WAVES વૈશ્વિક મંચ પર ભારતની સર્જનાત્મક શક્તિઓને ઉજાગર કરે છે: પ્રધાનમંત્રી
વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVES, ફક્ત એક સંક્ષિપ્ત નામ નથી, તે સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાર્વત્રિક જોડાણની લહેર છે: પ્રધાનમંત્રી
એક અબજથી વધુ વસ્તી ધરાવતો ભારત એક અબજથી વધુ વાર્તાઓનો દેશ પણ છે: પ્રધાનમંત્રી
ભારતમાં અને વિશ્વ માટે સર્જન કરવાનો આ યોગ્ય સમય છે: પ્રધાનમંત્રી
આજે જ્યારે દુનિયા વાર્તા કહેવાની નવી રીતો શોધી રહી છે, ત્યારે ભારત પાસે હજારો વર્ષ જૂની વાર્તાઓનો ખજાનો છે, આ ખજાનો કાલાતીત, વિચારપ્રેરક અને સાચા અર્થમાં વૈશ્વિક છે: પ્રધાનમંત્રી
ભારતમાં ઓરેન્જ ઇકોનોમીના વિકાસનો સમય આવી ગયો છે. સામગ્રી, સર્જનાત્મકતા અને સંસ્કૃતિ - આ ઓરેન્જ ઇકોનોમીના ત્રણ સ્તંભ છે: પ્રધાનમંત્રી
સ્ક્રીન સાઇઝ ભલે નાની થતી જાય, પરંતુ તેનો વ્યાપ અનંત બની રહ્યો છે, સ્ક્રીન નાની થઈ રહી છે, પણ મેસેજ મેગા બની રહ્યો છે: પ્રધાનમંત્રી
આજે ભારત ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી, ગેમિંગ, ફેશન, સંગીત અને લાઇવ કોન્સર્ટ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે: પ્રધાનમંત્રી
વિશ્વના સર્જકોને - મોટા સ્વપ્ન જુઓ અને તમારી વાર્તા કહો, રોકાણકારોને - ફક્ત પ્લેટફોર્મમાં જ નહીં પરંતુ લોકોમાં પણ રોકાણ કરો, ભારતીય યુવાનોને - તમારી એક અબજ વણકહી વાર્તાઓ વિશ્વને કહો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આજે ઉજવાતા મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. રચનાત્મક ઉદ્યોગનાં તમામ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, રાજદૂતો અને નેતાઓની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ આ સમારંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ જણાવ્યું હતું કે, 100થી વધારે દેશોનાં કલાકારો, નવપ્રવર્તકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાંખવા એકત્ર થયા છે. તેમણે નોંધ્યું હતું કે, "વેવ્સ એ માત્ર સંક્ષિપ્ત શબ્દ જ નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાર્વત્રિક જોડાણનું પ્રતિનિધિત્વ કરતું મોજું છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ ફિલ્મો, સંગીત, ગેમિંગ, એનિમેશન અને સ્ટોરીટેલિંગની વિસ્તૃત દુનિયાને પ્રદર્શિત કરે છે. જે કલાકારો અને સર્જકોને જોડાવા અને સહયોગ કરવા માટે એક વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યાં હતાં તથા ભારત અને વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

 

