જે લોકો ૨૧મી સદીમાં જન્મ્યા છે તેઓ દેશના વિકાસને ગતિ આપવામાં સક્રિય ભૂમિકા ભજવશે: વડાપ્રધાન મોદી
સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે યુવાન સદાય ઉર્જાથી અને ગતિથી ભરપૂર હોય છે અને તે મોટા પરિવર્તનો લાવી શકે છે: વડાપ્રધાન
વિવેકાનંદ રોક મેમોરિયલ તમામને ગરીબોની સેવા કરવાની પ્રેરણા આપે છે: વડાપ્રધાન મોદી
૨૦૨૨ જ્યારે આપણે આપણી સ્વતંત્રતાના ૭૫ વર્ષ ઉજવીશું ચાલો આપણે સ્થાનિકરીતે ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવાની પ્રતિજ્ઞા લઈએ: વડાપ્રધાન મોદી
હિમાયત કાર્યક્રમ હેઠળ છેલ્લા ૨ વર્ષમાં ૧૮૦૦૦ યુવાનોને ૭૭ અલગ વ્યવસાયો માટે તાલીમ આપવામાં આવી છે: મન કી બાત દરમ્યાન કહેતા વડાપ્રધાન મોદી
અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની પહેલો સિમાચિન્હરૂપ છે: વડાપ્રધાન મોદી
૧૭મી લોકસભાના છેલ્લા છ મહિના અત્યંત સફળ રહ્યા છે: મન કી બાત દરમ્યાન કહેતા વડાપ્રધાન મોદી

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2019ની વિદાયની પળો આપણી સામે છે. ત્રણ દિવસની અંદર 2019 વિદાય લઈ લેશે અને આપણે ન માત્ર 2020માં પ્રવેશ કરીશું, નવા વર્ષમાં પ્રવેશ કરીશું, પરંતુ નવા દાયકામાં પણ પ્રવેશ કરીશું, 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરીશું. હું બધા દેશવાસીઓને 2020 માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ દાયકા વિશે એક વાત તો નિશ્ચિત છે, તેમાં દેશના વિકાસને ગતિ આપવામાં એ લોકો સક્રિય ભૂમિકા નિભાવશે કે જેમનો જન્મ 21મી સદીમાં થયો છે – જે આ સદીના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સમજીને મોટા થઈ રહ્યાં છે. આવા યુવાઓને, આજે ઘણા બધા શબ્દોમાં ઓળખવામાં આવે છે. કોઈ તેમને Millenialsના રૂપમાં ઓળખે છે તો કેટલાક તેમને Generation Z અથવાતો Gen Z પણકહે છે. અને વ્યાપક રૂપમાં એક વાત તો લોકોના મગજમાં બંધ બેસી ગઈ છે કે આSocial Media Generation છે. આપણે બધાં અનુભવ કરીએ છીએ કે આપણી આ પેઢી ખૂબ જ પ્રતિભાશાળી છે. કંઈક નવું કરવાનું, અલગ કરવાનું તેમનું સપનું હોય છે. તેમનાં પોતાનાં મંતવ્યો પણ હોય છે અને સૌથી વધુ ખુશીની વાત એ છે અને ખાસ કરીને, હું ભારત વિશે કહેવા માગીશ કે આજકાલ આપણે યુવાઓને જોઈએ છીએ તો તેઓ વ્યવસ્થાને પસંદ કરે છે, સિસ્ટમને પસંદ કરે છે. એટલું જ નહીં, તેઓ સિસ્ટમને અનુસરવાનું પણ પસંદ કરે છે. અને ક્યારેક ક્યાંય સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરે તો તેઓ બેચેન પણ થઈ જાય છે અને હિંમત સાથે સિસ્ટમને પ્રશ્ન પણ કરે છે.હું તેને સારું માનું છું. એક વાત તો પાકી છે કે આપણા દેશના યુવાઓને, આપણે એમ પણ કહી શકીએ કે અરાજકતા પ્રત્યે નફરત છે. અવ્યવસ્થા, અસ્થિરતા તેના પ્રત્યે તેમને બહુ જ ચીડ છે. તેઓ પરિવારવાદ, જાતિવાદ, વ્હાલા-દવલા, સ્ત્રી-પુરુષ, આ ભેદભાવોને પસંદ કરતા નથી. ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે વિમાન મથકે કે સિનેમા ઘરોમાં પણ કોઈ કતારમાં ઊભું હોય અને વચ્ચે કોઈ ઘૂસી જાય તો સૌથી પહેલાં અવાજ ઉઠાવનારા યુવાઓ જ હોય છે. અને આપણે તો જોયું છે કે આવી કોઈ ઘટના બને છે તો બીજા નવયુવાનો તરત પોતાનો મોબાઇલ ફૉન કાઢીને તેનો વિડિયો બનાવી લે છે અને જોતજોતામાં તે વિડિયો વાઇરલ પણ થઈ જાય છે. અને તે ખોટું કરે છે તો અનુભવે છે કે શું થઈ ગયું! તો, એક નવા પ્રકારની વ્યવસ્થા, નવા પ્રકારનો યુગ, નવા પ્રકારનો વિચાર, તેને આપણી યુવા પેઢી પ્રતિબિંબિતકરે છે. આજે ભારતને આ યુવા પેઢી પાસે ઘણી આશાઓ છે. આ યુવાઓએ જ દેશને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “My faith is in the younger generation, the modern generation, out of them, will come my workers.” તેમણે કહ્યું હતું કે “મારો વિશ્વાસ યુવા પેઢીમાં છે, આ આધુનિક Generationમાં છે, મૉડર્ન Generationમાં છે” અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “તેમાંથી જ મારા કાર્યકર્તા નીકળશે.”યુવાઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, “યુવાવસ્થાની કિંમત ન તો આંકી શકાય છે અને ન તો તેનું વર્ણન કરી શકાય છે.”આ જીવનનો સૌથી મૂલ્યવાન કાળખંડ હોય છે. તમારું ભવિષ્ય, તમારું જીવન એ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારી યુવાવસ્થાનો ઉપયોગ કઇ રીતે કરો છો. વિવેકાનંદજીના અનુસાર, યુવા તે છે જે ઊર્જા અને ગતિશીલતાથી ભરપૂર છે અને પરિવર્તનની શક્તિ ધરાવે છે. મને પૂરો વિશ્વાસ છે કે ભારતમાં આ દાયકો, આ Decade ન માત્ર યુવાઓના વિકાસનો રહેશે પરંતુ યુવાઓના સામર્થ્યથી દેશનો વિકાસ કરનારો પણ સાબિત થશે અને ભારતને આધુનિક બનાવવામાં આ પેઢીની ઘણી મોટી ભૂમિકા રહેવાની છે, તેનો હું સ્પષ્ટ અનુભવ કરી રહ્યો છું. આગામી 12 જાન્યુઆરીએ વિવેકાનંદ જયંતી પર જ્યારે દેશ યુવા-દિવસ મનાવી રહ્યો હશે, ત્યારે પ્રત્યેક યુવા, આ દાયકામાં પોતાની આ જવાબદારી પર જરૂર ચિંતન પણ કરે અને આ દાયકા માટે કોઈ સંકલ્પ પણ અવશ્ય લે.

મારા પ્રિય દેશવાસીઓ, તમારામાંથી અનેક લોકોને કન્યાકુમારીમાં જે ખડક પર સ્વામી વિવેકાનંદજીએ આત્મચિંતન કર્યું હતું ત્યાં જે વિવેકાનંદ રૉક મેમોરિયલ બન્યું છે, તેની જાણકારી હશે જ, તેનાં પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. છેલ્લા પાંચ દાયકામાં, આ સ્થાન ભારતનું ગૌરવ રહ્યું છે. કન્યાકુમારી, દેશ દુનિયા માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાષ્ટ્રભક્તિથી ભરપૂર આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કરવા માગતાં – દરેક માટે, તે તીર્થક્ષેત્ર બની રહ્યું છે, શ્રદ્ધાકેન્દ્ર બની રહ્યું છે. સ્વામીજીના સ્મારકે દરેક પંથ, દરેક આયુના, વર્ગના લોકોને, રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કર્યા છે. ‘દરિદ્ર નારાયણની સેવા’ આ મંત્રને જીવવાનો રસ્તો બતાવ્યો છે.જે પણ ત્યાં ગયું છે તેની અંદર શક્તિનો સંચાર થાય, સકારાત્મકતાનો ભાવ જાગે, દેશને માટે કંઈક કરવાની ભાવના જન્મે, તે બહુ સ્વાભાવિક છે.

આપણા માનનીય રાષ્ટ્રપતિ મહોદયજી પણ ગત દિવસોમાં આ પચાસ વર્ષ નિમિત્તે રૉક મેમોરિયલનો પ્રવાસ કરીને આવ્યા છે અને મને આનંદ છે કે આપણા ઉપરાષ્ટ્રપતિજી પણ ગુજરાતના કચ્છના રણમાં, જ્યાં એક ઘણો જ ઉત્તમ રણોત્સવ થાય છે, તેના ઉદઘાટન માટે ગયા હતા. જ્યારે આપણા રાષ્ટ્રપતિજી- ઉપરાષ્ટ્રપતિજી પણ ભારતમાં જ આવાં મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળોએ જઈ રહ્યા છે, તો દેશવાસીઓને તેનાથી જરૂર પ્રેરણા મળે છે. તમે પણ જરૂર જજો.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે અલગ-અલગ કૉલેજોમાં, યુનિવર્સિટીઓમાં, શાળાઓમાં ભણીએ તો છીએ જ, પરંતુ અભ્યાસ પૂરો થયા પછી alumnimeet –એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મિલાપ ઘણો સુખદ અવસર હોય છે અને આ મિલાપમાં આ બધા નવયુવાનો મળીને જૂનાં સંસ્મરણોમાં ખોવાઈ જાય છે, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પાછા ચાલ્યા જાય છે પરંતુ ક્યારેક ક્યારેક આવો મિલાપ વિશેષ આકર્ષણનું કારણ બની જાય છે, તેના પર ધ્યાન જાય છે અને દેશવાસીઓનું પણ ધ્યાન તેના તરફ જવું ઘણું જરૂરી હોય છે. જૂના સહાધ્યાયીઓનો મિલાપ હકીકતે જૂના દોસ્તો સાથે મળવું, યાદોને તાજી કરવી, તેનો પોતાનો એક અલગ જ આનંદ હોય છે અને જ્યારે બધાનો સમાન હેતુ હોય, કોઈ સંકલ્પ હોય, કોઈ ભાવનાત્મક લગાવ જોડાઈ જાય તો પછી તેમાં અનેક રંગો ભરાઈ જાય છે. તમે જોયું હશે કે જૂના સહાધ્યાયીઓનાં મિલાપ જૂથો ક્યારેક ક્યારેક પોતાની શાળાઓ માટે કંઈક ને કંઈક યોગદાન પણ આપે છે. કોઈ કમ્પ્યૂટરાઇઝ્ડ કરવા માટે વ્યવસ્થા કરી આપે છે, કોઈ સારી લાઇબ્રેરી બનાવી દે છે, કોઈ પાણીની સારી સુવિધા ઊભી કરી આપે છે, કેટલાક લોકો નવા ઓરડાઓ બનાવવા માટે મદદ કરે છે, કેટલાક લોકો રમત સંકુલ માટે કામ કરે છે. કંઈ ન કંઈ કરી લે છે. તેમને આનંદ આવે છે કે જે જગ્યાએ પોતાની જિંદગી બની, તેના માટે જીવનમાં કંઈક કરવું, તે ભાવના દરેકના મનમાં રહે છે અને રહેવી પણ જોઈએ અને તેના માટે લોકો આગળ પણ આવે છે. પરંતુ હું આજે એક વિશેષ અવસરને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું. હમણાં ગત દિવસોમાં, પ્રસાર માધ્યમોમાં બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના ભૈરવગંજ આરોગ્ય કેન્દ્રની વાત જ્યારે મેં સાંભળી તો મને એટલું સારું લાગ્યું કે હું તમને કહ્યા વગર નહીં રહી શકું. આ ભૈરવગંજ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં આરોગ્ય તપાસ કરાવવા માટે આસપાસનાં ગામડાઓમાંથી હજારો લોકોની ભીડ એકઠી થઈ ગઈ. હવે આ વાત સાંભળીને તમને કોઈ આશ્ચર્ય નહીં થાય. તમને લાગશે કે તેમાં શું નવી વાત છે? લોકો તો આવે. જી નહીં. અહીં ઘણું બધું નવું છે. આ કાર્યક્રમ સરકારનો નહોતો. ન તો સરકારની પહેલ હતી. તે ત્યાંની કે. આર. હાઇસ્કૂલ, તેના જે પૂર્વ વિદ્યાર્થીઓ હતા, તેમનો જૂના સહાધ્યાયીઓનો મિલાપ હતો, તેનાઅંતર્ગત ઉઠાવાયેલું આ પગલું હતું અને તેનું નામ આપવામાં આવ્યું‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’. ‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’નો અર્થ છે – આ હાઇસ્કૂલની 1995 બેચના વિદ્યાર્થીઓનો સંકલ્પ. હકીકતે આ બેચના વિદ્યાર્થીઓએ એક જૂના સહાધ્યાયીઓનો મિલાપ રાખ્યો હતો અને કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું. તેમાં પૂર્વ વિદ્યાર્થીઓએ સમાજ માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને તેમણે જવાબદારી ઉઠાવી લોક આરોગ્ય જાગૃતિની. ‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’ની આ ઝુંબેશમાં બેતિયાની સરકારી મેડિકલ કૉલેજ અને અનેક હૉસ્પિટલો પણ જોડાઈ ગઈ. તે પછી તો જાણે કે જન સ્વાસ્થ્ય અંગે એક આખું અભિયાન જ ચાલી નીકળ્યું. નિઃશુલ્ક તપાસ હોય, મફતમાં દવાઓ આપવાની હોય કે પછી જાગૃતિ ફેલાવવાની હોય -‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’ દરેક માટે એક ઉદાહરણ બનીને સામે આવ્યું છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે જ્યારે દેશનો દરેક નાગરિક એક ડગલું આગળ વધે છે તો આ દેશ 130 કરોડ ડગ આગળ વધે છે. આવી વાતો જ્યારે સમાજમાં પ્રત્યક્ષ રૂપે જોવા મળે છે તો દરેકને આનંદ થાય છે, સંતોષ મળે છે અને જીવનમાં કંઈક કરવાની પ્રેરણા પણ મળે છે. એક તરફ, જ્યાં બિહારના બેતિયામાં, પૂર્વ વિદ્યાર્થીઓના સમૂહે સ્વાસ્થ્ય સેવાનું બીડું ઉઠાવ્યું તો ઉત્તર પ્રદેશના ફૂલપુરની કેટલીક મહિલાઓએ પોતાના જીવનથી સમગ્ર વિસ્તારને પ્રેરણા આપી છે. આ મહિલાઓએ સાબિત કર્યું છે કે જો એકસંપ થઈને કોઈ સંકલ્પ લેવામાં આવે તો પછી પરિસ્થિતિઓને બદલવાથી કોઈ ન રોકી શકે. કેટલાક સમય પહેલાં સુધી ફૂલપુરની આ મહિલાઓ આર્થિક તંગી અને ગરીબીથી હેરાન હતી, પરંતુ તેમનામાં પોતાના પરિવાર અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ધગશ હતી. આ મહિલાઓએ કાદીપુરના સ્વયં સહાયતા સમૂહ- વીમેન સેલ્ફ હૅલ્પ ગ્રૂપ – તેની સાથે જોડાઈને ચપ્પલ બનાવવાનું હુન્નર શીખ્યા, તેનાથી તેમણે ન માત્ર પોતાના પગમાં ભોંકાયેલા મજબૂરીના કાંટાને કાઢી નાખ્યો, પરંતુ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારનોસધિયારો પણ બની ગઈ. ગ્રામીણ આજીવિકા મિશનની મદદથી હવે તો અહિંયા ચપ્પલ બનાવવાનો પ્લાન્ટ પણ સ્થાપિત થઈ ગયો છે. જ્યાં આધુનિક મશીનોથી ચપ્પલો બનાવવામાં આવી રહ્યાં છે. હું વિશેષ, રીતે સ્થાનિક પોલીસ અને તેમના પરિવારોને પણ અભિનંદન પાઠવું છું, તેમણે પોતાના માટે અને પોતાના પરિવારજનો માટે આ મહિલાઓ દ્વારા બનાવાયેલા ચપ્પલોને ખરીદીને તેમને પ્રોત્સાહિત કર્યા છે. આજે આ મહિલાઓના સંકલ્પથી ન માત્ર તેમના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થઈ છે, પરંતુ તેમના જીવનનું સ્તર પણ ઊંચું ઉઠ્યું છે. જ્યારે ફૂલપૂરના પોલીસના જવાનોની કે તેમના પરિવારજનોની વાત સાંભળું છું તો તમને યાદ હશે કે મેં લાલ કિલ્લા પરથી 15મી ઑગસ્ટે દેશવાસીઓને એક વાત માટે અનુરોધ કર્યો હતો અને મેં કહ્યું હતું કે આપણે સહુ દેશવાસીઓ સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ રાખીએ. આજે ફરીથી મારું એક સૂચન છે કે શું આપણે સ્થાનિક સ્તર પર બનાવાયેલાં ઉત્પાદનોને પ્રોત્સાહિત કરી શકીએ? શું આપણી ખરીદીમાં તેને પ્રાથમિકતા આપી શકીએ? શું આપણે સ્થાનિક ઉત્પાદનોને આપણી પ્રતિષ્ઠા અને શાન સાથે જોડી શકીએ? શું આપણે આ ભાવના સાથે પોતાના સાથી દેશવાસીઓ માટે સમૃદ્ધિ લાવવાનું માધ્યમ બની શકીએ? સાથીઓ, મહાત્મા ગાંધીએ સ્વદેશીની આ ભાવનાને એક એવા દીપકના રૂપમાં જોઈ જે લાખો લોકોના જીવનને પ્રકાશિત કરતો હોય. ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ લાવતો હોય. સો વર્ષ પહેલાં ગાંધીજીએ એક મોટું જન આંદોલન શરૂ કર્યું હતું. તેનું એક લક્ષ્ય હતું, ભારતીય ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાં. આત્મનિર્ભર બનવાનો આ જ માર્ગ ગાંધીજીએ દેખાડ્યો હતો. 2022માં આપણે આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરીશું.જે સ્વતંત્ર ભારતમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, તે ભારતને સ્વતંત્ર કરવા માટે લાખો સપૂતોએ, દીકરા-દીકરીઓએ અનેક યાતનાઓ સહન કરી છે, અનેકોએ પ્રાણની આહુતિ આપી છે. લાખો લોકોએ ત્યાગ, તપસ્યા, બલિદાનના કારણે જેસ્વતંત્રતા મળી, તે સ્વતંત્રતાનો આપણે ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છીએ, સ્વતંત્ર જિંદગી આપણે જીવી રહ્યાં છીએ અને દેશ માટે મરી ફીટનારા દેશ માટે પોતાનું જીવન અર્પણ કરી દેનારા, નામી-અનામી, અગણિત લોકો, કદાચ મુશ્કેલીથી, આપણે ઘણા ઓછા લોકોનાં નામો જાણતાં હોઈશું, પરંતુ તેમણે બલિદાન આપ્યું, તે સપનાંઓને લઈને, સ્વતંત્ર ભારતનાં સપનાંઓને લઈને – સમૃદ્ધ, સુખી, સંપન્ન, સ્વતંત્ર ભારત માટે.
મારા પ્રિય દેશવાસીઓ, શું આપણે સંકલ્પ કરી શકીએ કે 2022, સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, બની શકે તો આ બે-ત્રણ વર્ષ આપણે સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનાં આગ્રહી બનીએ? ભારતમાં બનેલું, આપણા દેશવાસીઓના હાથે બનેલું, આપણા દેશવાસીઓના પરસેવાની જેમાં સુગંધ હોય, એવી ચીજોને આપણે ખરીદવાનો આગ્રહ રાખી શકીએ? હું લાંબા સમય માટે નથી કહી રહ્યો, માત્ર 2022 સુધી, સ્વતંત્રતાના 75 વર્ષ થાય ત્યાં સુધી જ. અને આ કામ, સરકારી ન હોવું જોઈએ, અનેક સ્થાનો પર નવયુવાનો આગળ આવે, નાનાં-નાનાં સંગઠનો બનાવે, લોકોને પ્રેરિત કરે, સમજાવે અને નિશ્ચય કરે- આવો, આપણે સ્થાનિક ચીજો ખરીદીશું, સ્થાનિક ઉત્પાદનો પર ભાર મૂકીશું, દેશવાસીઓના પરસેવાની જેમાં સુગંધ હોય- માત્ર તે જ. મારા સ્વતંત્ર ભારતની સોનેરી પળ હોય, આ સપનાંઓને લઈને આપણે ચાલીએ.

