"ભારતનું ચંદ્ર અભિયાન વિજ્ઞાન અને ઉદ્યોગ એમ બંનેની સફળતા છે"
"બી-20ની થીમ - RAISE (આરએઆઇએસઈ)માં, 'આઇ' ઇનોવેશનનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ નવીનતાની સાથે સાથે, હું તેમાં અન્ય એક 'આઇ' પણ જોઉં છું – ઇન્ક્લુઝિવનેસ-સમાવેશકતા"
"જે વસ્તુની આપણા મોટાં ભાગનાં રોકાણને જરૂર હોય છે તે છે ‘પરસ્પર વિશ્વાસ'"
"વૈશ્વિક વિકાસનું ભવિષ્ય બિઝનેસનાં ભવિષ્ય પર આધારિત છે"
"કાર્યક્ષમ અને વિશ્વસનીય વૈશ્વિક પુરવઠા શ્રુંખલાનાં નિર્માણમાં ભારત મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે"
"ટકાઉપણું એ એક તક તેમજ બિઝનેસ મૉડલ બંને છે"
"ભારતે વ્યવસાય માટે ગ્રીન ક્રેડિટનું માળખું તૈયાર કર્યું છે, જે 'ગ્રહ હકારાત્મક' ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે
"ધંધા- વ્યવસાયોએ વધુને વધુ લોકોની ખરીદ શક્તિમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે સ્વ-કેન્દ્રિત અભિગમ દરેકને નુકસાન પહોંચાડે છે"
"આપણે ચોક્કસપણે 'આંતરરાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસ' માટેની સિસ્ટમ વિશે વિચારવું જોઈએ. તેનાથી વેપાર-વાણિજ્ય અને ગ્રાહકો વચ્ચેનો વિશ્વાસ મજબૂત કરવામાં મદદ મળશે"
"ક્રિપ્ટોકરન્સીને લગતા વધુ સંકલિત અભિગમની જરૂર છે"
"નૈતિક એઆઇને પ્રોત્સાહન મળે તે સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક વેપારી સમુદાયો અને સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે"
“એક જોડાયેલું વિશ્વ સહિયારા હેતુ, સહિયારા ગ્રહ, સહિયારી સમૃદ્ધિ અને સહિયારાં ભવિષ્ય વિશે છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં B20 સમિટ ઇન્ડિયા 2023ને સંબોધન કર્યું હતું. બી-20 શિખર સંમેલન ઇન્ડિયા બી-20 ઇન્ડિયા કમ્યૂનિક પર ચર્ચા અને વિચારણા કરવા માટે વિશ્વભરના નીતિ ઘડવૈયાઓ, વેપારી અગ્રણીઓ અને નિષ્ણાતોને લાવે છે. બી20 ઇન્ડિયા ક્મ્યૂનિકમાં જી20ને રજૂ કરવા માટે 54 ભલામણો અને 172 નીતિગત પગલાં સામેલ છે.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉજવણીની ક્ષણ પર ભાર મૂક્યો હતો, જે 23 ઑગસ્ટના રોજ સફળ ચંદ્રયાન મિશનનાં ઉતરાણથી શરૂ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં તહેવારોની મોસમ આગળ વધી છે અને સમાજ તેમજ વ્યવસાયો ઉજવણીના મૂડમાં છે. સફળ ચંદ્ર અભિયાનમાં ઇસરોની ભૂમિકાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ મિશનમાં ઉદ્યોગની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો, કારણ કે ચંદ્રયાનનાં ઘણાં ઘટકો ખાનગી ક્ષેત્ર અને એમએસએમઇ દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, "આ વિજ્ઞાન અને ઉદ્યોગ બંનેની સફળતા છે." 

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની સાથે-સાથે સમગ્ર વિશ્વ પણ ઉજવણી કરી રહ્યું છે અને આ ઉજવણી એક જવાબદાર અંતરિક્ષ કાર્યક્રમ ચલાવવાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ઉજવણી જવાબદારી, પ્રવેગ, નવીનતા, સ્થાયીત્વ અને સમાનતા વિશે છે, જે આજની બી20ની થીમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ માનવતા અને 'વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર' વિશે છે.