વેવ્સ સમિટમાં ભારતના સમૃદ્ધ સિનેમેટિક ઇતિહાસ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે, 3 મે, 1913ના રોજ ભારતની પ્રથમ ફિચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર રિલીઝ થઈ હતી. જેનું નિર્દેશન અગ્રણી ફિલ્મનિર્માતા દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું. તેમણે યાદ કર્યું કે ફાળકેની જન્મજયંતિ એક દિવસ પહેલા જ ઉજવવામાં આવી હતી. તેમણે પાછલી સદીમાં ભારતીય સિનેમાની અસર પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, તેમણે સફળતાપૂર્વક ભારતના સાંસ્કૃતિક હાર્દને વિશ્વના દરેક ખૂણે પહોંચાડ્યું છે. તેમણે રશિયામાં રાજ કપૂરની લોકપ્રિયતા, કાન્સમાં સત્યજિત રેની વૈશ્વિક માન્યતા અને આરઆરઆરની ઓસ્કાર વિજેતા સફળતા પર પ્રકાશ પાડ્યો હતો અને ભારતીય ફિલ્મ નિર્માતાઓ કેવી રીતે વૈશ્વિક કથાઓને આકાર આપવાનું ચાલુ રાખે છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ગુરુ દત્તની સિનેમેટિક કવિતા, એ. આર. રહેમાનની સંગીતમય પ્રતિભા ઋત્વિક ઘટકના સામાજિક પ્રતિબિંબ અને એસ. એસ. રાજામૌલીની મહાકાવ્ય કથાનો પણ સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ દરેક કલાકારે વિશ્વભરમાં લાખો લોકો માટે ભારતીય સંસ્કૃતિને જીવંત કરી છે. શ્રી મોદીએ એ બાબત પર પણ ટિપ્પણી કરી હતી કે, ભારતીય સિનેમાનાં દિગ્ગજોનું સ્મારક ટપાલ ટિકિટ મારફતે સન્માન કરવામાં આવે છે અને આ ઉદ્યોગ માટે તેમનાં યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

ભારતની સર્જનાત્મક ક્ષમતા અને વૈશ્વિક સહયોગના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમણે ગેમિંગ, સંગીત, ફિલ્મ નિર્માણ અને અભિનયના વ્યાવસાયિકો સાથે વિચારો અને આંતરદૃષ્ટિની ચર્ચા કરી છે. જેનાથી સર્જનાત્મક ઉદ્યોગો પ્રત્યેની તેમની સમજ વધુ ગાઢ બની છે. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ દરમિયાન લેવામાં આવેલી એક અનોખી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો.  જ્યાં 150 દેશોના ગાયકો લગભગ 500-600 વર્ષ પહેલાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલ ભજન 'વૈષ્ણવ જન તો' રજૂ કરવા માટે ભેગા થયા હતા. તેમણે કહ્યું કે આ વૈશ્વિક કલાત્મક પ્રયાસે નોંધપાત્ર અસર ઉભી કરી, વિશ્વને સુમેળમાં લાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમિટમાં હાજર ઘણા વ્યક્તિઓએ ગાંધીજીના દર્શનને આગળ ધપાવતા ટૂંકા વિડીયો સંદેશાઓ બનાવીને ગાંધી150 (વન ફિફ્ટી) પહેલમાં યોગદાન આપ્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારતના સર્જનાત્મક વિશ્વની સામૂહિક શક્તિ, આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે પહેલાથી જ તેની ક્ષમતા દર્શાવી ચૂકી છે અને આ દ્રષ્ટિ હવે WAVESના રૂપમાં સાકાર થઈ છે.

વેવ્ઝ સમિટના પ્રથમ સંસ્કરણની ભવ્ય સફળતાની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે તેની શરૂઆતથી જ આ કાર્યક્રમે વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું છે અને તે "હેતુપૂર્ણ" છે. તેમણે સમિટના સલાહકાર બોર્ડના સમર્પણ અને પ્રયાસોને સ્વીકાર્યા અને સર્જનાત્મક ઉદ્યોગમાં વેવ્ઝને એક સીમાચિહ્નરૂપ ઘટના બનાવવામાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે મોટા પાયે ક્રિએટર્સ ચેલેન્જ અને ક્રિએટોસ્ફિયર પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં 60 દેશોના લગભગ 100,000 સર્જનાત્મક વ્યાવસાયિકોની ભાગીદારી જોવા મળી. તેમણે ટિપ્પણી કરી કે 32 પડકારોમાંથી 800 ફાઇનલિસ્ટ પસંદ કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાને ઓળખવામાં આવી છે અને તેમની સિદ્ધિ બદલ તેમને અભિનંદન આપવામાં આવ્યા છે. તેમણે ફાઇનલિસ્ટ્સને પ્રોત્સાહિત કરતા કહ્યું કે હવે તેમની પાસે વૈશ્વિક સર્જનાત્મક પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડવાની તક છે.

