પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારત સરકાર સાહસિક નિર્ણયો લઈ રહી છે અને એનો ઝડપથી અમલ કરી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત સરકાર મોટા પ્રોજેક્ટની સાથે શ્રેષ્ઠ પ્રોજેક્ટ પણ હાથ ધરે છે. તેમણે આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરીને સંબોધન કર્યું હતું, જેમાં આ વાત કરી હતી.
તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, વિશ્વના સૌથી મોટા એફોર્ડેબલ હાઉસિંગ માટેના કાર્યક્રમ, હેલ્થકેર વીમા યોજનાના કાર્યક્રમ, 6 લાખ ગામડાઓમાં ઇન્ટરનેટ જોડાણની સુવિધા, તાજેતરમાં શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને આ વિચારસરણીના ઉદાહરણ તરીકે ટાંક્યાં હતાં.
તેમણે હઝિરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ અને ગિરનાર રોપ-વેના બે ઉદાહરણો પણ ટાંક્યા હતા અને કહ્યું હતું કે, આ બંને પ્રોજેક્ટનો ઝડપથી અમલ થયો છે, પરિણામે સ્થાનિક લોકોના જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. આ યોજનાઓથી ઇંધણ અને સમયની બચત થઈ છે, કારણ કે ઘોઘા અને હઝિરા વચ્ચેનું અંતર 375 કિલોમીટરથી ઘટીને ફેરી દ્વારા 90 કિલોમીટર થઈ ગયું છે. આ સેવાનો ઉપયોગ બે મહિનાઓમાં 50,000 લોકોએ કર્યો છે અને આ સર્વિસ પર 14 હજાર વાહનોની ફેરી પણ થઈ છે. એનાથી આ વિસ્તારમાં ખેડૂતો અને પશુ સંવર્ધનને મદદ મળી છે. એ જ રીતે ગિરનાર રોપ-વેનો ઉપયોગ અઢી મહિનાઓમાં 2 લાખથી વધારે લોકોએ કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવા ભારતનો લક્ષ્યાંક લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સમજીને ઝડપથી કામ કરીને જ હાંસલ થઈ શકશે. શ્રી મોદીએ આ દિશામાં એક કદમ તરીકે તેમની પ્રગતિ સિસ્ટમનું ઉદાહરણ ટાંક્યું હતું. પ્રગતિએ દેશમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટના અમલીકરણને નવો વેગ પ્રદાન કર્યો છે, કારણ કે એની અધ્યક્ષતા પ્રધાનમંત્રી પોતે કરે છે. પ્રયાસ વિવિધ હિતધારક સાથે સીધી વાત કરવાનો અન સમસ્યાઓ માટે સમાધાન શોધવાનો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં અમે રૂ. 13 લાખ કરોડના મૂલ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી છે અને ઘણી લાંબા ગાળાથી વિલંબિત યોજનાઓને તર્કબદ્ધ પરિણામો મળ્યાં છે.