નમસ્તે..!

સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓની હારમાળ ગરીબોની અંદર એક વિશ્વાસ પેદા કર્યો છે કે જો ગરીબીમાંથી બહાર આવવું હશે તો સરકારે જે રસ્તો અપનાવ્યો છે એ જ રસ્તો કારગર નીવડવાનો છે. ભૂતકાળમાં યોજનાઓ કાગળ પર બનતી હતી અને વચેટિયા વગર કોઈ ગરીબ માનવી સુધી ક્યારેય કોઈ લાભ પહોંચતો નહોતો. આ એક એવી સરકાર છે કે જે સામે ચાલીને ગરીબના ઘરે જાય છે અને ગરીબને શોધીને, ગરીબના ઘરે જઈને, એના હકનો લાભ એને આપવા માટેનો પ્રયાસ કરે છે. હમણાં બબ્બે તાલુકાનો એક, એવી રીતે ગરીબ કલ્યાણ મેળા ચાલી રહ્યા છે અને દર અઠવાડિયે ૪૦-૫૦ ગરીબ કલ્યાણ મેળા આપણે કરતા હોઈએ છીએ. અને એક દિવસમાં, આજે જ એક દિવસમાં, ૫૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમની વહેંચણી આ ગરીબ કલ્યાણ મેળામાં થવાની છે. અને આ વખતે પાંચ તબક્કાની અંદર ગરીબ કલ્યાણ મેળા થશે, રાજ્યના બધા જ તાલુકાને આવરી લેવામાં આવશે અને ગયા પચાસ વર્ષમાં કૉંગ્રેસના રાજ્યમાં કામ નથી થયું એટલું મોટું કામ આ પાંચ મેળામાં થઈ જશે..! આપ કલ્પના કરી શકો છો જુદી જુદી બધી જ યોજનાઓને ભેગી કરો તો માત્ર ગરીબોને આવાસ આપવાનાં કામો, સાડા પાંચ લાખ ગરીબ કુટુંબો એટલે લગભગ ૪૦-૫૦ લાખ જનસંખ્યાને રહેવા માટે છાપરું મળી રહે... ઓટલો પણ મળે, રોટલો પણ મળે એ રીતે અમે કામ ઉપાડ્યું છે. આ એક જ ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત, પહેલા હપતામાં ૨૧,૦૦૦ રૂપિયા રોકડા આપીને, ફરફરિયાં વહેંચીને નહીં, સર્વે કરીને નહીં, પ્રજાની આંખમાં ધૂળ નાખીને નહીં, ગરીબ માનવીને ૨૧,૦૦૦ રૂપિયાનો ચેક સીધો આપીને આ પાંચ જ ગરીબ કલ્યાણ મેળામાં લગભગ સવા ચાર લાખ ગરીબ પરિવારોને ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મકાનો બાંધવાનું અભિયાન અમે ઊપાડી રહ્યા છીએ. અને એનો પહેલો હપતો ચૂકવી રહ્યા છીએ. અને કોઈ એમ માને કે આ કાર્યક્રમ અમે ચૂંટણીના કારણે કરીએ છીએ. ના, ૨૦૦૧ માં આપે મને કામ સોંપ્યું. ૨૦૦૧ માં આખી સરકારનું બજેટ પાંચ હજાર કરોડથી વધારે નહોતું, આખી સરકાર..! જ્યારે આ સરકાર આ પાંચ જ અઠવાડિયામાં ૨૦૦૦ કરોડ રૂપિયા ગરીબોના ઘર માટે ખર્ચી નાખવાની છે. કારણ, જો ગરીબોને ઘર મળશે તો એનું જીવન બદલાશે. કોઈએ કલ્પના કરી હતી કે નટ, વાદી, બજાણિયા જે બિચારા એક ગામથી બીજા ગામ ફરતા રહેતા હતા, સાપ-નોળિયાની રમત રમાડતા હતા, જાદુના ખેલ કરતા હતા એમની ક્યાંય વસાહત નહોતી. આ રાજ્યની અંદર ડઝન કરતાં વધારે જગ્યાએ આ નટ, બજાણિયા, વાદી એવા સમાજની વસાહતો ઊભી કરી, એમના છોકરાંઓને ભણવા માટે શિક્ષણની વ્યવસ્થા કરી, અને જે છોકરાંઓ ગઈકાલ સુધી સાપ અને નોળિયા રમાડતા હતા એને આજે કોમ્પ્યૂટરના માઉસ પર રમતા કરી દીધા છે. અમારે જીવન ધોરણ બદલવાનું છે. અને ભાઈઓ-બહેનો, ૨૦૦૧ થી અત્યાર સુધીમાં આ સરકારે સોળ લાખ કરતાં વધારે મકાનોના કામ પૂર્ણ કરી દીધાં છે. સોળ લાખ ગરીબ પરિવારોને મકાન પહોંચાડવાનું કામ સમગ્ર હિંદુસ્તાનમાં કોઈપણ સરકારે દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી કર્યું નથી. કારણ, અમારે ગરીબોની જીંદગી બદલવી છે, ગરીબોના છોકરાંઓને રોજગાર મળે એના માટેની ચિંતા કરવી છે.

ભાઈઓ-બહેનો, આ ગરીબ કલ્યાણ મેળા, એ સાચા અર્થમાં ગરીબી સામે લડાઈ લડવા માટેનું એક સારામાં સારું ઓજાર અમે શોધી કાઢ્યું છે અને એના જ કારણે સત્તા ભૂખ્યા લોકો, સત્તા માટે વલખાં મારનારા લોકો, ગરીબોને ગરીબ રાખીને એમનું શોષણ કરવા ટેવાયેલા લોકો અપપ્રચાર, જૂઠાણાં, રોજ નવા ખેલ પાડવાના કામો કરી રહ્યા છે. પણ મને ભરોસો છે કે જેમને પોતાના સંતાનોની ચિંતા છે, જેમને આવતીકાલની ચિંતા છે, એ લોકો આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ લઈને ગરીબી સામે મક્કમતાપૂર્વક લડવાની તૈયારી સાથે અમારી જોડે ખભાથી ખભો મિલાવીને કામ કરશે. અને મારા ગરીબ ભાઈઓ-બહેનો, હું આપને વિશ્વાસ આપું છું કે અમે તમારો હાથ પકડ્યો છે, અમે તમારો સાથ ક્યારેય છોડવાના નથી, આ ગરીબીમાંથી તમને બહાર કાઢીને જ રહીશું..!

