“7 નવી કંપનીઓના સર્જનથી ભારતને મજબૂત બનાવવાના ડૉ. કલામના સપનાંને વધુ શક્તિ મળશે”
“આ 7 નવી કંપનીઓ આવનારા સમયમાં દેશમાં સૈન્યની તાકાતનો વધુ મજબૂત પાયો બનાવશે”
“રૂપિયા 65,000 કરોડ કરતાં વધુની ઓર્ડર બુક આ કંપનીઓમાં દેશનો વધી રહેલો વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે”
“આજે, સંરક્ષણ ક્ષેત્ર અભૂતપૂર્વ પારદર્શિતા, વિશ્વાસ અને ટેકનોલોજી દ્વારા ચલિત અભિગમનું સાક્ષી બની રહ્યું છે”
“છેલ્લા પાંચ વર્ષમાં આપણી સંરક્ષણ નિકાસમાં 325 ટકાનો વધારો થયો છે”
“સ્પર્ધાત્મક કિંમતો આપણી શક્તિ છે તો સાથે સાથે ગુણવત્તા અને વિશ્વસનીયતા આપણી ઓળખ હોવી જોઇએ”

નમસ્કાર!

રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલા એક મહત્વના કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, રાજયકક્ષાના સંરક્ષણ મંત્રી શ્રીમાન અજય ભટ્ટજી, રક્ષા મંત્રાલયના તમામ અધિકારીગણ અને સમગ્ર દેશમાંથી જોડાયલા સાથીઓ.

હમણાં બે દિવસ પહેલાં જ, નવરાત્રિના પવિત્ર પ્રસંગ દરમિયાન અષ્ટમીના દિવસે ખૂબ જ ઘનિષ્ઠ આયોજન ધરાવતા એક ગતિ શક્તિ કાર્યક્રમનો પ્રારંભ કરવાની મને તક મળી હતી અને આજે વિજયાદશમીના પવિત્ર પ્રસંગે રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે, રાષ્ટ્રને અજેય બનાવવા માટે જે લોકો દિવસ - રાત બલિદાન આપતા રહે છે તેનું સામર્થ્યમાં વધુ આધુનિકતા લાવવા માટે એક નવી દિશા તરફ આગળ ધપવાની તક અને તે પણ વિજયા દશમીના પવિત્ર તહેવારના દિવસે, તે સ્વયં એક શુભ સંકેત લઈને આવે છે. આ કાર્યક્રમની શરૂઆત ભારતની મહાન પરંપરાને અનુસરીને શસ્ત્ર પૂજન સાથે કરવામાં આવી છે. આપણે શક્તિને સર્જનનું માધ્યમ માનીએ છીએ અને તેવી જ ભાવના સાથે આજે દેશ તેનું સામર્થ્ય વધારી રહયો અને આપ સૌ દેશના એ સંકલ્પોના સારથી પણ છો. આ પ્રસંગે હું આપ સૌને તથા સમગ્ર દેશને ફરીથી વિજયા દશમીની શુભેચ્છાઓ પાઠવુ છું.

સાથીઓ,

આજના દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન, ડો. એ.પી. જે. અબ્દુલ કલામજીની જયંતિ પણ છે. કલામ સાહેબે જે રીતે પોતાનું જીવન શક્તિશાળી ભારતના નિર્માણ માટે સમર્પિત કરી દીધુ, તે આપણાં સૌ માટે પ્રેરણારૂપ છે. સંરક્ષણ ક્ષેત્રમાં આજે જે નવી કંપનીઓ પ્રવેશી કરી રહી છે તે સમર્થ રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

સાથીઓ,

આ વર્ષે ભારતે તેની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આઝાદીના આ અમૃત કાળમાં દેશ એક નવા ભવિષ્યના નિર્માણ માટે નવા સંકલ્પ લેવા તરફ આગળ વધી રહયો છે. અને જે કામ દાયકાઓથી અટકેલાં પડયાં હતાં તેને પૂરાં પણ કરી રહ્યો છે. 41 ઓર્ડિનન્સ ફેકટરીઓને નવા સ્વરૂપે પરિવર્તિત કરવાનો આ નિર્ણય 7 નવી કંપનીઓની શરૂઆત એ દેશની સંકલ્પ યાત્રાનો હિસ્સો છે. આ નિર્ણય છેલ્લા 15થી 20 વર્ષથી અટવાઈ પડયો હતો. મને સંપૂર્ણ ખાત્રી છે કે આ તમામ 7 કંપનીઓ આવનારા સમયમાં ભારતના સૈન્યની તાકાતનો ખૂબ મોટો આધાર બની રહેશે.

