મંચ પર બિરાજમાન આદરણીય ન્યાયમૂર્તી શ્રી ત્રિપાઠી સાહેબ, શ્રીમાન જયંતભાઈ, મંત્રીમંડળના મારા સાથી શ્રીમાન પ્રદિપસિંહ જાડેજા, શ્રીમાન કમલભાઈ ત્રિવેદી, શ્રી તુષારભાઈ મહેતા, શ્રી પ્રકાશભાઈ જાની, ઉપસ્થિત મુરબ્બી શ્રી ઠક્કર સાહેબ, સૌ આદરણીય હાઈકોર્ટના અન્ય ન્યાયમૂર્તિશ્રીઓ અને સૌ સાથી વિદો..!
સૌ પહેલાં તો આ કાર્યક્રમની કલ્પના માટે અને આયોજન માટે સંબંધિત સૌને હું અંત:કરણપૂર્વક અભિનંદન આપું છું. આ એલ.ડી. આવ્યો હોત, આયોજન થયું હોત, પણ હું નથી માનતો કે આખા ઇવેન્ટની કોઈ પ્રતિષ્ઠા ઊભી થઈ હોત યા એનું આકર્ષણ ઊભું થયું હોત. એ ત્યારે જ શક્ય બન્યું અને એનું મહાત્મય ત્યારે જ જળવાયું કે જ્યારે નામદાર હાઈકોર્ટના આદરણીય જજોની અહીં આવવાની ઉત્કંઠા, અનુમતિ અને હાજરી, આણે આમાં મોટો રંગ ભર્યો છે, અને એટલે આની એક સૅંક્ટિટિ ઊભી થઈ છે. હું માનું છું કે આ એક એક બહુ જ મોટી ઘટના છે. ગુજરાતે આ પહેલીવાર કર્યું હોય એ તો આનંદની વાત છે જ, અને ઘણું બધું પહેલું આપણે જ કરવાનું છે, અને એટલા માટે હું મારા આનંદની અભિવ્યક્તિ આ પ્રસંગે કરવા માંગું છું..!
મને વ્યક્તિગત આનંદ એ પણ છે કે આમાંના મોટાભાગના લોકો એવા છે કે જે પહેલીવાર મહાત્મા મંદિર આવ્યા હશે. મેં મારા મિત્રોને કહ્યું છે કે મહાત્મા મંદિર જોવા માટે પણ એક ગાઇડેડ ટૂર કરવી પડે એવું હોય છે, તો કોઈ વ્યવસ્થા કરશે. અહીં નીચે ટેક્નોલૉજીનો ભરપૂર ઉપયોગ કરીને મહાત્મા ગાંધીના જીવન પર એક પ્રદર્શની તૈયાર કરી છે. આપ જરૂર જોજો અને સમય મળે પરિવારને અને ખાસ કરીને બાળકોને પણ લઈને આવજો. ગાંધીને સમજવા માટે થઈને ખૂબ ઊપયોગી એક વ્યવસ્થા અહીંયાં વિકસાવેલી છે. અનેક બાબતો એવી હોય છે કે જે છાપામાં બહુ ઓછી આવતી હોય છે અને ઘણીવાર નથી આવતી હોતી અને એના કારણે આ વર્ગ એવો છે કે જેની પાસે બહુ જલ્દી પહોંચતી જ નથી. આ મહાત્મા મંદિરની એક વિશેષતા એ છે કે એમાં ગુજરાતનાં દરેક ગામમાંથી માટી અને ગામનું પવિત્ર જળ, હિંદુસ્તાનના દરેક રાજ્યની માટી અને ત્યાંનું પવિત્ર જળ અને વિશ્વમાં જે જે દેશોમાં હિંદુસ્તાની સમાજ રહે છે એમના દ્વારા ત્યાંની માટી અને ત્યાંનું જળ, એ બધાને આના પાયામાં પધરાવ્યા પછી એની એક સૅંક્ટિટિ ઊભી કરીને આ મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો છે..! ગાંધી એક યુગપુરૂષ હતા, એક વિશ્વમાનવ હતા, એની પ્રત્યેક ચીજમાં અનુભૂતિ થાય એના માટે મારી બુધિશક્તિ પ્રમાણે જે વિચાર આવ્યા એના આધારે આયોજન કર્યું છે..!
