પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં વસતાં વિવિધ ભારતીય ડાયસ્પોરામાં ઉદ્ઘાટન ગીત વગાડવામાં આવશે. તેમણે ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર રિકી કેજ અને તેમની ટીમની અદભૂત પ્રસ્તુતિ માટે પ્રશંસા કરી હતી, જેમણે ભારતીય પ્રવાસીઓની ભાવનાઓ અને લાગણીઓને દર્શાવી હતી.
પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશમાં ઉષ્માભર્યા અને સ્નેહભર્યા શબ્દો માટે મુખ્ય અતિથિ, ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ મહામહિમ ક્રિસ્ટીન કાર્લા કંગાલુને ધન્યવાદ આપતા કહ્યું કે તેઓ ભારતની પ્રગતિ વિશે પણ વાત કરી રહ્યાં છે અને તેમનાં શબ્દોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો પર અસર કરી છે. હવે ભારતમાં વાઇબ્રન્ટ તહેવારો અને મેળાવડાનો સમય આવી ગયો છે એ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, થોડાં જ દિવસોમાં પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થશે અને મકરસંક્રાંતિ, લોહરી, પોંગલ અને માગ બિહુનો તહેવાર પણ આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સર્વત્ર આનંદમય માહોલ છે. વર્ષ 1915માં આ જ દિવસે મહાત્મા ગાંધીજી લાંબા સમય સુધી વિદેશમાં રહીને ભારત પરત ફર્યા હતા તે બાબતને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આવા અદ્ભુત સમયે ભારતમાં પ્રવાસી ભારતીયોની હાજરીએ ઉત્સવની ભાવનામાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી)ની આ આવૃત્તિ અન્ય એક કારણથી વિશેષ છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દીનાં થોડાં દિવસો પછી આયોજિત કરવામાં આવ્યો હતો, જેમનું વિઝન પ્રવાસી ભારતીય દિવસ માટે મહત્ત્વપૂર્ણ હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, "પ્રવાસી ભારતીય દિવસ ભારત અને તેમના પ્રવાસી ભારતીયો વચ્ચેનાં જોડાણને મજબૂત કરવા માટે એક સંસ્થા બની ગઈ છે." શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે આપણાં મૂળ સાથે જોડાવાની સાથે સાથે ભારત, ભારતીયતા, આપણી સંસ્કૃતિ અને પ્રગતિની ઉજવણી કરીએ છીએ અને સાથે જ પોતાના મૂળિયા સાથે જોડાયેલા છે.
શ્રી મોદીએ કહ્યું હતું કે, "ઓડિશાની મહાન ભૂમિ, જ્યાં આપણે એકત્ર થયા છીએ, તે ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિબિંબ છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, દરેક પગલે આપણે ઓડિશામાં આપણાં વારસાનાં સાક્ષી બની શકીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઉદયગિરિ અને ખંડગિરીની ઐતિહાસિક ગુફાઓ કે કોણાર્કનાં ભવ્ય સૂર્યમંદિર કે તામ્રલિપ્તિ, માણિકપટ્ટન અને પલુરનાં પ્રાચીન બંદરોની મુલાકાત લે છે, ત્યારે દરેક વ્યક્તિ ગર્વ અનુભવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેંકડો વર્ષ અગાઉ ઓડિશાનાં વેપારીઓ અને સૌદાગરોએ બાલી, સુમાત્રા અને જાવા જેવા સ્થળો સુધી લાંબી દરિયાઈ સફર ખેડી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે પણ ઓડિશામાં તેની યાદમાં બાલી યાત્રા ઉજવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓડિશામાં મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ ધૌલી શાંતિનાં પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે વિશ્વ તલવારની તાકાતથી સામ્રાજ્યોનું વિસ્તરણ કરી રહ્યું હતું ત્યારે સમ્રાટ અશોકે અહીં શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો. શ્રી મોદીએ આગ્રહ કર્યો હતો કે, આ વારસો ભારતને દુનિયાને એ જણાવવા માટે પ્રેરિત કરે છે કે, ભવિષ્ય યુદ્ધમાં નહીં પણ બુદ્ધમાં રહેલું છે. આથી તેમણે કહ્યું કે, ઓડિશાની ધરતી પર સૌનું સ્વાગત કરવું તેમના માટે ખૂબ જ ખાસ છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે પ્રવાસી ભારતીયોને હંમેશા ભારતના રાજદૂત માન્યા છે. વિશ્વભરના સાથી ભારતીયોને મળવા અને તેમની સાથે વાતચીત કરવામાં આનંદ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમને તેમના તરફથી જે પ્રેમ અને આશીર્વાદ મળે છે તે અવિસ્મરણીય છે અને હંમેશા તેમની સાથે રહે છે.