મારા પ્રિય દેશવાસીઓ, આ આપણા બધા માટે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે દેશના નાગરિકો, આત્મનિર્ભર બને અને સન્માન સાથે પોતાનું જીવન વ્યતિત કરે. હું એક એવી પહેલની ચર્ચા કરવા માગીશ જેણે મારું ધ્યાન ખેંચ્યું અને તે પહેલ છે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો હિમાયત કાર્યક્રમ. હિમાયત હકીકતે કૌશલ્ય વિકાસ અને રોજગાર સાથે જોડાયેલો છે. તેમાં 15થી 35 વર્ષ સુધીનાં કિશોર અને યુવાનો જોડાય છે. તે જમ્મુકાશ્મીરના એ લોકો છે જેમનો અભ્યાસ, કોઈ કારણથી પૂરો થઈ શક્યો નથી, જેમને અધવચ્ચે જ સ્કૂલ-કૉલેજ છોડવી પડી.

મારા પ્રિય દેશવાસીઓ, તમને જાણીને ખૂબ જ સારું લાગશે કે આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં અઢાર હજાર યુવાનોને 77 અલગ-અલગ વ્યવસાયઓનું પ્રશિક્ષણ અપાયું છે. તેમાંથી લગભગ પાંચ હજાર લોકો તો ક્યાંક ને ક્યાંક નોકરી કરી રહ્યા છે અને ઘણા બધા સ્વરોજગાર તરફ આગળ વધી રહ્યા છે. હિમાયત કાર્યક્રમથી પોતાનું જીવન બદલનારા આ લોકોની જે વાતો સાંભળવા મળી છે તે સાચે જ હૃદયને સ્પર્શી જાય છે.
પરવીન ફાતિમા, તમિલનાડુના તીરુપુરના એક ગારમેન્ટ યુનિટમાં બઢતી પછી સુપરવાઇઝર કમ કૉઑર્ડિનેટર બન્યા છે. એક વર્ષ પહેલાં સુધી, તેઓ કારગિલના એક નાનકડા ગામમાં રહેતાં હતાં. આજે તેમના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું, આત્મવિશ્વાસ આવ્યો- તેઓ આત્મનિર્ભર થયાં છે અને પોતાનાં સમગ્ર પરિવાર માટે પણ આર્થિક પ્રગતિનો અવસર લઈને આવ્યાં છે. પરવીન ફાતિમાની જેમ જ હિમાયત કાર્યક્રમે લેહ-લદ્દાખ ક્ષેત્રની નિવાસી અન્ય દીકરીઓનું પણ ભાગ્ય બદલ્યું છે અને તે બધી આજે તમિલનાડુના એ જ ફર્મમાં કામ કરી રહી છે. આ જ રીતે હિમાયત ડોડાના ફિયાઝ અહમદ માટે વરદાન બનીને આવ્યો. ફિયાઝે 2012માં 12મું ધોરણ પાસ કર્યું, પરંતુ બીમારીના કારણે, તેઓ પોતાનો અભ્યાસ ચાલુ ન રાખી શક્યા. ફિયાઝ બે વર્ષ સુધી હૃદયની બીમારી સામે ઝઝૂમતા રહ્યા. તે દરમિયાન, તેમના એક ભાઈ અને બહેનનું મૃત્યુ પણ થઈ ગયું. એક રીતે તેમના પરિવાર પર તકલીફોનો પહાડ તૂટી પડ્યો. છેવટે, તેને હિમાયતથી મદદ મળી. હિમાયત દ્વારા ITES એટલે કે ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી એનેબલ્ડ સર્વિસીસમાં પ્રશિક્ષણ મળ્યું અને તેઓ આજે પંજાબમાં નોકરી કરી રહ્યા છે.