બીજું, સરકાર એટલે..! આવી એક સહજ માન્યતા... અને એમાં કોઈને ખોટુંય નથી લાગતું, એ તો કહે એમ જ હોય, સરકાર એટલે..! પોસ્ટ ઓફિસ અને સરકાર, બેય સરખાં, ટપાલ જાય કે ના જાય..! એકવાર ભારત સરકારે એક પોસ્ટેજ સ્ટેંપ બહાર પાડી હતી. શ્રીકૃષ્ણ અર્જુનના રથને લઈને જાય છે એવી પોસ્ટેજ સ્ટેંપ હતી. હવે તો એવું બધું નીકળવું મુશ્કેલ છે કારણકે બિનસાંપ્રદાયિકતાનું વાવાઝોડું એટલું મોટું છે કે એય તમે ના કરી શકો..! પણ એ સમયે કર્યું હતું અને જે કહેવાતી બિનસાંપ્રદાયિક સરકારો છે એમણે કર્યું હતું..! અને એમાં લખ્યું હતું ‘કર્મણ્યે વાધિકારસ્તે..’, એટલે મને એક ભાઈએ કહ્યું કે સાહેબ, આ બહુ સારું કર્યું..! મેં કહ્યું કે ખરેખર સાચી વાત કરી છે. મને કહે કે કેમ? મેં કહ્યું, તમે ટપાલ નાખજો, કર્મ કરજો... વકીલોને કંઈ આગળનું કહેવાનું ના હોય..! સરકાર એટલે આવી આબરૂ..! ખબર નહીં કેમ આમ થઈ ગયું છે અને કોઈને એમ લાગતું જ નથી કે સરકાર એટલે આપણી..! બસમાં બેસે, તો એમ માને કે એ તો સરકારી છે, હોસ્પિટલ તો સરકારી છે..! ભાઈ, સરકારી નહીં, તારી છે..! આ ઓનરશિપનો ભાવ, એને કોઈપણ સ્વરૂપમાં આઝાદી પછી જેટલા પ્રમાણમાં તીવ્રતાથી પ્રગટ કરવો જોઈતો હતો, એમાં ક્યાંકને ક્યાંક ઉણપ રહી છે અને પરિણામે એક મોટી ખાઈ થઈ ગઈ છે. અને કદાચ લોકતંત્ર માટે મોટામાં મોટું કોઈ સંકટ હોય તો એ લોકોએ બનાવેલી વ્યવસ્થા માટે જ લોકોને અવિશ્વાસ હોય એ છે અને તેથી એમાં પુન:વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટેના જે અનેક મહત્વનાં એકમો છે તેમાંનું એક મહત્વનું એકમ છે ન્યાય..! ન્યાય એટલે પોતાનું કામ પત્યું અને ચલો પૂરું થયું, બહુ પળોજણ હતી, કોર્ટના ધક્કા ખાઈ ખાઈને મરી ગયો, ચાલો હવે પત્યું, એમ કહીને છૂટકારો મેળવે એટલા પૂરતું નહીં..! અને છ કરોડ નાગરિકોમાંથી કંઈ બધાને રોજ સવારે કોર્ટમાં જવું નથી પડતું, મારા જેવા અનેક લોકો છે જેણે હજુ કોર્ટ જોઈ નથી. એવા ઘણા નાગરિકો હશે આ દેશમાં કે જેને કોઈ દિવસ પનારો જ ના પડ્યો હોય..! ઘટના ભલે નાની હોય, તો પણ એની અસર વ્યાપક હોય છે. લોકજીભે એ બાબત ચર્ચાતી હોય છે. અને તેથી સરકારના પક્ષે હોઈએ કે વ્યવસ્થાના પક્ષે હોઇએ, આપણા મનમાં એક ભાવ અવશ્ય રહેવો જોઇએ કે આપણી દરેક ગતિવિધિથી એક નવું