નવી તકોનો ઉદય અને આપણા યુવાનોની અપેક્ષાઓને જોડવાનો સમય: વડાપ્રધાન મોદી
ભારતની ખુદની આઝાદીની લડાઈની કથા ગાઢ રીતે આફ્રિકા સાથે જોડાયેલી છે: વડાપ્રધાન મોદી
ભારત માટે આઝાદીની ચળવળના નૈતિક સિદ્ધાંતો માત્ર ભારતની હદ સુધી જ મર્યાદિત નથી.એ આઝાદી, પ્રતિષ્ઠા, સમાનતા અને દરેક માનવ માટે તકની સાર્વત્રિક શોધ હતી: વડાપ્રધાન
આફ્રિકાની આઝાદીની વિવિધ ચળવળો માટે ભારતનો ટેકો અમારા રાષ્ટ્રના વ્યાપારના ભોગે હતો. જે આફ્રિકાની આઝાદીથી વિશેષ બિલકુલ નથી:વડાપ્રધાન
આજે ભારત અને આફ્રિકા વિશાળ તકો ધરાવતા ભવિષ્યના કિનારે આવીને ઉભા છે: વડાપ્રધાન મોદી
આફ્રિકાના ભાગીદાર હોવાનું ભારતને ગૌરવ છે. યુગાન્ડા આ ખંડ પ્રત્યેની અમારી વચનબદ્ધતાના કેન્દ્રમાં છે: વડાપ્રધાન મોદી
ડઝનબંધ યુએન શાંતિ સેનામાં જોડાયેલા ભારતીય શાંતિરક્ષકોના કાર્ય માટે અમને ગર્વ છે: વડાપ્રધાન મોદી
વિશ્વમાં થયેલા યુએનના તમામ શાંતિરક્ષા મિશનોમાં, 163 ભારતીયોએ પોતાનું સર્વોત્તમ બલીદાન આપું છે. કોઇપણ દેશ તરફથી આ સર્વોચ્ચ સંખ્યા છે: વડાપ્રધાન મોદી
ભારત તમારી સાથે અને તમારી માટે કાર્ય કરશે. આપણી ભાગીદારી આફ્રિકામાં સશક્તિકરણના સાધનો ઉત્પાદિત કરશે: વડાપ્રધાન મોદી

મહામહિમ રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની

મહામહિમ ઉપરાષ્ટ્રપતિ

યુગાન્ડાની સંસદનાં અધ્યક્ષ માનનીય રેબેકા કડાગા

માનનીય મંત્રીગણ

વિશિષ્ટ મહાનુભાવો

વિશિષ્ટ અતિથિગણ,

ભાઈઓ અને બહેનો

નમસ્કાર

બાલા મુસીજા

આ મહાન ગૃહને સંબોધિત કરવાનું આમંત્રણ મળવાથી હું ગૌરવની લાગણી અનુભવુ છું. મને અન્ય દેશનો સંબોધિત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. પરંતુ આ વિશેષ પ્રસંગ છે. આ સન્માન પ્રથમ વખત ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીને મળ્યું છે. આ મારું નહીં, પણ મારી સાથે દેશનાં 125 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ ગૃહમાં યુગાન્ડાનાં લોકો માટે ભારતીય નાગરિકોની શુભકામનાઓ અને મિત્રતા લઈને આવ્યો છું. સભાપતિ મહોદયા, તમારી હાજરીથી મને મારી લોકસભા યાદ આવી ગઈ. અમારાં દેશમાં પણ લોકસભાનાં અધ્યક્ષ એક મહિલા જ છે. અહીં મને મોટી સંખ્યામાં યુવાન સાંસદો જોવા મળે છે. કોઈ પણ લોકતાંત્રિક દેશમાં યુવોનોની વધતી ભાગીદારી સારી બાબત છે. જ્યારે પણ હું યુગાન્ડા આવું છું, ત્યારે હું આ ‘આફ્રિકાનાં મોતી’ સમાન રાષ્ટ્રથી મંત્રમુગ્ધ થઈ જાઉં છું. આ સૌંદર્ય, સંસાધનોની પુષ્કળ સંપત્તિ અને સમૃદ્ધિનાં વારસાની ભૂમિ છે. હું અત્યારે ઇતિહાસ પ્રત્યે સચેત છું કે સૌથી મોટા લોકશાહી દેશનાં એક પ્રધાનમંત્રી હોવાનાં નાતે હું બીજા સંપ્રભુ રાષ્ટ્રનાં ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરી રહ્યો છું. આપણો પ્રાચીન દરિયાઈ સંપર્ક, સંસ્થાનવાદી શાસનનાં અંધકાર યુગ, સ્વતંત્રતા માટે આપણો સહિયારો સંઘર્ષ, વિઘટિત વિશ્વમાં સ્વતંત્ર દેશો સ્વરૂપે આપણી તત્કાલીન અનિશ્ચિત દિશા, નવી તકોનો ઉદય અને આપણી યુવા પેઢીની આકાંક્ષા – બધું સહિયારું છે. આ બધા પરિબળો આપણને એક તાંતણે જોડે છે.