પ્રધાનમંત્રીએ વેવ્ઝ સમિટ દરમિયાન ઇન્ડિયા પેવેલિયનમાં પ્રદર્શિત સર્જનાત્મક વિકાસ પ્રત્યે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે નોંધપાત્ર નવીનતાઓ પ્રાપ્ત થઈ છે અને તેઓ આ રચનાઓને પ્રત્યક્ષ જોવા માટે આતુર છે. પ્રધાનમંત્રીએ વેવ્સ બજાર પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. નવા સર્જકોને પ્રોત્સાહિત કરવા અને તેમને ઉભરતા બજારો સાથે જોડવાની તેની સંભાવનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કલા ઉદ્યોગમાં ખરીદદારો અને વેચાણકર્તાઓને જોડવાના ખ્યાલની પ્રશંસા કરતા કહ્યું કે આવી પહેલ સર્જનાત્મક અર્થતંત્રને મજબૂત બનાવે છે અને કલાકારો માટે નવી તકો પૂરી પાડે છે.

સર્જનાત્મકતા અને માનવીય અનુભવ વચ્ચેના ઊંડાં મૂળિયાં ધરાવતાં જોડાણનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, બાળકની સફર માતાની હાલરડાથી શરૂ થાય છે. જે સૂર અને સંગીતનો તેમનો પ્રથમ પરિચય છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, જે રીતે એક માતા પોતાનાં બાળક માટે સ્વપ્નોને વણી લે છે, તેવી જ રીતે રચનાત્મક વ્યાવસાયિકો પણ એક યુગનાં સ્વપ્નોને આકાર આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વેવ્સનો સાર આ પ્રકારનાં સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિઓને એકમંચ પર લાવવામાં રહેલો છે. જેઓ તેમની કળા મારફતે પેઢીઓને પ્રેરિત કરે છે અને પ્રભાવિત કરે છે.

સામૂહિક પ્રયાસોમાં પોતાના વિશ્વાસને પુનરાવર્તિત કરતા, તેમણે કહ્યું કે કલાકારો, સર્જકો અને ઉદ્યોગના નેતાઓનું સમર્પણ આવનારા વર્ષોમાં WAVES ને નવી ઊંચાઈઓ પર લઈ જશે.  શ્રી મોદીએ તેમના ઉદ્યોગ સમકક્ષોને સમિટની પ્રથમ આવૃત્તિને સફળ બનાવનાર સમાન સ્તરના સમર્થન અને સહકારને ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. તેમણે ટિપ્પણી કરી કે હજુ ઘણા રોમાંચક વેવ્સ આવવાના બાકી છે અને જાહેરાત કરી કે WAVES એવોર્ડ્સ ભવિષ્યમાં શરૂ કરવામાં આવશે. જે કલા અને સર્જનાત્મકતાની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન તરીકે પોતાને સ્થાપિત કરશે. તેમણે સતત પ્રતિબદ્ધતાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે તેનો ઉદ્દેશ્ય વિશ્વભરના લોકોના દિલ જીતવાનો અને સર્જનાત્મકતા દ્વારા પેઢીઓને પ્રેરણા આપવાનો છે.

ભારતની ઝડપી આર્થિક પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ફિનટેક અપનાવવામાં પ્રથમ ક્રમે છે, બીજા ક્રમનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક છે અને વિશ્વભરમાં ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની સફર હમણાં જ શરૂ થઈ છે અને તેની પાસે ઘણું બધું આપવા માટે છે. તેમણે કહ્યું, "ભારત માત્ર એક અબજથી વધુ વસ્તીનું ઘર નથી પણ એક અબજથી વધુ વાર્તાઓનું ઘર પણ છે." દેશના સમૃદ્ધ કલાત્મક ઇતિહાસનો ઉલ્લેખ કરતા, તેમણે યાદ કર્યું કે બે હજાર વર્ષ પહેલાં ભરત મુનિના નાટ્ય શાસ્ત્રમાં લાગણીઓ અને માનવ અનુભવોને આકાર આપવામાં કલાની શક્તિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સદીઓ પહેલા, કાલિદાસના અભિજ્ઞાન-શકુંતલમે શાસ્ત્રીય નાટકમાં એક નવી દિશા રજૂ કરી હતી. ભારતના ઊંડા સાંસ્કૃતિક મૂળ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક શેરીની એક વાર્તા હોય છે. દરેક પર્વતનું એક ગીત હોય છે અને દરેક નદી એક સૂર ગાય છે. તેમણે કહ્યું કે ભારતના છ લાખ ગામડાઓમાંથી દરેકની પોતાની લોક પરંપરાઓ અને અનોખી વાર્તા કહેવાની શૈલી છે. જ્યાં સમુદાયો લોકગીતો દ્વારા તેમના ઇતિહાસનું જતન કરે છે. તેમણે ભારતીય સંગીતના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે ભજન હોય, ગઝલ હોય, શાસ્ત્રીય રચનાઓ હોય કે સમકાલીન ધૂન હોય, દરેક ધૂન એક વાર્તા ધરાવે છે અને દરેક લયમાં એક આત્મા હોય છે.