વિશ્વાસનું વાતાવરણ કેમ પેદા થાય..! અને ઘણીવાર કોઈ માણસ માંદું હોય અને કોઈ મળે તો કહે કે આ લેજો, એટલે તરત લઈ લે. કલાક પછી બીજો મળે અને કહે કે એમ, આ છે? આ લઈ લો..! તો લઈ લે છે. કેમ..? કારણકે અવિશ્વાસ મુખ્ય કારણ છે એટલે એ લીધા કરે છે. પણ કેટલાક એવા હોય કે ભાઈ, તમારી સલાહ બરાબર છે, પણ હું ફલાણાને પૂછીશ અને પછી નક્કી કરીશ. તું જે બધાં પડીકાં લાવ્યો હોય એ મૂક અહીંયાં..! કારણ, એનો ક્યાંક વિશ્વાસ છે..! તો બાકી બધા પ્રવાહોમાંથી તારવી લેવાનું એનામાં સામર્થ્ય પેદા થતું હોય છે અને આ સ્થિતિ ઊભી કરવામાં આપણે શું ભૂમિકા અદા કરી શકીએ..? આજના આ સેમિનારમાં જે કોઈપણ એક્સપર્ટ સ્વજનો આપણને વાત કરવાના છે એમાંથી જરૂર ખૂબ બધા રસ્તા આપણને જડશે, ઘણું બધું ઉપલબ્ધ થશે..!

મને એક વિચાર હમણાં આવ્યો કે જેમ આ એક પ્રયાસ છે, એમ બીજી એક મથામણ એ છે કે સરકારનું ડિપાર્ટમેન્ટ, જે મેઇન લિટિગન્ટ હોય છે અને પબ્લિક પ્રોસિક્યુટર, આ બંને વચ્ચે પણ મને લાગે છે કે મોટી ખાઈ હશે..! તો જેમ આ એક સેમિનાર કર્યો, એમ ડિસ્ટ્રીક્ટ લેવલ પર ગવર્નમેન્ટ સિસ્ટમ, ગવર્નમેન્ટ ઓફિસર્સ, આખી પ્રક્રિયા, ફાઈલો, ફલાણું, ઢીંકણું, એની સાથે જોડાયેલા લોકો અને ગવર્નમેન્ટ વતી જઈને બધે માથાઝીંક કર્યા કરે છે એ મિત્રો, એ બન્ને બેસીને જો ત્રણ-ચાર મહિને એકાદવાર ડિટેઈલમાં જો ડિસ્કશન થાય, તો હું માનું છું ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ ત્યાં જ થઈ જાય..! ઘણીવાર તો પબ્લિક પ્રોસિક્યુટર હોય પણ એને સવારે દસ વાગે કોર્ટમાં ખબર પડે કે આજે તો તારીખ છે અને પેલા કેસની મુદત છે, એટલે પેલો ડિપાર્ટમેન્ટવાળો દોડતો-દોડતો આવ્યો હોય. ડિપાર્ટમેન્ટવાળા ભાઈ રજા ઉપર હોય એટલે એણે બીજાને મોકલ્યો હોય, બીજો કહે કે કયો કેસ છે એ ખબર નથી... આવું બધું તો તમારે રોજનું હશે ને..! આ તો ઘણાને એવું લાગે કે મુખ્યમંત્રીને આ બધી કંઈ ખબર નથી હોતી, એવું નથી ભાઈ, બધી ખબર હોય છે..! એટલે મિત્રો, આ એક મુદ્દો. બીજી બાબત, ટ્યૂશન ક્લાસીસનું મહાત્મય વધ્યું અને શાળાના શિક્ષણનું ઘટ્યું, કારણ..? જે શિક્ષક શાળામાં ઉત્તમ શિક્ષક હતો એને થયું કે જો બધું અહીં જ વાપરીશ તો ત્યાંનું શું..? એટલે એમ કહે કે ભાઈ, તું વિદ્યાર્થી બરાબર છે પણ એક કામ કરજે, તું પેલામાં આવજે ને... પછી ઉત્તમ ભણાવે..! ઘણીવાર જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરો મફતમાં સેવા આપે, મફતમાં..! નૉટ ઓન્લી ધૅટ્, મફતમાં સેવા લો એના માટે દબાણ આપે કે સાહેબ, વી.