પરમવીર ચક્ર વિજેતા શહીદવીર અબ્દુલ હમીદના ધર્મપત્ની વયોવૃધ્ધ રસૂલન બીબીએ ગાંધીનગરમાં આવીને નરેન્દ્રભાઇ મોદીને આશીર્વાદ આપ્યા
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ૧૯૬પના ભારત-પાકિસ્તાન યુધ્ધના પરમવીર ચક્રનું સર્વોચ્ચ મરણોત્તર સન્માન મેળવનારા શહીદવીર અબ્દુલ હમીદના વયોવૃધ્ધ ધર્મપત્ની શ્રી રસૂલન બીબીએ ગાંધીનગરમાં ખાસ આવીને મૂલાકાત લીધી હતી અને હિન્દુસ્તાન માટે જનકલ્યાણના આશીર્વાદ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શહિદવીરના ધર્મપત્નીનું શાલ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
શહિદવીર અબ્દુલ હમીદના આ વયોવૃધ્ધ ધર્મપત્ની હાલ તેમના વતન ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના ધામપુર ગામે વસે છે અને નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવા છતાં તેમના બે પૌત્રો સાથે આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીને ખાસ મળવા આવ્યા હતા. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને હરિયાણામાં રેવાડીની શહિદો માટેની રેલીમાં દેશની રક્ષા માટે સેનાના ખમીરને બિરદાવતું પ્રવચન ટીવી ઉપર વતનમાં સાંભળેલું અને શ્રી નરેન્દ્રભાઇ મોદીને ગાંધીનગર જઇને રૂબરૂ મળવાની અદમ્ય ઇચ્છા પૌત્રો આગળ વ્યકત કરેલી તે આજે મૂર્તિમંત થઇ છે એમ ભાવવિભોર બનીને શ્રી રસૂલન બીબીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જ્હા ઉપસ્થિત હતા.






