પ્રિય મિત્રો,
લોકશાહીનાં સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણીનાં દિવસને હવે થોડા અઠવાડિયાની જ વાર છે, આ ઉત્સવમાં ગુજરાતભરનાં લોકો ભાગ લેશે. છેલ્લા વર્ષોમાં મને તમારામાંથી ઘણા સાથે નજદીકથી વાતચીત કરવાની તક મળી છે. પછી એ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા હોય, નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવાનો પ્રસંગ હોય કે પક્ષનાં કાર્યકરો સાથેની મુલાકાત હોય, ગુજરાતમાં મને ચારેકોર વાઈબ્રન્ટ અને આશાથી ભરપુર વાતાવરણ જોવા મળ્યુ છે, જે મારા માટે આનંદની વાત છે.
છેલ્લા એક દશકથી રાજ્યમાં જે રાજકીય સ્થિરતા જોવા મળે છે તેના વિના આપણે વિકાસની આટલી ઉંચાઈએ ન પહોંચી શક્યા હોત. તમારામાંથી ઘણાએ એ ગુજરાત પણ જોયું હશે, જ્યાં સરકારો લાંબુ ટકતી નહોતી, અને સત્તા મેળવવા જાણે સંગીતખુરશીની રમત રમાતી હોય એવો માહોલ રહેતો. છેલ્લા દશકમાં આપણા નીતિ નિર્ધારણમાં સુસંગતતા અને સાતત્ય રહ્યું છે, જેનો અત્યંત લાભ લોકોને મળ્યો છે. આ રાજકીય સ્થિરતા ગુજરાતનાં લોકોનાં વિઝન અને તેમની દૂરદ્રષ્ટિને આભારી છે, તેમણે કાયમ અન્ય બાબતોને બદલે વિકાસનાં મુદ્દા પર પોતાનો વિશ્વાસ દાખવ્યો છે.
લોકો ઘણીવાર મને પૂછે છે – મોદીજી, છેલ્લા અગિયાર વર્ષમાં ગુજરાતની સૌથી નોંધપાત્ર સિધ્ધિ શું રહી છે? કદાચ તમને લાગશે કે હું કહીશ – આપણે ત્યાં શાળા ડ્રોપ આઉટ દર ખાસ્સો ઘટ્યો છે, કન્યા કેળવણીને જબરદસ્ત વેગ મળ્યો છે, વિકાસના ફળ વનવાસી ક્ષેત્રો સુધી પહોંચ્યા છે, ગરીબમાં ગરીબ માણસ પણ ટેક્નોલોજી સાથે જોડાઈ શક્યો છે, ગુજરાત ઔદ્યોગિક હબ બન્યુ છે, કૃષિ ક્ષેત્રે વિક્રમજનક વૃધ્ધિ થઈ છે વગેરે...
પણ મારા મતે જો સૌથી મોટી કોઈ વાત બની હોય તો તે એ છે કે રાજકારણ અને લોકશાહી પર લોકોનો વિશ્વાસ પ્રબળ બન્યો છે, જે આઝાદી બાદ કોંગ્રેસનાં શાસનમાં સાવ ખલાસ થઈ ગયો હતો.
એક ઉદાહરણ આપીને કહુ. ૧૯૮૦નાં દશકામાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતુ કે એક રૂપિયાની સહાય ગામડા સુધી પહોચતા તો ૧૫ પૈસા જેટલી થઈ જાય છે. તેમની વાત સાંભળી હું છક રહી ગયો. તેમણે જ્યારે આ કહ્યુ હતુ ત્યારે કોંગ્રેસ પાર્ટી દેશના રાજકારણમાં પગ જમાવીને બેઠી હતી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક સ્તર પર કોંગ્રેસ જ હતી, અમે ક્યાંય નહોતા. રાજીવ ગાંધીની આ ટિપ્પણી શું બતાવે છે – કે કોંગ્રેસ સમસ્યાઓની યાદી બનાવવામાં તો હોંશિયાર છે, પણ તેના ઉકેલ કાઢવાની વાત આવે તો તેની પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એમ નથી.