B20 થીમ 'R.A.I.S.E' વિશે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભલે 'I' નવીનીકરણનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેઓ સર્વસમાવેશકતા-ઇન્ક્લુઝિવનેસના અન્ય 'I'નું ચિત્રણ કરે છે. તેમણે માહિતી આપી હતી કે, જી-20માં કાયમી બેઠકો માટે આફ્રિકન યુનિયનને આમંત્રણ આપતી વખતે પણ આ જ વિઝન લાગુ કરવામાં આવ્યું છે. બી20માં પણ, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આફ્રિકાનાં આર્થિક વિકાસને કેન્દ્રબિંદુ તરીકે ઓળખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત માને છે કે, આ ફોરમના સર્વસમાવેશક અભિગમની સીધી અસર આ જૂથ પર પડશે." તેમણે નોંધ્યું હતું કે, અહીં લેવાયેલા નિર્ણયોની સફળતાની સીધી અસર વૈશ્વિક આર્થિક પડકારોનો સામનો કરવા અને સ્થાયી વૃદ્ધિનું સર્જન કરવામાં થશે. 

સદીમાં એક વખત આવતી આપત્તિ એટલે કે કોવિડ-19 મહામારીમાંથી શીખેલા પાઠ વિશે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ મહામારીએ આપણને શીખવ્યું છે કે, આપણાં મોટાં ભાગનાં રોકાણની જે વસ્તુની જરૂર છે, તે છે 'પારસ્પરિક વિશ્વાસ'. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહામારીએ પારસ્પરિક વિશ્વાસની ઇમારતને છિન્નભિન્ન કરી દીધી છે, ત્યારે ભારત પારસ્પરિક વિશ્વાસનો ઝંડો ફરકાવીને આત્મવિશ્વાસ અને નમ્રતા સાથે ઊભું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે 150થી વધારે દેશોને દવાઓ ઉપલબ્ધ કરાવી છે અને વિશ્વની ફાર્મસી તરીકેની પોતાની સ્થિતિ મુજબ જીવે છે. એ જ રીતે કરોડોના જીવ બચાવવા માટે રસીનું ઉત્પાદન વધારવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનાં લોકતાંત્રિક મૂલ્યો તેની કામગીરીમાં અને તેની પ્રતિક્રિયામાં દેખાય છે. તેમણે કહ્યું, "ભારતનાં લોકતાંત્રિક મૂલ્યો ભારતનાં 50થી વધુ શહેરોમાં જી-20 બેઠકોમાં જોવા મળે છે."

વૈશ્વિક વ્યાવસાયિક સમુદાય માટે ભારત સાથે ભાગીદારીનાં આકર્ષણ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ ભારતના યુવા પ્રતિભાશાળી સમુદાય અને તેની ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, "ભારત સાથે તમારી મિત્રતા જેટલી વધુ ગાઢ બનશે, તેટલી જ વધુ સમૃદ્ધિ બંનેમાં વધશે."

તેમણે કહ્યું હતું કે, "વ્યવસાય સંભવિતતાને સમૃદ્ધિમાં, અવરોધોને અવસરો માં, આકાંક્ષાઓને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકે છે. ભલે તે નાનો હોય કે મોટો, વૈશ્વિક હોય કે સ્થાનિક, વ્યવસાય દરેક માટે પ્રગતિ સુનિશ્ચિત કરી શકે છે." તેથી, પ્રધાનમંત્રીએ કહ્યું", વૈશ્વિક વિકાસનું ભવિષ્ય ધંધા-વ્યવસાયનાં ભવિષ્ય પર નિર્ભર છે".

કોવિડ 19 મહામારીની શરૂઆત સાથે જીવનમાં આવેલાં પરિવર્તનો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં અવરોધોમાં અપરિવર્તનીય પરિવર્તનની નોંધ લીધી હતી. જ્યારે વિશ્વને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે ઠપ્પ થઈ ગયેલી વૈશ્વિક પુરવઠા શ્રુંખલાની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દુનિયા જે વિક્ષેપોનો સામનો કરી રહી છે, તેનું સમાધાન ભારત છે. તેમણે અત્યારે દુનિયામાં વિશ્વસનીય પુરવઠા શ્રુંખલા ઊભી કરવામાં ભારતની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો તથા વૈશ્વિક વેપાર-વાણિજ્યનાં પ્રદાન પર ભાર મૂક્યો હતો. 