હમણાં મેં ગુટકા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ગરીબ પરિવારની બહેનો એટલી ખુશ છે, અનેક બહેનોના આશીર્વાદ મને મળી રહ્યા છે કે તમે અમારા છોકરાઓની જીંદગી બચાવી લીધી. નહીંતો ગુટકા ખાય અને ઘરમાં કેન્સરની બિમારી આવે, દવા કરાવવામાં જ ઘર આખું તારાજ થઈ જાય અને પછી છોકરોય ગુમાવવાનો વારો આવે. કમનસીબે નાની નાની દીકરીઓને પણ ગુટકા ખાવાની ટેવ પડી ગઈ હતી. આપણે હવે પ્રતિબંધ લાવવાનું નક્કી કર્યું અને મારે આનંદ સાથે કહેવું છે કે બહેનોએ એને વધાવી લીધું છે. આગામી પાંચમી સપ્ટેમ્બર, ડૉ.રાધાકૃષ્ણનજીનો જન્મ દિવસ છે, શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને અગિયારમી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રિય ભાઈચારાના દિવસ તરીકે ઓળખાય છે, સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એ દિવસે ભાષણ કર્યું હતું અને આખી દુનિયાને પોતાના પ્રેમની અંદર બાંધી દીધી હતી. એ પાંચ સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર, આખા ગુજરાતમાં ગુટકા મુક્તિ અભિયાન આપણે ઉપાડવાનાં છીએ. મારી માતાઓ અને બહેનો, ખાસ કરીને મારી ગરીબ માતાઓ અને બહેનો, વ્યસન સામેની આ લડાઈ છે એમાં મને સાથ આપો. આપણા ઘરમાંથી, ગામમાંથી ગુટકાને વિદાય આપીએ, કેન્સરને આવતું જ રોકી લઈએ, ગંભીર માંદગીને આવતી રોકી લઈએ. એક-એક એવાં પગલાં લેવાં છે કે જેના કારણે સુખી અને સમૃદ્ધ થવાને આડે આવતા બધા જ પરિબળોને આપણે હટાવી દઈએ.

ભાઈઓ-બહેનો, આ સરકાર નોધારાનો આધાર છે, આ સરકાર ગરીબોની બેલી છે, અને એના જ કારણે ગરીબીમાંથી બહાર લાવવા માટેની આપણી મથામણને સફળતા મળી છે. જન્મથી મરણ સુધી ડગલે ને પગલે આ સરકાર ગરીબોના પડખે રહેતી હોય છે. ભાઈઓ-બહેનો, ગરીબ મા, એના પેટમાં બાળક હોય, સુવાવડ આવવાની હોય તો એની ચિંતા સરકાર કરે છે, એને કુપોષણ ન હોય, એને સુખડી આપવાની હોય, અનાજ આપવાનું હોય, એના પેટની અંદર બાળક હોય ત્યારે એના શરીરની અંદર કોઈ ઊણપ ન રહે, જેથી કરીને ગર્ભનું બાળક તંદુરસ્ત જન્મે એના માટે ખર્ચો સરકાર કરે છે. બાળકના જન્મ પહેલાં પણ માતાની કાળજી લેવાનું કામ આ સરકાર કરે છે. પછી આગળ પ્રસૂતિની વેળા, માતાઓ પ્રસૂતિની અંદર મરતી હતી. કાં બાળક મરે, કાં મા મરે..! અને ખાલી મા મરે કે બાળક મરે એવું નહીં, પેલા જવાનિયાનું તો જીવન રોળાઈ જાય. એ બાવીસ-પચીસ વર્ષની ઉંમરમાં કેટલા બધાં સપના સાથે લગ્ન કર્યાં હોય અને પહેલી જ સુવાવડમાં પત્ની જતી રહે ત્યારે કુટુંબ પર કેવું મોટું આભ ફાટી પડે. ભાઈઓ-બહેનો, આ સરકારે ચિરંજીવી યોજના કરી. ચિરંજીવી યોજના કરીને ગરીબ માતાઓની સુવાવડ, એનો ખર્ચો સરકાર આપે, સારામાં સારા ડૉક્ટરો પાસે જાય એનું બિલ સરકાર ચૂકવે, ત્રણ દિવસ હોસ્પિટલમાં રહે તો એને પૈસા આપવાનું કામ સરકાર કરે. આ બધી ચિંતા સરકારે કરી. એટલું જ નહીં, બાળક જન્મ્યા પછી ઘેર જાય, તો એની સારવાર કરવા માટે ડૉક્ટરો આવે તો ‘બાલ સહાય યોજના’ કરી. ગરીબનું બાળક પણ મરવું ન જોઈએ એની ચિંતા કરી. ભાઈઓ-બહેનો, એક જમાનો હતો કે સુવાવડી મા હોય એને સુવાવડની પીડા ઊપડી હોય, દવાખાને દોડવું પડે એવી સ્થિતિ આવી હોય, જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હોય, કોઈ રિક્ષાવાળોય લઈ ન જાય, પહેલા પૂછે, પૈસા છે..? ગરીબ પાસે પૈસા ના હોય, સરકારની એમ્બ્યુલન્સ આવે નહીં. અરે, બધા ગામવાળાની નજર સામે ગરીબ મા તરફડિયાં ખાઈને મરતી હોય. આજે ૧૦૮ લગાવી નથી કે દોડતી ગાડી આવી નથી. અને ગરીબમાં ગરીબ હોય, ક્યારેય કાણી પાઈ લેતી નથી અને એને દવાખાને લઈ જઈને એની સુવાવડ થાય એની ચિંતા કરે છે અને જો રસ્તામાં સુવાવડ થઈ જાય તો પણ મા અને બાળક બચી જાય એટલી વ્યવસ્થા ગાડીમાં જ રાખી દીધી છે. મારે મારી ગરીબ માને મરવા નથી દેવી, મારે ગરીબના બાળકને મરવા નથી દેવું. એટલું જ નહીં, સુવાવડ પછી પણ એને પૂરતો આહાર મળી રહે, બાળકને આહાર મળી રહે, ધાત્રી માતા હોય, પોતાના સંતાનને દૂધ પિવડાવી શકે એના માટે એના શરીરમાં જે પોષણ જોઇએ એના માટેનો સરકાર ખર્ચો કરે છે અને અરબો રૂપિયા માત્ર આ પ્રસૂતા માતાઓને, નવી બનેલી માને, નવા સંતાનને આહાર માટે કરે છે. એટલું જ નહીં, બાળક નિશાળમાં જાય તો ‘બાલભોગ યોજના’ કરે, બાળક નિશાળે જાય તો ‘દૂધ સંજીવની’ યોજના કરે, આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓને જેને બિચારાને ક્યારેય દૂધ પીવા નહોતું મળ્યું, આ સરકાર દૂધ સંજીવની યોજના દ્વારા એને દૂધ પહોંચાડે છે, આશ્રમ શાળાનાં બાળકોને પહોંચાડે છે અને આજે લાખો બાળકો એનો લાભ લઈ રહ્યાં છે.

