મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.
સાથીઓ, ઓપરેશન સિંદૂર કેવળ એક સૈન્ય અભિયાન નથી, પરંતુ તે તો આપણા સંકલ્પ, સાહસ અને બદલતા ભારતની તસ્વીર છે અને આ તસ્વીરે સમગ્ર દેશને દેશભક્તિના ભાવોથી ભરી દીધો છે, ત્રિરંગામાં રંગી દીધો છે. તમે જોયું હશે કે, દેશના કેટલાય શહેરોમાં, ગામોમાં, નાના નાના નગરોમાં ત્રિરંગાયાત્રાઓ કાઢવામાં આવી. હજારો લોકો હાથમાં ત્રિરંગો લઇને દેશની સેના, તેમના પ્રત્યે વંદન અભિનંદન કરવા નીકળી પડ્યા. કેટલાય શહેરોમાં Civil Defence Volunteer બનવા માટે મોટી સંખ્યામાં યુવાનો એકજૂથ થઇ ગયા અને આપણે જોયું કે, ચંદીગઢના વિડીયો તો ખૂબ વાયરલ થયા હતા. સોશિયલ મિડિયા પર કવિતાઓ લખાઇ રહી હતી. સંકલ્પગીત ગાવામાં આવી રહ્યા હતા. નાના નાના બાળકો ચિત્રો બનાવી રહ્યા હતા, જેમાં મોટા સંદેશ છૂપાયેલા હતા. હજી ત્રણ દિવસ પહેલાં જ બિકાનેર ગયો હતો. ત્યાં બાળકોએ મને એવું જ એક ચિત્ર ભેટ આપ્યું હતું. ‘ઓપરેશન સિંદૂરે’ દેશવાસીઓને એટલા પ્રભાવિત કર્યા છે કે, કેટલાય કુટુંબોએ તેને પોતાના જીવનનો એક ભાગ બનાવી દીધો છે, બિહારના કટિયારમાં, ઉત્તરપ્રદેશના કુશીનગરમાં, બીજા પણ કેટલાય શહેરોમાં, આ સમય દરમિયાન જન્મતા બાળકોના નામ ‘સિંદૂર’ રાખવામાં આવ્યા છે.
સાથીઓ, આપણા જવાનોએ આતંકના અડ્ડાઓનો નાશ કર્યો, આ તેમનું અદમ્ય સાહસ હતું. અને તેમાં સામેલ હતી, ભારતમાં બનેલા શસ્ત્રો, ઉપકરણો અને ટેકનોલોજીની તાકાત. તેમાં ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ પણ હતો. આપણા અન્જિનિયરો, આપણા ટેકનિશિયનો આમ, હરકોઇનો પરસેવો આ વિજયમાં સામેલ છે. આ અભિયાન પછી સમગ્ર દેશમાં ‘Vocal for Local’ માટે એક નવી ઉર્જા જોવા મળી રહી છે. કેટલીયે બાબતો દિલને સ્પર્શી જાય છે. કેટલાય માતાપિતાએ કહ્યું કે, ‘અમે હવે અમારા બાળકો માટે માત્ર ભારતમાં બનેલા રમકડા જ લઇશું’. દેશભક્તિની શરૂઆત બાળપણથી થશે. કેટલાય કુટુંબોએ શપથ લીધા છે કે, અમે અમારી આગામી રજાઓ દેશની કોઇ સુંદર જગ્યાએ વિતાવીશું. કેટલાય યુવાનોએ ‘Wed in India’ નો સંકલ્પ લીધો છે. તેઓ હવે, દેશમાં જ લગ્ન કરશે. કોઇએ એમ પણ કહ્યું છે કે, ‘હવે જે પણ ભેટ આપીશું તે કોઇ ભારતીય શિલ્પકારના હાથથી બનેલી હશે.’
સાથીઓ, આ જ તો છે, ‘ભારતની ખરી તાકાત.’ જનમનનું જોડાણ, લોકભાગીદારી. હું આપ સૌને પણ આગ્રહ કરું છું, આવો, આ અવસરે એક સંકલ્પ લઇએ – અમે અમારા જીવનમાં જ્યાં પણ શક્ય હશે, દેશમાં બનેલી વસ્તુઓને જ પ્રાથમિકતા આપીશું. આ માત્ર આર્થિક આત્મનિર્ભરતાની વાત નથી, આ રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદારીનો ભાવ છે. આપણું એક પગલું ભારતની પ્રગતિમાં બહુ મોટું યોગદાન બની શકે છે.