ફિયાઝ અહમદે સ્નાતકનો અભ્યાસ, જે તેમણે સાથેસાથે ચાલુ રાખ્યો, તે હવે પૂરો થવાનો છે. તાજેતરમાં જ હિમાયતના એક કાર્યક્રમમાં તેમને પોતાનો અનુભવ જણાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. પોતાની કથની કહેતી વખતે તેમની આંખોમાંથી અશ્રુ છલકાઈ ગયાં. તે જ રીતે અનંતનાગના રકીબ ઉલ રહમાન, આર્થિક તંગીના કારણે પોતાનો અભ્યાસ પૂરો ન કરી શક્યા. એક દિવસ, રકીબને પોતાના બ્લૉકમાં જે એક કેમ્પ લાગેલો હતો, મૉબિલાઇઝેશન કેમ્પ, તેના દ્વારા હિમાયત કાર્યક્રમની ખબર પડી. રકીબે તરત રિટેલ ટીમ લીડર કૉર્સમાં પ્રવેશ મેળવી લીધો. ત્યાં પ્રશિક્ષણ પૂરું કર્યા પછી આજે તેઓ એક કૉર્પોરેટ હાઉસમાં નોકરી કરી રહ્યા છે. ‘હિમાયત મિશન’થી લાભાન્વિત પ્રતિભાશાળી યુવાનોનાં આવાં અનેક ઉદાહરણો છે જે જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તનના પ્રતીક બન્યા છે. હિમાયત કાર્યક્રમ, સરકાર, ટ્રેનિંગ પાર્ટનર, નોકરી આપનારી કંપનીઓ અને જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે એક સુંદર તાલમેળનું આદર્શ ઉદાહરણ છે.આ કાર્યક્રમે જમ્મુ-કાશ્મીરમાં યુવાઓની અંદર એક નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે અને આગળ વધવાનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ, 26 તારીખે આપણે આ દાયકાનું છેલ્લું સૂર્યગ્રહણ જોયું. કદાચ સૂર્યગ્રહણની આ ઘટનાના કારણે જ My GOV પર રિપુને ખૂબ જ રસપ્રદ ટીપ્પણી લખી છે. તેઓ લખે છે, “નમસ્કાર સર, મારું નામ રિપુન છે. હું ઈશાન ભારતનો રહેવાસી છું, પરંતુ આજકાલ હું દક્ષિણમાં કામ કરી રહ્યો છું. એક વાત હું આપને જણાવવા માગું છું. મને યાદ છે કે અમારા ક્ષેત્રમાં આકાશ ચોખ્ખું હોવાના કારણે અમે કલાકો આકાશના તારાઓને તાકીતાકીને જોતા હતા. તારાઓને જોવાનું મને ખૂબ જ ગમતું હતું. હવે હું એક વ્યાવસાયિક છું અને મારી દિનચર્યાના કારણે હું આ ચીજોને સમય આપી શકતો નથી…શું તમે આ વિષય પર કંઈક વાત કરી શકો? વિશેષ રૂપે, ખગોળશાસ્ત્રને યુવાનો વચ્ચે કેવી રીતે લોકપ્રિય બનાવી શકાય?”

મારા પ્રિય દેશવાસીઓ, મને સૂચનો અનેક આવે છે, પરંતુ હું કહી શકું છું કે આ પ્રકારનું સૂચન કદાચ પહેલી વાર મારી પાસે આવ્યું છે. આમ તો વિજ્ઞાન પર, અનેક પાસાં પર વાતચીત કરવાની તક મળી છે. ખાસ કરીને યુવાન પેઢીના અનુરોધ પર મને વાતચીત કરવાની તક મળી છે. પરંતુ આ વિષય તો વણસ્પર્શ્યો જ રહી ગયો હતો અને હમણાં 26 તારીખે સૂર્યગ્રહણ થયું તો લાગે છે કે કદાચ આ વિષયમાં તમને પણ કંઈ ને કંઈ રૂચિ હશે જ. તમામ દેશવાસીઓ- ખાસ કરીને મારા યુવા સાથીઓની જેમ હું પણ, જે દિવસે, 26 તારીખે, સૂર્યગ્રહણ હતું, તો દેશવાસીઓની જેમ મને પણ અને જેમ મારી યુવાપેઢીના મનમાં જે ઉત્સાહ હતો તેવો મારા મનમાં પણ હતો અને હું પણ સૂર્યગ્રહણ જોવા માગતો હતો, પરંતુ અફસોસની વાત એ રહી કે તે દિવસે કે દિલ્હીમાં આકાશમાં વાદળો છવાયેલાં હતાં અને હું તે આનંદ ન ઉઠાવી શક્યો. જોકે ટીવી પર કૉઝિકૉડ અને ભારતના બીજા હિસ્સામાં દેખાઈ રહેલા સૂર્યગ્રહણની સુંદર તસવીરો જોવા મળી. સૂર્ય ચમકતી વીંટીના આકારનો દેખાઈ રહ્યો હતો. અને તે દિવસે મને કંઈક આ વિષયના જે નિષ્ણાતો છે તેમની સાથે સંવાદ કરવાની તક પણ મળી અને તેઓ જણાવી રહ્યા હતા કે આવું એટલા માટે થાય છે કારણકે ચંદ્રમા પૃથ્વીથી ઘણો દૂર હોય છે અને આથી, તેનો આકાર સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી શકતો નથી. અને તેથી, આ રીતે, એક વીંટીનો આકાર બની જાય છે. આ સૂર્યગ્રહણ, એક એન્યુલરએક્લિપ્સ હતો, જેને વલય ગ્રહણ અથવા કુંડળ ગ્રહણ પણ કહે છે. ગ્રહણ આપણને એ વાતની યાદ અપાવે છે કે આપણે પૃથ્વી પર રહીને અંતરિક્ષમાં ફરી રહ્યા છે. અંતરિક્ષમાં સૂર્ય, ચંદ્રમા અને અન્ય ગ્રહો જેવા અનેક ખગોળીય પિંડો ફરતા રહે છે. ચંદ્રમાની છાયાથી જ આપણને ગ્રહણનાં અલગ-અલગ રૂપ જોવાં મળે છે. સાથીઓ, ભારતમાં ઍસ્ટ્રૉનૉમી અર્થાત ખગોળ વિજ્ઞાનનો ઘણો જ પ્રાચીન અને ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આકાશમાં ઝબૂકતા તારાઓની સાથે આપણો સંબંધ એટલો જ જૂનો છે જેટલી પ્રાચીન આપણી સભ્યતા છે. તમારામાંના ઘણા લોકોને ખબર હશે કે ભારતમાં અલગ-અલગ સ્થાનો પર ખૂબ જ ભવ્ય જંતરમંતર છે, તે જોવાલાયક છે. અને આ જંતરમંતરનો ઍસ્ટ્રૉનૉમી સાથે ગાઢ સંબંધ છે.મહાન આર્યભટ્ટની વિલક્ષણ પ્રતિભા વિશે કોણ નથી જાણતું? પોતાનાપુસ્તકના અધ્યાય‘કાલક્રિયા’માં તેમણે સૂર્યગ્રહણની સાથોસાથ ચંદ્રગ્રહણની પણ વિસ્તારથી વ્યાખ્યા કરી છે. તે પણ તત્ત્વચિંતન અને ગણિતીય – બંને દૃષ્ટિકોણથી કરી છે. તેમણે ગણિતીય રીતે બતાવ્યું કે પૃથ્વીની છાયા કે પડછાયાના કદની ગણતરી કેવી રીતે કરી શકાય. તેમણે ગ્રહણની અવધિ અને હદની ગણતરી કરવાની પણ ચોક્કસ જાણકારીઓ આપી. ભાસ્કર જેવા તેમના શિષ્યોએ આ ભાવનાને અને આ જ્ઞાનને આગળ વધારવા માટે ભરપૂર પ્રયાસો કર્યા. તે પછી ચૌદમી-પંદરમી સદીમાં, કેરળમાં સંગમ ગ્રામના માધવે બ્રહ્માંડમાં સ્થિત ગ્રહોની સ્થિતિની ગણના કરવા માટે કલનશાસ્ત્રનો ઉપયોગ કર્યો. રાતે દેખાતુંઆકાશ માત્ર જિજ્ઞાસાનો જ વિષય નહોતો પરંતુ ગણિતની દૃષ્ટિએ વિચારનારા અને વૈજ્ઞાનિકો માટે એક મહત્ત્વપૂર્ણ સ્રોત હતો. કેટલાંક વર્ષો પહેલાં મેં ‘Pre Modern Kutchi Navigation Techniques and voyages’ આ પુસ્તકનું અનાવરણ કર્યું હતું. આ પુસ્તક એક રીતે તો ‘માલમ’ની ડાયરી છે. માલમ એક નાવિક તરીકે જે અનુભવ કરતા હતા તેમણે પોતાની રીતે તેને ડાયરીમાં લખ્યો હતો. આધુનિક યુગમાં તે જ માલમની પોથીને અને તે પણ ગુજરાતી પાંડુલિપિઓનો સંગ્રહ, જેમાં પ્રાચીન નેવિગેશન ટૅક્નૉલૉજીનું વર્ણન કરે છે અને તેમાં વારંવાર ‘માલમની પોથી’માં આકાશનું, તારાઓનું, તારાઓની ગતિનું વર્ણન કરાયું છે અને તે સ્પષ્ટ બતાવાયું છે કે સમુદ્રમાં મુસાફરી કરતા સમયે, તારાઓના સહારે દિશા નક્કી કરાતી હતી. ગંતવ્ય સ્થળે પહોંચવાનો રસ્તો તારાઓ બતાવે છે.

મારા પ્રિય દેશવાસીઓ, ઍસ્ટ્રૉનૉમીનું ક્ષેત્ર ભારતમાં ઘણું આગળ છે અને આપણીઅનેક પહેલ, નવી કેડી કંડારનારી પણ છે. આપણી પાસે પૂણેની નજીકવિશાળકાય મીટરવૅવ ટૅલિસ્કૉપ છે. એટલું જ નહીં, કોડાઈકેનાલ, ઉદગમંડલમ, ગુરુશિખર અને હાન્લે લદ્દાખમાં પણ શક્તિશાળી ટૅલિસ્કૉપ છે. 2016માં, બેલ્જિયમના તત્કાલીન વડા પ્રધાન અને મેં નૈનીતાલમાં 3.6 મીટર દેવસ્થળ ઑપ્ટિકલ ટેલિસ્કૉપનું ઉદઘાટન કર્યું હતું. તેને એશિયાનું સૌથી મોટું ટૅલિસ્કૉપ કહેવાય છે. ઇસરો પાસે ઍસ્ટ્રૉસેટ નામનો એક ખગોળીય ઉપગ્રહ છે. સૂર્ય વિશે સંશોધન કરવા માટે ઇસરો ‘આદિત્ય’ નામથી એક અન્ય ઉપગ્રહ પણ પ્રક્ષેપિત કરવાનું છે. ખગોળવિજ્ઞાન વિશે, ચાહે તે આપણું પ્રાચીન જ્ઞાન હોય, કે આધુનિક ઉપલબ્ધિઓ, આપણે તેમને અવશ્ય સમજવું જોઈએ અને તેના પર ગર્વ કરવો જોઈએ. આજે આપણા યુવા વૈજ્ઞાનિકોમાં ન માત્ર આપણો વૈજ્ઞાનિક ઇતિહાસ જાણવાની ઝંખના દેખાય છે, પરંતુ તેઓ ઍસ્ટ્રૉનૉમીના ભવિષ્ય માટે પણ એક દૃઢ ઈચ્છાશક્તિ રાખે છે.

