જમિઅત ઉલમા-એ-હિંદના નેજા હેઠળ મુસ્લિમ સમુદાયના 25 આગેવાનો આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત દોવલે પ્રતિનિધિમંડળને આવકારતા કહ્યું હતું કે, આખી દુનિયા અત્યારે ભારત તરફ જુએ છે અને દેશને પ્રગતિને પંથે અગ્રેસર કરવાની જવાબદારી ભારતીય સમાજના તમામ વર્ગની છે.

શ્રી દોવલની વાત સાથે પ્રતિનિધિમંડળના આગેવાનો સંમત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સબ કા સાથ, સબ કા વિકાસના મંત્ર સાથે દેશને ખભેખભો મિલાવીને અગ્રેસર કરવાનો ઉદ્દેશ હોવા જોઈએ.
પ્રધાનમંત્રીના વિઝનની પ્રશંસા કરીને પ્રતિનિધિમંડળના સભ્યોએ આશા વ્યક્ત કરી હતી કે પ્રધાનમંત્રી દેશના લોકોનો ભરોસો ધરાવે છે, જે સમાજના તમામ તબક્કાઓની સમૃદ્ધિ અને સુખાકારી સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, નવા ભારતનું નિર્માણ કરવામાં મુસ્લિમ સમુદાય સમાન સ્તરે ભાગીદાર બનવા આતુર છે.
આતંકવાદ મોટો પડકાર છે એની નોંધ લઈને તેમણે તેનો શક્ય તમામ રીતે સામનો કરવાની દ્રઢતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ સ્થિતિસંજોગોમાં કોઈ પણ વ્યક્તિ દેશની સુરક્ષા કે સુખાકારી સાથે સમાધાન ન કરે એ જોવાની જવાબદારી મુસ્લિમ સમુદાયની છે. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાય ભારત સામે ષડયંત્રને ક્યારેય સફળ નહીં થવા દે.
કાશ્મીર ખીણમાં સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા પ્રતિનિધિમંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, આ સમસ્યાનું સમાધાન ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ લાવી શકે છે.

તેમણે ટ્રિપલ તલાકના મુદ્દે પ્રધાનમંત્રીના વલણની પ્રશંસા કરી હતી.
શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિમંડળના સભ્યોએ કેશલેસ વ્યવહારો, સ્ટાર્ટ-અપ્સ અને તાજેતરમાં નીતિ આયોગ દ્વારા આયોજિત હેકેથોન જેવી સરકારી પહેલોમાં તેમની સંસ્થાઓ દ્વારા થયેલી પ્રગતિનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રતિનિધિમંડળે કેન્દ્ર સરકારના નેજાં હેઠળ લઘુમતી સમુદાયના કલ્યાણ માટેની યોજનાના અમલ બદલ પ્રશંસા પણ કરી હતી.
પ્રતિનિધિમંડળના સભ્યોને આવકારતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીની સૌથી મોટી તાકાત સંવાદિતા અને મેળમેળાપ છે. સરકારને નાગરિકો વચ્ચે ભેદભાવ રાખવાનો કોઈ અધિકાર નથી એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની ખાસિયત વિવિધતામાં એકતા છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં નવી પેઢીને આતંકવાદની વધતી વૈશ્વિક સમસ્યાથી બચાવવી જોઈએ.
ટ્રિપલ તલાક પર પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુસ્લિમ સમુદાયે આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવાની છૂટ ન આપવી જોઈએ અને તેમણે આ સંબંધમાં સુધારાની શરૂઆત કરવા જવાબદારી લેવા એકત્ર થવાની વિનંતી કરી હતી.
પ્રતિનિધિમંડળના સભ્યોમાં મૌલાના કાદરી સૈયદ મોહમ્મદ ઉસ્માન મનસુરપુરી – જમિયત ઉલમા-એ-હિંદના પ્રમુખ, મૌલાના મહમૂદ એ મદાની – જનરલ સેક્રેટરી, જમિયત ઉલમા-એ-હિંદ, ડો. ઝાહિર આઇ કાઝી – પ્રેસિડન્ટ, અંજુમન-એ-ઇસ્લામ, મુંબઈ, પ્રોફેસર અખ્તરઉલ વાસી અને મૌલાના બદરુદ્દીન અજમલ સામેલ હતા.
.


