મિત્રો,

ભારતની આઝાદીની
૬૪મી વર્ષગાંઠે આપ સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ આઝાદીના લડવૈયાઓને શત્ શત્ નમન.
ગત સપ્તાહે ગુજરાત ઉપર કુદરતની કૃપા વરસી છે. ગુજરાતની તરસી ધરતીને તરબતર કરતા મેઘરાજાની મહેરથી, સર્વત્ર આનંદઉલ્લાસથી જનજીવન મહેંકી રહ્યું છે.
આ આહ્લાદક પ્રકૃતિની નિશ્રામાં મહિમાવંત તહેવારોની યાત્રા શરૂ થઈ ગઈ છે.
આગામી દિવસોમાં ઉત્સવધારા વહેતી રહેવાની છે. મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબના જન્મદિવસ પણ ઑક્ટોબરમાં આવે છે.
ગુજરાત માટે સુભગ સંયોગ એ પણ છે કે આ સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં, ૬૪મું આઝાદી પર્વ વિરાટ વિકાસ ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યું છે.
સમગ્ર રાજકોટ જિલ્લો રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને ઉમંગ થી વધાવી રહ્યો છે. સત્યનો જ વિજય થાય છે સત્યમેવ જયતે એ આપણો સદીઓનો મંત્ર છે. સત્યમ્ શિવમ્ સુંદરમ્ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. આપણે ત્યાં પ્રાચીન દુહામાં કહેવાયું છે ‘‘સાચંુ સોરઠિયો ભણે’’ ‘‘સત્ય’’ આપણો સંસ્કાર વારસો છે. સ્વામી દયાનંદજી સરસ્વતીએ હિન્દુ સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા બીડંુ ઉઠાવ્યું. તેમણે રચેલ ગ્રંથનું નામ હતું ‘‘સત્યાર્થ પ્રકાશ’’ મહાત્મા ગાંધીએ જીવનકથાને ‘‘સત્યના પ્રયોગો’’ તરીકે ઓળખાવી, આઝાદીના આંદોલનને ‘‘સત્યાગ્રહ’’ના રંગેરંગી દીધું. સમાજ સુધારની ઝુંબેશ કરનાર પત્રકાર કરસનદાસ મૂળજીના અખબારનું નામ હતું ‘‘સત્યપ્રકાશ’’ ગુજરાતે ‘‘સત્ય’’ના શસ્ત્ર થકી અન્યાય, ઉપેક્ષા અને બદનામ કરવાના ષડ્યંત્રો સામે લડવાનો માર્ગ સ્વીકારેલો છે. ‘‘સાચને ન આવે આંચ’’ ‘‘સત્ય છાપરે ચડીને પોકારશે.’’ ‘‘સત્યનો જય’’ આજ આપણી શ્રદ્ધા છે.
મિત્રો, ઇન્ડિયા ટુડે અને ORG Marg દ્વારા સમગ્ર દેશમાં સર્વેક્ષણ થયું. ફરીથી એક વાર મને (Best CM) તરીકે દેશવાસીઓએ અને મારા ગુજરાતના વ્હાલા નાગરિકોએ પસંદ કર્યો. આપના સહુના તરફથી અભિનંદનની વર્ષા શરૂ થઈ. મારા માટે ઉત્તમ અભિપ્રાય આપનાર સહુ દેશવાસીઓનો હું આભાર માનું છું.
Visit The Article of "India Today" About The Best CM Of India
અપપ્રચાર, જુઠાણાં, ગંદા આરોપોના એકધારા મારા વચ્ચે પણ વિચલિત થયા વગર મારા પર વિશ્વાસ રાખનાર આપ સહુનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. હું આપનો ઙ્ગણી છું.આપની આશા, અપેક્ષાને અનુરૂપ ભારતમાતાની સેવા કરતો રહ્યો છું. અને કરતો રહીશ. આવો દેશ માટે જીવીએ, દેશ માટે કંઈક કરીએ વંદે માતરમ્.