સાથીઓ,

આપણી ઓર્ડિનન્સ ફેકટરીઓનો કયારેક દુનિયાની શક્તિશાળી ફેકટરીઓમાં સમાવેશ થતો હતો. આ ફેકટરીઓ પાસે 100થી 150 વર્ષનો અનુભવ છે. વિશ્વયુધ્ધના સમયમાં ભારતની આ ફેકટરીઓનો પ્રભાવ દુનિયાએ જોયો છે. આપણી પાસે બહેતર સાધનો હતાં, વિશ્વસ્તરનું કૌશલ્ય હતું. આઝાદી પછી આપણે આ ફેકટરીઓને અપગ્રેડ કરવાની જરૂર હતી. નવા યુગની ટેકનોલોજીને અપનાવવા બાબતે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. સમયની સાથે સાથે ભારત પોતાની વ્યૂહાત્મક જરૂરિયાતો માટે વિદેશ ઉપર નિર્ભર બનતો ગયો. આ સ્થિતિમાં પરિવર્તન લાવવામાં નવી ફેકટરીઓએ મોટી ભૂમિકા બજાવશે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશનું લક્ષ્ય ભારતને પોતાના બળથી દુનિયાની મોટી સૈન્ય તાકાત બનાવવાનું છે. ભારતમાં આધુનિક સૈન્ય ઉદ્યોગ વિકસાવવાનું છે. વિતેલાં સાત વર્ષમાં દેશે 'મેક ઈન ઈન્ડીયા' ના મંત્ર સાથે પોતાનો આ સંકલ્પ આગળ ધપાવવાનું કામ કર્યુ છે. સંરક્ષણ ક્ષેત્રમાં આજે દેશમાં જેટલી પારદર્શકતા છે, વિશ્વાસ છે અને ટેકનોલોજી આધારિત અભિગમ છે તેટલો અગાઉ ક્યારેય પણ ન હતો. આઝાદી પછી પહેલીવાર આપણા સંરક્ષણ ક્ષેત્રમાં આટલા મોટા સુધારા થઈ રહયા છે તેટલા સુધારા અગાઉ ક્યારેય પણ થયા નથી. અટકાવવાવાળી અને લકટાવવાવાળી નીતિઓના બદલે સિંગલ વીન્ડો પધ્ધતિની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનાથી આપણા ઉદ્યોગોનો આત્મવિશ્વાસ વધ્યો છે. આપણી પોતાની ભારતની કંપનીઓએ પણ પોતાના માટે સંરક્ષણ ક્ષેત્રમાં પણ શકયતાઓ શોધવાનું શરૂ કરી દીધુ છે અને હવે ખાનગી ક્ષેત્ર અને સરકાર એક સાથે મળીને રાષ્ટ્રની સુરક્ષાના ધ્યેયને આગળ ધપાવી રહયાં છે.   

ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં સંરક્ષણ કોરિડોરનું ઉદાહરણ આપણી સામે છે. આટલા ઓછા સમયમાં મોટી મોટી કંપનીઓએ 'મેક ઈન ઈન્ડીયા' માં પોતાની રૂચિ દર્શાવી છે. તેનાથી દેશના યુવાનો માટે પણ નવી તકો ઉભી થઈ રહી છે અને સપ્લાય ચેઈન તરીકે અનેક એમએસએમઈ માટે નવી શકયતાઓ ઉભી થઈ રહી છે. દેશમાં જે નવુ નીતિલક્ષી પરિવર્તન કરવામાં આવ્યું છે તેનું પરિણામ એ આવ્યું છે કે વિતેલા 5 વર્ષમાં આપણા સંરક્ષણ ક્ષેત્રની નિકાસ પણ સવા ત્રણસો ટકા કરતાં વધુ વધી છે.