આપણા દેશનાં પ્લેનેટૉરિયમ, નાઇટ સ્કાયને સમજવાની સાથે સ્ટાર ગેઝીંગ–તારક દર્શનને શોખના રૂપમાં વિકસિત કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. અનેક લોકો એમેચ્યોર ટેલિસ્કૉપને અગાશી કે બાલ્કનીમાં લગાવે છે. તારક દર્શનથી ગ્રામીણ શિબિરો ને ગ્રામીણ પ્રવાસને પણ પ્રોત્સાહન મળી શકે છે. અને અનેક એવી શાળાઓ-કૉલેજોછે જે ઍસ્ટ્રૉનૉમીની ક્લબો પણ બનાવે છે અને આ પ્રયોગને આગળ પણ વધારવો જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસદને, લોકતંત્રના મંદિરના રૂપમાં આપણે જાણીએ છીએ. એક વાતનો હું આજે ગર્વથી ઉલ્લેખ કરવા માગું છું કે તમે જે પ્રતિનિધિઓને ચૂંટીને સંસદમાં મોકલ્યા છે તેમણે છેલ્લાં 60 વર્ષના અનેક વિક્રમો તોડ્યા છે. ગત છ માસમાં 17મી લોકસભાના બંને ગૃહો ખૂબ જ ઉત્પાદક રહ્યાં છે. લોકસભાએ તો 114 ટકા કામ કર્યું, તો રાજ્યસભાએ 94 ટકા કામ કર્યું. અને તે પહેલાં, બજેટ સત્રમાં, લગભગ 135 ટકા કામ કર્યું હતું. મોડી રાત સુધી સંસદ ચાલી. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે બધાં સાંસદ તેના માટે બધાઈને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. તમે જે જનપ્રતિનિધિઓને મોકલ્યા છે, તેમણે 60 વર્ષના બધા વિક્રમો તોડી નાખ્યા છે. આટલું કામ થયું, તે પોતાની રીતે, ભારતના લોકતંત્રની તાકાતનું પણ, લોકતંત્ર પ્રતિ આસ્થાનું પણ પરિચાયક છે. હું બને ગૃહોના પીઠાસીન અધિકારીઓ, બધા રાજકીય પક્ષોને, બધા સાંસદોને, તેમની આ સક્રિય ભૂમિકા માટે ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું.

મારા પ્રિય દેશવાસીઓ, સૂર્ય, પૃથ્વી, ચંદ્રમાની ગતિ માત્ર ગ્રહણ નક્કી નથી કરતી, પરંતુ ઘણી બધી ચીજો પણ તેની સાથે જોડાયેલી છે. બધાં જાણે છે કે સૂર્યની ગતિના આધારે જાન્યુઆરીના મધ્યમાં, સમગ્ર ભારતમાં વિભિન્ન પ્રકારના તહેવારો મનાવાશે. પંજાબથી લઈને તમિલનાડુ સુધી અને ગુજરાતથી લઈને આસામ સુધી, લોકો અનેક તહેવારોની ઉજવણી કરશે.જાન્યુઆરીમાં ખૂબ જ ધામધૂમથી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ મનાવાય છે. તેમને ઊર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દરમિયાન પંજાબમાં લોહડી, તમિલનાડુમાં પોંગલ, આસામમાં માઘબિહુ પણ મનાવવામાં આવશે. આ તહેવાર, ખેડૂતોની સમૃદ્ધિ અને પાક સાથે પણ બહુ નિકટતાથી જોડાયેલા છે. આ તહેવારો આપણને ભારતની એકતા અને ભારતની વિવિધતા વિશે યાદ અપાવે છે. પોંગલના છેલ્લા દિવસે મહાન તિરુવલ્લુવરની જયંતી મનાવવાનું સૌભાગ્ય આપણને દેશવાસીઓને મળે છે. આ દિવસ મહાન લેખક-વિચારક સંત તિરુવલ્લુવરજીને, તેમના જીવનને સમર્પિત હોય છે.

મારા પ્રિય દેશવાસીઓ, 2019ની આ છેલ્લી ‘મન કી બાત’ છે. 2020માં આપણે ફરી મળીશું. નવું વર્ષ, નવું દશક, નવો સંકલ્પ, નવી ઊર્જા, નવો ઉમંગ, નવો ઉત્સાહ- આવો ચાલીએ. સંકલ્પની પૂર્તિ માટેનું સામર્થ્ય સંચિત કરતા ચાલીએ. દૂર સુધી ચાલવાનું છે, ઘણું બધું કરવાનું છે, દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનો છે. 130 કરોડ દેશવાસીઓના પુરુષાર્થ પર, તેમના સામર્થ્ય પર, તેમના સંકલ્પ પર, અપાર શ્રદ્ધા રાખીને, આવો આપણે ચાલીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણી બધી શુભકામનાઓ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Very warm conversation': PM Modi speaks with Trump; trade, defence in focus

Media Coverage

'Very warm conversation': PM Modi speaks with Trump; trade, defence in focus
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a bus mishap in the Alluri Sitharama Raju district of Andhra Pradesh
December 12, 2025
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives due to a bus mishap in the Alluri Sitharama Raju district of Andhra Pradesh. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Pained by the loss of lives due to a bus mishap in the Alluri Sitharama Raju district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”

“ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుంది: PM @narendramodi“