પ્રવાસી ભારતીયોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં અને વૈશ્વિક મંચ પર ગૌરવાન્વિત કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં તેઓ વિશ્વનાં ઘણાં નેતાઓને મળ્યાં છે, જેમાંનાં તમામે ભારતીય પ્રવાસીઓનાં તેમનાં સામાજિક મૂલ્યો અને પોતપોતાનાં સમાજોમાં પ્રદાન કરવા બદલ પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત માત્ર લોકશાહીની જનની જ નથી, પણ લોકતંત્ર એ ભારતીય જીવનનું અભિન્ન અંગ છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીયો સ્થાનિક નિયમો અને પરંપરાઓનું સન્માન કરીને, સ્વાભાવિક રીતે જ વિવિધતાને અપનાવે છે અને તેઓ જે સમાજ સાથે જોડાય છે તેમાં એકીકૃત સંકલન સાધે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારતીયો પ્રામાણિકતા સાથે યજમાન દેશોની સેવા કરે છે, જે તેમના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે અને સાથે-સાથે ભારતને હંમેશા હૃદયની નજીક રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ ભારતનાં દરેક આનંદ અને સિદ્ધિની ઉજવણી ઉત્સાહપૂર્વક કરે છે.
21મી સદીનાં ભારતમાં વિકાસની અદભુત ઝડપ અને વ્યાપ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે ફક્ત 10 વર્ષમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાં છે અને 10મા ક્રમથી દુનિયામાં 5માં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત ટૂંક સમયમાં જ ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
શિવ-શક્તિ પોઇન્ટ સુધી પહોંચતા ચંદ્રયાન મિશન અને ડિજિટલ ઇન્ડિયાની તાકાતને વૈશ્વિક સ્તરે માન્યતા આપવા જેવી ભારતની સિદ્ધિઓ પર ભાર મૂકીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં દરેક ક્ષેત્ર અક્ષય ઊર્જા, ઉડ્ડયન, ઇલેક્ટ્રિક મોબિલિટી, મેટ્રો નેટવર્ક અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સમાં વિક્રમો તોડીને નવી ઊંચાઈએ આગેકૂચ કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હવે "મેડ ઇન ઇન્ડિયા" ફાઇટર જેટ અને પરિવહન વિમાનોનું ઉત્પાદન કરી રહ્યું છે. તેમણે એવા ભવિષ્યની કલ્પના કરી હતી કે, જ્યાં લોકો "મેડ ઇન ઇન્ડિયા" વિમાનોમાં પ્રવાસી ભારતીય દિવસ માટે ભારત આવશે.