 

જી-20 દેશોના બિઝનેસીસમાં બી-20 એક મજબૂત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે તેની ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વૈશ્વિક વેપાર-વાણિજ્યને આગળ વધવા જણાવ્યું હતું, કારણ કે સ્થિરતા પોતે જ એક તક છે અને સાથે-સાથે બિઝનેસ મૉડલ પણ છે. તેમણે આ અંગે વિસ્તૃત વર્ણન કરતાં જાડું ધાન્ય-બાજરીનું ઉદાહરણ આપ્યું હતું, જે સુપરફૂડ, પર્યાવરણને અનુકૂળ તેમજ નાના ખેડૂતો માટે સારું છે, જે તેને અર્થતંત્ર અને જીવનશૈલી એમ બંને દ્રષ્ટિકોણથી વિન-વિન મૉડલ બનાવે છે. તેમણે સર્ક્યુલર ઇકોનોમી અને ગ્રીન એનર્જીનો પણ ઉલ્લેખ કર્યો હતો. દુનિયાને સાથે લઈને ચાલવાનો ભારતનો અભિગમ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવાં પગલાઓમાં જોવા મળે છે. 

કોરોના પછીની દુનિયામાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દરેક વ્યક્તિ તેમનાં સ્વાસ્થ્ય વિશે વધુ સભાન થઈ ગઈ છે અને તેની અસર દૈનિક પ્રવૃત્તિઓમાં સ્પષ્ટપણે દેખાય છે. તેમણે એમ પણ નોંધ્યું છે કે લોકો આવી કોઈપણ પ્રવૃત્તિની ભાવિ અસરની રાહ જોઈ રહ્યા છે. આ માન્યતાને બળ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વ્યવસાયો અને સમાજે પૃથ્વી પર આવો જ અભિગમ અપનાવવો જોઈએ તથા ગ્રહ પર તેમના નિર્ણયોની અસરનું વિશ્લેષણ કરવું જોઈએ. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "પૃથ્વીની સુખાકારી પણ આપણી જવાબદારી છે." મિશન લાઇફ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મિશનનો ઉદ્દેશ પ્રો પ્લેનેટ પીપલનું એક જૂથ કે સમૂહ રચવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે જીવનશૈલી અને બિઝનેસીસ બંને ગ્રહ તરફી હશે ત્યારે અડધા મુદ્દાઓ ઓછા થઈ જશે. તેમણે પર્યાવરણ અનુસાર જીવન અને વ્યવસાયને અપનાવવા પર ભાર મૂક્યો હતો તથા વેપાર-વાણિજ્ય માટે ગ્રીન ક્રેડિટનું માળખું તૈયાર કરવા વિશે જાણકારી આપી હતી, જે ગ્રહ પર સકારાત્મક કાર્યો પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક વેપાર-વાણિજ્યના તમામ દિગ્ગજોને હાથ મિલાવવા અને તેને વૈશ્વિક ચળવળ બનાવવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ વેપાર-વાણિજ્યના પરંપરાગત અભિગમ પર પુનઃવિચારણા કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બ્રાન્ડ અને વેચાણથી આગળ વધવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, "એક વ્યવસાય તરીકે આપણે એવી ઇકોસિસ્ટમ ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેનાથી આપણને લાંબા ગાળે લાભ થાય. હવે ભારતે પાછલાં કેટલાંક વર્ષોમાં લાગુ કરેલી નીતિઓનાં કારણે માત્ર 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ લોકો નવા ગ્રાહકો છે. આ નિયો મિડલ ક્લાસ ભારતના વિકાસને પણ ગતિ આપી રહ્યો છે. એટલે કે સરકારે ગરીબો માટે જે કામ કર્યું છે, તેનો ચોખ્ખો લાભ આપણો મધ્યમ વર્ગ છે અને સાથે-સાથે આપણા એમએસએમઈ પણ છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વ્યવસાયોએ વધુને વધુ લોકોની ખરીદશક્તિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે સ્વકેન્દ્રી અભિગમ દરેકને નુકસાન કરશે. મહત્વપૂર્ણ સામગ્રી અને દુર્લભ પૃથ્વી ધાતુઓમાં અસમાન ઉપલબ્ધતા અને સાર્વત્રિક જરૂરિયાતના સમાન પડકારનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, "જે લોકો પાસે છે તેઓ તેમને વૈશ્વિક જવાબદારી તરીકે નહીં જુએ તો તે સંસ્થાનવાદનાં નવાં મૉડલને પ્રોત્સાહન આપશે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે ઉત્પાદકો અને ઉપભોક્તાઓનાં હિતમાં સંતુલન જાળવવામાં આવે છે, ત્યારે નફાકારક બજાર જળવાઈ રહે છે અને તે દેશોને પણ લાગુ પડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્ય દેશોને માત્ર બજાર તરીકે ગણવાથી કામ નહીં થાય પરંતુ ઉત્પાદક દેશોને પણ વહેલા કે મોડા નુકસાન થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગળ વધવાનો માર્ગ આ પ્રગતિમાં દરેકને સમાન ભાગીદાર બનાવવાનો છે. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વ્યાવસાયિક આગેવાનોને વિનંતી કરી હતી કે, તેઓ વ્યવસાયોને વધારે ગ્રાહક-કેન્દ્રિત બનાવવા વિચારણા કરે, જ્યાં આ ઉપભોક્તાઓ વ્યક્તિઓ કે દેશો હોઈ શકે. તેમણે કહ્યું કે તેમનાં હિતોનું ધ્યાન રાખવાની જરૂર છે અને આ માટે વાર્ષિક અભિયાન સાથે આવવાનું સૂચન કર્યું છે. પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, "દર વર્ષે, શું વૈશ્વિક વ્યવસાયો એકસાથે મળીને ગ્રાહકો અને તેમના બજારોનાં ભલા માટે પોતાને વચન આપી શકે છે."