સાથીઓ, બસ દ્વારા ક્યાંય આવવું – જવું કેટલી સામાન્ય બાબત છે. પરંતુ હું આપને એક એવા ગામ વિશે જણાવવા માંગુ છું, જ્યાં પહેલી વાર એક બસ પહોંચી. આ દિવસની ત્યાંના લોકો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા. અને જ્યારે ગામમાં પહેલીવાર બસ પહોંચી તો લોકોએ ઢોલનગારા વગાડીને તેનું સ્વાગત કર્યું. બસને જોઇને લોકોની ખુશીનો પાર નહોતો. ગામમાં પાકો રસ્તો હતો, લોકોને જરૂર હતી, પરંતુ પહેલાં ક્યારેય ત્યાં બસ આવી શકી ન હતી. કેમ, કે આ ગામ માઓવાદી હિંસાથી અસરગ્રસ્ત હતું. આ જગ્યા છે, મહારાષ્ટ્રના ગઢચિરૌલી જીલ્લામાં, અને આ ગામનું નામ છે, કાટેઝરી. કાટેઝરીમાં આવેલા આ બદલાવને આસપાસના પૂરા ક્ષેત્રમાં અનુભવાઇ રહ્યો છે. હવે, અહીં પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઇ રહી છે. માઓવાદ વિરૂદ્ધની સામૂહિક લડાઇથી હવે એવા વિસ્તારો સુધી પણ પાયાની સુવિધાઓ પહોંચવા લાગી છે. ગામના લોકોનું કહેવું છે કે, બસ આવવાથી તે લોકોનું જીવન ઘણું સરળ બની જશે.
સાથીઓ, ‘મન કી બાત’માં આપણે છત્તીસગઢમાં યોજાયેલા બસ્તર ઓલિમ્પિક અને માઓવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિજ્ઞાન પ્રયોગશાળા પર ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીંના બાળકોમાં વિજ્ઞાનનું Passion છે. તેઓ રમતગમતમાં પણ કમાલ કરી રહ્યા છે. આવા પ્રયાસોથી જાણવા મળે છે કે, આ વિસ્તારોમાં રહેતા લોકો કેટલા સાહસિક હોય છે. આ લોકોએ તમામ પડકારો વચ્ચે પોતાના જીવનને બહેતર બનાવવાનો માર્ગ પસંદ કર્યો છે. મને જાણીને પણ ખૂબ આનંદ થયો કે, દસમા અને બારમાની પરિક્ષાઓમાં દંતેવાડા જીલ્લાના પરિણામો ખૂબ શાનદાર રહ્યાં છે. લગભગ 95 ટકા પરિણામો સાથે આ જીલ્લો દસમાના પરિણામોમાં ટોચ પર રહ્યો. તો, બારમાની પરિક્ષામાં આ જીલ્લાએ છત્તીસગઢમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું. વિચારો, જે દંતેવાડામાં ક્યારેક માઓવાદ ચરમ પર હતો, ત્યાં આજે શિક્ષાનો ધ્વજ લહેરાઇ રહ્યો છે. આવો બદલાવ આપણને સૌને ગર્વથી ભરી દે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, હવે હું સિંહો વિશે એક મોટા સારા સમાચાર આપને જણાવવા માંગું છું. પાછલા કેવળ પાંચ વર્ષોમાં જ ગુજરાતના ગીરમાં સિંહોની વસતિ 674થી વધીને 891 થઇ ગઇ છે. 674થી વધીને પૂરા 891 ! સિંહોની વસતિ ગણતરી પછી સામે આવેલી સિંહોની આ સંખ્યા ખૂબ ઉત્સાહિત કરનારી છે. સાથીઓ, તમારામાંથી ઘણા બધા લોકો એ જાણવા ઇચ્છતા હશે કે, આખરે આ સિંહોની વસતિગણતરી થતી કેવી રીતે હશે ? આ કવાયત ખૂબ જ પડકારરૂપ છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે, સિંહોની વસતિગણતરી 11 જીલ્લામાં 35 હજાર ચોરસ કિલોમીટરના ઘેરાવામાં કરવામાં આવી હતી. વસતિગણતરી માટે ચોવીસે કલાક આ વિસ્તારોની દેખરેખ રાખવામાં આવી હતી. આ પૂરા અભિયાનમાં ચોકસાઇ અને પુનઃચોકસાઇ બંને કરવામાં આવ્યા. પરિણામે ખૂબ ઝીણવટપૂર્વક સિંહોની ગણતરીનું કામ પૂરૂં થઇ શક્યું.