એસ. માં મૂકી આપોને, મારે સેવા કરવી છે..! પણ સ્ટેથોસ્કૉપ ભૂલી જાય પણ વિઝિટીંગ કાર્ડ ના ભૂલે અને પેશન્ટને આપે જ..! કેમ..? અહીં બધું બરાબર છે, પણ ત્યાં સાંજે આવજો ને..! પછી આપણને ખબર પડે આ સેવા શું હતી..! તો સાહેબ, આપણે અહીં પતે તો પછી મારે ત્યાં આવશે એ વાતાવરણ ક્યાંય પનપવા ન દેવું જોઇએ, વિશ્વાસ પેદા કરવો જોઇએ કે યસ, આ વ્યવસ્થા છે અને આ વ્યવસ્થામાંથી, આ પ્રોસેસમાંથી મને પરિણામ મળવાનું જ છે..! આ ભરોસો પેદા કરવાની આવશ્યકતા છે.
બીજો એક વિષય મને વિચારવામાં આવે છે કે જેમ આ એક સેમિનાર કર્યો એમ આ મિત્રો પ્લસ એમનો એક સ્ટાફ હોય, જે એમની સાથે મદદમાં રહેતા હોય અને જે ટેક્નો-સૅવી હોય અને એ જૉઇન્ટ ટેક્નોલૉજી અંગેનો એક કે બે દિવસનો સેમિનાર કરવું જોઇએ, વર્કશોપ કરવું જોઇએ અને આજે લીગલ ફિલ્ડમાં કેટલા પ્રકારે આઈ.સી.ટી. નો ઉપયોગ થઈ શકે એમ છે, આપણી જાતને સ્ટ્રેન્ધન કરવા માટે કેટલી બધી સુવિધાઓ છે..! નૉટ ઓન્લી ધૅટ્, ઘણીવાર આપણે સરકારમાં આજે મારો કોઈ એક એગ્રીકલ્ચરનો કોઈ એક મુદ્દો છે, જયંતભાઈ સાહેબને ત્યાં છે એટલે પગ ધ્રુજે છે, અને મને મારો પેલો ભાઈ મળ્યો નથી, બ્રીફીંગ મને મળ્યું નથી, સરકારી અધિકારી આવ્યા નથી..! મિત્રો, તમારા સ્ટાફમાં એટલો દમ હોવો જોઇએ કે વેબસાઈટ પર બધું જ અવેલેબલ હોય છે, તો ફટાફટ બધી જ ચીજો કાઢીને, પોતાની જાતને ઇક્વિપ કરીને, યસ મારી પાસે મિશનમોડ છે, મારી જવાબદારી છે, કદાચ નહીં આવ્યો હોય સરકારી માણસ, આઈ વિલ ફૂલફિલ... ત્યાં તમને ટેક્નોલૉજી બહુ જ મદદ કરી શકે. અને માત્ર લીગલ ફિલ્ડની માહિતી માટેનો ખજાનો ખોદવા માટે ટેક્નોલૉજી એટલું જ નહીં, પણ તમે સરાઉન્ડિંગ જે ફિલ્ડ સાથે જોડાયેલા છો એની કમ્પૅરેટિવ ડિટેઇલ્સ જો તમને જોઈતી હોય, માની લો કે તમે ગુજરાતમાં એક કેસ લડો છો, એવી જ બાબત ક્યાંક મધ્યપ્રદેશમાં બની છે તો તમે ઓનલાઈન સર્ચ કરીને આ બધી ચીજો ભેગી કરી શકો છો, બધું ઉપલબ્ધ છે. બહુ ઓછી ઘટનાઓ છે કે જ્યાં બધું રેફરન્સ મટીરિયલ ઉપલબ્ધ નથી..! આ ત્યારે જ શક્ય બને કે આપણે પોતે આના સામર્થ્યને એકવાર સ્વીકારવું પડે, આ વિરાટનાં દર્શન કરવા પડે. છેક કૃષ્ણના જમાનાથી આ ચાલ્યું આવે છે, તમે વિરાટનાં દર્શન ન કરાવો ત્યાં સુધી દુનિયા સમજે જ નહીં..! દેવકીને સમજાવવા માટે અને યશોદાને પણ સમજાવવા માટે એમણે એ જ કરવું પડ્યું..! તો મિત્રો, એકવાર ટેક્નોલૉજીની વિશાળતાના રૂપરંગને જાણવા પહેચાનવાનો એક કાર્યક્રમ મને લાગે છે સરકારે ગોઠવવો જોઇએ. અને મિત્રો હું અનુભવથી કહું છું, ટેક્નોલૉજી ખૂબ મદદરૂપ થાય છે, સદમાર્ગથી જો આપણે ચલાવવા માંગતા હોઇએ તો ખૂબ મદદરૂપ થાય છે, ઇવન તમારી આખી સિસ્ટમમાં તમે જે કંઈ ટેક્નોલૉજી લાવો... માનો કે તમારા ગવર્નમેન્ટ સાથે સંબંધિત ઓફિસર આવે છે કે ભાઈ, બુધવારે કેસ છે તો સોમવારે ટેક્નોલૉજીથી જ ફટાફટ દિવસમાં ત્રણ મેસેજ કેમ ના જાય, જ્યાં સુધી પેલાનો જવાબ ના આપે ત્યાં સુધી એસ.એમ.એસ. ગયા કરતા હોય. ને ટેક્નોલૉજી કામ કર્યા કરે, હા ભાઈ, મને વકીલને ત્યાંથી મેસેજ હતો અને આ કેસમાં મારે બ્રીફીંગ કરવા જવાનું છે, તરત જ પહોંચશે..! મને એમ લાગે છે કે આખી આ વ્યવસ્થામાં આપણે ટેક્નોલૉજીને કેવી રીતે જોડી શકીએ એનો એક વિચાર કરવો જોઇએ..!
મને ખબર નથી કે મીડિયાના મિત્રો આટલી મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં કેમ આવ્યા છે..! ઘણીવાર તો આપણને કાર્યક્રમમાં નહીં, પણ બીજા દિવસે છાપું વાંચીએ ત્યારે ખબર પડે કે અચ્છા, આવું હતું..? આવું બધું હોય છે..! ત્રિપાઠી સાહેબે કહ્યું એ બહુ સાચી વાત છે. તમને ખબર જ ન હોય કે આવું હતું, કંઈ નવું જ જોવા મળે..! ત્રિપાઠી સાહેબની પીડા સાચી છે પણ અમારે તો આ રોજનું છે. એમના વિના અમને નથી ચાલવાનું, અમારા વિના એમને નથી ચાલવાનું..! તમારો ટપલીદાવ રોજનો કાર્યક્રમ હોય છે, અમે સહન કરવા ટેવાયા છીએ..! આજકાલ તો બહુ યોજના પ્રમાણે ચાલતું જોઇએ છીએ. મને ખબર હોય કે ફલાણી તારીખે ફલાણા કેસની ડેટ છે તો સાહેબ, એના પહેલાં એન.જી.ઓ. નો એક સેમિનાર થયો હોય, છાપાંમાં ચગ્યું હોય, બીજા દિવસે ટી.