પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ફેબ્રુઆરી, 2019ના રોજ જલપાઈગુડીનું યાત્રાએ જશે. ત્યાં તેઓ એનએચ-31ડીના ફાલાકાટા-સલસલાબારી સેક્શનને ચાર માર્ગીય કરવાના કામનું ભૂમિપૂજન કરશે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો 41.7 કિલોમીટરનો લાંબો ભાગ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં આવેલો છે, અને તેના નિર્માણ પાછળ લગભગ રૂ. 1938 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પરિયોજનાથી સલસલાબારી અને અલીપુરદુઆરથી સિલિગુડીનું અંતર આશરે 50 કિ.મી. ઘટી જશે. એ મહત્વપૂર્ણ છે કેમ કે સિલીગુડી સુધી ઝડપથી પહોંચવાનો મતલબ છે રેલવે અને વાયુમાર્ગની સુધીની પહોંચ પણ વધુ સુગમ બની જશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ચા અને અન્ય કૃષિ ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવામાં સરળતા થશે. શ્રેષ્ઠ કનેક્ટિવીટીથી આ ક્ષેત્રના પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. રાજ્યમાં સામાજિક – આર્થિક પ્રવૃત્તિમાં મોટો વધારો થશે, જેનાથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી થશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરનારાઓની સલામતી માટે બધી આવશ્યક સુરક્ષા સુવિધાઓનો સમાવેશ કરાશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ વિભાગ પર 3 રેલવે ઓવર બ્રીજ, 2 ફ્લાયઓવર, 3 વાહન અન્ડરપાસ, 8 મેજર બ્રીજ અને 17 માઇનોર બ્રીજ હશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલપાઈગુડી ખાતે નવી હાઇકોર્ટ સર્કિટ બેન્ચનું પણ ઉદઘાટન કરશે. જલપાઈગુડીમાં કોલકાતા ઉચ્ચ ન્યાયાલયની સર્કિટ બેંચ દાર્જિલિંગ, કલીમપોંગ, જલપાઈગુડી અને કૂચબિહારના લોકોને ઝડપી ન્યાય પૂરો પાડશે. આ ચાર જીલ્લાના રહેવાસીઓએ હવે કોલકાતા હાઈકોર્ટ સુધી પહોંચવા માટે 600 કિમીની મુસાફરીને બદલે હવે આ બેંચ સુધી પહોંચવા 100 કિલોમીટરથી પણ ઓછી મુસાફરી કરવી પડશે.