સાથીઓ, એશિયાઇ સિંહોની વસતિમાં વધારો એ બતાવે છે કે, જ્યારે સમાજમાં પોતાપણાની ભાવના મજબૂત થાય છે તો, કેવાં શાનદાર પરિણામ આવે છે. થોડા દાયકા પહેલાં ગીરમાં સંજોગો ખૂબ પડકારરૂપ હતા, પરંતુ ત્યાંના લોકોએ મળીને બદલાવ લાવવાનું બીડું ઝડપ્યું. ત્યાં latest technology સાથે global best practices ને પણ અપનાવવામાં આવી. આ દરમિયાન ગુજરાત એવું પહેલું રાજ્ય બન્યું, જ્યાં મોટા પ્રમાણમાં વનઅધિકારીઓના પદ પર મહિલાઓને તહૈનાત કરવામાં આવી. આજે આપણે જે પરિણામો જોઇ રહ્યા છીએ, તેમાં આ સૌનું યોગદાન છે. વન્યજીવ સંરક્ષણ માટે આપણે આ રીતે જ હંમેશા જાગરૂક અને સતર્ક રહેવું પડશે.
મારા વ્હાલા દેશવાસીઓ, બે ત્રણ દિવસ પહેલાં જ હું પ્રથમ Rising North East Summit માં ગયો હતો. એ અગાઉ આપણે ઇશાન ભારતના સામર્થ્યને સમર્પિત ‘અષ્ટ લક્ષ્મી મહોત્સવ’ પણ ઉજવ્યો હતો. ઇશાન ભારતની વાત જ કંઇક ઔર છે, ત્યાંનું સામર્થ્ય, ત્યાંની talent-પ્રતિભા, ખરેખર અદભૂત છે. મને એક રસપ્રદ વાત જાણવા મળી છે crafted fibers ની. crafted fibers એ કેવળ એક બ્રાન્ડ નથી, સિક્કિમની પરંપરા, વણાટકલા અને આજની ફેશનનો વિચાર એમ, ત્રણેયનો સુંદર સંગમ છે. તેની શરૂઆત કરી ડૉ. ચેવાંગ નોરબુ ભૂટિયાએ. વ્યવસાયે તેઓ પશુચિકિત્સક છે, અને દિલથી સિક્કિમની સંસ્કૃતિના સાચા બ્રાન્ડ એમ્બેસેડર. તેમણે વિચાર્યું કે, વણાટકામને કેમ એક નવું રૂપ આપવામાં ન આવે ! અને આ વિચારમાંથી જ જન્મ થયો Crafted fibers નો. તેમણે પરંપરાગત વણાટને આધુનિક ફેશન સાથે જોયું અને તેને બનાવ્યું એક સોશિયલ એન્ટરપ્રાઇઝ. હવે તેમને ત્યાં માત્ર કપડાં જ નથી બનતા પણ, તેમને ત્યાં જીંદગીઓ વણવામાં આવે છે. તેઓ સ્થાનિક લોકોને, કૌશલ્ય તાલીમ આપે છે, તેઓને આત્મનિર્ભર બનાવે છે. ગામડાઓના વણાટ કારીગરો, પશુપાલકો અને સ્વસહાય જૂથોને જોડીને ડૉ. ભૂટિયાએ રોજગારીના નવા માર્ગો બનાવ્યા છે. આજે સ્થાનિક મહિલાઓ અને કારીગરો પોતાના હુન્નરથી સારી કમાણી કરી રહ્યા છે. Crafted fibers ની શાલ, સ્ટોલ, હાથમોજાં, મોજાં આ બધું સ્થાનિક હાથશાળથી બનેલું હોય છે. એમાં જે ઉનનો ઉપયોગ થાય છે તે, સિક્કિમના સસલાં અને ઘેટાંઓમાંથી આવે છે. રંગ પણ સંપૂર્ણપણે પ્રાકૃતિક હોય છે – કોઇ રસાયણ નહીં, માત્ર કુદરતની જ રંગત. ડૉ. ભૂટિયાએ સિક્કિમના પરંપરાગત વણાટ અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી છે. ડૉ. ભૂટિયાનું કામ આપણને શીખવે છે કે, પરંપરાને જ્યારે passion સાથે જોડવામાં આવે તો તે, દુનિયાને કેટલી આકર્ષી શકે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે હું તમને એક એવી શાનદાર વ્યક્તિ વિશે જણાવવા માંગુ છું જે, એક કલાકાર પણ છે. અને જીવતી જાગતી પ્રેરણા પણ છે. નામ છે, જીવન જોશી, ઉંમર 65 વર્ષ. હવે વિચારો જેના નામમાં જ જીવન હોય તે કેટલી જીવંતતાથી ભરેલા હશે. જીવનજી ઉત્તરાખંડના હલદ્વાનીમાં રહે છે. બાળપણમાં પોલીયોએ તેમના પગની તાકાત છીનવી લીધી હતી, પરંતુ પોલિયો તેમની હિંમતને ન છીનવી શક્યો. તેમની ચાલવાની ગતિ ભલે થોડી ધીમી થઇ ગઇ, પરંતુ તેમનું મન કલ્પનાની તમામ ઉડાન ઉડતું રહ્યું. આ ઉડાનમાં જીવનજીએ એક અનોખી કળાને જન્મ આપ્યો – નામ રાખ્યું ‘બગેટ’ તેમાં તેઓ દેવદારના વૃક્ષોમાંથી નીકળતી સૂકી છાલથી સુંદર કલાકૃતિઓ બનાવે છે. એ છાલ કે જેને, લોકો સામાન્ય રીતે નકામી સમજે છે – જીવનજીના હાથમાં આવતા જ વારસો બની જાય છે. તેમની દરેક રચનામાં ઉત્તરાખંડની માટીની ખુશ્બુ હોય છે. ક્યારેક પહાડોના લોકવાદ્યો તો, ક્યારેક લાગે છે જાણે, પહાડોનો આત્મા આ કાષ્ટમાં સમાઇ ગયો હોય. જીવનજીનું કામ માત્ર કલા નથી, એક સાધના છે. તેઓએ આ કલામાં પોતાનું પૂરૂં જીવન સમર્પિત કરી દીધું છે. જીવન જોશી જેવા કલાકારો આપણને યાદ અપાવે છે કે, સંજોગો ભલે ગમે તેવા હોય, જો ઇરાદો મજબૂત હશે, તો, અશક્ય કંઇ નથી. તેમનું નામ જીવન છે, અને તેમણે હકીકતમાં બતાવી આપ્યું છે કે, જીવન જીવવું શું હોય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે કેટલીયે એવી મહિલાઓ છે, જે ખેતરોની સાથે હવે આકાશની ઉંચાઇઓ પર કામ કરી રહી છે. હા જી ! તમે સાચું જ સાંભળ્યું, હવે, ગ્રામ મહિલાઓ drone દીદી બનીને drone ઉડાવી રહી છે. અને ખેતીમાં નવી ક્રાંતિ લાવી રહી છે.
સાથીઓ, તેલંગણાના સંગારેડ્ડી જીલ્લામાં, થોડા સમય પહેલાં સુધી જે મહિલાઓને બીજા પર નિર્ભર રહેવું પડતું હતું, તે જ મહિલાઓ ડ્રોનથી 50 એકર જમીન પર દવાના છંટકાવનું કામ પૂરૂં કરી રહી છે. સવારે ત્રણ કલાક, સાંજે બે કલાક અને કામ પૂરું. તડકામાં શેકાવું નહીં, ઝેર જેવા રસાયણોનું જોખમ નહીં. સાથીઓ, ગામલોકોએ પણ આ પરિવર્તનને દિલથી સ્વિકારી લીધું છે. હવે આ મહિલાઓ ‘drone operator’ નહીં, ‘sky warriors’ – આકાશી વિરાંગનાઓના નામથી ઓળખાય છે. આ મહિલાઓ, આપણને જણાવી રહી છે – પરિવર્તન ત્યારે આવે છે જ્યારે ટેકનોલોજી અને સંકલ્પ એકસાથે ચાલે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ને હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આ અવસર યાદ અપાવે છે કે, જો તમે હજી પણ યોગથી દૂર હો તો હવે યોગ સાથે જોડાવો. યોગ તમારું જીવન જીવવાની રીત બદલી નાંખશે. સાથીઓ, 21 જૂન 2015માં, ‘યોગ દિવસ’ની શરૂઆત પછીથી જ તેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. આ વખતે પણ ‘યોગ દિવસ’ને લઇને દુનિયાભરમાં લોકોનો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યા છે. અલગ અલગ સંસ્થાનો પોતાની તૈયારીઓ અન્યોને જણાવી રહ્યા છે. વિતેલા વર્ષોની તસ્વીરોએ ખૂબ પ્રેરિત કર્યા છે. આપણે જોયું છે કે, અલગ અલગ દેશોમાં કોઇ વર્ષે લોકોએ યોગ સાંકળ બનાવી, યોગ વર્તુંળ બનાવ્યા. એવી ઘણી બધી તસ્વીરો છે, જયાં એક સાથે ચાર પેઢી મળીને યોગ કરી રહી છે. ઘણા બધા લોકોએ પોતાના શહેરના ઓળખરૂપ સ્થળોને યોગ માટે પસંદ કર્યા. તમે પણ આ વખત કંઇક રસપ્રદ રીતે યોગદિવસ ઉજવવા વિશે વિચારી શકો છો.