રાષ્ટ્રપતિ મહોદય,

આપણે લોકો યુગાન્ડા અને ભારતને જોડતી કડીનો ભાગ છીએ. એક સદી અગાઉ અપાર મહેનતે રેલવે મારફતે યુગાન્ડાને હિંદ મહાસાગર સાથે જોડી દીધો હતો. તમારી ગરિમામય ઉપસ્થિત આપણી જનતા વચ્ચે મૈત્રીપૂર્ણ અને એકતાનાં કિંમતી સંબંધોને સૂચવે છે. તમે તમારાં દેશ અને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરી છે. તમે તમામ પડકારો વચ્ચે વિકાસ અને પ્રગતિનાં માર્ગનું અનુસરણ કર્યું છે. તમે મહિલાઓને શક્તિસંપન્ન અને રાષ્ટ્રને વધારે સર્વસમાવેશક બનાવ્યો છે. તમારાં દૂરંદેશી નેતૃત્વએ ભારતીય મૂળનાં યુગાન્ડાનાં નાગરિકોન પોતાનાં ઘરે પરત ફરવા સક્ષમ બનાવ્યાં છે. તમે તેમને નવું જીવન શરૂ કરવાની પ્રેરણા આપી અને તેમનાં આ પ્રિય દેશનું પુનઃનિર્માણ કરવામાં સહાયતા કરી છે. સ્ટેટ-હાઉસમાં દિવાળીની ઉજવણીનાં સમારંભનું આયોજન કરીને તમે ભારત અને યુગાન્ડાને જોડતી તમામ કડીઓને રોશન કરી દીધી છે. જિનજા નામનું સ્થાન અતિ પવિત્ર છે, જે નાઇલ નદીનાં સ્ત્રોત પર છે. અહીં મહાત્મા ગાંધીનાં અસ્થિઓનાં એક અંશને પ્રવાહિત કરવામાં આવ્યો હતો. તેઓ આજીવન અને જીવન પછી પણ આફ્રિકા અને આફ્રિકાનાં લોકો સાથે જોડાયેલા રહ્યાં છે. જિનજાનાં આ પવિત્ર સ્થળ પર જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત છે, ત્યાં અમે ગાંધી હેરિટેજ સેન્ટરનું નિર્માણ કરીશું. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ આવી રહી છે. આ સીમાચિહ્ન વર્ષમાં અહીં સેન્ટર બનાવવાનો સૌથી ઉચિત સમય છે. આપણને તેનાથી જાણ થશે કે મહાત્મા ગાંધીનાં મિશનને આકાર આપવામાં આફ્રિકાની ભૂમિકા શું હતી અને આફ્રિકાનાં લોકોને સ્વતંત્રતા અને ન્યાય મેળવવા માટે પ્રેરણા કેવી રીતે મળી હતી. આપણને આ સેન્ટરમાંથી મહાત્મા ગાંધીનાં જીવન અને સંદેશનાં મૂલ્યો વિશે પણ જાણકારી મળશે.