ભાઈઓ-બહેનો, પોષણની ચિંતા કરીએ, નિશાળમાં દાખલ કરવા માટે ‘કન્યા કેળવણી’ નું આપણે અભિયાન ઉપાડ્યું. ગરીબનું બાળક ભણે, સો એ સો ટકા દીકરીઓ ભણતી કરવા માટેનું અભિયાન ઉપાડ્યું, કોના માટે..? ગરીબ કન્યાઓ માટે. એમના માટે બૉન્ડ કાઢ્યા, વિદ્યાલક્ષ્મી બૉન્ડ, ગરીબની દીકરી શાળામાં દાખલ થાય એ જ દિવસે એને બે હજાર રૂપિયાનો બૉન્ડ મળી જાય અને જ્યારે સાતમા સુધી ભણીને નીકળે ત્યારે એના હાથમાં કેશ આવી જાય..! અરે, તમે બધા નાના હશો ત્યારે બે હજાર રૂપિયા કોને કહેવાય એ જોયા નહીં હોય, આ સરકાર તમારું બાળક નિશાળમાં પહેલે દહાડે મૂકો એટલે બે હજાર રૂપિયાનો બૉન્ડ આપી દે છે. અને અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ દીકરીઓને ૨૦ કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયાના બૉન્ડ તો આપી દીધા, નાનાં નાનાં ટાબરિયાંઓને, કેમ..? આ સરકાર ડગલે ને પગલે ગરીબોના પડખે રહેવા માંગે છે એના ભાગરૂપે આપે છે. શાળાની અંદર ભણવા જાય, મધ્યાહન ભોજન મફતમાં મળે. શાળામાં ભણવા જાય, યુનિફોર્મ મફતમાં મળે. શાળામાં ભણવા જાય, પુસ્તકો મફતમાં મળે... કોઈ જાતની કમી ન રહે, ગરીબના બાળકની પડખે આ સરકાર ડગલે ને પગલે ઊભી રહે. એટલું જ નહીં, અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓ.બી.સી. આમની શિષ્યવૃત્તિ પણ આપણે ડબલ કરી નાખી અને આજે કરોડો રૂપિયા, લગભગ ૨૫૦-૨૭૫ કરોડ રૂપિયા અનુસૂચિત જનજાતિનાં બાળકોને શિષ્યવૃત્તિ માટે આપણે આપતા હોઈએ છીએ. એ જ રીતે, અનુસૂચિત જાતિનાં બાળકોને, ઓ.બી.સી. નાં બાળકોને આપણે શિષ્યવૃત્તિ માટેના પૈસા આપતા હોઈએ છીએ, જેથી કરીને એ ભણી શકે અને એના માટેનું કામ થાય છે. વિકસતી જાતિના લોકો હોય એમને, લગભગ ૨૭૦ લાખ વિદ્યાર્થીઓને ૨૭૫ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઓ.બી.સી.નાં બાળકોને આપી છે. અનુસૂચિત જાતિનાં લગભગ ૨૧ લાખ બાળકોને ૩૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ આપી છે. બાળકોને ગણવેશ આપીએ, બે જોડી ગણવેશની ત્રણસો રૂપિયાની સહાય આપીએ. અનુસૂચિત જાતિના લગભગ એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને આ રકમ આપણે પહોંચાડતા હોઈએ છીએ અને એમના શિક્ષણ માટેની ચિંતા કરતા હોઈએ છીએ. અનુસૂચિત જનજાતિ હોય, અનુસૂચિત જાતિ હોય, ઓ.બી.સી. હોય, અરબો- ખરબો રૂપિયા એમના યુનિફોર્મ પાછળ ખર્ચીએ છીએ. કારણ, એ બાળક ભણી ગણીને આગળ આવે એના માટેની ચિંતા કરતા હોઈએ છીએ.