 

શ્રી મોદીએ વેવ્સ સમિટમાં ભારતના ઊંડા મૂળવાળા કલાત્મક અને આધ્યાત્મિક વારસા પર પ્રકાશ પાડ્યો, નાદ બ્રહ્મા, દૈવી ધ્વનિની વિભાવના પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ભારતીય પૌરાણિક કથાઓએ હંમેશા સંગીત અને નૃત્ય દ્વારા દિવ્યતા વ્યક્ત કરી છે. જેમાં ભગવાન શિવના ડમરુને પ્રથમ બ્રહ્માંડિક ધ્વનિ તરીકે, દેવી સરસ્વતીની વીણાને જ્ઞાનના લય તરીકે, ભગવાન કૃષ્ણની વાંસળીને પ્રેમના શાશ્વત સંદેશ તરીકે અને ભગવાન વિષ્ણુના શંખને સકારાત્મક ઉર્જાના આહ્વાન તરીકે ટાંકવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમિટમાં મંત્રમુગ્ધ કરનાર સાંસ્કૃતિક પ્રદર્શન પણ આ સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. "આ યોગ્ય સમય છે" એવું જાહેર કરીને શ્રી મોદીએ "ભારતમાં બનાવો, વિશ્વ માટે બનાવો" ના વિઝનનો પુનરોચ્ચાર કર્યો હસતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની વાર્તા કહેવાની પરંપરા હજારો વર્ષોથી ફેલાયેલો અમૂલ્ય ખજાનો પ્રદાન કરે છે. તેમણે ભાર મૂક્યો કે ભારતની વાર્તાઓ કાલાતીત, વિચારપ્રેરક અને ખરેખર વૈશ્વિક છે, જે ફક્ત સાંસ્કૃતિક વિષયો જ નહીં પરંતુ વિજ્ઞાન, રમતગમત, હિંમત અને બહાદુરીને પણ આવરી લે છે. તેમણે કહ્યું કે ભારતની વાર્તા કહેવાની શૈલી વિજ્ઞાન, કલ્પના અને વીરતા અને નવીનતાનું મિશ્રણ કરે છે. જે એક વિશાળ અને વૈવિધ્યસભર સર્જનાત્મક ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે. તેમણે વેવ્સ પ્લેટફોર્મને ભારતની અસાધારણ વાર્તાઓ વિશ્વ સાથે શેર કરવાની જવાબદારી લેવા અને તેને નવા અને આકર્ષક ફોર્મેટ દ્વારા ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવા હાકલ કરી હતી.

પીપલ્સ પદ્મ એવોર્ડ્સ અને વેવ્સ સમિટ પાછળના વિઝન વચ્ચે સમાનતા દર્શાવતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને પહેલનો ઉદ્દેશ્ય ભારતના દરેક ખૂણામાંથી પ્રતિભાને ઓળખવાનો અને તેમને ઉત્તેજન આપવાનો છે. તેમણે કહ્યું કે પદ્મ પુરસ્કારો સ્વતંત્રતા પછી થોડા વર્ષો પછી શરૂ થયા હતા. પરંતુ જ્યારે ભારતે પીપલ્સ પદ્મ અપનાવ્યું, ત્યારે તે ખરેખર બદલાઈ ગયા. જેમાં દૂરના વિસ્તારોમાંથી રાષ્ટ્રની સેવા કરતી વ્યક્તિઓને માન્યતા આપવામાં આવી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પરિવર્તને પુરસ્કારોને એક સમારોહમાંથી રાષ્ટ્રીય ઉજવણીમાં પરિવર્તિત કરી દીધા. તેવી જ રીતે, પ્રધાનમંત્રીએ કહ્યું કે વેવ્સ ફિલ્મો, સંગીત, એનિમેશન અને ગેમિંગમાં ભારતની અપાર સર્જનાત્મક પ્રતિભા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જે સુનિશ્ચિત કરશે કે દેશના દરેક ભાગના કલાકારોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર માન્યતા મળે.

