તા. ૨૦/૧૧/૨૦૧૧

દભાવના મિશનની વાતને જે રીતે ઝીલી છે, હું આ ધરતીને નમન કરું છું, એની જનતા જનાર્દનને નમન કરું છું. મને એમ લાગે છે કે હું ખૂબ ભાગ્યશાળી માણસ છું. ભાગ્યશાળી એટલા માટે નહીં કે કોઇ ખુરશી પર મને તમે બેસાડ્યો છે. ભાગ્યશાળી એટલા માટે છું કે આપ અવિરતપણે પોતાના આશીર્વાદ મને આપ્યા જ કરો છો, આપ્યા જ કરો છો, આપ્યા જ કરો છો..! આ પ્રેમવર્ષા, આ સ્નેહવર્ષા, આજના યુગમાં રાજકારણમાં પડેલા માનવીને મળવી મુશ્કેલ છે, ભાઈઓ. એવો અપાર પ્રેમ આ રાજ્યના છ કરોડ નાગરિકો વરસાવી રહ્યા હોય ત્યારે આ જાત એમના માટે ઘસી નાખવા માટેની એક નવી તાકાત મળે છે. અહીં જ્યારે આટલા બધા નાગરિકોને હાથ મિલાવું છું ત્યારે મારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થાય છે, એક નવી શક્તિનો સંચાર થાય છે અને આ નવી ઊર્જા, નવી શક્તિ આ રાજ્યને માટે, ગરીબોના કલ્યાણને માટે વધુને વધુ કામ કરવા માટેના મારા સંકલ્પને વધારે દ્રઢ બનાવે છે, મજબૂત બનાવે છે. એક નાનકડો મુસ્લિમ બાળક જેને હાથ નથી એ આવીને પ્રેમથી પોતાના પગેથી સદભાવના લખે, આપ કલ્પના કરો મારા હૈયાને કેટલી અસર થતી હશે..! ત્યારે મેં સહજ એ બાળકને ભણવાનું પૂછ્યું, તો એણે કહ્યું સાહેબ તમારી સરકારે મને મહેનત કરીને દાખલ કર્યો નહીં તો પહેલાં અહીં લોકો દાખલ નહોતા કરતા કે હાથ નથી તો ભણાવાશે શું? મને નિશાળમાં ભણાવવા માટે તમારા કાર્યકર્તાઓએ મહેનત કરીને મને નિશાળમાં દાખલ કર્યો અને હવે હું પહેલો નંબર લાવું છું, પહેલો નંબર..!

મિત્રો, આ બધી શક્તિઓ છે. અને આ શક્તિઓ એ ગુજરાતનું ભાગ્ય છે, ગુજરાતનું ભવિષ્ય છે, ભાઈઓ. અને આજે જ્યારે સદભાવના મિશનમાં આપની વચ્ચે આવ્યો છું ત્યારે, સુદામાપુરીમાં આવ્યો છું ત્યારે, પૂજ્ય બાપુની આ પુણ્ય ભૂમિમાં આવ્યો છું ત્યારે ભાઈઓ-બહેનો, દેશ અને દુનિયાને ડંકાની ચોટ પર મારે કહેવું છે કે તમારાં જે ગણિત હોય, તમારી જે ગણતરીઓ હોય, તમારા જે હિડન એજન્ડા હોય, તમે દસ-દસ વર્ષથી તમારી બુદ્ધિ, શક્તિ, સામર્થ્ય બધું જ ખપાવી દીધું પણ તમે હવે સ્વીકાર કરી લો કે તમે ગુજરાતની વિકાસયાત્રાને રોકી નથી શકવાના. તમારા લાખ અવરોધો આ વિકાસની ચેતનાને ક્યારેય બુઝાવી નથી શકવાના. તમે માથાં પટકી પટકીને થાકી જશો, તો પણ આ છ કરોડ ગુજરાતીઓ એમણે જે ધાર્યું છે એ કરીને જ જંપવાના છે એ જરા લખી લેવાની જરૂર છે. ભાઈઓ-બહેનો, ગુજરાત... આજે જ્યારે પણ વિકાસની વાત થાયને, ક્યાંય પણ વિકાસની વાત થાય તો તરત જ યાદ ગુજરાત જ આવે છે, ઓળખ ગુજરાતની જ થાય છે. કોઇને ગુજરાત વહાલું લાગતું હોય તો એ પણ ગુજરાતની વાત કરે અને જેને ગુજરાત ન ગમતું હોય એને પણ વાત તો ગુજરાતની જ કરવી પડે છે. ભાઈઓ-બહેનો, તમે વિકાસ બોલો તો સામેવાળો ગુજરાત બોલે છે અને તમે ગુજરાત બોલો તો સામેવાળો વિકાસ બોલે છે. વિકાસ અને ગુજરાત જાણે કે એક જ શબ્દ બની ગયા છે, એક જ ભાવ બની ગયા છે. અને એ વાત નિશ્ચિત છે ભાઈઓ, બધી જ સમસ્યાઓનું સમાધાન, બધાં જ દુખોનું સમાધાન, બધી જ તકલીફોમાંથી મુક્તિ માટેનું સાધન એ એકમાત્ર કોઇ હોય તો એ વિકાસ છે. સબ દુખોં કી એક દવા અગર કોઇ હોય તો એ વિકાસ છે. એકમાત્ર અણમોલ જડીબુટ્ટી એવી છે જે સમાજ-જીવનનાં બધાં જ દુખોને દૂર કરી શકે અને એ જડીબુટ્ટી છે વિકાસ. આ કૅમેરાના મિત્રો ગોઠવાઇ ગયું હોય બધું તો બેસી જાવને પાછળ જરા પેલા લોકોને મજા આવે, દિવાલ થઈ ગઈ છે... વાહ! પોરબંદરમાં ઘણા બધા સારા લોકો રહે છે, થોડા ઘણા તો હોય જ ને... ભાઈઓ-બહેનો, વિકાસ..! આજે આખા દેશમાં ચર્ચા ચાલે છે કે ગુજરાતે અદભૂત વિકાસ કર્યો છે. આપણે ક્યારે વિચાર કર્યો ભાઈ? આ માછીમારીનો ધંધો કંઈ મોદી આવ્યા પછી કર્યો હશે? બાપદાદાઓથી ચાલે છે. પણ આજે આ ગુજરાતમાંથી હીરાનું એક્સ્પૉર્ટ થાય છે તેના કરતાં માછલીઓનું એક્સ્પૉર્ટ વધારે થાય છે. કેમ, પહેલા નહોતું સૂઝ્યું તમને? આ દરિયો હું આવ્યો પછી આવ્યો ભાઈ પોરબંદરમાં? તમે જરા ખોંખારીને બોલોને, પહેલાં હતોને? પહેલાં માછીમારો પણ હતાને? પણ એમને કાંઈ પડી છે? આપ વિચાર કરો, મનમોહનસિંહજીની સરકાર બન્યા પછી દિલ્હીમાં સાડા ચાર હજાર જેટલા મારા માછીમાર ભાઈઓને આ પાકિસ્તાનના લોકો ખોટી રીતે આંતરી આંતરીને ઘસડી જાય અને તેની જેલોમાં સબડતા થઈ જાય. હમણાં પરમ દિવસ, બાવીસ બોટો ઉપાડી ગયા, અનેક લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા અને મને આ સમાચાર આપ્યા અમારા અધિકારીઓએ, મારાં સદભાવના મિશન ચાલુ હતાં તો પણ મેં ધનધનાવીને એક પત્ર ગઈકાલે પ્રધાનમંત્રીને લખ્યો છે. શું માંડ્યું છે તમે? અઠવાડિયામાં ત્રણ વાર અમારા લોકોને ઉપાડી જાય? અને તમે હમણાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીને મળ્યા, તો પીઠ થાબડીને કહેશે કે આ પ્રધાનમંત્રી શાંતિના દૂત છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાંતિના દૂત છે..! મારા માછીમાર ભાઈઓ, કહો ને તમે, આ તમારા દીકરાને, પતિને કે ભાઈને ઉપાડી ગયા છે એ શાંતિના દૂત છે, ભાઈ? ખોંખારીને બોલોને જરા... અરે, મનમોહનસિંહજીને સંભળાય એમ બોલો... પ્રમાણપત્રો આપતા ફરો છો! હું હમણાં ચીન ગયો તો ગુજરાતના છોકરાઓ ત્યાં પૂર્યા છે એમની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરીને આવ્યો અને તમે? પીઠ થાબડીને શાંતિના દૂત છે, શાંતિના દૂત છે...! અને અહીંયાં તમે એક બાજુ પીઠ થાબડતા હતા ને મારી બાવીસ બોટો ઉપાડીને લઈ ગયા એ લોકો. આ ખેલ ચાલે છે. મેં ભારતના પ્રધાનમંત્રીને અનેકવાર કહ્યું છે. શ્રીલંકા જોડે ભારતનો એક કરાર છે. એ કરાર એવો છે કે આ દેશની બોટો એ બાજુ જતી રહી હોય, એ દેશની બોટો આ બાજુ આવી હોય તો પંદર દિવસમાં બેસીને નિર્ણય કરવાનો કે ભાઈ માછીમાર સિવાયનો કોઇ ગોરખધંધો કરવા નહોતા આવ્યાને, તો પછી છોડી દેવાના. આ બાજુ વાળા એમને આપી દે, એમના વાળા આમને આપી દે, પંદર દિવસમાં. મેં કહ્યું પાકિસ્તાન જોડે કેમ કરાર ના થાય? દર પંદર દિવસે નક્કી થાય કે ભાઈ, આટલા તમારા આવ્યા હતા, લો પાછા લઈ જાવ, આટલા અમારા છે, લઈ ગયા... નથી કરતા! જ્યાં સુધી અટલજીની સરકાર હતી આમ પાકિસ્તાનની સરકાર અમારા માછીમારોની કોઇ બોટ પર હાથ નહોતા લગાડી શક્યા, આજે સાડા પાંચસો જેટલી, લાખો-કરોડો રૂપિયાની કિંમતની બોટો કબજે કરીને બેસી ગયું છે પાકિસ્તાન. અને એ બોટોનો કેવા ગોરખધંધા માટે ઉપયોગ થાય છે? દેશની સુરક્ષા માટે ખતરો પેદા થાય એવી રીતે બોટોના ઉપયોગ થઈ રહ્યા છે. અને એમની સરકારને કહેવા માટે એમને ફુરસદ નથી. ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો સમુદ્રકિનારો, સાગરખેડુ યોજના દ્વારા એમના વિકાસ માટેની અમારી જહેમત, સાગરખેડુ વિસ્તારની અંદર મીઠું પીવાનું પાણી મળે એને માટે સરકારની કરોડો રૂપિયાની યોજનાઓ, પણ અમારો સાગરખેડુ ભાઈ માછલાં લેવા જાય અને પાકિસ્તાન હિસાબ ચૂકતે કરવા માટે એમને આંતરી જાય અને દિલ્હીની સરકાર આંકડા ગણવા સિવાય કંઈ ના કરે. પહેલાં તો અહીં સુધી મૂકી જતા હતા, હવે છેક મૂકે ક્યાં? છેક અમૃતસર પાસે, એટલે પેલાના ખિસ્સામાં એક રૂપિયોએ ના હોય, એને બિચારાને છેક અહીં સુધી આવવાનું હોય વેરાવળ સુધી, પોરબંદર સુધી તો એને રસ્તામાં સીંગ-ચણા ખાવાની પણ તકલીફ પડે એવા ગોરખધંધા ચાલે છે. અને આ પ્રકારનો વ્યવહાર કરીને અહીંના લોકોને દુખી કરનારા આ લોકો... શું આ ભારતના વિકાસની અંદર મારા માછીમારોનું યોગદાન નથી? અરે, વિદેશી હૂંડિયામણ આ મારો માછીમાર ઉઘરાવી લાવે છે, કમાણી કરીને લાવે છે. તમારા સોફ્ટવેરના એન્જિનિયરો જેટલી કમાણી કરાવી આપે છે ને એટલી જ કમાણી, વિદેશોમાંથી હૂંડિયામણ આ મારો માછીમાર લાવે છે એનું મને ગૌરવ છે. તમને નથી પડી હજી. અને એટલા માટે મનમાં આક્રોશ થાય છે, ભાઈઓ. અને છતાંય કોઇ અસર જ નહીં! આ મોંઘવારી આટલી છે, બોલો, દિલ્હીવાળાને અસર છે, નામ દે છે? કંઈ બોલવાનું જ નહીં..!