મહામહિમ,

ભારતનો પોતાનો સ્વતંત્રતા સંગ્રામ આફ્રિકાની સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે. તેનો સંબંધ ફક્ત આફ્રિકામાં ગાંધીજીએ પસાર કરેલા 21 વર્ષ કે તેમનું અસહકારનું પ્રથમ આંદોલન નથી. ભારત માટે સ્વતંત્રતા સંગ્રામનાં નૈતિક સિદ્ધાંત કે શાંતિપૂર્ણ માધ્યમ થકી તેને પ્રાપ્ત કરવાની પ્રેરણા ભારતનાં સીમાડાઓ સુધી મર્યાદિત નહોતી અથવા ભારતીયોનું ભવિષ્ય અહીં સુધી જ મર્યાદિત નથી. આ માનવ માત્રની મુક્તિ, સન્માન, સમાનતા અને તકની સાર્વભૌમિક શોધ હતી. આ વાત આફ્રિકાથી વધારે અન્ય કોઈ જગ્યાએ લાગુ પડતી નથી. અમારી સ્વતંત્રતાનાં 20 વર્ષ અગાઉ આઝાદીની લડત લડતાં નેતાઓએ ભારતની આઝાદીની લડતને સંપૂર્ણ વિશ્વ અને ખાસ કરીને આફ્રિકાનાં સંદર્ભમાં સંસ્થાનવાદી શાસન વિરૂદ્ધ સંઘર્ષ સાથે જોડ્યો હતો. જ્યારે ભારત આઝાદીનાં ઉંબરે હતું, ત્યારે અમારાં મનમાં આફ્રિકાનાં ભવિષ્યનો ખ્યાલ પણ હતો. મહાત્મા ગાંધી દ્રઢપણે માનતાં હતાં કે જ્યાં સુધી આફ્રિકા ગુલામીની જંજીરોમાં જકડાયેલું છે, ત્યાં સુધી ભારતની આઝાદી અધૂરી છે. ભારતે બાનડુંગમાં આફ્રિકા અને એશિયા વચ્ચે એકતા સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો હતો. અમે દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો હંમેશા વિરોધ કર્યો છે. અમે પૂર્વ રોડેશિયા – જે હવે ઝિમ્બાબ્વે છે, ત્યાં ગિની બસાઉ, અંગોલા અને નામિબિયાનાં મુદ્દે પણ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ગાંધીજીની અહિંસા અને શાંતિપૂર્ણ અસહકાર આંદોલને નેલ્સન મંડેલા, ડેસમન્ડ ટૂટૂ, આલ્બર્ટ લુતહુલી, જૂલિયસ ન્યેરેરે અને ક્વામે એનક્રૂમાહ જેવી હસ્તીઓને પ્રેરણા આપી હતી. ઇતિહાસ ભારત અને આફ્રિકાનાં પ્રાચીન જ્ઞાન અને આધુનિક શાંતિપૂર્ણ લડતની અપાર શક્તિનો સાક્ષી છે. આફ્રિકામાં અનેક મહત્ત્વપૂર્ણ પરિવર્તન ગાંધીવાદી વિચારો અપનાવવાથી આવ્યાં છે. આફ્રિકાની આઝાદીની લડતો પ્રત્યે સૈદ્ધાંતિક સમર્થન માટે ભારતને હંમેશા પોતાનાં વેપારનું નુકસાન ઉઠાવવું પડ્યું છે, પણ આફ્રિકાની સ્વતંત્રતાની તુલનામાં આ નુકસાનનું કોઈ મહત્ત્વ નથી.

મહામહિમ,

છેલ્લાં સાત દાયકા દરમિયાન અમારી આર્થિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવાની સાથે નૈતિક સિદ્ધાંતો અને ભાવનાત્મક જોડાણનાં કારણોની અસરમાં વધારો થયો છે. અમે બજારો અને સંસાધનો સુધી ઉચિત અને સમાન પહોંચ ઇચ્છીએ છીએ. આપણે મળીને આંતરરાષ્ટ્રીય બજારની આધારશિલા વિકસાવવા માટે સંઘર્ષ કર્યો છે. અને અમે દક્ષિણનાં દેશો વચ્ચે આર્થિક ભાગીદારીમાં વિવિધતા લાવવા માટે પણ કામ કર્યું છે. અમારાં ડૉક્ટર અને અધ્યાપક આફ્રિકા ગયાં. તેઓ ત્યાં ફક્ત વ્યાવસાયિક તકો ઝડપવા ગયાં નહોતાં, પણ આઝાદ દેશોનાં વિકાસનાં સહિયારા હેતુઓ પ્રત્યે એકતાની ભાવના સાથે ગયાં હતાં. તમારાં રાષ્ટ્રપતિ મુસેવેનીએ દિલ્હીમાં 2015માં આયોજિત ત્રીજાં ભારત-આફ્રિકા શિખર સંમેલનમાં જે વાત કહી હતી એને હું અહીં ટાંકી રહ્યો છું – ‘આપણે સંસ્થાનવાદી શાસન સામે સહિયારો સંઘર્ષ કર્યો છે. આવો, વિકાસ અને સમૃદ્ધિનાં નવાં સોપાનો સર કરવા માટે પણ મળીને સંઘર્ષ કરીએ.’