ભાઈઓ-બહેનો, બાળકને મધ્યાહન ભોજન મળે. બાળક ભણીને આગળ નીકળે તો એને કૉલેજ જવું હોય તો એનો ખર્ચો સરકાર આપે છે, સારામાં સારી કૉલેજમાં રહેવા માટે હોસ્ટેલ આપે છે. હમણાં તો ગામડાઓમાં જે શિક્ષણ વધ્યું છે એના કારણે શહેરોની સારી કૉલેજો તરફ આવરો વધ્યો છે, મોટી સંખ્યામાં આવે છે. આ વખતે લગભગ ૩૦,૦૦૦ બાળકોને રહેવા માટે હોસ્ટેલો બનાવવાનું નક્કી કર્યું છે. આ બધાં કોણ બાળકો..? ગરીબનાં બાળકો છે. હોસ્ટેલમાં કન્સેશન રેટથી ભણી શકે અને મોટા શહેરોમાં સારામાં સારી કૉલેજોમાં એને રહેવા માટેની વ્યવસ્થા મળે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. ૨૦૦ કરોડ રૂપિયાના માતબર ખર્ચે ૩૦,૦૦૦ બાળકો રહી શકે એવી હોસ્ટેલોનું નિર્માણ કરવાનું કામ આપણે આજે ઉપાડ્યું છે. આનો લાભ ગામડાંના ગરીબ બાળકોને મળવાનો છે જેથી કરીને એમનાં બાળકોને એ લોકો ભણાવી શકે. એટલું જ નહીં, બાળક ભણીગણીને આગળ નીકળે અને એને વિદેશ જવું હોય તો સહાય સરકાર આપે છે. વિદેશ જવા માટે લાખો કરોડો રૂપિયાની સહાય આ સરકાર કરે છે. લગભગ ૨૫૦-૨૭૫ વિદ્યાર્થીઓ ચાહે આદિવાસીના હોય, ચાહે દલિત સમાજના હોય, ચાહે બક્ષી પંચના હોય, આજે સરકારી યોજનાથી વિદેશમાં ભણે છે. વિદેશમાં ભણીગણીને આવશે... એક આંબેડકરજી વિદેશ ગયા, હિંદુસ્તાનની શકલ-સુરત બદલી શક્યા. આ મારા દલિત પરિવારના દીકરાઓ અને દીકરીઓ આજે વિદેશ જશે તો કેટલા બધા આંબેડકરો તૈયાર થશે અને આખા સમાજની કેવી ચેતના બદલી શકશે એનું વાતાવરણ આનાથી પેદા થવાનું છે, એના માટે આ સરકાર પ્રોત્સાહન આપે છે. આપણને પાઇલોટ થવાનું મન થાય, નાના હોઈએ ત્યારે કોઈ પૂછે કે શું થવું છે? તો કહે કે પાઇલોટ થવું છે. આ મારા આદિવાસી બાળકને કે દલિત બાળકને ક્યાંથી નસીબમાં હોય..? આ સરકારે પાઇલોટ બનાવવા માટે યોજના બનાવી અને સો કરતાં વધારે બાળકો વિદેશમાં પાઇલોટનો અભ્યાસ કરવા ગયા. દીકરા-દીકરીઓ પાઇલોટ બને છે, આદિવાસી સમાજમાંથી, દલિત સમાજમાંથી..! આખા જીવનનાં ધોરણો બદલી નંખાય એવાં કામ આપણે ઉપાડ્યાં છે. મારું ગરીબ બાળક ભણે એના માટે કર્યું છે. કેટલાંક બાળકો ન ભણ્યાં, તો આપણે હમણાં ‘એમ્પાવર’ સ્કીમ બનાવી છે. પાંચમું ધોરણ ભણીને ઊઠી ગયા હોય એના માટે આઈ.ટી.આઈ.ચાલુ કરી છે. સ્કિલ ડેવલપમૅન્ટના કાર્યક્રમો ચાલુ કર્યા છે. એને ભગવાને બે હાથ આપ્યા છે, હૈયું આપ્યું છે તો એને અવસર મળવો જોઇએ, એને રોજગાર મળવો જોઇએ એના માટેનું કામ આપણે ઉપાડ્યું છે. દીકરી ન ભણી હોય અને એને આગળ કુટુંબની અંદર સ્વમાનભેર જીવવાનું થાય એના માટે એને જુદા જુદા તાલીમ વર્ગો અપાવીએ છીએ. એને રસોઈનું શિખવાડીએ, એને સીવણનું શિખવાડીએ, એને એમ્બ્રૉઇડરીનું શિખવાડીએ, એને અનેક નાના-મોટાં કામો શિખવાડીએ છીએ. આના કારણે દીકરીઓ પણ સ્વમાનભેર જીવતી થાય એના માટેનું કામ ઉપાડ્યું છે. જીવનના પ્રત્યેક ડગલે આ સરકાર ગરીબોની સાથે રહે છે. વકીલાતનું ભણ્યો હોય, ડૉક્ટરનું ભણ્યો હોય, એ બિચારા ડૉક્ટરી કે વકીલાત ચલાવવાના રૂપિયા ક્યાંથી લાવે? આ સરકાર એને ડૉક્ટરી કે વકીલાતનું ભણવું હોય તો અને ભણ્યા પછી પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે રૂપિયા આપે છે, જેથી કરીને એ પગભેર થાય, ગામડાંમાં દવાખાનું શરૂ કરી શકે, ગામડાંમાં વકીલાત શરૂ કરી શકે અને જ્યાં સુધી રોજીરોટી કમાતો થાય ત્યાં સુધી સરકાર એને મદદ કરે છે, એને પગભેર કરવા માટેનું કામ કરે છે.

કોઇએ પણ આવો વિચાર કર્યો છે, ભાઈઓ..? સહેજ મોટો થાય, વૃદ્ધાવસ્થા આવે તો વૃદ્ધાવસ્થાની અંદર એને પેન્શન આપવાનું કામ સરકાર કરે. કોઈના પર એને ઓશિયાળું ન રહેવું પડે, કોઈના ભરોસે એણે જીવવું ન પડે, આની ચિંતા સરકાર કરતી હોય છે અને એટલું જ નહીં, કોઈ ગરીબ પરિવારનો માનવી, જો એને કોઈ વારસદાર ન હોય, અગ્નિસંસ્કાર કરનારું કોઈ ન હોય તો એની ચિંતા કરવાનું કામ પણ સરકાર કરે છે.