ભારતની વિવિધ વિચારો અને સંસ્કૃતિઓ અપનાવવાની પરંપરા પર ભાર મૂકીને સંસ્કૃત શબ્દસમૂહનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની સભ્યતાની ઉદારતાએ પારસીઓ અને યહુદીઓ જેવા સમુદાયોને આવકાર્યા છે. જેઓ દેશમાં સમૃદ્ધ થયા છે અને તેના સાંસ્કૃતિક તાણાવાણાનું અભિન્ન અંગ બની ગયા છે. તેમણે વિવિધ દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓની હાજરીનો સ્વીકાર કર્યો હતો અને નોંધ્યું હતું કે, દરેક રાષ્ટ્રને તેની પોતાની સફળતાઓ અને યોગદાન હોય છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતની તાકાત વૈશ્વિક કલાત્મક સિદ્ધિઓનું સન્માન કરવામાં અને તેની ઉજવણી કરવામાં છે. જે દેશના  રચનાત્મક જોડાણ પ્રત્યેની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિવિધ સંસ્કૃતિઓ અને રાષ્ટ્રોની સિદ્ધિઓને પ્રતિબિંબિત કરતી સામગ્રીનું સર્જન કરીને વેવ્સ વૈશ્વિક જોડાણ અને કલાત્મક આદાનપ્રદાનનાં વિઝનને મજબૂત કરી શકે છે.

વૈશ્વિક સર્જનાત્મક સમુદાયને આમંત્રણ આપતાં, પ્રધાનમંત્રીએ તેમને ખાતરી આપી કે ભારતની વાર્તાઓ સાથે જોડાવાથી એવી વાર્તાઓ પ્રાપ્ત થશે જે તેમની પોતાની સંસ્કૃતિઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની સમૃદ્ધ વાર્તા કહેવાની પરંપરામાં એવા વિષયો અને લાગણીઓ છે જે સીમાઓ પાર કરે છે. જે એક કુદરતી અને અર્થપૂર્ણ જોડાણ બનાવે છે. તેમણે કહ્યું કે ભારતની વાર્તાઓનું અન્વેષણ કરતા આંતરરાષ્ટ્રીય કલાકારો અને સર્જનાત્મક લોકો રાષ્ટ્રના વારસા સાથે એક કુદરતી બંધનનો અનુભવ કરશે. તેમણે કહ્યું કે આ સાંસ્કૃતિક સમન્વય ભારતના ક્રિએટ ઇન ઇન્ડિયાના વિઝનને વધુ આકર્ષક અને વિશ્વ માટે સુલભ બનાવશે.

શ્રી મોદીએ કહ્યું, "ભારતમાં ઓરેન્જ ઈકોનોમી શરૂ કરવાનો સમય આવી ગયો છે. સામગ્રી, સર્જનાત્મકતા અને સંસ્કૃતિ એ ઓરેન્જ ઈકોનોમીના ત્રણ સ્તંભ છે." તેમણે કહ્યું કે ભારતીય ફિલ્મો હવે 100થી વધુ દેશોમાં દર્શકો સુધી પહોંચી રહી છે. તેથી વૈશ્વિક દર્શકો ભારતીય સિનેમાને ઉપરછલ્લી પ્રશંસાથી આગળ વધીને સમજવા માંગે છે. તેમણે આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો દ્વારા સબટાઈટલ સાથે ભારતીય સામગ્રી જોવાના વધતા વલણ પર પ્રકાશ પાડ્યો હતો. જે ભારતની વાર્તાઓ સાથે ઊંડી સંલગ્નતા દર્શાવે છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના OTT ઉદ્યોગમાં દસ ગણો વિકાસ થયો છે. તેમણે ઉમેર્યું કે સ્ક્રીનનું કદ નાનું થઈ રહ્યું હોવા છતાં, સામગ્રીનો અવકાશ અનંત છે. જેમાં માઇક્રો સ્ક્રીન મોટા સંદેશા પહોંચાડે છે. તેમણે અવલોકન કર્યું કે ભારતીય ભોજન વૈશ્વિક સ્તરે પ્રિય બની રહ્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય સંગીત ટૂંક સમયમાં સમગ્ર વિશ્વમાં સમાન માન્યતા પ્રાપ્ત કરશે.