અત્યારે ભારત અને આફ્રિકા મહાન ભાવિ સંભાવનાઓનાં દ્વાર પર છે. આપણે આત્મવિશ્વાસથી સભર છીએ, આપણાં દેશોનાં નાગરિકો સુરક્ષિત, ઊર્જાવાન અને કર્મઠ છે. યુગાન્ડા આફ્રિકાનાં વિકાસનું ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે. અહીં લિંગ સમાનતા વધી રહી છે, શૈક્ષણિક અને સ્વાસ્થ્યનાં માપદંડોમાં વધારો થઈ રહ્યો છે તથા માળખાગત સુવિધાઓ અને સંચાર સેવાઓનું વિસ્તરણ થઈ રહ્યું છે. અહીં વેપાર-વાણિજ્ય અને રોકાણમાં વધારો થઈ રહ્યો છે. અમે અહીં નવીનતાનો વિકાસ જોઈ રહ્યાં છીએ. અમે આફ્રિકાની દરેક સફળતાનું સ્વાગત કરીએ છીએ, કારણ કે આપણાં બંને દેશો વચ્ચે ઊંડાણપૂર્વકનાં મૈત્રીપૂર્ણ સંબંધો છે.

મહામહિમ,

ભારતને આફ્રિકાનાં ભાગીદાર હોવા પર ગર્વ છે અને મહાદ્વીપમાં યુગાન્ડા અમારી પ્રતિબદ્ધતાનાં કેન્દ્રમાં છે. ગઈ કાલેમેં યુગાન્ડા માટે દ્વિસ્તરીય લાઇન ઑફ ક્રેડિટની જાહેરાત કરી હતી. પ્રથમ સ્તરની લાઇન ઑફ ક્રેડિટ 141 અમેરિકન ડોલરની છે, જે વીજળી માટે છે. બીજાં સ્તરની લાઇન ઑફ ક્રેડિટ 64 મિલિયન અમેરિકન ડોલરની છે, જે કૃષિ અને ડેરી ઉત્પાદન માટેની છે. ભૂતકાળની જેમ આપણે કૃષિ અને સ્વાસ્થ્ય સુવિધા, શિક્ષણ અને તાલીમ, માળખાગત સુવિધાઓ અને ઊર્જા, સરકારમાં ક્ષમતા નિર્માણ અને સંરક્ષણ ક્ષેત્રમાં તાલીમ જેવા ક્ષેત્રોમાં યુગાન્ડાની જનતાની આકાંક્ષાઓને સમર્થન આપતાં રહીશું. હું આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થવાનાં નિર્ણય બદલ રાષ્ટ્રપતિ મુસેવેની અને આ સદનનો આભાર માનું છું.

મહામહિમ,

યુગાન્ડાની સાથે અમે વિશાળ આફ્રિકાનાં વિવિધ દેશો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે. છેલ્લાં ચાર વર્ષોમાં આપણાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને મેં સંયુક્તપણે આફ્રિકાનાં ઓછામાં ઓછા 25 દેશોની મુલાકાત લીધી છે. અમારાં મંત્રીઓએ આફ્રિકાનાં તમામ દેશોની યાત્રા કરી છે. અમે ઓક્ટોબર, 2015માં ત્રીજી આફ્રિકા ભારત ફોરમ શિખર બેઠકમાં 54 દેશોમાંથી 40થી વધારે રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારી સ્તરે 54 દેશોની યજમાની કરી છે. અમે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની ઉદ્ઘાટન બેઠક માટે અનેક આફ્રિકી નેતાઓની યજમાની કરી છે. આ બેઠકો સિવાય છેલ્લાં ચાર વર્ષમાં આફ્રિકાનાં 32 રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીઓએ ભારતની મુલાકાત લીધી છે. મારાં ગૃહ રાજ્ય ગુજરાતે ગયા વર્ષે ગૌરવ સાથે ભારતમાં આફ્રિકા ડેવલપમેન્ટ બેંકની પ્રથમ બેઠકનું આયોજન કર્યું હતું અને અમે આફ્રિકામાં 18 નવા દૂતાવાસ ખોલી રહ્યાં છીએ.