સાથીઓ, આંધ્રપ્રદેશની સરકારે YogAndhra અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય સમગ્ર રાજયમાં યોગ સંસ્કૃતિને વિકસાવવાનો છે. આ અભિયાન અંતર્ગત યોગ કરનારા 10 લાખ લોકોનો એક સમૂહ બનાવવામાં આવી રહ્યો છે. મને આ વર્ષે વિશાખાપટ્ટનમમાં ‘યોગ દિવસ’ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. મને એ જાણીને સારૂં લાગ્યું કે, આ વખતે પણ આપણા યુવા સાથી, દેશની વિરાસત સાથે જોડાયેલા ઓળખરૂપ સ્થળો પર યોગ કરવાના છે. કેટલાય યુવાનોએ નવા રેકોર્ડ બનાવવા અને યોગ સાંકળનો હિસ્સો બનવાનો સંકલ્પ લીધો છે. આપણા Corporates પણ તેમાં પાછળ નથી. કેટલીક સંસ્થાઓએ કાર્યાલયમાં જ યોગ અભ્યાસ માટે અલગ સ્થાન નક્કી કરી દીધું છે. કેટલાક start-up દ્વારા પોતાને ત્યાં ‘office યોગ hours’ નક્કી કરી દીધા છે. એવા પણ લોકો છે, જે ગામડાઓમાં જઇને યોગ શીખવવાની તૈયારી કરી રહ્યા છે. આરોગ્ય અને ચુસ્તતાને લઇને લોકોની આ જાગૃતતા મને બહુ આનંદ આપે છે.
સાથીઓ, ‘યોગ દિવસ’ની સાથે સાથે આયુર્વેદના ક્ષેત્રમાં પણ કંઇક એવું બન્યું છે, જેના વિશે જાણીને તમને બહુ આનંદ થશે, કાલે જ એટલે કે, 24મી મે એ WHO ના Director General અને મારા મિત્ર તુલસીભાઇની હાજરીમાં એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારની સાથે International Classification of Health Interventions અંતર્ગત એક dedicated traditional medicine module પર કામ શરૂ થઇ ગયું છે. આ પહેલથી, આયુષને સમગ્ર દુનિયામાં વૈજ્ઞાનિક રીતે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.
સાથીઓ, તમે શાળાઓમાં કાળું પાટીયું તો જોયું જ હશે. પરંતુ હવે કેટલીક શાળાઓમાં ‘sugar board’ પણ મૂકવામાં આવી રહ્યું છે. blackboard નહીં sugar board ! CBSE ની આ અનોખી પહેલનો ઉદ્દેશ્ય છે, બાળકોને તેમના ખોરાકમાં લેવાતી શર્કરાના પ્રમાણ પ્રત્યે જાગૃત કરવાં. કેટલી શર્કરા લેવી જોઇએ, અને કેટલી શર્કરા ખવાઇ રહી છે તે જાણીને બાળકો પોતે જ આરોગ્યપ્રદ વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે. આ એક અનોખો પ્રયાસ છે અને તેની અસર પણ ખૂબ હકારાત્મક થશે. બાળપણથી જ સ્વસ્થ જીવન શૈલીની ટેવ પાડવામાં આ પ્રયાસ ખૂબ મદદગાર સાબિત થઇ શકે છે. કેટલાય વાલીઓએ તેની પ્રશંસા કરી છે. અને મારૂં માનવું છે કે, આવી પહેલ કાર્યાલયો, કેન્ટીનો અને સંસ્થાઓમાં પણ થવી જોઇએ. આખરે તંદુરસ્તી છે તો, બધું છે. Fit India જ strong India નો પાયો છે.
મારા વ્હાલા દેશવાસીઓ, સ્વચ્છ ભારતની વાત આવે અને મન કી બાતના શ્રોતાઓ પાછળ રહે એવું કેવી રીતે બની શકે ભલા ! મને પૂરો વિશ્વાસ છે કે, તમે બધા પોતપાતાના સ્તરે આ અભિયાનને દ્રઢ બનાવી રહ્યા છો. પરંતુ, આજે હું તમને એક એવા ઉદાહરણ વિષે જણાવવા માગું છું, જયાં સ્વચ્છતાના સંકલ્પે પહાડ જેવા પડકારોને પણ પરાસ્ત કર્યા છે. તમે વિચારો કોઇ વ્યક્તિ હિમાચ્છાદિત પહાડ પર ચડી રહી હોય, જ્યાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ હોય, ડગલેને પગલે જીવનું જોખમ હોય અને તો પણ તે વ્યક્તિ ત્યાં સફાઇમાં જોડાયેલી હોય. આવું જ કંઇક કર્યું છે, આપણી આઇટીબીપીની ટીમના સભ્યોએ. આ ટીમ માઉન્ટ મકાલુ જેવા, દુનિયાના સૌથી મુશ્કેલ શિખર પર ચડાઇ માટે ગઇ હતી. પરંતુ સાથીઓ, તેમણે માત્ર પર્વતારોહણ જ ન કર્યું, બલ્કિ તેમણે પોતાના લક્ષ્યમાં એક ઔર અભિયાન જોડ્યું અને તે ‘સ્વચ્છતાનું’. શિખરની પાસે જે કચરો પડ્યો હતો, તેને તેમણે દૂર કરવાનું બીડું ઝડપ્યું. તમે કલ્પના કરો, દોઢસો કિલોથી વધુ non-biodegradable કચરો આ ટીમના સભ્યો પોતાની સાથે નીચે લાવ્યા. આટલી ઉંચાઇએ સફાઇ કરવી કોઇ સહેલું કામ નથી. પરંતુ તે દર્શાવે છે કે, જ્યાં સંકલ્પ હોય ત્યાં રસ્તા પોતાની મેળે બની જાય છે.
સાથીઓ, આ સાથે જ જોડાયેલો એક જરૂરી વિષય છે - Paper waste અને recycling. આપણા ઘરો અને કચેરીઓમાં દરરોજ ઘણો બધો કાગળનો કચરો નીકળે છે. કદાચ, આપણે તેને સામાન્ય માનીએ છીએ, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, દેશના landfill waste નો લગભગ ચોથો ભાગ કાગળ સાથે જોડાયેલો હોય છે. આજે જરૂર છે કે, દરેક વ્યક્તિ આ દિશામાં ચોક્કસ વિચારે. મને એ જાણીને સારૂં લાગ્યું કે, ભારતના કેટલાંય Start-Ups આ ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યા છે. વિશાખાપટ્ટનન, ગુરૂગ્રામ જેવાં અનેક શહેરોમાં કેટલાંય Start-Up paper recycling ની અવનવી રીતો અપનાવી રહ્યા છે. કોઇ recycle paper માંથી packaging board બનાવી રહ્યું છે, કોઇ digital રીતથી newspaper recycling ને સરળ બનાવી રહ્યું છે. જાલના જેવા શહેરોમાં કેટલાક Start-Up 100 percent recycled material માંથી packaging roll અને paper core બનાવી રહ્યા છે. તમે એ જાણીને પણ પ્રેરિત થશો કે, એક ટન કાગળના recyclingથી 17 ઝાડ કપાવાથી બચી જાય છે. અને હજારો લીટર પાણીની બચત થાય છે. હવે વિચારો, જયારે પર્વતારોહકો આટલા મુશ્કેલ સંજોગોમાં પણ કચરો પાછો લાવી શકે છે, તો આપણે પણ પોતાના ઘર કે, કાર્યાલયમાં કાગળને અલગ કરીને recyclingમાં પોતાનું યોગદાન ચોક્કસ આપવું જોઇએ. જ્યારે દેશનો દરેક નાગરિક એ વિચારશે કે, દેશ માટે હું શું વધુ સારૂં કરી શકું છું, ત્યારે સાથે મળીને, આપણે મોટું પરિવર્તન લાવી શકીએ છીએ.
સાથીઓ, પાછલા દિવસોમાં ખેલો ઇન્ડિયા રમતોની મોટી ધૂમધામ રહી. ખેલો ઇન્ડિયા દરમિયાન, બિહારના પાંચ શહેરોએ યજમાની કરી હતી. ત્યાં અલગ અલગ વર્ગમાં મુકાબલા થયા હતા. સમગ્ર ભારતમાંથી ત્યાં પહોંચેલા ખેલાડીઓની સંખ્યા પાંચ હજારથી પણ વધુ હતી. આ ખેલાડીઓએ બિહારની ખેલ ભાવનાની, બિહારના લોકો તરફથી મળેલી આત્મિયતાની ખૂબ પ્રશંસા કરી છે.
સાથીઓ, બિહારની ધરતી બહુ વિશેષ છે, આયોજનમાં ત્યાં કેટલીયે અનન્ય બાબતો બની છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આ પહેલું આયોજન હતું, જે Olympic channel દ્વારા દુનિયાભરમાં પહોંચ્યું. પૂરા વિશ્વના લોકોએ આપણા યુવા ખેલાડીઓની પ્રતિભાને જોઇ અને પ્રશંસા કરી. હું તમામ ચંદ્રક વિજેતાઓ ખાસ કરીને, ટોચના ત્રણ વિજેતાઓ – મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનને અભિનંદન આપું છું.
સાથીઓ, આ વખતે ખેલો ઇન્ડિયામાં કુલ 26 વિક્રમ નોંધાયા. Weight Lifting સ્પર્ધાઓમાં મહારાષ્ટ્રનાં અસ્મિતા ધોને, ઓડીશાના હર્ષવર્ધન સાહુ અને ઉત્તરપ્રદેશના તુષાર ચૌધરીના શાનદાર દેખાવે સૌના દિલ જીતી લીધાં. તો, મહારાષ્ટ્રના સાઇરાજ પરદેશીએ તો, 3 વિક્રમ રચી નાંખ્યા. ખેલાડીઓમાં ઉત્તરપ્રદેશના કાદિર ખાન અને શેખ જીશાન તેમજ રાજસ્થાનના હંસરાજે શાનદાર દેખાવ કર્યો. આ વખતે બિહારે પણ 36 ચંદ્રક પોતાને નામ કર્યા. સાથીઓ, જે રમે છે તે જ, ખીલે છે. યુવા રમતગમત પ્રતિભાઓ માટે આ સ્પર્ધા ઘણી મહત્વની છે. આ રીતના આયોજન ભારતીય રમતોના ભવિષ્યને વધુ સુંદર બનાવશે.