ભારતની સફળતાઓ અને સંભાવનાઓને કારણે વધતી જતી વૈશ્વિક ભૂમિકા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજનું ભારત ન માત્ર પોતાની વાત પર દ્રઢતાપૂર્વક ભાર મૂકે છે, પણ સાથે સાથે ગ્લોબલ સાઉથના અવાજને પણ મજબૂત રીતે વિસ્તૃત કરે છે." તેમણે આફ્રિકા સંઘને જી-20નું કાયમી સભ્ય બનાવવાની ભારતની દરખાસ્તને સર્વાનુમતે ટેકો આપવા પર ભાર મૂક્યો હતો અને "માનવતા પ્રથમ" પ્રત્યે ભારતની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ ભારતીય પ્રતિભાઓને વૈશ્વિક સ્તરે માન્યતા આપવા પર ભાર મૂક્યો હતો, જેમાં મોટી કંપનીઓ મારફતે વૈશ્વિક વૃદ્ધિમાં વ્યાવસાયિકો પ્રદાન કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પ્રવાસી ભારતીય સન્માન મેળવનારાઓને શુભેચ્છા પાઠવતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક કૌશલ્યની માગને પહોંચી વળવા ભારત દાયકાઓ સુધી વિશ્વની સૌથી યુવા અને સૌથી કુશળ વસતિ બની રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઘણાં દેશો હવે કુશળ ભારતીય યુવાનોને આવકારે છે અને ભારત સરકાર એ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે કે, વિદેશમાં જતાં ભારતીયો સતત કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને કૌશલ્યવર્ધક પ્રયાસો મારફતે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે.
પ્રવાસી ભારતીયો માટે અનુકૂળતા અને સુવિધાનાં મહત્ત્વ પર ભાર મૂકીને તથા તેમની સુરક્ષા અને કલ્યાણ એ ટોચની પ્રાથમિકતા છે એમ જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સંકટની સ્થિતિમાં પ્રવાસી ભારતીયોને સહાય કરવાની જવાબદારી ભારતની છે, જે ભારતની વિદેશ નીતિનાં મુખ્ય સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં દુનિયાભરમાં ભારતીય દૂતાવાસો અને ઓફિસો સંવેદનશીલ અને સક્રિય રહી છે.
કોન્સ્યુલર સુવિધાઓ સુધી પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી અને દિવસો સુધી રાહ જોવી પડતી હતી તેવા લોકોનાં અગાઉનાં અનુભવોનું વર્ણન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં 14 નવા દૂતાવાસો અને કોન્સ્યુલેટ ખોલવામાં આવ્યાં છે, ત્યારે હવે આ મુદ્દાઓનું સમાધાન થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, OCI કાર્ડનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે, જેમાં મોરેશિયસની 7મી પેઢીની પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) અને સુરીનામ, માર્ટીનીક અને ગ્યુએડલોપની છઠ્ઠી પેઢીનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વમાં વસતાં ભારતીય સમુદાયનાં મહત્ત્વપૂર્ણ ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો અને ભારતનાં વારસાનાં મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે વિવિધ દેશોમાં તેમની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે અનુરોધ કર્યો હતો કે, આ રસપ્રદ અને પ્રેરણાદાયી ગાથાઓને આપણા સહિયારા વારસા અને વારસાના ભાગરૂપે વહેંચવા, પ્રદર્શિત કરવા અને જાળવવા જોઈએ. સદીઓ અગાઉ ઓમાનમાં ગુજરાતનાં કેટલાંક પરિવારો સ્થાયી થયાં હતાં એ 'મન કી બાત'માં તેમણે તાજેતરમાં જ કરેલા એક પ્રયાસનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ તેમની 250 વર્ષની સફરને પ્રેરક ગણાવીને પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ સમુદાય સાથે સંબંધિત હજારો દસ્તાવેજોને ડિજિટાઇઝ કરવા માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત એક "ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ" હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સમુદાયના વરિષ્ઠ સભ્યોએ તેમના અનુભવો શેર કર્યા હતા. તેમને એ જાણીને આનંદ થયો કે આમાંના ઘણા પરિવારો આજે આ કાર્યક્રમમાં હાજર હતા.
વિવિધ દેશોમાં વસતા લોકો સાથે આ પ્રકારના પ્રયાસો હાથ ધરવાની જરૂરિયાત પર ભાર મૂકીને શ્રી મોદીએ "ગિરમીટિયા" ભાઈઓ અને બહેનોનું ઉદાહરણ ટાંક્યું હતું. તેમણે ભારતના તે ગામડાઓ અને શહેરોની ઓળખ કરવા માટે એક ડેટાબેઝ બનાવવાનો આગ્રહ કર્યો, કે જ્યાંથી તેઓ આવ્યા હતા અને તેઓ જે સ્થળોએ સ્થાયી થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમનાં જીવનનું દસ્તાવેજીકરણ, તેમણે કેવી રીતે પડકારોને તકોમાં પરિવર્તિત કર્યા તેને ફિલ્મો અને ડોક્યુમેન્ટરી મારફતે પ્રદર્શિત કરી શકાય છે. પ્રધાનમંત્રીએ આ ઉદ્દેશ માટે યુનિવર્સિટી ચેરની સ્થાપનાની દરખાસ્ત સાથે ગિરમીટિયા વારસાનાં અભ્યાસ અને સંશોધનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નિયમિત વિશ્વ ગિરમીટિયા પરિષદોનું આયોજન કરવાનો પણ આગ્રહ કર્યો હતો અને તેમની ટીમને આ શક્યતાઓ ચકાસવા અને આ પહેલોને આગળ વધારવાની દિશામાં કામ કરવા સૂચના આપી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આધુનિક ભારત વિકાસ અને વારસાનાં મંત્ર સાથે પ્રગતિ કરી રહ્યું છે." તેમણે કહ્યું હતું કે, G-20ની બેઠકો દરમિયાન સમગ્ર દેશમાં સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ દુનિયાને ભારતની વિવિધતાનો પ્રત્યક્ષ અનુભવ પ્રદાન કરવાનો હતો. તેમણે કાશી-તમિલ સંગમ, કાશી તેલુગુ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા કાર્યક્રમોનો ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આગામી સંત થિરુવલ્લુવર દિવસ પર પ્રકાશ પાડ્યો હતો અને તેમનાં ઉપદેશોનો પ્રસાર કરવા થિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્રોની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, પ્રથમ કેન્દ્ર સિંગાપોરમાં શરૂ થયું છે અને અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં થિરુવલ્લુવર ચેર સ્થાપિત થઈ રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ પ્રયાસોનો ઉદ્દેશ તમિલ ભાષા અને વારસો તથા ભારતનાં વારસાને દુનિયાનાં દરેક ખૂણામાં લઈ જવાનો છે.

ભારતમાં હેરિટેજ સાઇટ્સને જોડવા માટે લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, રામાયણ એક્સપ્રેસ જેવી વિશેષ ટ્રેનો ભગવાન રામ અને સીતા માતા સાથે સંબંધિત સ્થળો સુધી પહોંચવાની સુવિધા પ્રદાન કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે ભારત ગૌરવ ટ્રેનોએ દેશભરમાં મહત્ત્વપૂર્ણ હેરિટેજ સાઇટ્સને પણ જોડ્યાં છે, ત્યારે સેમી-હાઇ-સ્પીડ વંદે ભારત ટ્રેનો ભારતમાં મુખ્ય હેરિટેજ સેન્ટર્સને જોડે છે. પ્રધાનમંત્રીએ વિશેષ પ્રવાસી ભારતીય એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જે આશરે 150 લોકોને પ્રવાસન અને આસ્થા સાથે સંબંધિત 17 સ્થળોની મુલાકાત કરાવશે. તેમણે દરેકને ઓડિશામાં અનેક મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા અને પ્રયાગરાજમાં આગામી મહાકુંભનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને આ દુર્લભ તકનો લાભ લેવાનો આગ્રહ કર્યો.
પ્રધાનમંત્રીએ વર્ષ 1947માં ભારતની આઝાદીમાં ભારતીય પ્રવાસીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રવાસી ભારતીયોએ ભારતના વિકાસમાં સતત પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું છે, જેમણે ભારતને દુનિયામાં રેમિટન્સ મેળવનારો ટોચનો દેશ બનાવ્યો છે. તેમણે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનાં લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ નાણાકીય સેવાઓ અને પ્રવાસી ભારતીયોની રોકાણની જરૂરિયાતો પૂર્ણ કરવામાં ગિફ્ટ સિટી ઇકોસિસ્ટમનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા તેમને વિકાસ તરફ ભારતની સફરને મજબૂત કરવા માટે તેનાં લાભ ઉઠાવવા પ્રોત્સાહન આપ્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "પ્રવાસી ભારતીયો દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો ભારતની પ્રગતિમાં પ્રદાન કરે છે." હેરિટેજ ટૂરિઝમની સંભવિતતા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત તેના મુખ્ય મેટ્રો શહેરો પૂરતું મર્યાદિત નથી, પણ તેમાં ટિઅર-2 અને ટિઅર-3 શહેરો અને ગામડાઓ પણ સામેલ છે, જે ભારતની વિરાસતને પ્રદર્શિત કરે છે. પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને નાનાં શહેરો અને ગામડાંઓની મુલાકાત લઈને અને પોતાનાં અનુભવો વહેંચીને દુનિયાને આ વારસા સાથે જોડવા અપીલ કરી હતી. તેમણે તેમને બિન-ભારતીય મૂળના ઓછામાં ઓછા પાંચ મિત્રોને તેમની આગામી ભારત મુલાકાત પર લાવવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી તેમને દેશની શોધખોળ અને પ્રશંસા કરવા માટે પ્રેરણા મળી.

શ્રી મોદીએ પ્રવાસી ભારતીયોનાં યુવાન સભ્યોને ભારતને વધારે સારી રીતે સમજવા "ભારત કો જાનીયે" ક્વિઝમાં સહભાગી થવાનો આગ્રહ કર્યો હતો. તેમણે તેમને "સ્ટડી ઇન ઇન્ડિયા" પ્રોગ્રામ અને આઇસીસીઆર શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. પ્રધાનમંત્રીએ જ્યાં પ્રવાસી ભારતીયો વસે છે, એ દેશોમાં ભારતનો સાચો ઇતિહાસ ફેલાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, આ દેશોની વર્તમાન પેઢીને ભારતની સમૃદ્ધિ, લાંબા ગાળાનાં ગુલામી અને સંઘર્ષોની જાણકારી ન પણ હોઈ શકે. તેમણે પ્રવાસી ભારતીયોને ભારતનો સાચો ઇતિહાસ દુનિયા સાથે વહેંચવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતને હવે વિશ્વ બંધુ તરીકે ઓળખવામાં આવે છે." તેમણે પ્રવાસી ભારતીયોને તેમનાં પ્રયાસો વધારીને આ વૈશ્વિક જોડાણને મજબૂત કરવા અપીલ કરી હતી. તેમણે પોતપોતાના દેશોમાં ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓ માટે એવોર્ડ ફંક્શનનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ પુરસ્કાર સાહિત્ય, કળા અને શિલ્પ, ફિલ્મ અને થિયેટર જેવા વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી વ્યક્તિઓને આપી શકાય છે. તેમણે પ્રવાસી ભારતીયોને ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટના સાથ સહકાર સાથે સિદ્ધિ હાંસલ કરનારાઓને પ્રમાણપત્રો એનાયત કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, તેનાથી સ્થાનિક લોકો સાથે વ્યક્તિગત જોડાણ અને ભાવનાત્મક જોડાણમાં વધારો થશે.

સ્થાનિક ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક બનાવવામાં ડાયસ્પોરાની નોંધપાત્ર ભૂમિકા પર ભાર મૂકીને શ્રી મોદીએ તેમને "મેડ ઇન ઇન્ડિયા" ફૂડ પેકેટ્સ, કપડાં અને અન્ય ચીજવસ્તુઓની સ્થાનિક કે ઓનલાઇન ખરીદી કરવનો આગ્રહ કર્યો તથા આ ઉત્પાદનોને તેમના રસોડામાં, ડ્રોઇંગરૂમમાં અને ભેટસોગાદોમાં સામેલ કરવા પર ભાર આપ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, વિકસિત ભારતનાં નિર્માણમાં આ મહત્ત્વપૂર્ણ પ્રદાન હશે.