ભારતની સર્જનાત્મક અર્થવ્યવસ્થાની અપાર સંભાવના પર ભાર મૂકતા, આગામી વર્ષોમાં દેશના GDPમાં તેનું યોગદાન નોંધપાત્ર રીતે વધવાની તૈયારીમાં છે તેમ જણાવીને પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, "ભારત ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી, ગેમિંગ, ફેશન અને સંગીત માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે". તેમણે લાઇવ કોન્સર્ટ ઉદ્યોગમાં આશાસ્પદ વૃદ્ધિની તકો અને વૈશ્વિક એનિમેશન બજારમાં વિશાળ સંભાવનાની નોંધ લીધી, જે હાલમાં $430 બિલિયનથી વધુનું છે અને આગામી દાયકામાં બમણું થવાનો અંદાજ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ ભારતના એનિમેશન અને ગ્રાફિક્સ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ તક રજૂ કરે છે અને હિસ્સેદારોને આ વિસ્તરણનો લાભ લઈને વધુ આંતરરાષ્ટ્રીય પહોંચ મેળવવા વિનંતી કરી.

 

ભારતના યુવા સર્જકોને દેશની ઓરેન્જ ઈકોનોમીને આગળ ધપાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમનો જુસ્સો અને સખત મહેનત સર્જનાત્મકતાના નવા વેવ્સને આકાર આપી રહી છે તે સ્વીકારીને શ્રી મોદીએ ભાર મૂક્યો કે ગુવાહાટીના સંગીતકારો હોય, કોચીના પોડકાસ્ટર્સ હોય, બેંગલુરુના ગેમ ડિઝાઇનર્સ હોય કે પંજાબના ફિલ્મ નિર્માતાઓ હોય, તેમનું યોગદાન ભારતના વિકસતા સર્જનાત્મક ક્ષેત્રને વેગ આપી રહ્યું છે. તેમણે ખાતરી આપી કે સરકાર સર્જનાત્મક વ્યાવસાયિકોની પાછળ મજબૂત રીતે ઉભી છે, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ સપોર્ટ, AVGC ઉદ્યોગ માટેની નીતિઓ અને WAVES જેવા વૈશ્વિક પ્લેટફોર્મ દ્વારા તેમને ટેકો આપી રહી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે એવું વાતાવરણ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યાં નવીનતા અને કલ્પનાશક્તિનું મૂલ્ય હોય, નવા સપનાઓને પ્રોત્સાહન આપવામાં આવે અને વ્યક્તિઓને તે સપનાઓને જીવંત કરવા માટે સશક્ત બનાવવામાં આવે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે WAVES એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જ્યાં સર્જનાત્મકતા કોડિંગ સાથે જોડાય છે, સોફ્ટવેર વાર્તા કહેવા સાથે જોડાય છે અને કલા સંવર્ધિત વાસ્તવિકતા સાથે જોડાય છે. તેમણે યુવા સર્જકોને આ તકનો મહત્તમ ઉપયોગ કરવા, મોટા સ્વપ્ન જોવા અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પોતાના પ્રયત્નો સમર્પિત કરવાનો આગ્રહ કર્યો.

