ભારત માતાની જય. ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશ લાલજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રીમાન જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, ઓડિશા સરકારમાં મંત્રી, સ્નેહાગિની છુરિયાજી, સંસદમાં મારા સાથી શ્રી કિલીકેશ નારાયણ સિંહદેવજી અને અહિં પધારેલા મારા વ્હાલા બહેનો અને ભાઈઓ! નવા વર્ષમાં ફરી એક વાર ઓડિશા આવવાનું સૌભાગ્ય મળ્યું છે. મકર સક્રાંતિના અવસર પર અહિં આવવું અને વિકાસના નવા પ્રકાશ સાથે જોડાવું એ પોતાનામાં જ ઘણું મહત્વનું છે. તહેવારોના આ પાવન અવસર પર આપ સૌ ઓડિશાવાસીઓને, દેશના તમામ નાગરિકોને અનેક અનેક શુભકામનાઓ.

સાથીઓ પૂર્વીય ભારતના વિકાસ માટે, ઓડિશાના વિકાસ માટે કેન્દ્ર સરકારનું અભિયાન સતત ચાલુ છે. વીતેલા એક મહિનામાં ત્રીજી વાર હું તમારી વચ્ચે આવ્યો છું. થોડા સમય પહેલા અહિં સાડા 15 કરોડથી વધુની પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અથવા શિલાન્યાસ કરવામાં આવ્યો. આ પરિયોજનાઓ શિક્ષણ સાથે જોડાયેલી છે, સંપર્ક સાથે જોડાયેલી છે, સંસ્કૃતિ અને પર્યટન સાથે જોડાયેલી છે અને મને ખુશી છે કે આજે કેન્દ્રીય વિદ્યાલય સોનેપુરના કાયમી ભવનનો શિલાન્યાસ થયો છે. જ્યારે આ કામ પૂર્ણ થઇ જશે તો સોનેપુરની સાથે-સાથે આ સમગ્ર ક્ષેત્રના હજારો વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને લાભ મળશે. ઓડિશાનાં કેન્દ્રીય વિદ્યાલયોમાં હજારો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહિં કેન્દ્રીય વિદ્યાલયની માંગણીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે અનેક પગલાઓ લીધા છે. 2014 પછી અનેક નવા કેન્દ્રીય વિદ્યાલયોનું ઉદઘાટન અહિં થઇ ચૂક્યું છે અને કેટલાક પર કામ અંતિમ તબક્કામાં છે.

સાથીઓ શિક્ષણ, માનવ સંસાધનનો વિકાસ કરે છે. આ સંસાધન ત્યારે અવસરોમાં બદલાય છે જ્યારે જોડાણનો પણ સહારો હોય. એ જ ભાવના અંતર્ગત ઓડિશામાં સંપર્કનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આજે રેલવે સાથે જોડાયેલા છ પ્રોજેક્ટનું લોકાર્પણ અથવા ઉદઘાટન કરવામાં આવ્યું છે. તેનાથી ઓડિશાની અંદર જ કનેક્ટિવિટી તો સુધરશે જ, દેશના બીજા રાજ્યો સુધી આવાગમન પણ સરળ બનશે. તેનાથી તમને લોકોને આવવા-જવાની સુવિધા તો થશે જ, ખેડૂત ભાઈઓને પોતાના ઉત્પાદનને મોટી બજારો સુધી અથવા મોટા શહેરો સુધી પહોંચાડવામાં વધુ સરળતા થશે. આવાગમન અને માલવહન માટેની સુવિધા તૈયાર થવાથી અહિં ઉદ્યોગો માટે પણ એક વધુ સારો માહોલ તૈયાર થશે. જ્યારે ઉદ્યોગો અહિયાં આવવા લાગશે તો યુવાનો માટે રોજગારના અનેક સાધનો પણ વિકસિત થશે.