સાથીઓ,

હજુ થોડા સમય પહેલાં જ સંરક્ષણ મંત્રાલયે એવાં 100થી વધુ એવાં વ્યૂહાત્મક ઉપકરણોની યાદી તૈયાર કરી છે કે જેની હવે બહારથી આયાત નહીં કરવી પડે. આ નવી કંપનીઓ માટે પણ દેશે હમણાં રૂ. 65 હજાર કરોડના ઓર્ડર મૂકયા છે, તે આપણાં સંરક્ષણ ઉદ્યોગમાં દેશનો વિશ્વાસ બતાવે છે અને વધતો જતો વિશ્વાસ જોવા મળી રહ્યો છે. એક કંપની શસ્ત્રો અને વિસ્ફોટકોની જરૂરિયાત પૂરી કરશે. તો બીજી કંપની લશ્કર માટે વાહનોનું ઉત્પાદન કરશે. આ રીતે અતિ આધુનિક શસ્ત્રો અને ઉપકરણો હોય સંરક્ષણ દળોને સુગમતા થાય તેવી ચીજો હોય, ઓપ્ટિકલ ઈલેકટ્રોનિક્સ હોય કે પછી પેરાશૂટસ હોય, આપણું લક્ષ્ય એ છે કે ભારતની આ કંપનીઓ આ ક્ષેત્રોમા પોતાની નિપુણતા હાંસલ કરવાની સાથે સાથે એક વૈશ્વિક બ્રાન્ડ પણ બની રહે. સ્પર્ધાત્મક ખર્ચ આપણી તાકાત છે. ગુણવત્તા અને ભરોંસાપાત્રતા આપણી ઓળખ હોવી જોઈએ.

સાથીઓ,

મને વિશ્વાસ છે કે આ નવી વ્યવસ્થાથી, આપણે ત્યાં ઓર્ડિનન્સ ફેકટરીઓમાં જે પ્રતિભાઓ છે. જે કોઈ લોકો કશુંક નવુ કરવા માંગે છે તે લોકોને પોતાની પ્રતિભા દર્શાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળી રહેશે. જ્યારે આ પ્રકારની નિપુણતાને ઈનોવેશનની તક મળશે ત્યારે તે કમાલ કરી બતાવે છે. તમે તમારી નિપુણતા વડે જે પ્રોડકટસ બનાવીને દેખાડશો તે ભારતના સંરક્ષણ ક્ષેત્રની ક્ષમતામાં વધારો કરશે જ પણ સાથે સાથે આઝાદી પછી જે એક ખાલીપો આવી ગયો હતો તેને પણ દૂર કરશે.

સાથીઓ,

21મી સદીમાં કોઈ એક દેશ હોય કે કંપની તેની વૃધ્ધિ અને બ્રાન્ડ વેલ્યુ તેના સંશોધન અને ઈનોવેશનથી નક્કી થતી હોય છે. સોફટવેરથી માંડીને અંતરિક્ષ ક્ષેત્ર સુધી, ભારતની વૃધ્ધિ, ભારતની ઓળખનું એ સૌથી મોટુ ઉદાહરણ છે. એટલા માટે મારો આ તમામ 7 કંપનીઓને ખાસ આગ્રહ છે કે, સંશોધન અને ઈનોવેશન તમારી કાર્ય સંસ્કૃતિનો હિસ્સો બનવો જોઈએ. તેને અગ્રતા મળવી જોઈએ. તમારે દુનિયાની મોટી કંપનીઓની માત્ર બરાબરી જ કરવાની નથી પણ, ભવિષ્યની ટેકનોલોજીની પણ આગેવાની લેવાની છે. એટલા માટે એ જરૂરી છે કે તમે નવી વિચાર પધ્ધતિ, સંશોધનલક્ષી યુવાનોને વધુને વધુ તક પૂરી પાડો, તેમને વિચારવાનો પૂરતો અવકાશ આપો. હું દેશનાં સ્ટાર્ટ-અપ્સને પણ કહીશ કે આ 7 કંપનીઓના માધ્યમથી આજે દેશે જે નવી શરૂઆત કરી છે, તેનો તમે હિસ્સો બનો. તમારા સંશોધન, તમારી પ્રોડક્ટસ કેવી રીતે આ કંપનીઓ સાથે મળીને એકબીજાની ક્ષમતાઓને લાભ પૂરો પાડી શકે તે અંગે તમારે વિચારવું જોઈએ.

સાથીઓ,

સરકારે તમામ કંપનીઓને ઉત્પાદન માટે બહેતર વાતાવરણ પૂરૂ પાડવાની સાથે સાથે કામ કરવાની પણ સ્વાયત્તતા આપી છે. તેની સાથે સાથે એ બાબતની પણ ખાત્રી રાખવામાં આવી છે કે આ ફેક્ટરીઓના કર્મચારીઓના હિતની સંપૂર્ણ સુરક્ષા થાય. મને વિશ્વાસ છે કે દેશને તમારી નિપુણતાનો ખૂબ મોટો લાભ મળશે અને આપણે સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારતનો આપણો સંકલ્પ સાકાર કરીશું.

આવી ભાવના સાથે, ફરી એકવાર આપ સૌને વિજયા દશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security