બી.પી.એલ.માં એને સસ્તા ઘઉં, ચોખા, દાળ, ખાંડ, કેરોસીન મળે એની ચિંતા સરકાર કરે છે. એની દીકરી ભણવા જાય તો એને સાઈકલ મળે એની ચિંતા સરકાર કરે છે. જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં ડગલે ને પગલે આ સરકાર આપની પડખે ના હોય. આપની દીકરીને બહાર ભણવા જવું હોય તો બસભાડું મફત, કેમ..? મારે દીકરીઓને ભણાવવી છે, ગરીબ પરિવારની દીકરીઓને ભણાવવી છે. એટલું જ નહીં, દીકરીના હાથ પીળા કરવાના આવ્યા હોય, પૈસા હોય નહીં તો સમૂહ લગ્ન કરાવે, ખર્ચો સરકાર આપે છે. ગરીબ પરિવારની દીકરી એને મામેરું ભરવાનું હોય, પૈસા ન હોય, સરકાર એનું મામેરું ભરી આપે છે. આપે વિચાર કર્યો છે કે કોઈ એવી યોજના છે કે જેની અંદર કોઈ ગરીબ બાળકને ક્યારેય ઓશિયાળું રહેવું પડે..? નહીં રહેવા દઉં. મારા ગરીબ પરિવારના લોકોને ડગલે ને પગલે મદદ કરવી છે, પણ એનાથી વધારે મોટું મારે કામ કરવું છે. આ ટેકણ લાકડીઓથી મારે એમને જીવવા માટે મજબૂર નથી કરવા. ટુકડાઓ ફેંકી ફેંકીને ભૂતકાળની સરકારોએ એમનું શોષણ કર્યું છે એ મારે નથી કરવા દેવું. હું આપનો રક્ષક છું, આપની સાથે ઊભો છું અને આપની પડખે ઊભા રહીને આવા કોઈપણ તત્વો આપના લૂંટારા બનીને આવતા હશે તો એનાથી તમને રોકવા માટેનું મારું કામ છે. ભાઈઓ-બહેનો, સમાજ શક્તિશાળી બને, ગરીબી સામે લડવાની તાકાતવાળો બને. સાચા અર્થમાં સરકારની જે મદદ મળે છે, એ મદદમાંથી આપણી કુટુંબની ભાવિ પેઢી તૈયાર થાય. આ મકાન આપને મળે છે, એ મકાનનો હેતુ એ છે કે આપના બાળકોની જીંદગી સુધારવા માટે એક જગ્યા ઊભી થાય. આ વખતે તો કાચાં ઘરને પણ પાકાં ઘરમાં પરિવર્તિત કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો છે. એમાં હજારો કરોડો રૂપિયાનો બોજ આવવાનો છે, એ બોજને પણ આપણે ઊઠાવવા માટે તૈયાર છીએ. જો ગરીબોનું કલ્યાણ થશે... અને ગુજરાતનો વિકાસ જે રીતે થયો છે એના કારણે આ શક્ય બન્યું છે. નહીં તો આપણા ત્યાં પહેલાં પગાર ચૂકવવા માટે બજેટ વપરાતાં હતાં. આ બધી સરકારો આવીને ગઈ, એમની પાસે કુલ રૂપિયા હોય એ બધા સાહેબોના પગારમાં જ જતા હતા. પહેલીવાર સરકારની તિજોરીના પૈસા ગરીબના ઘરે જઈ રહ્યા છે. પહેલીવાર સરકારની તિજોરીમાંથી ગરીબને એના હકનું મળે છે. પહેલીવાર વિધવાબહેનની ચિંતા સરકાર કરે છે. વિધવા પેન્શન મળે, આંગણવાડીની વ્યવસ્થાઓ થાય, વિધવાઓને શિક્ષણ મળે... કોઈ વર્ગ એવો નથી, ગરીબ સમાજનો કોઈ વર્ગ એવો નથી કે જેના કલ્યાણ માટે કોઈ આપણે યોજના ન કરતા હોઈએ, અને એના સુખની ચિંતા ન કરતા હોઈએ. અરે, સરકારનું અડધા કરતાં વધારે બજેટ માત્રને માત્ર ગરીબોના કલ્યાણની જુદી જુદી યોજનાઓ માટે વપરાય છે. ગામડાઓનું ભલું કર્યું હોય તો ગરીબોનું ભલું કરવા માટે કર્યું છે.