મહામહિમ,

અત્યારે આપણી વિકાસલક્ષી ભાગીદારીમાં  40થી વધારે આફ્રિકન દેશોમાં લગભગ 11 અબજ અમેરિકન ડોલરનાં મૂલ્યની 180 લાઇન ઑફર ક્રેડિટ સામેલ છે. ગત ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલનમાં આપણે 10 અબજ ડોલરની લાઇન ઑફ ક્રેડિટની ખાતરી આપી અને 600 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપી. અમે વિવિધ કાર્યક્રમોમાં દર વર્ષે આફ્રિકાનાં 8000થી વધારે યુવાનોને તાલીમ આપીએ છીએ. હંમેશાની જેમ આપણાં પ્રયાસ તમારી પ્રાથમિકતાઓથી પ્રેરિત રહેશે. ભારતીય કંપનીઓએ આફ્રિકામાં 54 અબજ અમેરિકન ડોલરથી વધારે રોકાણ કર્યું છે. અત્યારે આફ્રિકાની સાથે અમારો વેપાર 62 અબજ અમેરિકન ડોલરથી વધારે છે. આ ગયા વર્ષની સરખામણીમાં 21 ટકા વધારે છે. સંપર્ણ આફ્રિકા ઈ-નેટવર્ક 48 આફ્રિકન દેશોને ભારત સાથે અને એકબીજા સાથે જોડે છે. આ આફ્રિકામાં ડિજિટલ ઇન્નોવેશન માટે નવી કરોડરજ્જુ બની શકે છે. દરિયાકિનારાનાં અનેક દેશોની સાથે આપણી ભાગીદારી સતત નાઇલ અર્થતંત્રનો ઉપયોગ કરવા ઇચ્છે છે અને ભારતની ઔષધિઓ એ બિમારીઓની દિશાને બદલી નાંખી છે, જે ક્યારેક આફ્રિકાનાં ભવિષ્ય માટે જોખમકારક હતી. ભારતીય ઔષધિઓએ લોકો માટે સ્વાસ્થ્ય સેવાઓને વાજબી અને પહોંચ વધારવા યોગ્ય બનાવી દીધી છે.

મહામહિમ,

જે રીતે આપણે સમૃદ્ધિ માટે એકસાથે કામ કરીએ છીએ, તે જ રીતે શાંતિ માટે આપણે એકજૂથ છીએ. ભારતીય સૈનિકોએ સેવા કરી છે, જેથી આફ્રિકાનાં બાળકો ભવિષ્યમાં શાંતિ જોઈ શકે. 1960માં કોંગોમાં અમારાં પ્રથમ મિશન પછી આફ્રિકામાં સંયુક્ત રાષ્ટ્રનાં તમામ શાંતિ મિશનોમાં 163 ભારતીયોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ કોઈ પણ દેશનાં સૌથી વધુ શહીદ થયેલા સૈનિકોની સંખ્યા છે. તેમાંથી 70 ટકા સૈનિકોએ આફ્રિકામાં શહાદત વહોરી છે. અત્યારે આફ્રિકામાં 6000થી વધારે સૈનિકો 5 શાંતિ સંવર્ધન કાર્યક્રમોમાં સામેલ છે. ભારતીય મહિલાઓએ લાઇબેરિયામાં સંયુક્ત રાષ્ટ્રનાં સંપૂર્ણ મહિલા પોલીસ યુનિટમાં યોગદાન આપીને ઐતિહાસિક કામ કર્યું છે. આફ્રિકાનાં દેશો સાથે અમારો રક્ષા અને સુરક્ષા સહયોગ વધી રહ્યો છે. અમે આતંકવાદ અને પાયરસીનો સામનો કરવા તથા આપણાં દરિયાઓને સુરક્ષિત રાખવા માટે એકસાથે કામ કરી રહ્યાં છીએ.