હું હમણાં એક મીટિંગમાં ગયો હતો, પ્રધાનમંત્રી બેઠા હતા. મેં કહ્યું સર, આવું કેમ? તમે આટલું બધું લોકો રાડો પાડે, ઘરમાં ચૂલો ન સળગે, ગરીબને તકલીફ પડે, તમે કેમ આમ મોં પર તાળું મારીને બેસી ગયા છો, મોંઘવારીનું કંઈ બોલતા જ નથી. સોનિયાબેન ના બોલે, કોઇ ના બોલે, મોંઘવારીનું તો બોલે જ નહીં..! મોંઘવારીની તકલીફ છે કે નહીં ભાઈ? બહેનો જોરથી બોલો જરા, કાળઝાળ મોંઘવારી છે ને? એમણે વચન આપ્યું હતું કે અમે સો દિવસમાં મોંઘવારી ઓછી કરીશું, પરંતુ રોજ વધારે છે, રોજ. રોજ વધારે છે..! એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું કે ચાલો ઘટાડો તો નહીં પણ તમે દુ:ખ તો વ્યક્ત કરો, બોલો કે ભાઈ પ્રજાને તકલીફ પડે છે તેનું અમને દુ:ખ થાય છે, અમે કંઈક રસ્તો શોધીશું... આવું તો બોલો, નથી બોલતા! મેં કારણ શોધી કાઢ્યું છે તે બોલતા કેમ નથી એનું. જ્યારે એ લોકો વોટ લેવા આવ્યા હતાને ત્યારે એમણે એક સૂત્ર લખ્યું હતું, તમને યાદ છે? એમણે સૂત્ર લખ્યું હતું, ‘આમ આદમી માટે વોટ આપો’. હવે, મોંઘવારીની તકલીફ સૌથી વધારે કોને? ઓરતને. આમ આદમી માટે વોટ માગ્યા હતા એટલે આમ ઓરતની તકલીફની એમને પરવા જ નથી, ચિંતા જ નથી અને એના કારણે એક શબ્દ બોલતા નથી.

