ગુજરાત અને કોરિયા વચ્ચે સહભાગીતાના સંબંધોનું ફલક વિકસાવવા ફળદાયી પરામર્શ
કોરિયાની મૂલાકાત લેવા શ્રી નરેન્દ્રભાઇ મોદીને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે કોરિયાના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત લી જૂન્ગ્યુ (Mr. LEE JOONGYU) એ સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. ભારત અને કોરિયા વચ્ચે રાજનૈતિક સંબંધોના ૪૦ વર્ષની આ વર્ષે ઉજવણી થઇ રહી છે તે સંદર્ભમાં, કોરિયાના રાજદૂત શ્રીયુત લી જૂન્ગ્યુએ આજે ગાંધીનગરમાં ગુજરાત અને કોરિયા વચ્ચે સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા અંગે પરામર્શ કર્યો હતો. તેમણે શ્રી નરેન્દ્રભાઇ મોદીને કોરિયાની મૂલાકાત લેવાનું હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.
શ્રીયુત લી જૂન્ગ્યુ છેલ્લા એક વર્ષથી ભારતમાં કોરિયાના રાજદૂત છે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રો ઉપરાંત આર્થિક-ઔદ્યોગિક સહભાગીતાની સંભાવના વિશે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ તેમના કોરિયા પ્રવાસની ફલશ્રુતિ આપીને કોરિયા અને ગુજરાત વચ્ચે જે વિવિધલક્ષી સામ્યતા પ્રવર્તે છે તેનો ખાસ નિર્દેશ કર્યો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કોરિયાના દરિયાઇ વેપાર અને મેરીટાઇમ સ્ટેટસની જેમ વિકાસ કરવાની તત્પરતા વ્યકત કરી હતી. મેરીટાઇમ હયુમન રિસોર્સીઝ ડેવલપમેન્ટ માટે તેમણે કોરિયાની મેરીટાઇમ યુનિવર્સિટી સાથે સહયોગ કરવાની, શિપબિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે કોરિયાનો સહયોગ મેળવવા તથા કોરિયાના સીમેંગમ સી-વોલ પ્રોજેકટની પ્રેરણા સાથે ગુજરાત કલ્પસર પ્રોજેકટમાં આગળ વધી રહયું છે તે અંગે શ્રીયુત લી જૂન્ગ્યુને જાણકારી આપી હતી.
કોરિયાની સામસુંગ જેવી કંપની સાથે ગુજરાતમાં સેમી કન્ડકટર સિટીના નિર્માણની સંભાવના તેમણે દર્શાવી હતી અને ગુજરાત તથા કોરિયા વચ્ચે સાંસ્કૃતિક સંબંધોના આદાન-પ્રદાન માટે યુથ એકસચેંજ કાર્યક્રમો હાથ ધરવાની તત્પરતા વ્યકત કરી ગુજરાતમાં આ મહિનામાં યોજાનારી નેશનલ અર્બન ડેવલપમેન્ટ સમિટમાં ભાગ લેવા કોરિયાની સરકારને આમંત્રણ આપ્યું હતું.
આ બેઠકમાં કોરિયાના રાજદૂતાવાસના અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગના અધિક મુખ્ય સચિવશ્રી મહેશ્વર શાહુ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી એ. કે. શર્મા ઉપસ્થિત હતા.