વી. ઉપર ડિબેટ ગોઠવાણી હોય, એમાં ઇન્ટર્વ્યૂ ચાલ્યા હોય ને એક જબરદસ્ત માહોલ બનાવી દીધો હોય... અને પછી કોર્ટમાં મેટર આવે. આપણે જાણીએ છીએ કે શું થાય..! તો આ આખું મોટું એક ષડયંત્ર મોટું ચાલી રહ્યું છે, એનું આ જ કામ છે, રોજબરોજનું..! પણ હવે એની અસર ઘટતી જાય છે, કારણ? એનું કારણ એ છે કે પહેલાં ઇન્ફર્મેશન ચેનલ ખૂબ ઓછી હતી, જ્યારે આજે એટલા બધા પ્રમાણમાં તમને માહિતીના સ્ત્રોત છે, માહિતી તમારી આંગળીના ટેરવે છે..! તમે નક્કી કરો કે મારે ઘેર બેઠાં આમાં પક્ષ-વિપક્ષ શું છે એ જાણવું છે, તો આપ શોધી શકશો, ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલું બધું ઉપલબ્ધ છે..! અને એ જેટલી ટેવ આપણે પાડીએ તો સરકારનું બ્રીફીંગ ગમે તેટલું સરસ હોય તો પણ સાચું કરવા માટે થઈને તમને ચોક્કસપણે માહિતી મળી જ રહે, મળી જ રહે અને મળી જ રહે, એવો મારો વિશ્વાસ છે. પણ આપણે એની ટેવ પાડવી પડે, આ બધી જ બાબતોની ટેવ પાડવી પડે..!
ત્રીજી વસ્તુ છે મિત્રો, જેટલું હું સમજું છું, કારણકે મને આ પ્રૉફેશનની બહુ લાંબી ખબર નથી, પરંતુ મને લાગે છે કે જ્યુડિશિયરી હોય કે આ ભાગ હોય કે પછી સરકાર હોય, આપણે બધા એક વ્યવસ્થાના ભાગ છીએ. અને વ્યવસ્થા સમાજનું કંઈક સારું કરવા માટે હોય છે. મારા ભાગનું કામ હું કરીશ, જજીસ સાહેબના ભાગનું કામ એ કરશે, તમારા ભાગનું કામ તમે કરશો..! પણ અલ્ટીમેટ હેતુ એ છે કે સમાજનું કંઈ ઉત્તમ થાય, એના માટે આપણા બધાની આ મથામણ છે. પણ ઉત્તમતાના માર્ગની બાબતમાં આપણી ભૂમિકા કેવી છે? તમે જોયું હશે કે ઇવન ઇન સુપ્રીમ કોર્ટ, આજે પણ અનેક વકીલ એવા છે કે ફાઇલ લઈને ઊભા થાય એની સાથે જ 80% બાબતમાં કોર્ટ એમ માનીને ચાલે કે આ આવ્યા છે ને એનો અર્થ એ કે આ એવી બાબત નહીં હોય કે જેના કારણે એમણે હાથમાં લીધી હોય. એટલો ભરોસો હોય કે એમણે કહ્યું છે ને..! મને લાગે છે કે આપણા વ્યક્તિત્વની ઊંચાઈ એટલી હોવી જોઇએ કે ન્યાયપીઠ પર બેઠેલા માણસને આપણી દલીલોમાં દમ હોય કે ના હોય, પણ આપણી નિષ્ઠા પર ક્યારેય શક ન હોય એ મિત્રો સૌથી મુખ્ય બાબત છે..! અને એ બાબત ન્યાયમૂર્તિને ન્યાય કરવામાં મદદરૂપ થાય છે. જો આપણા વ્યક્તિત્વની અંદર જ પ્રોબ્લેમ હશે અને પછી આપણે દલીલો કરીએ અને લૉ પોઈન્ટ લાવીએ અને આજકાલ તો બીજા ભાષણો પણ થતાં હોય છે, અમારે ત્યાં ઍક્ટ પર ડિબેટ થતી હોય છે એ કોઈવાર સાંભળવા આવો તો ખૂબ ઈન્ટરેસ્ટીંગ હોય છે. ધારાસભા ધારા ઘડવા માટે હોય છે, પરંતુ ધારાની કલમ પર કોઈ ડિબેટ જ ના