હમણાં દુષ્કાળના દિવસો આવ્યા છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઉપર કુદરત રૂઠી છે, હજુ પણ વરસાદનો અવસર છે અને આપણા ઢોર ઢાંખરને બચાવે, આપણા ખેડૂતોને બચાવે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. પરંતુ સરકાર એકપણ ઢોરને મરવા દેવા નથી માંગતી. સરકાર કોઈપણ ગરીબને દુ:ખી રહેવા દેવા નથી માગતી. ‘નરેગા’ નું કામ મોટા પાયા પર ચલાવ્યું છે, કોઈને પણ રોજગાર જોઇતો હશે તો રોજગાર ન મળે એવો દિવસ નહીં ઊગવા દઉં. અને આપણે ચેકડેમને ઊંડા કરવા છે, ખેત તલાવડીઓ ઊંડી કરવી છે, તળાવો ઊંડા કરવાં છે, અને મારે તો લોકોને કહેવું છે તમારે માટી ખોદીને ખેતરોમાં લઈ જવી હોય તો લઈ જ જાવ. દુષ્કાળ આવ્યો છે એને પણ અવસરમાં પલટી નાખવો છે. આપણાં બધાં પાણીનાં સંગ્રહાલયો જેટલાં છે, આ બધાંને ફરી એકવાર જીવતાં-જાગતા કરી દેવાં છે. એટલું જ નહીં, આપણી જે કેનાલો છે, ગરીબ પરિવારના લોકો કેનાલની બાજુમાં જો ઘાસ ઉગાડવા માટે તૈયાર થાય, તો એ જમીનો એમને ઘાસ ઉગાડવા માટે આપવી. અને એ ઘાસ સરકાર ખરીદશે. ગરીબને પૈસા પણ મળશે, પશુઓને ઘાસચારો પણ મળશે. એના માટેનું કામ આપણે ઊપાડ્યું છે. અરે, ગરીબોના કલ્યાણને માટે, આફતને પણ અવસરમાં પલટીને ગરીબોની ભલાઈ માટે કરી શકાય એ આપણે કામ કર્યું છે. ઢોરવાડા ચલાવશે તો એની રકમમાં પણ વધારો કરી દીધો છે. જેથી કરીને ઢોરને તકલીફ ન પડે અને ઢોરવાડા ચલાવાવાળી સંસ્થાઓને પણ તકલીફ ન પડે, જીવદયાનું મોટું કામ થાય એના માટે મેં મથામણ ઊપાડી છે. ભાઈઓ-બહેનો, એ વાત સાચી છે કે ગયો આખો દસકો આપણે અછત જોઈ નથી, તકલીફ જોઈ નથી. પહેલીવાર કુદરતે કસોટી કરી છે એટલે તકલીફ થાય એ બહુ સ્વાભાવિક છે. કારણકે આપણી ટેવ જતી રહી હતી, નહીંતો પહેલાં તો આપણે દસ વર્ષમાં સાત વર્ષ તો પાણી વગર કાઢતા હતા. અઠવાડિયામાં એકવાર પાણી આવે એવા દિવસો આપણે જોયા છે. પણ હવે સારા દિવસો આવ્યા છે ત્યારે સહેજ પણ તકલીફ થાય તો આપણને તકલીફ વધારે અનુભવાય એ હું જાણું છું અને હું આપની તકલીફને સમજું છું. આ સરકાર પલાંઠી વાળીને બેસવાની નથી, આખું વહીવટીતંત્ર દોડવાનું છે, દુષ્કાળની અંદર બધાની મદદ કરવા માટે દોડવાનું છે, પશુઓના કલ્યાણને માટે દોડવાનું છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબી સામેની લડાઈને આપણે જરાય ઓછી ઊતરવા નથી દેવી, પાછી પડવા નથી દેવી એજ મક્કમતા અને નિર્ધાર સાથે આપણે આગળ વધતા રહેવું છે.

ભાઈઓ-બહેનો, અનેકવિધ કામો છે જેનો લાભ ચાલી રહ્યો છે. હમણાં વણથંભી વિકાસયાત્રાઓ ચાલી રહી છે. આપ વિચાર કરો, વણથંભી વિકાસયાત્રા, કેવો અદભુત કાર્યક્રમ ચાલી રહ્યો છે. હજારો કરોડ રૂપિયાના વિકાસનાં કામો, એનું લોકાર્પણ ચાલી રહ્યું છે. એની સાથે સાથે ગરીબ પરિવારનાં બાળકોએ જે એમ્પાવર દ્વારા કોમ્પ્યૂટર શીખવાનું કામ શરૂ કર્યું, હજારોની સંખ્યામાં આવાં બાળકો તૈયાર થયાં છે, એમને સર્ટિફિકેટ આપવાનું કામ ચાલે છે. એનાથી વધારે એક કામ ચાલ્યું છે એનો મને આનંદ છે. એ કામ ચાલી રહ્યું છે ગુજરાતની પંચાયતી રાજ્ય વ્યવસ્થામાં સ્વર્ણિમ જંયતી આપણે ઊજવી રહ્યા છીએ. અને સ્વર્ણિમ જંયતી ઊજવવાનો પણ આપણો રસ્તો કયો છે? ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ રસ્તે આપણે કરી રહ્યા છીએ. અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ રસ્તો શા માટે? તમે વિચાર કરો કે ચાલીસ વર્ષ સુધી કૉંગ્રેસનું એકચક્રી અહીંયાં રાજ રહ્યું છે. પંચાયતો હોય કે ગમે તે, આ બધે જ કૉંગ્રેસના જ લોકો ચૂંટાતા હતા, બીજી કોઈ પાર્ટીનો નંબર જ નહોતો લાગતો. અમે તો હતા જ નહીં, અમારી તો પાર્ટીનો જન્મ પણ નહોતો થયો. અમે નક્કી કર્યું કે ભૂતકાળમાં જેમણે જેમણે પંચાયતની સેવા કરી છે, કોઈ તાલુકા પંચાયતમાં બેઠા હશે, કોઈ જિલ્લા પંચાયતમાં બેઠા હશે, કોઈ સરપંચમાં બેઠા હશે. અને આજે જે ગુજરાત છે એમાં એમનું પણ કોઈને કોઈ યોગદાન છે જ, એ યોગદાનને આપણે અનુમોદન આપવું જોઇએ, એ યોગદાનની જાહેર સ્વીકૃતિ કરવી જોઇએ અને એમાંથી એક પવિત્ર વિચાર આવ્યો કે આ બધા જ વડીલોનું સન્માન કરીએ. રાજ્ય સરકારે આ બધાનું સન્માન કર્યું, એવી હિંદુસ્તાનમાં પહેલીવાર ઘટના બની છે કે કોઈ ભૂતપૂર્વ સરપંચનું સન્માન થતું હોય, કોઈ ભૂતપૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખનું સન્માન થતું હોય, કોઈ ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન થતું હોય, અને અમારા કાર્યકર્તાઓ મને કહે છે, અમારા બધા મંત્રીઓ કહે કે છે કે નેવું નેવું વર્ષની ઉંમરના વડીલો આવે છે કે જેમણે કોઈવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સેવા બજાવી હોય અને વીસ વર્ષ, પચીસ વર્ષ, ત્રીસ વર્ષે કોઈએ એમને યાદ કર્યા હોય, એમની આંખમાં પાણી આવી જાય છે. ભાઈઓ-બહેનો, સમાજ માટે જે લોકો જીવ્યા છે, એના પક્ષો ગમે તે હોય, ગમે તે પાર્ટીના હોય પણ સમાજ માટે કામ કર્યું હોય એવા સૌના માટે આદર હોવો જોઇએ એવી ઉચ્ચ ભાવનાથી અમે આ કામ કરી રહ્યા છીએ. અને એટલા જ માટે એક લાખ કરતાં વધારે આવા જનપ્રતિનિધિઓનું સન્માન કરવાનું ગૌરવ અમને પ્રાપ્ત થયું છે. એમનો પક્ષ ગમે તે હશે પણ અમારે મન એક સરકાર તરીકે આ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ મંત્ર લઈને ચાલી રહ્યા છીએ ત્યારે એમનું સન્માન કરવાનું અમારે માટે ગૌરવની બાબત છે અને અમારા મંત્રીઓ ત્યાં જાતે જઈને શાલ ઓઢાડીને, પ્રમાણપત્ર આપીને આ બધા જ વડીલોનું સન્માન કરે છે. મને અમારા મંત્રીઓએ થોડીક જગ્યાનાં આવા બધાનાં ભાષણો મોકલ્યાં. આ વડીલોના જે ઉદગારો છે, આશીર્વાદ જેવા ઉદગારો છે. આવા ઉદગારો એ પણ મારા માટે એક મોટી મૂડી છે. એ વડીલોના આશીર્વાદ પણ આવનારા દિવસોમાં અમારી શક્તિમાં ઉમેરો કરશે એવો મને પૂરો વિશ્વાસ છે.