 

શ્રી મોદીએ વૈશ્વિક વ્યવસાયને ઉપભોક્તાઓનાં હિત વિશે વાત કરવા માટે એક દિવસ નક્કી કરવા જણાવ્યું હતું. તેમણે પૂછ્યું, "જ્યારે આપણે ઉપભોક્તા અધિકારો વિશે વાત કરીએ છીએ, ત્યારે શું આપણે ગ્રાહક સંભાળ વિશે પણ ધ્યાન આપવું ન જોઈએ કેમ કે તે આપમેળે ઘણા ગ્રાહક અધિકારના મુદ્દાઓની સંભાળ લેશે? આપણે ચોક્કસપણે 'આંતરરાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસ' માટેની સિસ્ટમ વિશે વિચારવું જોઈએ. આનાથી વ્યવસાયો અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસ મજબૂત કરવામાં મદદ મળશે", એમ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે વિગતવાર જણાવ્યું હતું કે ગ્રાહકો ચોક્કસ ભૂગોળની અંદર છૂટક ગ્રાહકો સુધી મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક વેપાર, વૈશ્વિક ચીજવસ્તુઓ અને સેવાઓના ગ્રાહકો એવા દેશો પણ છે.

વિશ્વના બિઝનેસ અગ્રણીઓની હાજરીની નોંધ લઈને પ્રધાનમંત્રીએ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, વેપાર-વાણિજ્ય અને માનવતાનું ભવિષ્ય આ પ્રશ્નોના જવાબો દ્વારા નક્કી થશે. જવાબો અંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેનો જવાબ આપવા માટે પારસ્પરિક સહકાર જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન, ઊર્જા ક્ષેત્રની કટોકટી, ખાદ્ય પુરવઠા શ્રુંખલામાં અસંતુલન, જળ સુરક્ષા, સાયબર સુરક્ષા વગેરે જેવા મુદ્દાઓની વેપાર-વાણિજ્ય પર મોટી અસર પડે છે તથા આ સમસ્યાઓનો સામનો કરવા પ્રયાસો વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે 10-15 વર્ષ પહેલા કોઈએ પણ જે મુદ્દાઓ વિશે વિચાર્યું ન હતું તે મુદ્દાઓ પર પણ વાત કરી હતી અને ક્રિપ્ટોકરન્સીથી સંબંધિત પડકારોનું ઉદાહરણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ આ બાબતમાં વધારે સંકલિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને વૈશ્વિક માળખું ઊભું કરવાનું સૂચન કર્યું હતું, જેમાં તમામ હિતધારકોના મુદ્દાઓનું સમાધાન થઈ શકે. તેમણે કૃત્રિમ બુદ્ધિ અંગે જરૂરી સમાન અભિગમ વિશે પણ વાત કરી. એઆઈની આસપાસ ગુંજારવ અને રોમાંચ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કૌશલ્ય અને રિ-સ્કિલિંગ સાથે સંબંધિત કેટલીક નૈતિક બાબતો અને અલ્ગોરિધમ પૂર્વગ્રહ અને સમાજ પર તેની અસર સાથે સંબંધિત ચિંતાઓ તરફ ધ્યાન દોર્યું. "આવા મુદ્દાઓને સાથે મળીને ઉકેલવા પડશે. વૈશ્વિક વ્યાવસાયિક સમુદાયો અને સરકારોએ એથિકલ એઆઇનું વિસ્તરણ થાય તે સુનિશ્ચિત કરવા સંયુક્તપણે કામ કરવું પડશે" એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું અને વિવિધ ક્ષેત્રોમાં સંભવિત વિક્ષેપોને સમજવા પર ભાર મૂક્યો હતો.

 