ભાઈઓ-બહેનો, આજે જ્યારે પોરબંદરની ધરતી પર આવ્યો છું ત્યારે, વિકાસની વાત જ્યારે કરું છું ત્યારે અને આપે આટલો બધો ઉમળકો અને આટલો બધો પ્રેમ વરસાવ્યો છે ત્યારે ૨૮૧ કરોડ રૂપિયાના નવાં કામો આજે પોરબંદરની ધરતીની ચરણે જશે. પોરબંદરમાં જે શ્રમજીવી ગરીબ ભાઈઓ છે, જેમનું શમણું હોય કે ઘરનું ઘર હોય તો સારું. આ સરકારે નક્કી કર્યું છે લગભગ ૮૧ કરોડ કરતાં વધારે રકમથી ૨૫૦૦ જેટલા ગરીબો માટે મકાનો બનાવીને આ ગરીબોને પોરબંદરમાં આવાસ આપીશું. પોરબંદર શહેરમાં પીવાનું પાણી પહોંચે એને માટે રાજ્ય સરકારે ૨૬.૩૧ કરોડ રૂપિયા આપવાનો નિર્ધાર કર્યો છે જેથી પોરબંદરને પીવાનું પાણી મળે. પોરબંદર-નરસિંહ ટેકરી નૅશનલ હાઈવે પાસે ફ્લાય ઓવર બ્રિજ માટે ૬૨ કરોડ રૂપિયા આપવાનો નિર્ધાર કર્યો છે. કુતિયાણાના ૬૦૦ કરતાં વધારે ગરીબો માટે આવાસો બનાવવા માટે ૧૨ કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું છે, જેથી કરીને ઝૂંપડાની જીંદગી જીવનારા માનવીને કંઈક છાપરું મળી રહે, એને મકાન મળી રહે. પોરબંદર-અડવાણા ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક રસ્તો બનાવવાનો નિર્ધાર કર્યો છે. હું અડવાણા ગયો હતો અને જે દિવસ અડવાણા ગયો અને મેં રસ્તો જોયો એ જ દિવસ હું નક્કી કરીને ગયો હતો કે પહેલાં અડવાણા જે હલે છે એ જરા બંધ થઈ જાય એટલે રોડ બનાવી દઇએ. આજે અડવાણાના ભાઈઓ આવ્યા હતા એમણે મને કહ્યું કે સાહેબ, તમારો વજ્ર જેવો પગ પડ્યો હતો કે અડવાણામાં નીચેની ધ્રુજારી બંધ થઈ ગઈ છે, નીચે હલતું બંધ થઈ ગયું છે અને હવે એ અડવાણાને પાકો સરસ મજાનો રોડ મળે એના માટે ૨૫ કરોડ રૂપિયાની યોજના જાહેર કરી છે. ધેડ વિસ્તારમાં ૧૭ જેટલા જુદા-જુદા રસ્તાઓની સુધારણા માટે ૩૨ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. વાડી વિસ્તારમાં આવેલી કોલોનીઓ અને એના મુખ્ય રસ્તાઓને જોડવા માટે ૮ કરોડ રૂપિયાની યોજના કરી છે જેના કારણે વાડી વિસ્તારમાં રહેનારા લોકોને પણ સુવિધા થાય. પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર હરસિદ્ધ માતા, દેશભરના લોકો એક શ્રદ્ધા માટે જેમ દ્વારકા આવે છે, એમ હરસિદ્ધ માતાની સેવાએ આવતા હોય છે. એ સ્થાનકે નૅશનલ હાઈવે માટે ૫ કરોડ રૂપિયા હરસિદ્ધ પીઠના આધુનિકરણ કરવા માટે વાપરવાનો નિર્ધાર કર્યો છે. સાગરખેડુ કાંઠામાં ગરીબ વસ્તીમાં વીજળીની સુવિધા, પોરબંદર હોસ્પિટલની અંદર ટ્રૉમા સેન્ટર, ફિશનરી ટર્મિનલનું આધુનિકરણ કરવા માટે, ખેડૂતોનાં બીજાં પાણી કેન્દ્રો કરવા માટે, કુલ ૨૦ કરોડ રૂપિયાનું આયોજન કર્યું છે. ભાઈઓ-બહેનો, ૨૮૧ કરોડ રૂપિયા રાણાવાવ-કુતિયાણા તાલુકાને જોડતો ખૂબ મહત્વનો ભાદર નદી ઉપરનો મોટો પુલ બાંધવા માટે, મેરાણા-છત્રાલા વચ્ચે રૂપિયા ૮ કરોડના ખર્ચે ભાદર નદી પરનો નવો પુલ બાંધવા માટેનો પણ આ સરકારે નિર્ધાર કર્યો છે. રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર મળીને ૧૫ ગામોની વસ્તીને બારમાસી વાહનવ્યવહારની સગવડ મળતી થાય એના માટેનું આયોજન કર્યું છે. અને આ ગામની જનતાને મુખ્ય ધોરી માર્ગ ઉપર ૧૫ કિ.મી જેટલું લાંબું અંતર કાપવું પડતું હતું, આ એક જ પુલથી એમને આ જે આંટો મારીને જવું પડતું હતું એ હવે ગઇકાલની વાત થઈ જશે. ભાઈઓ-બહેનો, ૨૮૧ કરોડ રૂપિયાનું આ નજરાણું છે. આ સદભાવના મિશનની સાથે આપે જેમ પ્રેમ દર્શાવ્યો છે, તો અમે પણ અમારી જવાબદારી નિભાવતા રહીએ છીએ અને એને વધારીને આગળ વધતા રહીએ છીએ.

ભાઈઓ-બહેનો, ગુજરાતનો જે વિકાસ થયો છે એ વિકાસના મૂળમાં ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઊઠે છે, ઘણા લોકો એનું જુદી જુદી રીતે મૂલ્યાંકન કરતા હોય છે, કોઈક તો એનો વિકાસ સ્વીકારવા જ તૈયાર નથી. હમણાં વજુભાઈ કહેતા હતા ને કે ભારત સરકારે આંકડા બહાર પાડ્યા છે, આખા દેશમાં કેટલા લોકોને રોજગાર મળ્યો એના આંકડા ભારત સરકારે બહાર પાડ્યા છે. અને ભારત સરકાર કોની બેઠી છે એ તમને ખબર છે. એણે એમ કહ્યું છે કે આખા દેશમાં જે રોજગાર મળ્યા, એમાંથી ૭૧ ટકા એકલા ગુજરાતમાં, ૨૯ ટકામાં આખું હિંદુસ્તાન. આપ વિચાર કરો, એકબાજુ રામ અને એકબાજુ ગામ. આ રોજગાર મળે છે શાને કારણે? વિકાસના કારણે સંભવ થયેલ છે. રૂપાલાજીએ કહ્યું કે ૨૫ લાખ ગાંસડી કપાસ થતો હતો, આજે ૧ કરોડ ૨૫ લાખ ગાંસડી કપાસ થયો. આ વિકાસ થયો એનો લાભ કોને મળ્યો? ખેડૂતોને મળ્યો. ભાઈઓ-બહેનો, આ વિકાસનો લાભ સૌને મળે છે. શિક્ષણમાં વિકાસ થયો છે, કૌશલ્યવર્ધનમાં વિકાસ થયો છે, ખેતી ક્ષેત્રે નવી ઊંચાઈઓ પાર કરી છે, માછીમારીનો ઉદ્યોગ વિકસી રહ્યો છે, જિંગા ઉછેરનાં કામ ચાલી રહ્યાં છે, નવસારીના માછીમારો છીપલીમાં મોતી પકવવાના ઉદ્યોગ તરફ વળ્યા છે એ આખાય ૧૬૦૦ કિ.મી. ના સમુદ્ર કિનારા ઉપર મારો માછીમાર મોતી પકવતો થાય એ દિશામાં મારે લઈ જવો છે. મોતીનું બિડાણ તમને ખબર હશે. અને આ બધું જ શક્ય છે.

ણ આ વિકાસ શાના કારણે? કોઇ કહે મુખ્યમંત્રી સારા છે એટલે, કોઇ કહે સરકાર સારી છે એટલે, કોઇ કહે નીતિઓ સારી છે એટલે. અલગ-અલગ લોકો અલગ-અલગ રીતે આ વિકાસને વખાણી રહ્યા છે, વધાવી રહ્યા છે. કોઇ એમ કહે કે દિલ્હી સરકારના કારણે, પાછા એવાય હોય થોડા..! આ બધું છે એમના કારણે, તમારે કારણે. દિલ્હીમાં તો કરો, અહીં સુધી રેલો આવશે ત્યારે આવશે. ત્યાં નથી કરી શકતા. ભાઈઓ-બહેનો, આ વિકાસ માટે દરેકને જુદાં જુદાં કારણો દેખાતાં હશે, પણ સાચું કારણ આજે હું કહેવા માગું છું. આ વિકાસની પાછળનું સાચું કારણ જે છે એ દુનિયા સમજે એના માટે મેં આ સદભાવના મિશન ઉપાડ્યું છે. ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે એ વાત સમજાવવા માટે, એનું મૂળ કારણ સમજાવવા માટે મેં આ સદભાવના ઉપવાસ આરંભ્યા છે. ગુજરાતમાં દીકરીઓ રાત્રે ૧૨ વાગે પણ સોનાનાં ઘરેણાં પહેરીને ઘરેથી નીકળી શકે છે, એ વાતાવરણની પાછળ કઈ તાકાત પડી છે એ સમજાવવા માટે મેં આ સદભાવના મિશનનો આરંભ કર્યો છે. અહીંના બાળકો શાળાએ નહોતા જતા, આજે સો એ સો ટકા શાળાએ જવા માંડ્યાં છે. એની પાછળ કઈ તાકાત પડી છે, એ તાકાતનું મૂળ કયું છે એ બતાવવા માટે, દુનિયાને ડંકાની ચોટ પર બતાવવા માટે મેં આ સદભાવના મિશનના ઉપવાસનો આરંભ કર્યો છે. એ તાકાત કઈ છે? આપને પણ કદાચ અંદાજ નહીં હોય કે એ તાકાત કઈ છે. આપના પણ ધ્યાનમાં નહીં હોય. છોકરો સાંજે ઘેર પાછો આવે અને નિશાળેથી આવ્યો હોય ત્યારે એના માટે મા એ ગરમ-ગરમ ખાવાનું બનાવ્યું હોય, નાસ્તો બનાવ્યો હોય, દીકરાને અંદાજ નથી હોતો કે આની પાછળ મા એ શું શું, કેટલી તકલીફો વેઠી હશે. બાપ કમાઈને મહિને લાવીને પગાર હાથમાં મૂકે અને દીકરો કહે કે મારે સાઇકલ લાવી છે, સ્કૂટર લાવવું છે અને રૂપિયા લે, ત્યારે દીકરાને ખબર ન હોય કે આની પાછળ કયું તપ પડ્યું છે, કયો પરિશ્રમ પડ્યો છે એનો એને અંદાજ ના હોય ત્યારે એ વાત કરવી પડતી હોય છે.

 

ભાઈઓ-બહેનો, આ ગુજરાતનો જે વિકાસ થયો છે, દુનિયા આખીમાં ડંકાની ચોટ પર આ વાત સ્વીકારાઈ છે તેના મૂળમાં શું છે? તેના મૂળમાં છે ગુજરાતના છ કરોડ ભાઈઓ અને બહેનો, આપ સૌ. આ વિકાસ મારા કારણે નથી, આ વિકાસ આપના કારણે છે. આપની મહેનતના કારણે થયો છે. અને એમાં પણ આપે જે કર્યું છે તે મારે દુનિયાને કહેવું છે. ગુજરાતે જે એકતા રાખી છે, ગુજરાતે જે ભાઈચારો રાખ્યો છે, ગુજરાતે જે શાંતિ કરી છે એના કારણે આ વિકાસની ઊંચાઈઓ પાર થઈ છે. અને હિંદુસ્તાનના ખૂણે ખૂણે મારે કહેવું છે કે તમે જો વિકાસ ઇચ્છતા હોવ તો તમે પણ આ ઝેરનાં વાવેતરો બંધ કરો અને વિકાસના મંત્રને સ્વીકાર કરો. તમારું રાજ્ય પણ પાછળ નહીં રહે અને ગુજરાત કરતાં પણ આગળ નીકળી જશે. હું સૌને નિમંત્રણ આપું છું કે આવો, ગુજરાતના છ કરોડ નાગરિકોએ જે એકતા, શાંતિ, ભાઈચારો બતાવ્યાં છે એમાંથી સબક શીખો અને તમે પણ પ્રગતિના માર્ગ પર આગળ આવો.

 

ભાઈઓ-બહેનો, સાંઇઠ વર્ષનો ઇતિહાસ શું કહે છે? ભાઈ ભાઈને લડાવો, કોમ કોમ ને લડાવો, એક ગામને બીજા ગામ જોડે લડાવડાવો, એક રાજ્યને બીજા રાજ્ય જોડે લડાવો, પાણીના મુદ્દે લડાવો... બોલો, તમને આશ્ચર્ય થશે, હિંદુસ્તાનનાં ૧૪ કરતાં વધારે રાજ્યો એવાં છે કે જ્યાં માત્ર આ પાણી કોણ અને કેટલું વાપરે એના માટેના ઝગડા ૫૦ વર્ષથી ચાલે છે, સુપ્રીમ કોર્ટ સુધી એના કેસ ચાલી રહ્યા છે, લડાઇઓ બંધ થવાનું નામ નથી લેતી. આ ગુજરાતની સદભાવના જુઓ, આ નર્મદાનું પાણી રાજસ્થાનને આપ્યું. કોઇ ટંટો નહીં, વિવાદ નહીં, ફિસાદ નહીં. રાજસ્થાનના ભાગનું જેટલું હતું એ પાણી વિના વંટોળે અપાઇ ગયું અને આજે રાજસ્થાનનો ભાઈ સુખી થયો છે, સદભાવના આનું નામ કહેવાય. મને એ વખતે ભૈરોસિંહ શેખાવત મળ્યા હતા, ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા. જશવંતસિંગજી પણ હતા. ભૈરોસિંહજીએ મને ખાસ એમના ઘરે જમવા બોલાવ્યો. મેં કહ્યું કે આટલો બધો આગ્રહ કેમ કે મારું કામ છોડીને આવું? મને કહે કે ગમે તે થાય તમારે આવવું જ પડે. હું ગયો, મેં કારણ પૂછ્યું તો કહે કારણ બીજું કઈ નહીં, અમારી રાજસ્થાનની તરસી ભૂમિને તમે જે રીતે નર્મદાનાં પાણી દીધાં છે ને એટલા માટે અમારો ઉમળકો બતાવવા માટે આજે ગુજરાતના પ્રતિનિધિ તરીકે તમને બોલાવ્યા છે, આને સદભાવના કહેવાય. પરંતુ આ દેશને એક રાખવો હશે, આ દેશમાં ભાઈચારો કરવો હશે. આ ભાષાભાષીના, પાણીના બધા ઝગડામાંથી બહાર આવવું હશે તો આ સદભાવનાનો મંત્ર હિંદુસ્તાનના ખૂણે-ખૂણે પહોંચાડવો પડશે અને ગુજરાત એની પ્રયોગભૂમિ છે, ગુજરાતે એ પુરવાર કર્યું છે.

ભાઈઓ-બહેનો, એક જમાનો હતો કે ગામડાંની અંદર એવાં ગરીબ બાળકો કે જેમને માનું દૂધ પીધા પછી જીંદગીમાં દૂધ જોવા નહોતું મળ્યું. મા નાં દૂધ સિવાય બીજું કોઇ દૂધ એણે ચાખ્યું નહોતું. મેં એક વાર ગામડાના લોકોને વિનંતી કરી કે ભાઈ તમારે ત્યાં ડેરી ચાલે છે, તમે રોજ સવારે ડેરીમાં દૂધ ભરવા જાઓ છો, તમારા ગામમાં પંદર-વીસ-પચીસ ગરીબ બાળકો છે, નાનાં-નાનાં ભૂલકાં છે, એમણે કોઇ દિવસ જીંદગીમાં દૂધ જોયું નથી, શું મારી એક વાત તમે માનશો? ગામલોકોએ કહ્યું હા, માનીશું. મેં એમને કહ્યું કે એક કામ કરો, ડેરીમાં જ્યારે દૂધ ભરવા આવે ત્યાં આગળ એક ખાલી કેન મૂકો, એની ઉપર લખો ‘ભગવાનનો ભાગ’, અને જે દૂધ ભરવા આવે, કોઇને ૫૦ ગ્રામ આપવું હોય તો કોઇ ૫૦ ગ્રામ આપે, કોઇને ૧૦૦ ગ્રામ દાન કરવું હોય તો એ ૧૦૦ ગ્રામનું દાન કરે, કોઇને ૫૦૦ ગ્રામનું દાન કરવું હોય તો ૫૦૦ ગ્રામનું કરે અને આ ‘ભગવાનના ભાગ’નું જે દૂધ ભેગું થાય, લિટર, ૨ લિટર, ૫ લિટર તે આ ગામનાં જે ગરીબ પરિવારનાં પંદર બાળકો છે જેમણે દૂધ કોઇ દિવસ ચાખ્યું નથી એમને રોજ બોલાવો અને દૂધ પિવડાવો. ભાઈઓ, આજે ગુજરાતમાં હજારો ગામ એવાં છે કે જ્યાં ‘ભગવાનનો ભાગ’ લોકો કાઢે છે અને ગરીબ બાળકોને દૂધ પિવડાવે છે, આનું નામ સદભાવના કહેવાય. આ સદભાવના જે ચાલી રહી છે એને મારે આજે દુનિયાને બતાવવી છે. અને એટલા માટે આ પ્રજા જે શક્તિથી કામ કરી રહી છે એમાં હું જે શબ્દસાધના કરતો હોઉં તો એમાં હવે મેં ઉપવાસનો યજ્ઞ આદરીને એની અંદર એક નવી ઊર્જા પેદા કરવાનો પ્રયાસ કર્યો છે અને એ હું જન-જન સુધી પહોંચાડવા માગું છું.