પક્ષાપક્ષીથી પર રહીને માત્ર અને માત્ર ગુજરાતનું કલ્યાણ, માત્ર અને માત્ર ગુજરાતનો વિકાસ, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ મંત્ર લઈને આપણે બધા ચાલીએ, અને આપણા ગુજરાતને ગુટકા મુક્ત બનાવીએ. કેન્સરની બિમારી આપણા ઘરમાં આવતી રોકીએ, આપણા કુટુંબમાં આવતી રોકીએ, આપણા ગામમાં આવતી રોકીએ, અને એના માટેનું એક સામાજિક કામ આપણે લીધું છે. ૫ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર, ગામોગામ ગુટકાની વિદાયનું અભિયાન ચાલશે. આ ગુટકા વિદાય અભિયાન ચાલશે તો ૧૧ સપ્ટેમ્બરે જ્યારે કાયદો અમલમાં આવશે ત્યારે ક્યાંય કોઈને તકલીફ નહીં પડે અને સહજ રીતે કાયદો લાગુ થઈ જશે અને અનેક નવજુવાનિયાઓની જીંદગી બચી જશે. ગરીબ પરિવારોનું ભલું પણ વ્યસનથી મુક્તિમાં જ છે, ગરીબ પરિવારોનું ભલું પણ શિક્ષણથી છે, ગરીબ પરિવારનું કલ્યાણ પણ એને રોજીરોટી કમાવા માટેનો અવસર મળે એમાં છે, ગરીબ પરિવારોનું ભલું પણ એને રહેવા માટે ઘર મળે એમાં છે. એને ઓટલો પણ મળે, એને રોટલો પણ મળે, એના જવાનિયાને અવસર પણ મળે, એમની બહેન-દીકરીઓને ઇજ્જત પણ મળે એવા ભાવથી આ સરકાર કામ કરી રહી છે. આટલી મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં મારી બહેનો પણ આવી છે. મને વિશ્વાસ છે કે આ બહેનોનો મને જે સાથ સહકાર છે ને એના કારણે ગુટકા પણ જશે, ગરીબી પણ જશે. આ કામને આપણે સાથ સહકાર આપીએ, ફરી એકવાર આ ગરીબ કલ્યાણ મેળાની અંદર આપ સૌને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગરીબી સામેની લડાઈમાં આવાસ યોજનાનું જે અમે અભિયાન ઊપાડ્યું છે, ખૂબ સરસ મકાન બનાવીએ, ખૂબ સુખેથી રહીએ અને આવનારી પેઢી માટે અવસર પેદા કરીએ એ જ આપ સૌની પાસે અપેક્ષા છે.

જય જય ગરવી ગુજરાત...!! જય જય ગરવી ગુજરાત...!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Commendable performance of India’s marine exports amid uncertain times

Media Coverage

Commendable performance of India’s marine exports amid uncertain times
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 29, 2026
This transformative infrastructure project will boost connectivity and drive progress across Uttar Pradesh: PM
Just as Maa Ganga has been the lifeline of UP and this country for thousands of years, similarly, in this era of modern progress, this expressway passing near her, will become the new lifeline of UP's development: PM
Recently, I had the opportunity to dedicate the Delhi-Dehradun Expressway to the nation.
I had then remarked that these emerging expressways are the lifelines shaping the destiny of a developing India, and these modern pathways are today heralding India's bright future: PM
Ganga Expressway will not only connect one end of UP to the other, it will also bring limitless possibilities of the NCR closer: PM

ભારત માતાની જય.

ગંગા મૈયાની જય.

ગંગા મૈયાની જય.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશજી પાઠક, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી જીતિન પ્રસાદજી, પંકજ ચૌધરીજી, યુપી સરકારના મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ અન્ય જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલા ભાઈઓ અને બહેનો.

સૌ પ્રથમ, હું ભગવાન નરસિંહની આ પુણ્ય ભૂમિને પ્રણામ કરું છું. અહીંથી થોડા કિલોમીટરના અંતરે માં ગંગા કૃપા વરસાવતી વહે છે. તેથી, આ આખો વિસ્તાર કોઈ તીર્થથી ઓછો નથી. અને હું માનું છું કે યુપીને એક્સપ્રેસવેનું આ વરદાન મળ્યું છે, તે પણ માં ગંગાના જ આશીર્વાદ છે. હવે તમે થોડા જ કલાકોમાં સંગમ પણ પહોંચી શકો છો, અને કાશીમાં બાબાના દર્શન કરીને પણ પાછા આવી શકો છો.

