમે બેસી જશો તો તમારી સફળતા પણ રોકાઈ જશે. જો તમે સૂઈ જશો તો સફળતા પણ સૂઈ જશે. જો તમે ઊભા થઈ જશો તો સફળતા પણ ઊઠીને ઊભી થઈ જશે. જો તમે આગળ વધશો તો સફળતા પણ તે જ રીતે આગળ વધશે. અને એટલા માટે આપણે સતત આગળ વધતાં જ રહેવાનું છે. ચરવૈતિ ચરવૈતિ. ચરવૈતિ ચરવૈતિ. આ ચરવૈતિ ચરવૈતિના મંત્રોને લઈને તમે ચાલી નીકળો અને તમારા શહેરને આ બધી જ મુસીબતોમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લો. આપણે એક એવું ભારત બનાવવાનું છે કે જે સ્વચ્છ હોય, સમૃદ્ધ હોય, અને દુનિયાને સંતુલિત જીવન જીવવા માટે દિશા પ્રદર્શિત કરે.

મને પૂરો વિશ્વાસ છે કે આપણાં સૌ દેશવાસીઓના પ્રયાસો વડે દેશ પોતાનો આ સંકલ્પ જરૂરથી સિદ્ધ કરશે. આ જ શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! ખૂબ ખૂબ શુભકામનાઓ!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails ‘important step towards a vibrant democracy’ after Cabinet nod for ‘One Nation One Election’

Media Coverage

PM Modi hails ‘important step towards a vibrant democracy’ after Cabinet nod for ‘One Nation One Election’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 સપ્ટેમ્બર 2024
September 19, 2024

India Appreciates the Many Transformative Milestones Under PM Modi’s Visionary Leadership