ક જમાનો હતો કે આપને ત્યાં પોરબંદરથી કોઈ સગાં-વહાલાં માંદા હોય અને અમદાવાદ દાખલ કર્યા હોય, બિચારાની તબિયત ખરાબ હોય, અમદાવાદ એની તબિયત જોવા જવું હોય તો આપણે ફોન કરીને તપાસ કરવી પડે કે ભાઈ, અમદાવાદ જવું છે પણ એ જે વિસ્તારમાં જવું છે ત્યાં કર્ફ્યૂ-બર્ફ્યૂ તો લાગેલો નથી ને? એક સમય એવો હતો કે અમદાવાદ જાવ એટલે તમને ટેન્શન રહે કે ગામમાં કર્ફ્યૂ તો નહીં હોય ને? છોકરું અમદાવાદ ભણતું હોય તો મા-બાપને ઉજાગરા થાય કે ક્યાંક આ છોકરાની જીંદગી ના જાય... આ ગુજરાતમાં રોજનું હતું. કોઈપણ એવો અવસર ન હોય, જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય તો લોકો લગ્નના હોલ બુક કર્યા હોય તો કૅન્સલ કરી નાખે કે ઉભા રહો ભાઈ, એ રથયાત્રા નીકળે પછી શાંતિ હોય તો પછી લગ્ન કરીશું નહીંતર મેળ નહીં પડે..! આ ગુજરાતની સ્થિતિ હતી. ૧૨ મહિનામાં ૧૫ વખત કર્ફ્યૂ પડતો હતો, ચક્કા ચાલતા હતા, રિક્ષાઓ બળતી હતી, ગલ્લાઓ બળતા હતા, દુકાનો બળતી હતી, બસો બળતી હતી... છાપાં આખાં ભરી ભરીને આવતાં હતાં, પોલીસ આમ દંડા મારતી હોય અને ગોળીઓ ચલાવતી હોય એવા ફોટા આવતા હતા, ટીઅર ગેસના સેલ છોડે એવા ફોટા આવતા હતા... ભાઈઓ-બહેનો, આજે ગુજરાતની અંદર નામોનિશાન મટી ગયું છે. એમાંય પોલીસ રંજાડે નહીં, પોલીસનો ત્રાસ નહીં, દંડાબાજી નહીં, ક્યાંય ટીઅર ગેસ નહીં, ક્યાંય ગોળીબાર નહીં... ક્યાંય કોઇના ઘર નથી સળગતા, દુકાનો નથી બળતી, ગલ્લા નથી સળગતા, રિક્ષાઓ નથી બળતી, કર્ફ્યૂનો ત્રાસ નથી..! એક સમય એવો હતો કે બાળક જન્મે તો એને મમ્મી બોલતાં ન આવડે, પપ્પા બોલતાં ન આવડે, પણ કર્ફ્યૂ બોલતાં આવડે. છેક જનમથી એને કર્ફ્યૂ શું કહેવાય એ ખબર પડે. એના પોતાના કાકાને ના ઓળખે, પણ પોલીસ અંકલને ઓળખતો હોય. શેરીની બહાર જ પોલીસવાળો ઊભો હોય. બારે મહિના આ ચાલે..! આજે ગુજરાતમાં આ કર્ફ્યૂને દેશવટો થઈ ગયો છે એનું કારણ? એકતા, શાંતિ, ભાઈચારો જેના કારણે ગુજરાતે એક નવી તાકાત મેળવી છે. નહીંતર દેશ આઝાદ થયો ત્યારથી છાશવારે આ જ બધું ચાલતું હતું. ભાઈઓ-બહેનો, ગુજરાત એમાંથી બહાર આવ્યું છે અને વિકાસના એક નવા મંત્રને લઈને આવ્યા છીએ.

અમારા મિત્રો, વાર-તહેવારે ગાંધીનું નામ લે છે. આજ સુધી ગાંધીને જેટલા વાપરવા હોય એટલા વાપર્યા એમણે પણ ગાંધીએ ઇચ્છ્યું એવું કોઇ કામ કરવાનું એમને સૂઝ્યું નહીં. મહાત્મા ગાંધીએ જીવનભર એવી ઇચ્છા વ્યક્ત કરી હતી, આ દેશમાં ગૌહત્યા બંધ થવી જોઇએ એ મહાત્મા ગાંધીનું જીવન પર્યન્તનું એક સપનું હતું. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, તેમ છતાંય ગૌહત્યા બંધ કરવા માટેનો કાયદો લાવવાની દિલ્હીની સરકારમાં ત્રેવડ નથી. આજે આટલા બધા ભુવાઆતાઓ આવ્યા, આટલા બધા અમારા માલધારી સમાજના ભાઈઓ આવ્યા... આજે મારે ગૌરવભેર કહેવું છે કે આ ગુજરાત સરકાર છે કે જેણે ગૌવંશ રક્ષા માટે કડકમાં કડક કાયદા કર્યા. એક વાતાવરણ બનાવ્યું છે અને એની અસર છે. હમણાં વડોદરા જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકો આગળ આવ્યા છે, ગૌશાળા ચલાવવા માટે. આ સદભાવના છે, દોસ્તો..! કેમ ન બદલાય? પણ ના, તમારે તો બદલવું જ નથી, તમારે તો મતપેટી ભરવા સિવાય કોઈ કાર્યક્રમ નથી. સાચી વાત કરવાની તમારામાં હિંમત નથી, અમારામાં છે અને અમે ડંકાની ચોટ પર કહીએ છીએ, અમારે મન આ છ કરોડ લોકો એ અમારા હાથ, પગ અને હૈયું છે, એ અમારા માટે મતનું પતાકડું નથી. એ જીવતા જાગતા જન સમાજ છે જે ઇશ્વરનું રૂપ હોય છે અને એના ચરણોમાં અમે માથું મૂકેલું છે. એ ભૂમિ કાજે અમે કામ કરનારા લોકો છીએ.

ભાઈઓ-બહેનો, આ સમાજ-પુરુષનાં ચરણોમાં, આ સમાજ-દેવતાનાં ચરણોમાં સદભાવના કેવી શક્તિ પેદા કરે છે એનો આજે ગુજરાતે અનુભવ કર્યો છે. વાદ-વિવાદ, વંટોળ, વોટબેંકની રાજનીતિ, જાતિઓના ઝગડા... તમે વિચાર કરો જાતિઓના ઝગડા કેટલા હતા આપણે ત્યાં? કોઇ કોમ બાકી હતી? દરેકને બીજી કોમ સાથે લડાઇ ઊઠેલી જ હોય, કોઇ બાકી નહીં સાહેબ. સમય-સમય પર એમના રાજકીય રોટલા શેકવા માટે કોમ કોમને લડાવતા, હું એમનું નામ નથી દેવા માગતો... કોઇ કોમ એવી નહીં હોય જેમને બીજી કોમ જોડે લડાઇ ન હોય. અને આખા દેશમાં આવું બન્યું છે. જાતિવાદનાં ઝેર એવાં ફેલાવ્યાં છે... પટેલોને દરબારો જોડે લડાવે અને દરબારોને પટેલો જોડે લડાવે ને બીજી બધી જાતિઓ... હોસ્ટેલમાં છોકરા ભણવા જાય તો ત્યાંય બે ધડા કરાવી દીધા હોય, હોસ્પિટલ હોય તો એમાં રૂમો જુદા કરાવી દે કે ભાઈ, તમારા ૨૦ ખાટલા આ બાજુ રાખો અને અમારા ૨૦ પેલી બાજુ લઈ જાઓ, નહીંતર અહીંયાં ધિંગાણું થઈ જશે. કેમ આ ઝેર ફેલાવવાનાં કામ કરવાનાં છે? તમારા મત ભરવા માટે, મતપેટીઓ ભરવા માટે સમાજને રહેંસી નાખવાનો છે? ભાઈઓ-બહેનો, સદભાવના મિશન સાથે મારે હિંદુસ્તાનના લોકોને કહેવું છે કે ભાઈઓ-બહેનો, આ જાતિવાદનું ઝેર કોઇનું ભલું નથી કરવાનું, આપણને જ ભરખી જવાનું છે અને ગુજરાત એમાંથી બહાર આવ્યું છે. જાતિવાદના ઝેરમાંથી બહાર આવ્યું છે એના કારણે આજે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. બધા જ ગરીબ સમાન હોય ભાઈ, બધા જ દુખિયારા સમાન હોય, એમાં વળી જાતિના રંગ શેના? ગરીબ એ ગરીબ છે, દુખિયારો એ દુખિયારો છે, વિકલાંગ એ વિકલાંગ છે, સૂરદાસ એ સૂરદાસ છે, એ બધા જ માનવનાં અંગો છે એ બધાની ચિંતા એકસમાન કરવાનો વિચાર એ જ સદભાવનાનો સંદેશ છે.