મહામહિમ,

આફ્રિકાની સાથે ભારતનો સહયોગ 10 સિદ્ધાંતો સાથે આગળ વધશે.

એક, આફ્રિકા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સ્થાન ધરાવશે. અમે આફ્રિકાની સાથે સાથ-સહકાર વધારવાનું જાળવી રાખીશું તથા અમે દર્શાવ્યું છે કે આ સાથ-સહકાર સાતત્યપૂર્ણ અને નિયમિત હશે.

બે, અમારી વિકાસલક્ષી ભાગીદારી તમારી પ્રાથમિકતાઓ દ્વારા નિર્દેશિત હશે. તમારી અનુકૂળ શરતો પર આપણી ભાગીદારી હશે, જે તમારી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવાની તમને સુવિધા આપશે અને ભવિષ્યમાં તમારી પ્રગતિ માટે અવરોધરૂપ નહીં બને. અમે આફ્રિકાની યોગ્યતા અને કુશળતા પર નિર્ભર રહીશું. અમે સ્થાનિક ક્ષમતાનાં નિર્માણની સાથે-સાથે શક્ય તેટલી રીતે અનેક સ્થાનિક તકોનું સર્જન કરીશું.

ત્રણ, અમે અમારાં બજારને મુક્ત રાખીશું તથા તેને સ્વાભાવિક અને વધારે આકર્ષક બનાવીશું, જેથી ભારતની સાથે વેપાર કરી શકાય. અમે આફ્રિકામાં રોકાણ કરવા માટે અમારાં ઉદ્યોગોને ટેકો આપીશું.

ચાર, અમે આફ્રિકાનાં વિકાસને ટેકો આપવા માટે, સેવા આપવામાં સુધારો કરવા માટે, શૈક્ષણિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો કરવા માટે, ડિજિટલ સાક્ષરતાનું વિસ્તરણ કરવા માટે, નાણાકીય સર્વસમાવેશકતાનો વિસ્તાર કરવા માટે તથા વંચિત લોકોને મુખ્ય ધારાઓમાં લાવવા માટે ડિજિટલ ક્રાંતિનાં ભારતનાં અનુભવોનો ઉપયોગ કરીશું.

આ સંયુક્ત રાષ્ટ્રનાં સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકને આગળ વધારવા માટે જ નહીં, પણ ડિજિટલ યુગમાં આફ્રિકાનાં યુવાનોને પણ ટેકનોલોજીકલ ક્ષમતા સાથે સજ્જ કરશે.

પાંચ, આફ્રિકામાં વિશ્વની 60 ટકા ફળદ્રુપ જમીન છે. પણ વૈશ્વિક ઉત્પાદનમાં આફ્રિકાનો હિસ્સો ફક્ત 10 ટકા છે. અમે આફ્રિકાનાં કૃષિ ક્ષેત્રમાં સુધારો કરવા માટે તમારી સાથે કામ કરીશું.

છ, આપણી ભાગીદારી આબોહવામાં પરિવર્તનનાં પડકારોનું સમાધાન કરવા માટે હશે. આપણે આંતરરાષ્ટ્રીય આબોહવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે, પોતાની જૈવ વિવિધતાને સુરક્ષિત રાખવા માટે અને સ્વચ્છ તથા સક્ષમ ઊર્જા સંસાધનોને અપનાવવા માટે આફ્રિકાની સાથે કામ કરીશું.

સાત, આપણે આતંકવાદ અને કટ્ટરતાનો મુકાબલો કરવા, સાઇબર સ્પેસને સુરક્ષિત રાખવા તથા શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રને સમર્થન આપવામાં પોતાનાં સહયોગ અને પારસ્પરિક ક્ષમતાઓને મજબૂત બનાવીશું.