સાથીઓ, થોડા સમય પહેલા બલાંગીરથી બિચ્છુપલ્લીની વચ્ચે જે નવી રેલવે લાઈન બની છે તેનું ઉદઘાટન થયું છે. તેની સાથે-સાથે તેના પર નવી ટ્રેનને પણ લીલી ઝંડી બતાવવામાં આવી છે. તેના માટે હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપુ છું. તે સિવાય ઝારસુગુડાના મલ્ટી મોડલ પરિવહન પોર્ટ ઝારસુગુડા, વીજીનગરામ અને સંભલપુર અંગુલ લાઈનના વિદ્યુતીકરણ બારપલી, ડુગરીપલ્લી અને બલાંગીર દેવગાંવના વિસ્તૃતિકરણ અને નાગાવલી નદી પર બનેલા પુલ માટે પણ આપ સૌ ખૂબ-ખૂબ અભિનંદનને પાત્ર છો. તમને શુભકામનાઓ પાઠવુ છું.
સાથીઓ, જ્યારે કનેક્ટિવિટી સારી હોય છે તો લગભગ દરેક ક્ષેત્ર પર તેની સકારાત્મક અસર થાય છે. ખાસ કરીને પ્રવાસન માટે તો સૌથી વધુ સંભાવનાઓ વધે છે. ઓડિશા તો આમ જ દરેક પ્રકારના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહિં જંગલ પણ છે અને દરિયાકિનારો પણ છે. પ્રકૃતિએ અહિં કોઈ કમી નથી રાખી. એ જ પ્રકારે આ ઈતિહાસ અને આસ્થાનું એક કેન્દ્રબિંદુ બનીને રહ્યું છે.
સાથીઓ એ જ ભાવના અંતર્ગત વીતેલા ચાર વર્ષોથી કેન્દ્ર સરકાર ધરોહરો અને આસ્થાના કેન્દ્રોને વિકસિત કરવામાં લાગેલી છે. ઓડિશાના અનેક મંદિરો, જૂના કિલ્લાઓ અને બીજા સ્થાનોનું સૌન્દર્યીકરણ અને તેમને શણગારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં નીલમાધવ અને સિદ્ધદેવેશ્વર મંદિરોના નવીનીકરણ અને સૌન્દર્યીકરણના કામનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. એ જ રીતે પશ્ચિમ સોમનાથ મંદિર, ભુવનેશ્વર મંદિર અને કપિલેશ્વર મંદિરનો પણ જીર્ણોદ્ધાર અને સૌન્દર્યીકરણનું કામ પૂર્ણ થયું છે અને આજે તેનું પણ લોકાર્પણ થઇ ગયું છે. તે સિવાય અહિંનો જે એક પારંપરિક વેપારી માર્ગ છે તે ઓડિશાને મધ્ય ભારત સાથે જોડે છે. તે માર્ગમાં અનેક ઐતિહાસિક સ્મારકો છે. અહિયાં બલાંગીરમાં જ રાનીપુર, ઝરયાલ જે સ્મારકોનો સમૂહ છે તેમને પણ શણગારવામાં આવી રહ્યો છે. ત્યાં 64 યોગીની મંદિર હોય, કે પછી લહરાગુણી સોમેશ્વર, રાનીગુણી અથવા પછી ઇન્દ્રાલી મંદિર આસ્થા અને આપણા ઐતિહાસિક સ્થળનું દર્શન કરાવનારા આ તમામ ધરોહરો પોતાની દિવ્યતા અને ભવ્યતાને વધારનારી છે.
સાથીઓ એક વધુ સ્મારકના નવીનીકરણની આજે શરૂઆત થઇ છે. કાલાહાંડીનો અસુરાગઢ કિલ્લો આ આપણા શૌર્યનું પ્રતિક તો રહ્યો જ છે સાથે-સાથે એક મહત્વનું રાજનૈતિક અને વેપારી કેન્દ્ર પણ હતું. તે મહાકંતારાને કલિંગ સાથે જોડતું હતું. પોતાના ઈતિહાસના આ સુવર્ણમયી અધ્યાયોની સાથે ફરી જોડતા મને ખૂબ જ પ્રસન્નતા થઇ રહી છે. મને વિશ્વાસ છે કે અહિં જે મૂળભૂત સુવિધાઓનો વિકાસ થયો છે. શ્રદ્ધાળુઓ અને પર્યટકોની માટે જે કામ કરવામાં આવ્યું છે, તેનાથી અહિંના પ્રવાસનને ગતિ મળશે અને રોજગારના અવસરોમાં અનેકગણો વધારો થશે.

સાથીઓ, આજે અહિયાં છ નવા પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની શરૂઆત પણ થઈ છે. બલાંગીર સિવાય જગતસિંહ પુર, કેન્દ્રપાડા, પૂરી, ફૂલબાની, બારગઢમાં આ નવા કેન્દ્રો ખૂલવાથી હવે અહિંના લોકોને પાસપોર્ટ માટે વધુ દૂર જવાની જરૂર નહીં પડે.
સાથીઓ, આજે આપ સૌના, ઓડિશાવાસીઓના જીવનને સરળ બનાવનારા આ તમામ પ્રોજેક્ટને માટે એક વાર ફરી હું ઓડિશાવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છુ. તમને નવા વર્ષની ફરીથી ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
ખૂબ-ખૂબ આભાર!