ભાઈઓ-બહેનો, આ લોકો ગાંધીજીનું નામ લેતા હોય છે. મને એક ઘટના યાદ આવે છે. એક વાર કોઇ ગયું ગાંધીજી પાસે કારણકે ગાંધીજી કુષ્ઠરોગીઓની સેવા કરતા હતા. ગાંધીજી દર ગુરૂવારે બધા કામો બંધ કરીને જે કુષ્ઠરોગીઓ હોય એમની સેવા કરતા હતા. અને આપણા પોરબંદર જિલ્લામાં પણ કુષ્ઠરોગીઓની સેવાનાં કામો ચાલે છે. ગાંધીજી કુષ્ઠરોગીઓની સેવા કરતા હતા. જીવનપર્યંત કુષ્ઠરોગીઓની સેવા કરી. એક વખત એક કુષ્ઠરોગીઓની હોસ્પિટલનું ઉદ્ઘાટન થવાનું હતું. એ હોસ્પિટલના કર્તાધર્તા લોકો ગાંધીજી પાસે ગયા અને એમને વિનંતી કરી કે તમે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવો. તો ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે હું કુષ્ઠરોગની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા નહીં આવું, જે દિવસે તમે એનું તાળું મારવા મને બોલાવશો ત્યારે હું એને તાળું મારવા આવીશ..! પહેલી નજરે તો કોઇને એમ લાગે કે ગાંધીજી આવી અકડાઈ કરતા હતા? પણ ગાંધીજીના દિલમાં હતું કે કુષ્ઠરોગ સમાપ્ત થાયને, ત્યારે મારે હોસ્પિટલને તાળું મારવા આવું છે. ભાઈઓ-બહેનો, ગાંધીજીને જીવતા જીવ કુષ્ઠરોગની હોસ્પિટલને તાળું મારવાનો અવસર નહોતો મળ્યો, પણ હું ભાગ્યવાન છું, મને હોસ્પિટલને તાળું મારવાનો અવસર મળ્યો. આખા દેશમાં કુષ્ઠરોગ નાબૂદીમાં, આજે ગુજરાતે ઉત્તમ સેવા કરીને, ગુજરાતે એનાં બધાં પેરામિટરમાંથી એને બહાર કાઢી નાખેલ છે. અને તમે અબ્દુલ કલામ, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જો ઇન્ટરનેટ પર જશો અને એમનું કોઈપણ ભાષણ તમે વાંચશો તો એમણે ગુજરાત ઉપર કુષ્ઠરોગ નિવારણ ઉપર એક ફકરો તો જરૂરથી લખ્યો હોય, લખ્યો હોય અને લખ્યો જ હોય. એ દુનિયામાં જ્યાં જાય ત્યાં કહેતા હતા કે ગુજરાતે કુષ્ઠરોગ નિવારણ માટે કેટલું કામ કર્યું છે. આ મહાત્મા ગાંધીનું સપનું હતું, એ સપનું અમે સાકાર કર્યું છે, ભાઈઓ.

હાત્મા ગાંધી કહેતા હતા ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત, લોકોના ભરોસે મૂકો. અમે આજે ગુજરાતની શાળાઓમાં એક અભિયાન ચલાવ્યું છે. શાળાઓની અંદર એક નાનકડી દુકાન મૂકાવીએ છીએ. અમારા શિક્ષકમિત્રો બાળકોને સંસ્કાર કરે છે. એ દુકાન એવી હોય છે કે જેમાં બાળકોને જોઇએ એવી બધી વસ્તુઓ હોય છે. નોટબુક હોય, પેન્સિલ હોય, રબર હોય, ચોપડી હોય, બધી જ વસ્તુઓ હોય અને ત્યાં લખેલું હોય અને એક ડબો પડ્યો હોય. ત્યાં કોઇ માણસ હાજર ન હોય, બાળકોએ પોતાની મેળે વસ્તુઓ લેવાની અને હિસાબ કરીને પૈસા ચૂકવવાના. કોઇ લેનારો નહીં, કોઇ આપનારો નહીં, બધું જ ખુલ્લે ખુલ્લું જાતે જ કરવાનું. ભાઈઓ-બહેનો, આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમ શાળાઓમાં ચાલે છે પરંતુ ક્યાંય એક પણ બાળકે એક પણ વસ્તુની ચોરી નથી કરી, એક પણ પૈસાની ચોરી નથી કરી અને પૂરેપૂરા પૈસા ચૂકવ્યા છે. આ ટ્રસ્ટીશિપના સંસ્કાર શાળાની અંદર આપવાનું કામ આ અમારી સરકાર કરે છે. મહાત્મા ગાંધીએ એમને કહ્યું હતું, એનો અમલ કરાવી, બાળકોના સંસ્કારમાં આવે એના માટેનું અમે અભિયાન ઉપાડ્યું છે. ગુજરાતની અંદર ભૂકંપ થયો, ભૂકંપની અંદર શાળાના ઓરડા બનાવવાના હતા. શાળાના ઓરડા બનાવવા હતા તો આ કચ્છની અંદર એટલા બધા ઓરડા કે સરકારી તંત્ર બનાવવા જાય તો ક્યારે બને? આપણે એક વિચાર કર્યો કે ગામડાની અંદર લોકોને ભેગા કરીએ. ભૂકંપ પીડિત હતા, એમનાં પોતાનાં ઘર પડી ગયાં હતાં, કુટુંબમાં કોઇને કોઇ મર્યું હતું... ગામલોકોને મેં કહ્યું કે પહેલું કામ આપણે શાળાના ઓરડા કરવાના છે, આ નકશો છે અમે તમને નકશો આપીએ છીએ. તમે કામ પૂરું કરો, અમે તમને પૈસા આપીએ છીએ. સિમેન્ટ-બેંકમાંથી સિમેન્ટ લઈ આવો, લોખંડ-બેંકમાંથી લોખંડ લઈ આવો, પતરાં-બેંકમાંથી પતરાં લઈ આવો અને આ ડિઝાઇન પ્રમાણે તમે કામ પૂરું કરો. ગામની કમિટીઓ બની, રૂપિયા મેં એમને દઈ દીધા, ગામના લોકોએ ભેગા થઈ નક્કી કર્યું કે બે રૂમ હોય તો આપણે ત્રણ બનાવીએ, ત્રણ હોય તો પાંચ બનાવીએ, નાના હોય તો મોટા બનાવીએ, જમીન દાનમાં આપવી પડે તો જમીન આપીએ પણ સારી શાળા બનાવીએ..! ભાઈઓ-બહેનો, આ ભૂકંપગ્રસ્ત વિસ્તારની અંદર જ્યાં જ્યાં શાળાઓ બની, અમે પૈસા આપ્યા હતા લોકોને. આ ભૂકંપપીડિત લોકો હતા, એ સિમેન્ટ પોતાના ઘરે લઈ જઈ શક્યા હોત, એ લોખંડ પોતાના ઘરે લઈ જઈ શક્યા હોત, એ પતરું પોતાના ઘરે લઈ જઈ શક્યા હોત, એમને શાળા બનાવવામાં બે-પાંચ રૂપિયા કાઢવા હોત તો કાઢી શક્યા હોત પણ મારે ગૌરવ સાથે કહેવું છે કે આ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને કારણે, એમના પર ભરોસો મૂકવાના કારણે, કામ પૂરું થયા પછી આ ગામડાના લોકોએ બચેલા પૈસા સરકારમાં પાછા જમા કરાવ્યા અને એ રકમ લગભગ ત્રણ કરોડ રૂપિયા હતી. આ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત છે. મહાત્મા ગાંધીનું આ સપનું અમે કેવી રીતે સાકાર કરીએ છીએ એ હું આપને બતાવવા માગું છું.