મારા વ્હાલા દેશવાસીઓ, 20મી મે એ વિશ્વ મધમાખી દિવસ મનાવવામાં આવ્યો. એટલે કે, એક એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે, મધ કેવળ મીઠાશ નહિં, પરંતુ તંદુરસ્તી, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પણ છે. પાછલા 11 વર્ષમાં મધમાખી પાલનમાં ભારતમાં એક મધુરક્રાંતિ થઇ છે. આજથી 10-11 વર્ષ પહેલાં ભારતમાં મધઉત્પાદન એક વર્ષમાં લગભગ 70-75 હજાર મેટ્રિકટન થતું હતું. તે આજે વધીને લગભગ સવા લાખ મેટ્રિક ટન જેટલું થઇ ગયું છે. એટલે કે, મધઉત્પાદનમાં લગભગ 60 ટકાનો વધારો થયો છે. આપણે મધઉત્પાદન અને તેની નિકાસમાં દુનિયાના અગ્રણી દેશોમાં આવી ચૂક્યા છીએ. સાથીઓ, આ હકારાત્મક અસરમાં ‘રાષ્ટ્રીય મધમાખી પાલન’ અને ‘મધ મિશન’ની મોટી ભૂમિકા છે. તેના અંતર્ગત મધમાખી પાલન સાથે જોડાયેલા હજારો ખેડૂતોને તાલીમ આપવામાં આવી, ઉપકરણ આપવામાં આવ્યા અને બજાર સુધી તેમની સીધી પહોંચ બનાવવામાં આવી.
સાથીઓ, આ પરિવર્તન કેવળ આંકડામાં નથી દેખાતું, તે ગામોની જમીન પર પણ ચોખ્ખું નજરે આવે છે. છત્તીસગઢના કોરિયા જીલ્લાનું એક ઉદાહરણ છે, અહિંના આદિવાસી ખેડૂતોએ ‘સોન હની’ નામથી એક શુદ્ધ જૈવિક મધ બ્રાન્ડ બનાવી છે. આજે આ મધ GeM સહિત અનેક Online Portal પર વેચાઇ રહ્યું છે. એટલે કે, ગામની મહેનત હવે વૈશ્વિક બની રહી છે. આ રીતે જ ઉત્તરપ્રદેશ, ગુજરાત, જમ્મુકાશ્મીર, પશ્ચિમ બંગાળ અને અરૂણાચલ પ્રદેશમાં હજારો મહિલાઓ અને યુવાઓ હવે મધઉદ્યમી બની ચૂક્યા છે. સાથીઓ, અને હવે મધના માત્ર જથ્થા પર નહીં તેની શુદ્ધતા પર પણ કામ થઇ રહ્યું છે. કેટલાક Start-up હવે AI અને Digital Technologyની મદદથી મધની ગુણવત્તાને પ્રમાણિત કરી રહ્યા છે. હવે પછી તમે જ્યારે પણ મધ ખરીદો તો, આ મધ ઉદ્યમીઓ દ્વારા બનાવવામાં આવેલું મધ જરૂર અજમાવજો, કોશિશ કરજો, કોઇ સ્થાનિક ખેડૂત પાસેથી, કોઇ મહિલા ઉદ્યમી પાસેથી પણ મધ ખરીદો. કેમ કે, તે દરેક ટીપામાં સ્વાદ જ નહીં, ભારતની મહેનત અને આશાઓ પણ ધોળાયેલી હોય છે. મધની આ મિઠાશ – આત્મનિર્ભર ભારતનો સ્વાદ છે.