પ્રધાનમંત્રીએ ભારતના કન્ટેન્ટ સર્જકોમાં પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાર મૂક્યો કે તેમની મુક્ત-પ્રવાહ સર્જનાત્મકતા વૈશ્વિક સર્જનાત્મક પરિદૃશ્યને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના સર્જકોનો યુવા જુસ્સો કોઈ અવરોધો, મર્યાદાઓ કે ખચકાટ જાણતો નથી, જે નવીનતાને ખીલવા દે છે. તેમણે કહ્યું કે યુવા સર્જકો, ગેમર્સ અને ડિજિટલ કલાકારો સાથેની તેમની વ્યક્તિગત વાતચીત દ્વારા, તેમણે ભારતના સર્જનાત્મક ઇકોસિસ્ટમમાંથી ઉભરતી ઊર્જા અને પ્રતિભાને પ્રત્યક્ષ જોઈ છે. તેમણે સ્વીકાર્યું કે ભારતની વિશાળ યુવા વસ્તી રીલ્સ, પોડકાસ્ટ અને ગેમ્સથી લઈને એનિમેશન, સ્ટેન્ડ-અપ અને AR-VR ફોર્મેટ સુધી નવા સર્જનાત્મક પરિમાણોને આગળ ધપાવી રહી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે WAVES એ ખાસ કરીને આ પેઢી માટે રચાયેલ પ્લેટફોર્મ છે - જે યુવા દિમાગને તેમની ઊર્જા અને કુશળતાથી સર્જનાત્મક ક્રાંતિની પુનઃકલ્પના અને પુનઃવ્યાખ્યાયિત કરવા સક્ષમ બનાવે છે.

ટેકનોલોજી-સંચાલિત 21મી સદીમાં સર્જનાત્મક જવાબદારીના મહત્વ પર ભાર મૂકતા, શ્રી મોદીએ જણાવ્યું કે ટેકનોલોજી માનવ જીવનને વધુને વધુ પ્રભાવિત કરી રહી છે. તેથી ભાવનાત્મક સંવેદનશીલતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ જાળવવા માટે વધારાના પ્રયાસોની જરૂર છે. તેમણે ટિપ્પણી કરી કે સર્જનાત્મક દુનિયામાં માનવ કરુણાને પ્રોત્સાહન આપવાની અને સામાજિક ચેતનાને વધુ ઊંડી બનાવવાની શક્તિ છે. તે ભાર મૂકે છે કે, ધ્યેય રોબોટ્સ બનાવવાનો નથી, પરંતુ ઉચ્ચ સંવેદનશીલતા, ભાવનાત્મક ઊંડાણ અને બૌદ્ધિક સમૃદ્ધિ ધરાવતા વ્યક્તિઓને ઉછેરવાનો છે - એવા ગુણો જે ફક્ત માહિતીના ભારણ અથવા તકનીકી ગતિથી પ્રાપ્ત થઈ શકતા નથી. શ્રી મોદીએ કલા, સંગીત, નૃત્ય અને વાર્તા કહેવાના મહત્વ પર ભાર મૂક્યો અને નોંધ્યું કે આ સ્વરૂપોએ હજારો વર્ષોથી માનવ સંવેદનાઓને જીવંત રાખી છે. તેમણે સર્જનાત્મક લોકોને આ પરંપરાઓને મજબૂત કરવા અને વધુ કરુણાપૂર્ણ ભવિષ્ય બનાવવાનો આગ્રહ કર્યો. તેમણે યુવા પેઢીઓને વિભાજનકારી અને હાનિકારક વિચારધારાઓથી બચાવવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે વેવ્સ સાંસ્કૃતિક અખંડિતતા જાળવવા અને સકારાત્મક મૂલ્યો સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે આ જવાબદારીની અવગણના કરવાથી ભવિષ્યની પેઢીઓ માટે ગંભીર પરિણામો આવી શકે છે.

