મિત્રો,
નવરાત્રી અને વિજયાદશમીના પાવન પર્વની સાથે જ દીવાળીના આગમનની પ્રતીક્ષામાં સૌ કોઈ જોડાઈ જાય છે.
માન. શ્રી લાલકૃષ્ણ અડવાણીજી આવતીકાલ તા. ૧૧મી ઓકટોબરથી જનચેતના યાત્રાનો આરંભ કરી રહ્યા છે.
સમગ્ર દેશ ભ્રષ્ટાચાર બાબતે ખૂબ જ ખિન્ન છે. જનમાનસમાં ભારે આક્રોશ છે.
ભ્રષ્ટાચારના મુદ્દે ભૂતકાળમાં પણ કોંગ્રેસી સરકારો સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો હોય એવી અનેક ઘટનાઓ છે, પણ દેશના ઇતિહાસની દિશા બદલી નાખી હોય તેવી ત્રણ મહત્ત્વની ઘટના લોકમાનસ પર હજુ છવાયેલી રહી છે. અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જ્યારે જ્યારે પણ શંખનાદ થતો રહેશે ત્યારે યાદ આવતી રહેશે.
૧૯૭૪: દેશમાં આઝાદી પછી પ્રથમ વખત ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંગઠીત રીતે જનઆક્રોશ ફાટી નીકળ્યો હોય તો તે સને ૧૯૭૪માં ગુજરાતમાં... કોંગ્રેસી સરકારના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારી રીત રસમો સામે જબરજસ્ત નવનિર્માણ આંદોલન થયું અને તે આગમાં કોંગ્રેસી સરકાર ખાખ થઈ ગઈ. અને ત્યારપછી લોકાદેશ મુજબ ગુજરાતમાં પહેલીવાર બિનકોંગ્રેસી પક્ષોનો મોરચો સત્તાસ્થાને આવ્યો.
૧૯૭૭: ગુજરાતના પગલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેશ વ્યાપી આંદોલન ઊભું થયું. આ લોકજાગૃતિનો અવાજ રૂંધાવી નાખવા માટે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ (આઈ) સરકારે દેશભરમાં કટોકટી લાદી દીધી.. અનેક જુલ્મો થયા પણ લોકોનો મિજાજ બદલાયો નહીં અને કટોકટી પછી ૧૯૭૭ થયેલી ચૂંટણીઓમાં ઈંદિરા ગાંધીની કોંગ્રેસનો લોકોએ દેશભરમાં સફાયો કરીને પ્રથમવાર કેન્દ્રમાં બિનકોંગ્રેસી સરકારને સુકાન સોંપ્યું.
૧૯૮૯: રાજકીય સમીકરણો બદલાતાં દેશભરમાં અભૂતપૂર્વ બહુમતી સાથે ફરી સત્તાસ્થાને આવેલી કોંગ્રેસ (આઈ) સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બની ગઈ અને બોફર્સના મહાકાંડે રાજીવ ગાંધીની કોંગ્રેસી સરકારનો ખાત્મો બોલાવી દીધો. અને આજે ફરી એકવાર કેન્દ્રની કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે ઘેરાઈ ગયેલી છે. જનજનમાં પડેલી ભ્રષ્ટાચાર વિરોધી લાગણીને યોગગુરુ શ્રી બાબારામદેવે ભારત ભ્રમણ અને અથાગ પરિશ્રમ કરીને કાળા નાણાં વિરુદ્ધ વાતાવરણ તૈયાર કર્યું. તો બીજી બાજુ વયોવૃદ્ધ સમાજ સુધારક શ્રી અણ્ણાજીએ ઉપવાસના માધ્યમથી તેનું સામુહિક પ્રગટીકરણ કર્યું.
બાબારામદેવ કાળા નાણાંના મુદ્દે વધુ આક્રમક રહ્યા તો શ્રી અણ્ણાજીએ જનલોકપાલ કાયદો ઘડવા બાબતે જીવન હોડમાં મૂકયું. આ પાર્શ્વભૂમિમાં અડવાણીજીની જનચેતના યાત્રાનું સવિશેષ મહત્ત્વ છે. કારણ તેનો આશય ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે, કાળા નાણાં વિદેશી બેંકમાંથી પાછા લાવવાની માંગ છે અને સાથે સાથે લોક શિક્ષણનું અને લોક સંપર્કનું અદ્ભુત સંયોજન છે.
મારો વિશ્વાસ છ,ે આ જનચેતના યાત્રા ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે જનશક્તિનો નવો આવિષ્કાર બની રહેશે.
યાત્રા, જયપ્રકાશ નારાયણજીની જન્મજયંતીએ તેમના વતનથી નીકળે તે સુસંગત છે.
ક્યારેક કેટલીક સુખદ ઘટનાઓ પણ આકાર લેતી હોય છે. એકવાર બિહાર રાજ્યના મુખ્યમંત્રીએ અડવાણીજીની યાત્રા અટકાવી હતી આજે એજ બિહારના મુખ્યમંત્રી યાત્રાને પ્રસ્થાન કરાવે છે તે ઘટના સવિશેષ આનંદની વાત છે.
માન. શ્રી અડવાણીજી સાથે ખૂબ નિકટથી કાર્ય કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.
કેટલાક હિત ધરાવતાં તત્ત્વો તેમના વિશે જે ગપગોળા ચલાવી રહ્યા છે તે અત્યંત દુઃખદ અને નિંદનીય છે.
અડવાણીજી કે જેમણે દેશ સેવા માટે પોતાની જવાની ખપાવી દીધી, ૬૦ વર્ષ દેશની એકધારી સેવા કરી અને તેમાં પણ જીવનનો નેવુું ટકા હિસ્સો તો વિરોધ પક્ષે રહીને દેશની સેવા કરી. સને ૧૯૫૨થી આજ સુધી ડગલેને પગલે જનતાના સુખદુઃખના સાથી રહેલ અડવાણીજી કોઈ પદ પ્રાિ માટે યાત્રા કરે છે એવી હાસ્યાસ્પદ વાતો ફેલાવનારની માનસિકતા પ્રત્યે તો દયા જ ખાવાની રહી.
ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ જનચેતના યાત્રા ભારતનું ભાગ્ય બદલશે એવો મારો વિશ્વાસ છે.
ઉંમરના આ વરિષ્ઠ પડાવે અડવાણીજીનો આ પરિશ્રમ દેશ કયારેય વ્યર્થ નહીં જવા દે તેવી મારી પૂરી શ્રદ્ધા છે.