આજે મને કહેતા ગર્વ થાય છે કે ગાંધીનગરથી નીકળેલો એક-એક રૂપિયો તેના લાભાર્થી સુધી પહોંચે છે. ગુજરાતમાં વચેટિયાઓ તો ક્યારનાંય બેરોજગાર બની ચૂક્યા છે. આ જ કારણ છે કે લોકોમાં સીસ્ટમ માટે પ્રબળ વિશ્વાસ પેદા થયો છે; એ જ નિયમો અને એ જ તંત્રથી ગુજરાતે બતાવી આપ્યુ છે કે સામાન્ય માણસનાં જીવનમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવુ શક્ય છે.
અમારી સામે કેવા આક્ષેપો થાય છે એ જાણીને તમને આશ્વર્ય થશે, ‘તમે ૫૦૦ નાં બદલે ૩૫૦ શાળાઓ બનાવી’ કે ‘દસ કિલોમીટરનું વચન આપીને તમે આઠ કિલોમીટર જેટલા જ રોડ બનાવ્યા’, આક્ષેપોમાં પણ વિકાસની વાત જ જોઈ શકાય છે. પણ શું આપણા કોંગ્રેસનાં મિત્રો માટે આમ કહી શકાશે? ના, તેમને વિકાસ અંગે તો ક્યાં કોઈ પૂછે જ છે. વાત થાય છે માત્ર કૌભાંડની, અને સામાન્ય માણસનાં માથે વધી રહેલા ભારની. અને આ બધુ એટલે કે એ પાર્ટીમાં નેતા, નીતિ અને નિયતનો અભાવ છે.
મિત્રો, મુળ તફાવત રાજકારણની રીતમાં છે. ભાજપ હંમેશા વિકાસની રાજનીતિ માટે પ્રતિબધ્ધ છે જ્યારે કોંગ્રેસ પર વોટબેંકનાં રાજકારણનો રંગ ચઢેલો છે. જરા યાદ કરો, કેવી રીતે ગુજરાતમાં તેમણે ભાઈને ભાઈથી, મિત્રને મિત્રથી દુર કરવાનાં પ્રયત્નો કર્યા. રથયાત્રા હોય કે ક્રિકેટ મેચ હોય, રાજ્યમાં કરફ્યુ તો લાગેલો જ હોય. આજે કોઈ બાળકને કરફ્યુનો અર્થ પૂછશો તો તેને ખબર પણ નહિ હોય. છેલ્લા દશકમાં આ પરિવર્તન આવ્યુ છે.
હું વારંવાર કહુ છું – જો કોંગ્રેસને ગુજરાત જોઈતુ હોય તો તેણે વોટબેંકની રાજનીતિને બદલે પૂરા હૃદયથી વિકાસની રાજનીતિ અપનાવવી જોઈએ. એમ નહિ કરે ત્યાં સુધી તો તેમને આ ભુમિમાં ઘુસવાની તક નહિ મળે, કારણકે ગુજરાતના લોકો તેમને બરાબર ઓળખી ગયા છે.
છેલ્લા ઘણા દિવસોથી હું અમારા ઘણા કાર્યકર્તાઓને મળી રહ્યો છું. કાયમ જુસ્સામય રહેતા આ ઉત્સાહી કાર્યકરોને મળવાનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. અમારા કાર્યકર્તાઓ અમારી સાચી તાકાત છે અને તેમના બિરદાવવા યોગ્ય કામ માટે હું તેમને અભિનંદન આપુ છું. ભવ્ય અને દિવ્ય ગુજરાતનાં નિર્માણ તરફ આપણી આગેકૂચ આપણે જાન્યુઆરી-૨૦૧૩ થી શરૂ કરીશુ. અને હા, એ પહેલા ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ નાં રોજ આપણે એક બીજી દિવાળી પણ ઉજવીશું, પહેલા ક્યારેય ન ઉજવી હોય એવી ભવ્ય દિવાળી...
આપનો,
![]()
નરેન્દ્ર મોદી