આઠ, આપણે દરિયાઓને સ્વતંત્ર રાખવા અને તમામ દેશોનાં લાભમાટે આફ્રિકાનાં દેશોની સાથે કામ કરીશું. આફ્રિકાનાં પૂર્વી કિનારાઓ અને હિંદ મહાસાગરનાં પૂર્વી કિનારાઓ સાથે વિશ્વએ સહયોગ સ્થાપિત કરવાની જરૂર છે, સ્પર્ધા કરવાની નહીં. એટલે હિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારતનું વિઝન સહયોગ અને સમાવેશનું છે.

નવ, આ મારાં માટે વિશેષ સ્વરૂપે મહત્ત્વપૂર્ણ છે. આફ્રિકામાં વૈશ્વિક સહયોગમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આપણે બધાએ ખભે-ખભો મિલાવીને કામ કરવું પડશે, જેથી આફ્રિકા એક વાર ફરી સ્પર્ધાત્મક આકાંક્ષાઓ સાથે એકબીજાની સાથે ભીડાઈ ન જાય, પણ આફ્રિકાનાં યુવાનોની આકાંક્ષાઓ માટે નર્સરી બને.

દસ, ભારત અને આફ્રિકાએ સંસ્થાનવાદી શાસન સામે એકસાથે લડાઈ લડી છે, એટલે આપણે ન્યાયોચિત, પ્રતિનિધિ અને લોકતાંત્રિક વ્યવસ્થા માટે એકજૂથ થઈને કાર્ય કરીશું, જેમાં આફ્રિકા અને ભારતમાં રહેતી 33 ટકા વસતી માનવતાનો અવાજ બનશે અને તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હશે. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો કરવા માટે આફ્રિકાને સમાન સ્થાન મળ્યાં વિના ભારતની સુધારણાની ઇચ્છા અધૂરી રહેશે. આ અમારી વિદેશી નીતિનો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ હશે.

મહામહિમ,

જો હાલની સદી દેશોની શતાબ્દીની સદી બનવાની છે, જ્યાં સ્વતંત્રતા અને સમાનતા પ્રત્યે એકસાથે જાગૃતિ આવી રહી છે. જો માનવજાતે એકવીસમી સદીને વિવિધ પ્રકારની તકો ઊભી કરવાનો યુગ બનાવવો હોય, જો આપણે આપણાં ગ્રહનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય, તો આફ્રિકા ઉપખંડને બાકી વિશ્વ સાથે તાલમેળ સ્થાપિત કરવો પડશે. ભારત તમારી સાથે તમારાં માટે કામ કરશે. આપણી ભાગીદારી આફ્રિકામાં સશક્તિકરણનાં ઉપાયોનું સર્જન કરશે. તમારાં પ્રયાસોમાં પારદર્શકતા સાથે અને સમાનતાનાં સિદ્ધાંતો પર અમે તમને સમર્થન આપવા ઊભા રહીશું. ભારતની 66 ટકા વસતિ અને આફ્રિકાની 66 ટકા વસતિની સરેરાશ વય 35 વર્ષથી ઓછી છે. જો ભવિષ્ય યુવા પેઢીનું છે, તો આ સદી આપણી છે અને આપણે યુગાન્ડાની એક કહેવત છે – ‘જે વધારે પ્રયાસ કરે છે, તેને વધારે મળે છે.’ આપણે એ કહેવતને ચરિતાર્થ કરવાની છે. ભારતે આફ્રિકા માટે વધારે પ્રયાસ કર્યો છે અને આફ્રિકાનાં ભવિષ્ય માટે અમે સદાય આવાં પ્રયાસો કરતાં રહીશું.

ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ

અસાંતો સાના

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Union Budget 2024: A blueprint for India's manufacturing renaissance

Media Coverage

Union Budget 2024: A blueprint for India's manufacturing renaissance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets former Prime Minister Shri HD Devegowda
July 25, 2024

The Prime Minister, Shri Narendra Modi met with former Prime Minister Shri HD Devegowda at 7, Lok Kalyan Marg in New Delhi.

In a X post, the Prime Minister said;

“It was an honour to meet former Prime Minister, Shri HD Devegowda Ji at 7, Lok Kalyan Marg. His wisdom and perspective on various subjects are deeply valued. I am also thankful for the artwork that he gave me, taking my mind back to my recent visit to Kanyakumari. @H_D_Devegowda @hd_kumaraswamy”