થાય..! મોદી સાહેબે આ કર્યું હતું, ને મોદી સાહેબે ત્યાં ગયા હતા, ને મોદી સાહેબ ફલાણે ગયા હતા, એના ઉપર જ થાય અને અમે સાંભળીએ છીએ, લોકશાહીની વ્યવસ્થા છે..! અને મિત્રો, એટલે મને લાગે છે કે વ્યક્તિગત રીતે આપણે કોર્ટને પૂરક બને એવું આખું આપણું આચાર-વિચારનું વાતાવરણ ઊભું કરવું જ જોઇએ. સમગ્ર ન્યાયપ્રક્રિયાને આપણે પોષક બનવા જોઇએ, પૂરક બનવા જોઇએ..! અમે ગવર્નમેન્ટના પ્રતિનિધિ તરીકે ઊભા છીએ ત્યારે અને સરકાર જનતા જનાર્દનનું પ્રતિનિધિત્વ કરે છે, એ કોઈનું સાલિયાણું લઈને બેઠેલી સરકાર નથી, પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રજા અલ્ટિમેટ છે... એ જો ભૂમિકા હોય, તો મને પૂરો વિશ્વાસ છે કે સમગ્ર વાતાવરણમાં પ્રજાનો વિશ્વાસ પણ પેદા થશે અને ન્યાયની પ્રક્રિયા પણ તેજ થશે..! અને મેં એવા ઘણા વકીલો જોયા છે કે જે અસીલને કહેતા હોય કે ભાઈ, બધું જ બરાબર છે પરંતુ તું શું કરવા રૂપિયા બગાડે છે, એમાં કંઈ નથી નીકળવાનું..! એનો તો વકરો હોય છે, તો પણ નહીં..! કેટલાક ડૉક્ટર એવા હોય છે કે જે કહેતા હોય કે ભાઈ, તમે નકામું ઑપરેશન કરાવો છો..! ઑપરેશન કરાવો તો એને વકરો થાય, પણ કરાવવાની જરૂર નથી, તમારું પતી જશે, બે દિવસ રાહ જુઓ..! એવા ડૉક્ટરોની જેમ એવા વકીલો પણ હોય છે કે સાહેબ, નકામું તમે આમાં પડો છો, શું કરવા તમે જીદ કરો છો, છોડોને, બીજા કામે લાગો..! અને અનેક અસીલ પણ એવા હોય છે કે વકીલે છોડી દેવાનું કહ્યું છે ને, હવે છોડો, જે થઈ ગયું એ થઈ ગયું, એમ કહીને આગળ વધતા હોય છે..! આ બધાની અંદર તમે જુઓ, કાયદાની કલમો કામ નથી કરતી, એનાથી ઉપર કોઈ ચીજ છે, અને જેને હું કહું છું, ભરોસો..! દરેક લેવલે કેવી રીતે આપણે એને પુન:પ્રસ્થાપિત કરી શકીએ એ દિશામાં આપણે સૌ જરૂર પ્રયાસ કરીશું..!
મિત્રો, મને વિશ્વાસ છે કે આ સેમિનાર ચોક્કસપણે એક પ્રકાશ પાથરનારો અવસર બની રહેશે અને જે લાંબા ગાળા સુધી આપણને બધાને લાભ કરશે, આપણી જવાબદારીની આપણને એક નવી અનુભૂતિ થશે. મારી આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ છે. વિશેષરૂપે આદરણીય ન્યાયમૂર્તિશ્રીઓને, આ આખાય કાર્યક્રમને પ્રાણવાન બનાવવા માટે, પ્રેરક બનાવવા માટે આપની હાજરી ખૂબ નોંધનીય છે, હું આવકારું છું..!
ખૂબ ખૂબ ધન્યવાદ..!


