પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં જેપી મોર્ગન ઇન્ટરનેશનલ કાઉન્સિલનાં સભ્યોને મળ્યાં હતા. વર્ષ 2007 પછી પહેલી વાર ભારતમાં આ આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી.

આંતરરાષ્ટ્રીય પરિષદમાં બ્રિટનનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેર, ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જ્હોન હૉવાર્ડ, અમેરિકાનાં ભૂતપૂર્વ ગૃહ મંત્રી હેનરી કિસિન્જર અને કોન્ડાલિઝા રાઇસ, ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી રૉબર્ટ ગેટ્સ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરનાં દિગ્ગજો તેમજ જેમી ડિમોન (જેપી મોર્ગન ચેઝ), રતન ટાટા (ટાટા ગ્રૂપ) જેવા બિઝનેસ અને ફાઇનાન્સ જગતનાં દિગ્ગજો અને નેસ્લે, અલીબાબા, આલ્ફા, આઇબેરડોલા, ક્રાફ્ટ હેઇન્ઝ વગેરે જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓનાં અગ્રણી પ્રતિનિધિઓ સામેલ હતા.

પ્રધાનમંત્રીએ ગ્રૂપને ભારતમાં આવકારતાં વર્ષ 2024 સુધીમાં ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવા માટેનાં એમનાં વિઝન પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાનાં ભૌતિક માળખાનાં વિકાસ અને એફોર્ડેબલ હેલ્થકેરમાં સુધારો તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવું – એ સરકાર માટેની નીતિગત પ્રાથમિકતાઓ છે.

સરકાર માટે લોકોની ભાગીદારી નીતિનિર્માણનાં માર્ગદર્શક સિદ્ધાંત તરીકે જળવાઈ રહી છે. વિદેશી નીતિનાં મોરચા પર ભારતે વાજબી અને સમાન બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરવા એનાં વ્યૂહાત્મક ભાગીદારો અને પડોશી દેશો સાથે સંયુક્તપણે કામ કરવાનું જાળવી રાખ્યું છે.