સર્જનાત્મક વિશ્વ પર ટેકનોલોજીના પરિવર્તનશીલ પ્રભાવ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે વૈશ્વિક સંકલનના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે ઉમેર્યું કે, વેવ્સ ભારતીય સર્જકોને વૈશ્વિક વાર્તાકારો સાથે, એનિમેટરોને વૈશ્વિક સ્વપ્નદ્રષ્ટાઓ સાથે જોડવા અને ગેમર્સને વૈશ્વિક ચેમ્પિયન બનાવવા માટે પુલ તરીકે કામ કરશે. તેમણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સર્જકોને ભારતને તેમના સામગ્રી રમતના મેદાન તરીકે અપનાવવા અને દેશના વિશાળ સર્જનાત્મક ઇકોસિસ્ટમનું અન્વેષણ કરવા આમંત્રણ આપ્યું. વૈશ્વિક સર્જકોને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેમને મોટા સ્વપ્ન જોવા અને તેમની વાર્તા કહેવાનો આગ્રહ કર્યો. તેમણે રોકાણકારોને ફક્ત પ્લેટફોર્મમાં જ નહીં, પરંતુ લોકોમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા અને ભારતીય યુવાનોને તેમની એક અબજ અનકહી વાર્તાઓ વિશ્વ સાથે શેર કરવા હાકલ કરી. તેમણે ઉદ્ઘાટન વેવ્સ સમિટના તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવીને પોતાના ભાષણનું સમાપન કર્યું.

 

આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ, ડૉ. એલ. મુરુગન સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

પાર્શ્વભૂમિ

વેવ્સ 2025 એ "કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ" ટેગલાઇન સાથે ચાર દિવસીય સમિટ છે. જે વિશ્વભરના સર્જકો, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ નેતાઓ અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવીને ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે તૈયાર છે.

સર્જનાત્મકતા, ટેકનોલોજી અને પ્રતિભાનો ઉપયોગ કરીને ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ, WAVES ફિલ્મો, OTT, ગેમિંગ, કોમિક્સ, ડિજિટલ મીડિયા, AI, AVGC-XR, પ્રસારણ અને ઉભરતી ટેકનોલોજીને એકીકૃત કરશે. જે તેને ભારતના મીડિયા અને મનોરંજન કૌશલ્યનું વ્યાપક પ્રદર્શન બનાવશે. વેવ્સનો ઉદ્દેશ્ય 2029 સુધીમાં $50 બિલિયનનું બજાર ખોલવાનો છે. જે વૈશ્વિક મનોરંજન અર્થતંત્રમાં ભારતની હાજરીને વિસ્તૃત કરશે.

WAVES 2025માં ભારત પ્રથમ વખત ગ્લોબલ મીડિયા ડાયલોગ (GMD)નું પણ આયોજન કરી રહ્યું છે. જેમાં 25 દેશોના મંત્રી સ્તરની ભાગીદારી હશે. જે વૈશ્વિક મીડિયા અને મનોરંજન ક્ષેત્ર સાથે દેશના જોડાણમાં એક સીમાચિહ્નરૂપ બનશે. આ સમિટમાં વેવ્સ બજાર પણ સામેલ થશે. જે એક વૈશ્વિક ઈ-માર્કેટપ્લેસ છે જેમાં 6,100થી વધુ ખરીદદારો, 5,200 વિક્રેતાઓ અને 2,100 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ખરીદદારો અને વેચાણકર્તાઓને જોડવાનો છે. જેથી વ્યાપક નેટવર્કિંગ અને વ્યવસાયિક તકો સુનિશ્ચિત થાય.

 

પ્રધાનમંત્રીએ ક્રિએટોસ્ફિયરની મુલાકાત લીધી હતી અને લગભગ એક વર્ષ અગાઉ લોન્ચ થયેલા 32 ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જમાંથી પસંદ કરાયેલા સર્જકો સાથે વાતચીત કરી હતી. જેમાં એક લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા હતા. તેઓ ભારત પેવેલિયનની પણ મુલાકાત લેશે.

વેવ્સ 2025માં 90થી વધુ દેશોમાંથી ભાગ લેવામાં આવશે. જેમાં 10,000થી વધુ પ્રતિનિધિઓ, 1,000 સર્જકો, 300+ કંપનીઓ અને 350+ સ્ટાર્ટઅપ્સ હશે. આ સમિટમાં 42 પૂર્ણ સત્રો, 39 બ્રેકઆઉટ સત્રો અને 32 માસ્ટરક્લાસ હશે. જેમાં પ્રસારણ, ઇન્ફોટેનમેન્ટ, AVGC-XR, ફિલ્મ અને ડિજિટલ મીડિયા સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 ડિસેમ્બર 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology