ત્રણ અગ્રિમ હરોળનાં નૌકાદળનાં વૉરશિપની કામગીરી ભારતની મજબૂત અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રનાં નિર્માણની અવિરત કટિબદ્ધતા પર ભાર મૂકે છેઃ પ્રધાનમંત્રી
21મી સદીની ભારતીય નૌકાદળને સશક્ત બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છેઃ પ્રધાનમંત્રી
આજનું ભારત દુનિયામાં એક મોટી દરિયાઈ શક્તિ તરીકે ઉભરી રહ્યું છેઃ પ્રધાનમંત્રી
આજે ભારતને વૈશ્વિક સ્તરે ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે માન્યતા આપવામાં આવી છે: પ્રધાનમંત્રી
ભારત સમગ્ર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ઉભરી આવ્યું છેઃ પ્રધાનમંત્રી
ચાહે તે જમીન હોય, પાણી હોય, હવા હોય, સમુદ્ર હોય કે અનંત અંતરિક્ષ હોય, ભારત દરેક જગ્યાએ પોતાના હિતોનું રક્ષણ કરી રહ્યું છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડમાં કાર્યરત થવા પર નૌસેનાનાં ત્રણ અગ્રિમ વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા હતા. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 15મી જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ બહાદુર યોદ્ધાને તેમણે નમન કર્યાં હતા. તેમણે આ પ્રસંગે તમામ વીર યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા.

આજનો દિવસ ભારતનાં દરિયાઈ વારસા, નૌકાદળનાં ગૌરવશાળી ઈતિહાસ અને ભારત અભિયાન માટે ખૂબ જ મોટો દિવસ છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજે ભારતમાં નૌકાદળને નવી તાકાત અને વિઝન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સરકારે શિવાજી મહારાજની ભૂમિ પર ભારતની 21મી સદીની નૌકાદળને સશક્ત બનાવવાની દિશામાં મોટું પગલું લીધું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "એવું પહેલી વાર બન્યું છે કે ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને સબમરીનનું ટ્રાઇ-કમિશનિંગ કરવામાં આવી રહ્યું છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પણ ગર્વની વાત છે કે ત્રણેય ફ્રન્ટલાઇન પ્લેટફોર્મ ભારતમાં બન્યાં છે. તેમણે ભારતીય નૌકાદળ, નિર્માણ કાર્યમાં સંકળાયેલા તમામ હિતધારકો અને ભારતના નાગરિકોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આજનો કાર્યક્રમ આપણા ભવ્ય વારસાને આપણી ભવિષ્યની આકાંક્ષાઓ સાથે જોડે છે." તેમણે ઉમેર્યું હતું કે, ભારત લાંબી દરિયાઈ સફર, વાણિજ્ય, નૌકા સંરક્ષણ અને જહાજ ઉદ્યોગ સાથે સંબંધિત સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. આ સમૃદ્ધ ઇતિહાસમાંથી સંકેત લઈને, તેમણે કહ્યું હતું કે, આજનું ભારત વિશ્વમાં એક મોટી દરિયાઇ શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે લોંચ થયેલા પ્લેટફોર્મ પર તેની ઝલક જોવા મળે છે. પ્રધાનમંત્રીએ ચોલા રાજવંશની દરિયાઈ ક્ષમતાને સમર્પિત INS નીલગિરી સહિત નવા પ્લેટફોર્મનાં લોન્ચની નોંધ લીધી હતી અને સુરત યુદ્ધ જહાજ એ યુગની યાદ અપાવે છે જ્યારે ગુજરાતનાં બંદરો ભારતને પશ્ચિમ એશિયા સાથે જોડે છે. તેમણે થોડાં વર્ષો અગાઉ પ્રથમ સબમરીન કલવરી શરૂ થયા બાદ પી-75 ક્લાસમાં છઠ્ઠી વાગશીર સબમરીન શરૂ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવા સરહદી પ્લેટફોર્મ્સ ભારતની સુરક્ષા અને પ્રગતિ એમ બંનેમાં વધારો કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે ભારતને વૈશ્વિક સ્તરે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં, એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે માન્યતા આપવામાં આવી છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત વિસ્તરણવાદથી નહીં, પણ વિકાસની ભાવના સાથે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, ભારતે હંમેશા ખુલ્લા, સુરક્ષિત, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક રિજનને ટેકો આપ્યો છે. જ્યારે દરિયાકિનારાનાં દેશોનાં વિકાસની વાત આવે છે, ત્યારે ભારતે સાગર (પ્રદેશમાં તમામ માટે સુરક્ષા અને વૃદ્ધિ)નો મંત્ર પ્રસ્તુત કર્યો હતો તથા આ વિઝન સાથે આગેકૂચ કરી હતી. જી-20ની અધ્યક્ષતા દરમિયાન ભારતનાં નેતૃત્વનો ઉલ્લેખ કરીને "એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય"નાં મંત્રને પ્રોત્સાહન આપતાં શ્રી મોદીએ કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈ દરમિયાન ભારતનાં "એક પૃથ્વી, એક આરોગ્ય"નાં વિઝનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને વિશ્વને એક પરિવાર તરીકે ગણવાની ભારતની માન્યતા અને સર્વસમાવેશક વિકાસ માટે તેની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત સમગ્ર ક્ષેત્રની રક્ષા અને સુરક્ષાને પોતાની જવાબદારી માને છે.

 

વૈશ્વિક સુરક્ષા, અર્થશાસ્ત્ર અને ભૂરાજકીય ગતિશીલતાને આકાર આપવામાં ભારત જેવા દરિયાઈ રાષ્ટ્રોની નોંધપાત્ર ભૂમિકા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ પ્રાદેશિક જળનું રક્ષણ કરવા, નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા અને આર્થિક પ્રગતિ અને ઊર્જા સુરક્ષા માટે વેપાર પુરવઠા લાઇન અને દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ વિસ્તારને આતંકવાદ, શસ્ત્રો અને નશીલા દ્રવ્યોની દાણચોરીથી બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ દરિયાને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા અને શિપિંગ ઉદ્યોગને સમર્થન આપવા માટે વૈશ્વિક ભાગીદાર બનવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે દુર્લભ ખનિજો અને માછલીનાં જથ્થા જેવા દરિયાઇ સંસાધનોના દુરૂપયોગને રોકવાની અને તેનું સંચાલન કરવાની ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો. નવા શિપિંગ માર્ગો અને સંદેશાવ્યવહારનાં દરિયાઈ માર્ગોમાં રોકાણનાં મહત્વને ધ્યાનમાં રાખીને અને ભારત આ દિશામાં સતત પગલાં લઈ રહ્યું હોવાનો સંતોષ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે ઉભરી આવ્યું છે." તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરનાં મહિનાઓમાં ભારતીય નૌકાદળે સેંકડો લોકોનાં જીવ બચાવ્યાં છે તથા હજારો કરોડનાં મૂલ્યનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માલને સુરક્ષિત કર્યો છે, જેથી ભારત, ભારતીય નૌકાદળ અને તટરક્ષક દળમાં વિશ્વનો વિશ્વાસ વધ્યો છે. પ્રધાનમંત્રીએ આસિયાન, ઓસ્ટ્રેલિયા, ખાડીનાં દેશો અને આફ્રિકાનાં દેશો સાથે ભારતનાં આર્થિક સહકારને મજબૂત કરવા પર પ્રકાશ પાડ્યો હતો અને આ માટે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની હાજરી અને ક્ષમતાઓને જવાબદાર ગણાવી હતી. તેમણે સૈન્ય અને આર્થિક એમ બંને દ્રષ્ટિકોણથી આજની ઇવેન્ટનાં બેવડાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

21મી સદીમાં ભારતની સૈન્ય ક્ષમતાઓને વધારવા અને આધુનિક બનાવવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "જમીન હોય, પાણી હોય, હવા હોય, ઊંડો સમુદ્ર હોય કે અનંત અંતરિક્ષ હોય, ભારત દરેક જગ્યાએ પોતાનાં હિતોનું રક્ષણ કરી રહ્યું છે." તેમણે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની સ્થાપના સહિત સતત થઈ રહેલા સુધારાઓ પર પણ વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સશસ્ત્ર દળોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ભારત થિયેટર કમાન્ડનાં અમલીકરણ તરફ આગળ વધી રહ્યું છે.

 

છેલ્લાં એક દાયકામાં ભારતનાં સશસ્ત્ર દળો દ્વારા આત્મનિર્ભરતાનો સ્વીકાર કરીને પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવાનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોએ 5,000થી વધુ વસ્તુઓ અને ઉપકરણોની ઓળખ કરી છે. જે હવે આયાત કરવામાં આવશે નહીં. તેમણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઉપકરણોનો ઉપયોગ કરીને ભારતીય સૈનિકોનો આત્મવિશ્વાસ વધારવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ કર્ણાટકમાં દેશની સૌથી મોટી હેલિકોપ્ટર ઉત્પાદન ફેક્ટરીની સ્થાપના અને સશસ્ત્ર દળો માટે પરિવહન વિમાનની ફેક્ટરીની સ્થાપનાની નોંધ લીધી હતી. તેમણે તેજસ ફાઇટર પ્લેનની ઉપલબ્ધિઓ તથા ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ડિફેન્સ કોરિડોરનાં વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો, જે સંરક્ષણ ઉત્પાદનને વેગ આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ નૌકાદળનાં મેક ઇન ઇન્ડિયા પહેલનાં નોંધપાત્ર વિસ્તરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને મઝગાંવ ડોકયાર્ડની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં એક દાયકામાં નૌકાદળમાં 33 જહાજો અને સાત સબમરીન સામેલ કરવામાં આવી છે, જેમાં નૌકાદળનાં 40માંથી 39 જહાજોનું નિર્માણ ભારતીય શિપયાર્ડમાં થયું છે. આમાં જાજરમાન INS વિક્રાંત વિમાનવાહક જહાજ અને INS અરિહંત અને INS અરિઘાટ જેવી પરમાણુ સબમરીન સામેલ છે. પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોને મેક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ ધપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનું સંરક્ષણ ઉત્પાદન ₹1.25 લાખ કરોડને વટાવી ગયું છે અને દેશ 100થી વધુ દેશોમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી રહ્યો છે. તેમણે સતત સાથસહકાર સાથે ભારતનાં સંરક્ષણ ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન કરવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "મેક ઇન ઇન્ડિયા પહેલથી ભારતનાં સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં વધારો થવાની સાથે આર્થિક પ્રગતિ માટે નવા માર્ગો પણ ખુલી રહ્યા છે." તેમણે શિપબિલ્ડિંગ ઇકોસિસ્ટમને એક ઉદાહરણ તરીકે ટાંક્યું હતું અને નોંધ્યું હતું કે નિષ્ણાતો કહે છે કે જહાજનિર્માણમાં રોકાણ કરવામાં આવેલા દરેક રૂપિયાની અર્થતંત્ર પર લગભગ બમણી હકારાત્મક અસર પડે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અત્યારે દેશમાં 60 મોટાં જહાજોનું નિર્માણ ચાલી રહ્યું છે, જેની કિંમત આશરે રૂ. 1.5 લાખ કરોડ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ રોકાણને પરિણામે આશરે રૂ. 3 લાખ કરોડનું આર્થિક સર્ક્યુલેશન થશે અને રોજગારીની દ્રષ્ટિએ છ ગણો ગુણાકાર અસર થશે. જહાજનાં મોટા ભાગનાં હિસ્સાઓ સ્થાનિક એમએસએમઇમાંથી આવે છે તેની નોંધ લઈને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જો જહાજનાં નિર્માણમાં 2,000 કામદારો સામેલ થાય, તો તેનાથી અન્ય ઉદ્યોગોમાં, ખાસ કરીને એમએસએમઇ ક્ષેત્રમાં આશરે 12,000 રોજગારીનું સર્જન થાય છે.

વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ભારતની ઝડપી પ્રગતિ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભવિષ્યમાં સેંકડો નવા જહાજો અને કન્ટેઇનર્સની જરૂરિયાતની નોંધ લઈને ઉત્પાદન અને નિકાસ ક્ષમતામાં સતત વૃદ્ધિ થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, બંદરની આગેવાની હેઠળનું વિકાસ મોડલ સંપૂર્ણ અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીની હજારો નવી તકોનું સર્જન કરશે. દરિયા કિનારાનાં ક્ષેત્રમાં વધતી જતી રોજગારીનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં નાવિકોની સંખ્યા વર્ષ 2014માં 1,25,000થી પણ ઓછી હતી, જે અત્યારે બમણી થઈને આશરે 3,00,000 થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, નાવિકોની સંખ્યાની દ્રષ્ટિએ અત્યારે ભારત વૈશ્વિક સ્તરે ટોચનાં પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ કેટલાંક મોટા નિર્ણયો સાથે શરૂ થયો છે તથા તેમણે નવી નીતિઓની ઝડપથી રચના કરવા અને દેશની જરૂરિયાતો પૂર્ણ કરવા નવી યોજનાઓની શરૂઆત પર વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેનો ઉદ્દેશ દેશનાં દરેક ખૂણે અને ક્ષેત્રમાં વિકાસ સુનિશ્ચિત કરવાનો છે, જેમાં બંદર ક્ષેત્રનું વિસ્તરણ આ વિઝનનો એક ભાગ છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ત્રીજી ટર્મમાં પ્રથમ મોટો નિર્ણય મહારાષ્ટ્રમાં વધાવન બંદરે મંજૂરી આપવાનો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ₹75,000 કરોડના રોકાણ સાથે આ આધુનિક બંદરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે, જેનાથી મહારાષ્ટ્રમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થઈ છે.

સરહદો અને દરિયાકિનારા સાથે સંબંધિત માળખાગત જોડાણ પર છેલ્લાં એક દાયકામાં થયેલા અભૂતપૂર્વ કાર્યોનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં સોનમર્ગ ટનલનાં ઉદઘાટનનો ઉલ્લેખ કર્યો હતો, જે કારગિલ અને લદ્દાખ જેવા સરહદી વિસ્તારોમાં સરળતાપૂર્વક પ્રવેશની સુવિધા આપશે. તેમણે ગયા વર્ષે અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનાં ઉદ્ઘાટનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે LoC પર સેનાની પહોંચમાં સુધારો કરી રહી છે. તેમણે શિનકુન લા ટનલ અને ઝોજિલા ટનલ જેવા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ પર ચાલી રહેલા ઝડપી કાર્યની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાલા પ્રોજેક્ટ સરહદી વિસ્તારોમાં ઉત્કૃષ્ટ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક ઊભું કરી રહ્યો છે અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ સરહદી ગામડાંઓનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં એક દાયકામાં અંતરિયાળ ટાપુઓ પર સરકારનાં ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં નિર્જન ટાપુઓ પર નિયમિત દેખરેખ અને નામકરણ સામેલ છે. તેમણે હિંદ મહાસાગરમાં પાણીની નીચે આવેલા દરિયાઈ પર્વતોનાં નામકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ભારતની પહેલ પર એક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ગયા વર્ષે આવા પાંચ સ્થળોનાં નામ આપવામાં આવ્યા હતા. તેમાં હિંદ મહાસાગરમાં અશોક સીમાઉન્ટ, હર્ષવર્ધન સીમાઉન્ટ, રાજા ચોલા સીમાઉન્ટ, કલ્પતરુ રિજ અને ચંદ્રગુપ્ત રિજ સામેલ છે, જેણે ભારતનું ગૌરવ વધાર્યું છે.

 

ભવિષ્યમાં બાહ્ય અવકાશ અને ઊંડા સમુદ્ર એમ બંનેનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રોમાં ભારતની ક્ષમતાઓ વધારવાનાં પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમુદ્રન પ્રોજેક્ટ પર ટિપ્પણી કરી હતી, જેનો ઉદ્દેશ વૈજ્ઞાનિકોને સમુદ્રમાં 6,000 મીટરની ઊંડાઈએ લઈ જવાનો છે, જે સિદ્ધિ માત્ર કેટલાક દેશોએ હાંસલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ભવિષ્યની સંભાવનાઓને શોધવામાં કોઈ કસર છોડશે નહીં.

ભારતને સંસ્થાનવાદનાં પ્રતીકોથી મુક્ત કરીને 21મી સદીમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને શ્રી મોદીએ આ સંબંધમાં ભારતીય નૌકાદળ દ્વારા દર્શાવવામાં આવેલા નેતૃત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે, નૌકાદળે છત્રપતિ શિવાજી મહારાજની ગૌરવશાળી પરંપરા સાથે તેનો ધ્વજ જોડ્યો છે અને તે મુજબ એડમિરલ રેન્કને નવેસરથી ડિઝાઇન કર્યો છે. તેમણે નોંધ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા પહેલ અને સ્વનિર્ભરતાનું અભિયાન સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્તિને પ્રોત્સાહન આપે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશ ગર્વની પળોને હાંસલ કરવાનું ચાલુ રાખશે અને ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રદાન કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે જવાબદારીઓ અલગ-અલગ હોય, પણ ધ્યેય એક જ છે – વિકસિત ભારત. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, આજે પ્રાપ્ત થયેલા નવા ફ્રન્ટિયર પ્લેટફોર્મ દેશના સંકલ્પને મજબૂત કરશે અને તમામને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય શેઠ, મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રીઓ શ્રી એકનાથ શિંદે, શ્રી અજિત પવાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

પાર્શ્વભાગ

નૌકાદળનાં ત્રણ મુખ્ય લડવૈયાઓને કાર્યરત કરવાથી ભારતનાં સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર છલાંગ લાગી છે. P15B ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું ચોથું અને અંતિમ જહાજ INS સુરત વિશ્વના સૌથી મોટા અને અત્યાધુનિક ડિસ્ટ્રોયરમાં સ્થાન ધરાવે છે. તેમાં 75 ટકા સ્વદેશી સામગ્રી છે અને તે અત્યાધુનિક હથિયાર-સેન્સર પેકેજીસ અને અદ્યતન નેટવર્ક-કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે. P17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ INS નીલગિરી, ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં સંવર્ધિત અસ્તિત્વ, સીકીપિંગ અને સ્ટીલ્થ માટે અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્વદેશી ફ્રિગેટ્સની આગામી પેઢીને પ્રતિબિંબિત કરે છે. P75 સ્કોર્પીન પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન INS વાઘશીર, સબમરીન નિર્માણમાં ભારતની વધતી કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું નિર્માણ ફ્રાન્સનાં નેવલ ગ્રૂપ સાથે જોડાણમાં કરવામાં આવ્યું છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'It was an honour to speak with PM Modi; I am looking forward to visiting India': Elon Musk

Media Coverage

'It was an honour to speak with PM Modi; I am looking forward to visiting India': Elon Musk
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 એપ્રિલ 2025
April 20, 2025

Appreciation for PM Modi’s Vision From 5G in Siachen to Space: India’s Leap Towards Viksit Bharat