હાત્મા ગાંધી કહેતા હતા, ‘ગ્રામરાજ્યથી રામરાજ્ય’. પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવી હોય તો કેવી રીતે અપાય? ઉત્તમમાં ઉત્તમ શ્રદ્ધાંજલિ કઈ? હું તો હંમેશા કહું છું કે પૂજ્ય બાપુને એક બાબત સૌથી પ્રિય હતી અને એ પ્રિય બાબત હતી સ્વચ્છતા. મહાત્મા ગાંધી સ્વચ્છતાની બાબતમાં બહુ આગ્રહી હતા, સ્વચ્છતાની બાબતમાં કોઇ સમાધાન નહોતા કરતા. ભાઈઓ-બહેનો, આ રાજ્ય સરકારે એનું એક અભિયાન ઉપાડ્યું અને ગામડે ગામડે શૌચાલયો બનાવવાનું અભિયાન ઉપાડ્યું. નિશાળો હતી, દીકરીઓ માટે અલગ શૌચાલયો નહોતાં. શૌચાલયો બનાવવાનું અભિયાન મેં ઉપાડ્યું અને આ કામ કરતો હતો ત્યારે પ્રત્યેક પળે મને મહાત્મા ગાંધીની વાત યાદ આવતી હતી. આજે ગુજરાતની અંદર ગયા પચાસ વર્ષમાં જેટલા શૌચાલય બન્યાં હશે એના કરતાં વધારે શૌચાલય આ દસ વર્ષની અંદર બનાવ્યાં છે જેના કારણે માં-બહેનને શરમાવું ના પડે, એને ખુલ્લામાં હાજત ન જવું પડે, માં-બહેનોની તબિયત ખરાબ ના થાય એની ચિંતા કરવાનું કામ આ સરકારે કર્યું છે અને મહાત્મા ગાંધીના સપનાને સાકાર કરવાની વાત કરી છે.

હાત્મા ગાંધી કહેતા હતા કે હિંદુસ્તાન ગામડાઓનો દેશ છે, ગામડું સમૃદ્ધ થશે તો દેશ સમૃદ્ધ થશે. અને ગામડાની અંદર બહેનોને કામ આપવાનું કામ આપણે શરૂ કર્યું. હસ્તકલા કરે, કારીગરી કરે, નાના મોટા ઉદ્યમનાં કામો બહેનો કરે. ગરીબીની રેખા નીચે આ ‘મિશન મંગલમ’ અંતર્ગત ગુજરાતની અંદર અઢી લાખ જેટલાં નાનાં નાનાં સખીમંડળો બન્યાં છે, અઢી લાખ જેટલાં સખીમંડળો. પચીસ લાખ કરતાં વધારે બહેનો આ સખીમંડળની મેમ્બર બની છે. ગરીબ પરિવારની બહેનો છે, કોઇ રોજનો એક રૂપિયો બચાવે છે, કોઇ રોજના પાંચ રૂપિયા બચાવે છે, એ બહેનો ભંડોળ એકત્ર કરે છે. છ મહિના સુધી એમનો કારોબાર સરખો ચાલે તો સરકાર એમાં થોડી રકમ ઉમેરે છે અને પછી બેંકોમાંથી પૈસા અપાવે છે. મારે ગર્વ સાથે એ કહેવું છે કે ગુજરાતનાં ગામડાંની ગરીબ બહેન ગુજરાતના આર્થિક વિકાસમાં ભાગીદાર બને એ માટે, એ આર્થિક પ્રવૃત્તિમા જોડાય, સ્વમાનભેર જીંદગી જીવતી થાય એના માટેનું અભિયાન ઉપાડ્યું છે અને એના કારણે આજે ગુજરાતનાં ગામડાંની ગરીબ બહેનો પાસે, સખીમંડળની બહેનો પાસે ચૌદસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છે, ચૌદસો કરોડ રૂપિયા. એક હજાર અને ચારસો કરોડ રૂપિયા અને એક કાણી પાઈ આમતેમ નથી થઈ. અને મારું સપનું છે, માતાઓ-બહેનો, આગામી બે-ત્રણ વર્ષમાં આ આંકડો મારે પાંચ હજાર કરોડે પહોંચાડવો છે. પાંચ હજાર કરોડ રૂપિયા ગુજરાતની ગરીબ પરિવારની માં-બહેનોના હાથમાં હોય, અને કોઇને કોઇ નાની પ્રવૃત્તિ કરતી હોય, ખાખરા બનાવતી હોય, પાપડ બનાવતી હોય, સીવણકામ કરતી હોય... અહીંયાં હું ગયો, બહેનોએ મોતીનાં નાનાં-મોટાં કામ કર્યાં હતાં. મેં પૂછ્યું શું કામ કર્યું છે? તો કહે કે અમારું પચાસ હજાર રૂપિયાનું કામ થાય છે અને અમને બધી બહેનોને મહિને બારસો-પંદરસો રૂપિયા મળી રહે છે, અમારી ઘરની આવકમાં પૂરક થઇએ છીએ. આ સ્વાશ્રય ઊભું કરવાનું કામ આ રાજ્ય સરકારે ગાંધીજીના સપનાને પૂરું કરવા માટે કર્યું છે.

હાત્મા ગાંધી કહેતા હતા કે લોકસભાની ચૂંટણી થાય, વિધાનસભાની ચૂંટણી થાય, પણ જ્યારે ગામડામાં ચૂંટણી થાય છે ત્યારે આખું ગામ બે ભાગમાં વહેંચાઇ જાય છે. દીકરીઓ સાસરે ગયેલી પાછી આવે ચૂંટણીના કારણે ગામડામાં. એટલાં બધાં ધિંગાણાં થાય, વાતાવરણ બગડી જાય. મહાત્મા ગાંધી, વિનોબાજી કહ્યા કરતા હતા કે ગામડાંની અંદર ચૂંટણી સર્વસંમતિથી થવી જોઇએ, ગામડાંની અંદર વિખવાદ ન થવા જોઇએ, ગામડું એક રહેવું જોઇએ. મહાત્મા ગાંધીજીના વિચારોને વિનોબાજીએ વ્યક્ત કર્યો હતો. આપણે સમરસ યોજના લાવ્યા અને આજે ગુજરાતમાં પચાસ ટકા કરતાં વધારે ગામો એવાં છે કે જ્યાં ગામના લોકો સંપીને પોતાની બોડી બનાવે છે. કોઇ ચૂંટણીઓ નથી કરતા, બધા સંપીને કામ કરે છે અને પ્રગતિ કરે છે. આ સમરસ ગામને આગળ વધારવા માટે હમણાં તો મેં ત્રણ લાખ અને પાંચ લાખ રૂપિયા વધારાના આપવાની જાહેરાત કરી છે જેથી કરીને ગામડામાં એકતા રહે. આ જ અમારી સદભાવના છે. મારે એકતાના વાતાવરણને વધારે મજબૂત કરવું છે, વેરઝેરમાંથી લોકોને મુક્ત કરાવવા છે. ગામડામાંથી વેરઝેર જવું જોઇએ, શહેરમાંથી વેરઝેર જવું જોઇએ, રાજ્યમાંથી વેરઝેર જવું જોઇએ, રાજ્યો રાજ્યો વચ્ચેનું વેરઝેર જવું જોઇએ, દેશ આખામાંથી વેરઝેર જવું જોઇએ એના માટે આ સદભાવના મિશનનું કામ ઉપાડ્યું છે.