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વ્યવસાયો સફળતાપૂર્વક સરહદો અને સીમાઓથી આગળ વધી ગયા છે, પણ હવે વેપાર-વાણિજ્યને તળિયાની રેખાથી આગળ લઈ જવાનો સમય પાકી ગયો છે. તેમણે કહ્યું કે સપ્લાય ચેનની સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને તે હાથ ધરી શકાય છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, બી20 શિખર સંમેલને સામૂહિક પરિવર્તનનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ચાલો આપણે યાદ રાખીએ કે એકબીજા સાથે જોડાયેલી દુનિયા એટલે માત્ર ટેક્નૉલોજી મારફતે જોડાણ જ નહીં. આ માત્ર સહિયારા સામાજિક મંચની જ વાત નથી, પણ સહિયારાં હેતુ, સહિયારા ગ્રહ, સહિયારી સમૃદ્ધિ અને સહિયારાં ભવિષ્ય વિશે પણ છે," એમ પ્રધાનમંત્રીએ ટકોર કરી.

 

પશ્ચાદભૂમિકા

બિઝનેસ 20 (બી20) એ વૈશ્વિક વેપારી સમુદાય સાથેનું સત્તાવાર જી-20 સંવાદ મંચ છે. 2010માં સ્થપાયેલી બી20 એ જી20માં સૌથી અગ્રણી જોડાણ જૂથોમાં સ્થાન ધરાવે છે, જેમાં કંપનીઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ સહભાગીઓ તરીકે કામ કરે છે. બી2૦ આર્થિક વૃદ્ધિ અને વિકાસને વેગ આપવા માટે નક્કર કાર્યવાહી કરી શકાય તેવી નીતિ ભલામણો પહોંચાડવાનું કામ કરે છે.

25થી 27 ઑગસ્ટ સુધી ત્રિદિવસીય શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો વિષય R.A.I.S.E – રિસ્પોન્સિબલ-જવાબદાર, એક્સલરેટેડ-પ્રવેગિત, ઈનોવેટિવ-નવીન, સસ્ટેનેબલ-સાતત્યપૂર્ણ અને ઈક્વિટેબલ-સમાન બિઝનેસીસ છે. જેમાં લગભગ 55 દેશોના 1500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi shares two takeaways for youth from Sachin Tendulkar's recent Kashmir trip: 'Precious jewel of incredible India'

Media Coverage

PM Modi shares two takeaways for youth from Sachin Tendulkar's recent Kashmir trip: 'Precious jewel of incredible India'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister announces ex-gratia for the victims of road accident in Dindori, Madhya Pradesh
February 29, 2024

The Prime Minister, Shri Narendra Modi has announced ex-gratia for the victims of road accident in Dindori, Madhya Pradesh.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased and the injured would be given Rs. 50,000.

The Prime Minister’s Office posted on X;

“An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Dindori, MP. The injured would be given Rs. 50,000: PM @narendramodi”