માતા અને ધરતી માતા સાથે સંબંધિત અન્ય એક અપીલ કરતા પ્રધાનમંત્રીએ તેમની ગુયાનાની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેમણે ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે "એક પેડ મા કે નામ" અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં લાખો લોકો આ કામ કરી રહ્યાં છે. તેમણે પ્રવાસી ભારતીયોને પ્રોત્સાહિત કર્યા હતા કે, તેઓ જ્યાં પણ હોય ત્યાં તેમની માતાના નામે વૃક્ષારોપણ કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે તેઓ ભારતથી પરત ફરશે, ત્યારે તેઓ વિકસિત ભારતનાં સંકલ્પને પોતાની સાથે લઈ જશે. ભાષણના સમાપનમાં પ્રધાનમંત્રીએ દરેકને સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે સમૃદ્ધ 2025ની શુભેચ્છા પાઠવી હતી અને તેમને ભારતમાં આવકાર્યા હતા.

ઓડિશાનાં રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિ, ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી, કેન્દ્રીય મંત્રી શ્રી એસ. જયશંકર, શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રી જુઅલ ઓરામ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે, શ્રી કીર્તિ વર્ધન સિંહ, શ્રી પબિત્રા માર્ગેરિટા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વ ભાગ
પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) કન્વેન્શન ભારત સરકારનું મુખ્ય આયોજન છે, જે પ્રવાસી ભારતીયોને જોડવા અને એકબીજા સાથે વાતચીત કરવામાં સક્ષમ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ઓડિશાની રાજ્ય સરકારની ભાગીદારીમાં તારીખ 8થી 10 જાન્યુઆરી, 2025 સુધી ભુવનેશ્વરમાં થઈ રહ્યું છે. આ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની થીમ "વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન" છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લેવા માટે 50થી વધારે દેશોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ નોંધણી કરાવી છે.
પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય એક્સપ્રેસની પહેલી યાત્રાને રિમોટથી લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ ભારતીય પ્રવાસીઓ માટે એક વિશેષ પર્યટક ટ્રેન છે, જે દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી રવાના થશે તથા ત્રણ અઠવાડિયાનાં ગાળા માટે ભારતમાં પ્રવાસન અને ધાર્મિક મહત્ત્વનાં વિવિધ સ્થળોની યાત્રા કરશે. પ્રવાસી ભારતીય એક્સપ્રેસનું સંચાલન પ્રવાસી તીર્થ દર્શન યોજના હેઠળ કરવામાં આવશે.
Click here to read full text speech
Pravasi Bharatiya Divas has become an institution to strengthen the bond between India and its diaspora. pic.twitter.com/PgX3OtiZO0
— PMO India (@PMOIndia) January 9, 2025
भविष्य युद्ध में नहीं है, बुद्ध में है। pic.twitter.com/7dBzcnVKnS
— PMO India (@PMOIndia) January 9, 2025
We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives. pic.twitter.com/oyZjOUpUhm
— PMO India (@PMOIndia) January 9, 2025
21st century India is progressing at an incredible speed and scale. pic.twitter.com/6SJGXpY7pA
— PMO India (@PMOIndia) January 9, 2025
Today's India not only firmly asserts its own point but also strongly amplifies the voice of the Global South. pic.twitter.com/bdQJZn77Gb
— PMO India (@PMOIndia) January 9, 2025
India has the potential to fulfill the world's demand for skilled talent. pic.twitter.com/llhwA1dTA8
— PMO India (@PMOIndia) January 9, 2025
We consider it our responsibility to help our diaspora during crisis situations, no matter where they are. pic.twitter.com/QS37yd8zYD
— PMO India (@PMOIndia) January 9, 2025
PM @narendramodi's requests to Indian diaspora... pic.twitter.com/XcUT7GatZ0
— PMO India (@PMOIndia) January 9, 2025