ભાઈઓ-બહેનો, આ એક પવિત્ર કામ છે. કોઇનો વિરોધ કરવામાં હું ટાઇમ બગાડતો નથી. જેમને જે કહેવું હોય એ કહે, જેટલું કહેવું હોય એટલું કહે, ડિક્શનેરીમાંથી જેટલી ગાળો વાપરવી હોય એટલી વાપરે, જેટલા જૂઠા આરોપો કરવા હોય એટલા કર્યા કરે... મારો મંત્ર એક જ છે - છ કરોડ મારા ગુજરાતીઓ, છ કરોડ મારા ગુજરાતીઓ, છ કરોડ મારા ગુજરાતીઓ... એમનો વિકાસ, એમનો વિકાસ, એમનો વિકાસ... આ એક જ કામ મારે કરવું છે, મારે આ પળોજણમાં પડવું નથી, ટાઇમ બગાડવો નથી પણ જે લોકો છાશવારે કાદવ ઉછાળે છે, છાશવારે આરોપો કરે છે, ગંદી વાતો કરે છે, એમને મારે એટલું જ કહેવાનું છે કે તમે જેટલો કાદવ વધારે ઉછાળશો એટલું જ કમળ વધારે ખીલવાનું છે. કાદવ જેટલો વધારે ઉછાળશો એટલું જ કમળ વધારે ખીલવાનું છે અને એટલા માટે આ દિલ્હીમાં બેઠેલા તમારા બાદશાહોને ખુશ કરવા માટે આ તમે જે ગોરખધંધા આદર્યા છે ને એને ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારશે નહીં. ભાઈઓ-બહેનો, આજે સવારથી આ વણઝાર લાગી હતી. મને પાણી પીવાનો સમય નહોતો મળતો, બેસવાનો સમય નહોતો મળતો. આવું દ્રશ્ય મિત્રો, ભાગ્યે જ જોવા મળે છે, ભાગ્યે જ જોવા મળે. આ સદભાવના મિશનમાં હું જ્યાં ગયો છું ત્યાં આ જ ઉમંગ, આ જ ઉમળકો... પણ છાપામાં કે ટી.વી. માં જુઓ તો જુદું જ હોય અને તમને એમ થાય કે અમે ત્યાં આટલું બધું જે જોઇ આવ્યા છીએ અને છાપામાં તો જુદું આવ્યું..! તો તમને થતું હશે કે આ પત્રકાર ભાઈઓ બેઠા છે, આ ટી.વી.વાળાઓએ આખો દિવસ બેઠા બેઠા કર્યું શું? મારી તમને વિનંતી છે કે તમે આમના ઉપર કોઇ આરોપ ના કરતા. કાલે તમને કોઇ ફોટો ના દેખાય તો આ ફોટોગ્રાફરો ઉપર ગુસ્સો ના કરતા. કાલે તમને કઈ સારું વાંચવાનું ના મળે તો આ સવારથી ભૂખ્યા બેઠા છે આ બધા એમની ઉપર ગુસ્સો ના કરતા, એમનો કોઇ દોષ નથી. એ તો સવારથી બિચારા ખડે પગે બેઠા છે, મહેનત કરી રહ્યા છે. અત્યારે બિચારા સરસ મજાનો રિપૉર્ટ તૈયાર કરશે, પાનાં ભરી ભરી તૈયાર કરશે, ચોકઠાં બનાવશે, સરસ સરસ વાક્યો લેશે, ફોટા ભેગા કરશે, બધી મહેનત કરશે... પણ દિલ્હીથી ફોન આવશે, એમના શેઠિયા ઉપર આવશે. ટી.વી. પર ફોન જશે કે ખબરદાર, મોદીનું તો છાપતા જ નહીં. પચાસ હજાર હોય તો પાંચ હજાર જ લખજો, ચાર હજાર ઉપવાસ ઉપર બેઠા હોય તો ચારસો જ લખજો... અને જો ભૂલેચૂકે અવળું કરશોને તો પછી સારું નહીં રહે એવો રોજ શેઠિયાઓને ફોન કરે. અહીં પોરબંદરમાં તો એક દિવસ પહેલાં જ ફોન કર્યા બોલો. પોરબંદરમાં ખાસ સ્પેશિયલ કાર્યક્રમ કર્યો. આમ સાંજે તો ફોન કરે જ છે પણ આ પોરબંદરમાં તો ગઈકાલે પણ કર્યા કે ભાઈ આબરૂનો સવાલ છે હોં. અહીં જે થાય તે પણ છાપામાં તો તમે જુદું છાપજો. આ બધું થશે... શેઠિયાઓને ધમકી આપે છે કે જો તમે અમારી વાત નહીં છાપો અને જો મોદીની છાપશોને તો તમારો કાગળનો ક્વોટા કૅન્સલ કરી દઇશું, તમે ટી.વી. પર જો મોદીને સરખો બતાવ્યો તો તમારી ટી.વી. ચેનલો બંધ કરાવી દઇશું... આવી ધમકીઓ આપે છે! ભાઈઓ-બહેનો, આ દિલ્હીના બાદશાહોની ધમકીને કારણે કદાચ છાપામાં સાચી વાત ન પણ આવે, ટી.વી. માં કદાચ સાચી વાત ન પણ આવે, પણ મને ભરોસો છે ભાઈઓ, આ દિલ્હી દરબારોના લોકો નોંધી રાખે કે છાપામાં ભલે તમને જગ્યા મળતી હોય, ટી.વી. માં ભલે તમે દેખાતા હોવ પણ જનતા જનાર્દનના દિલમાં તો અમને જ જગ્યા મળી છે અને એ જ અમારી શક્તિ છે અને એના જ ભરોસે દસ દસ વર્ષથી સાહેબ, કલ્પના બહારનો ગંદવાડ ઉડે છે પણ જરાય વિચલિત થયા વગર માત્રને માત્ર આ જ મારા પરમાત્મા છે, આ જ મારો ઇશ્વર છે, આ મારો જનતા જનાર્દન જ મારો ભગવાન છે એમની સેવામાં ખપી ગયો છું.

 

જે પોરબંદરની ધરતી પર સદભાવના મિશન સાથે આ ઉપવાસના યજ્ઞમાં આપની સાથે બેઠેલ ચાર હજાર કરતાં વધારે ભાઈઓ એમાં જોડાયા અને પચાસ હજાર કરતાં વધારે લોકોની મેદની... હું દસ વર્ષથી પોરબંદરમાં સેંકડો વખત આવ્યો છું. મેં પોરબંદરની ધરતી પર આવો એકેય કાર્યક્રમ મારો જોયો નથી. મેં પોરબંદરની ધરતી પર મારો એક પણ આવો કાર્યક્રમ જોયો નથી એવો કાર્યક્રમ આજે સમાજના સૌ લોકોએ આવીને કર્યો. આપને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. આપ સૌ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છો. વહીવટી તંત્રએ જે સુંદર આયોજન કર્યું એ પણ અભિનંદનના અધિકારી છે. સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો, શિક્ષકો, આચાર્યો... બધા લોકોને હું જોતો હતો કે કેવા ઉમળકાથી આ કાર્યને આગળ વધાવ્યું છે, આ સૌ લોકો અભિનંદનના અધિકારી છે. આપણે આ સદભાવનાના મંત્રને ગામેગામ પહોંચાડીએ, ઘરે ઘરે પહોંચાડીએ, ગામમાં નાના મોટા વિખવાદ હોય તો આજે નક્કી કરીએ કે ભેગા મળીને એ પણ પૂરા કરી દેવા છે. મંદિરનો કોઇ ઝગડો હોય તો પૂરું કરી દેવું છે, કોઇ કુટુંબ સાથે વાંકું પડ્યું હોય તો પૂરું કરી દેવું છે અને એકતા સાથે, ભાઈચારા સાથે, સદભાવનાની વાત લઈને માત્રને માત્ર વિકાસ, માત્રને માત્ર વિકાસ, માત્રને માત્ર વિકાસ, માત્રને માત્ર વિકાસ... આ મંત્રને લઈને આગળ વધીએ એટલી જ અપેક્ષા.

 

ય જય ગરવી ગુજરાત..!!

 

ભારત માતા કી જય..!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi, German Chancellor Merz attend the joint press meet in Ahmedabad
January 12, 2026