સાથીઓ, જ્યારે આપણે દેશના મધ સાથે જોડાયેલા પ્રયાસોની વાત કરી રહ્યા છીએ તો, હું તમને વધુ એક પહેલ વિશે પણ જણાવવા માંગુ છું. એ આપણને યાદ અપાવે છે કે, મધમાખીની સુરક્ષા કેવળ પર્યાવરણની જ નહિં, આપણી ખેતી અને ભાવિ પેઢીની પણ જવાબદારી છે. આ ઉદાહરણ છે, પૂણે શહેરનું કે, જ્યાં એક Housing societyમાં મધપૂડા દૂર કરવામાં આવ્યા – કદાચ સલામતીના કારણે કે પછી ડરને લીધે. પરંતુ આ ઘટનાએ કોઇને કંઇક વિચારવા પર મજબૂર કરી દીધો. અમિત નામના એક યુવાને નક્કી કર્યું કે, મધમાખીને હટાવવી નહીં, બચાવવી જોઇએ. તેઓ જાતે શીખ્યા, મધમાખીઓ પર શોધખોળ કરી અને બીજાને પણ જોડવાનું શરૂ કર્યું. ધીરેધીરે તેમણે એક ટીમ બનાવી, જેને તેમણે નામ આપ્યું – Bee Friends, એટલે કે, મધમાખી મિત્ર. હવે આ મધમાખી મિત્રો, મધપૂડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત રીતે તબદિલ કરે છે, જેથી લોકોને ખતરો ન થાય અને મધમાખીઓ પણ જીવતી રહે. અમિતજીના આ પ્રયાસની અસર પણ બહુ શાનદાર થઇ છે. મધમાખીઓની વસાહતો બચી રહી છે. મધનું ઉત્પાદન વધી રહ્યું છે. અને સૌથી જરૂરી છે લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે. આ પહેલ આપણને શીખવે છે કે, જ્યારે આપણે પ્રકૃતિની સાથે મળીને કામ કરીએ છીએ તો એનો ફાયદો સૌને થાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ‘મન કી બાત’ની આ કડીમાં આ વખતે આટલું જ, આપ આ રીતે દેશના લોકોની સિદ્ધિઓને સમાજ માટેના, તેમના પ્રયાસોને, મને મોકલતા રહેજો. ‘મન કી બાત’ની આગલી કડીમાં ફરી મળીશું, કેટલાય નવા વિષયો અને દેશવાસીઓની નવી સિદ્ધિઓની ચર્ચા કરીશું. હું તમારા સંદેશાઓની રાહ જોઉં છું. આ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
The entire nation stands united against terrorism. #MannKiBaat pic.twitter.com/VkJTNqqdVt
— PMO India (@PMOIndia) May 25, 2025
Where Maoism once prevailed, today progress and education are taking the lead. #MannKiBaat pic.twitter.com/p3LZAbSDpS
— PMO India (@PMOIndia) May 25, 2025
Maoist strongholds are now hubs of progress. #MannKiBaat pic.twitter.com/0e0KsFwCTs
— PMO India (@PMOIndia) May 25, 2025
Lion numbers soar in Gir! #MannKiBaat pic.twitter.com/ANUKiCvH9Q
— PMO India (@PMOIndia) May 25, 2025
A great example of how tradition and innovation can come together!
— PMO India (@PMOIndia) May 25, 2025
Dr. Chewang Norbu Bhutia is empowering communities by blending Sikkim's rich weaving heritage with modern fashion. #MannKiBaat pic.twitter.com/plABXQy6NH
Uttarakhand's Jeevan Joshi Ji turns dry pine tree bark into beautiful art. Despite polio, he never gave up. #MannKiBaat pic.twitter.com/6JbWaFinK8
— PMO India (@PMOIndia) May 25, 2025
Drone Didis are ushering in a new revolution in agriculture. #MannKiBaat pic.twitter.com/xdIXMJTg1x
— PMO India (@PMOIndia) May 25, 2025
International Yoga Day is less than a month away!
— PMO India (@PMOIndia) May 25, 2025
Since its start on 21st June 2015, more and more people across the world have joined in with great excitement. #MannKiBaat pic.twitter.com/daFtTj7hFz
Good news from the world of Ayurveda. #MannKiBaat pic.twitter.com/wlMiSYd9dp
— PMO India (@PMOIndia) May 25, 2025
Sugar boards in schools are shaping healthy habits. #MannKiBaat pic.twitter.com/QyhW24tV1K
— PMO India (@PMOIndia) May 25, 2025
The @ITBP_official team recently demonstrated extraordinary commitment to cleanliness by taking on a unique mission while climbing one of the world's toughest peaks. #MannKiBaat pic.twitter.com/rzrY3lzbjP
— PMO India (@PMOIndia) May 25, 2025
Start-ups are leading India's paper recycling revolution. #MannKiBaat pic.twitter.com/MDHoZZxEji
— PMO India (@PMOIndia) May 25, 2025
Khelo India highlighted the spirit of sportsmanship and will boost the future of Indian sports. #MannKiBaat pic.twitter.com/Xlod3zRcwO
— PMO India (@PMOIndia) May 25, 2025
Sweet revolution!
— PMO India (@PMOIndia) May 25, 2025
India has become one of the leading countries in the world in honey production and export. Initiatives like the National Beekeeping and Honey Mission have a big role in this positive impact. #MannKiBaat pic.twitter.com/dYDQEIXYsd
A commendable effort in Pune, where beehives are safely relocated. Thanks to this effort, honeybee colonies are saved, honey production is growing and awareness about bees is increasing. #MannKiBaat pic.twitter.com/hrRtJZ1K4Q
— PMO India (@PMOIndia) May 25, 2025