 

સાથીઓ,

જેમ માં ગંગા હજારો વર્ષોથી યુપીની અને આ દેશની જીવનરેખા રહી છે, તેવી જ રીતે આધુનિક પ્રગતિના આ યુગમાં, તેમની નજીકથી પસાર થતો આ એક્સપ્રેસવે, યુપીના વિકાસની નવી લાઇફ લાઇન બનશે. એ પણ એક અદભૂત સંયોગ છે કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં હું માં ગંગાના સાનિધ્યમાં જ રહ્યો છું. 24 એપ્રિલે જ્યારે હું બંગાળમાં હતો, ત્યારે મેં માં ગંગાના દર્શન કર્યા હતા, અને પછી ગઈકાલે તો હું કાશીમાં હતો. આજે સવારે જ ફરી બાબા વિશ્વનાથ, માં અન્નપૂર્ણા અને માં ગંગાના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અને હવે માં ગંગાના નામે બનેલા આ એક્સપ્રેસવેના લોકાર્પણનો અવસર મળ્યો છે. મને ખુશી છે કે યુપી સરકારે આ એક્સપ્રેસવેનું નામ માં ગંગાના નામ પર રાખ્યું છે. આમાં વિકાસનું અમારું વિઝન પણ દેખાય છે, અને આપણી વિરાસતના પણ દર્શન થાય છે. હું યુપીના કરોડો લોકોને ગંગા એક્સપ્રેસવેના અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

આજે લોકશાહીના ઉત્સવનો પણ એક મહત્વનો દિવસ છે. બંગાળમાં આ સમયે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, અને જે સમાચાર આવી રહ્યા છે, તેનાથી ખબર પડે છે કે બંગાળમાં ભારે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની જેમ જ જનતા મત આપવા માટે મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર નીકળી રહી છે, લાંબી લાંબી કતારોની તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી છે. છેલ્લા 6-7 દાયકામાં જે નહોતું થયું, જેની કલ્પના પણ મુશ્કેલ હતી, તેવા નિર્ભય વાતાવરણમાં બંગાળમાં આ વખતે મતદાન થઈ રહ્યું છે. લોકો ભય મુક્ત થઈને મત આપી રહ્યા છે. આ દેશના બંધારણ અને દેશની મજબૂત થઈ રહેલી લોકશાહીનું પુણ્ય પ્રતિક છે. હું બંગાળની મહાન જનતાનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ પોતાના અધિકાર પ્રત્યે આટલા સજાગ છે, મોટી સંખ્યામાં વોટિંગ કરી રહ્યા છે. હજુ વોટિંગ પૂરું થવામાં કેટલાય કલાકો બાકી છે, હું બંગાળની જનતાને આગ્રહ કરીશ કે લોકશાહીના આ પર્વમાં આવા જ ઉત્સાહથી ભાગ લે.

સાથીઓ,

થોડા સમય પહેલા જ્યારે બિહારમાં ચૂંટણી થઈ, ત્યારે ભાજપ NDAએ પ્રચંડ જીત નોંધાવી હતી, એક ઇતિહાસ રચી દીધો હતો. હમણાં જ ગઈકાલે ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, નગર પંચાયતો, તાલુકા પંચાયત, આ તમામના ચૂંટણીના પરિણામો આવ્યા છે. અને મારા ઉત્તર પ્રદેશના વાસીઓને જાણીને ખુશી થશે કે, 80 થી 85 ટકા નગરપાલિકા અને પંચાયતો ભાજપે જીતી લીધી છે. અને મને વિશ્વાસ છે કે આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપ ઐતિહાસિક જીતની હેટ્રિક લગાવવા જઈ રહી છે. 4 મેના પરિણામો, વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરશે, દેશના વિકાસની ગતિને નવી ઊર્જાથી ભરશે.

 

સાથીઓ,

દેશના ઝડપી વિકાસ માટે આપણે ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ કરવાનું છે. ડિસેમ્બર 2021 માં ગંગા એક્સપ્રેસવેનોં શિલાન્યાસ કરવા હું શાહજહાંપુર આવ્યો હતો. હજુ 5 વર્ષથી પણ ઓછો સમય થયો છે, અને તમે જુઓ, દેશના સૌથી મોટા એક્સપ્રેસવેમાં સામેલ યુપીનો સૌથી લાંબો ગ્રીન કોરિડોર એક્સપ્રેસવે, આ 5 વર્ષની અંદર જ બનીને તૈયાર થઈ ગયો છે. આજે હરદોઈથી તેનું લોકાર્પણ પણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, એક તરફ ગંગા એક્સપ્રેસવેનું નિર્માણ પૂરું થયું છે, તો સાથે જ તેના વિસ્તરણની યોજના પર કામ પણ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં ગંગા એક્સપ્રેસવે મેરઠથી આગળ વધીને હરિદ્વાર સુધી પહોંચશે. તેના વધુ સારા ઉપયોગ માટે ફર્રુખાબાદ લિંક એક્સપ્રેસવેનું નિર્માણ કરી તેને અન્ય એક્સપ્રેસવે સાથે પણ જોડવામાં આવશે. આ છે ડબલ એન્જિન સરકારનું વિઝન! આ છે ભાજપ સરકારના કામ કરવાની ઝડપ! આ છે ભાજપ સરકારના કામ કરવાની રીત!

ભાઈઓ-બહેનો,

થોડા દિવસ પહેલા મને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેના લોકાર્પણનો અવસર મળ્યો હતો. ત્યારે મેં કહ્યું હતું કે આ નવા બનતા એક્સપ્રેસવે, વિકસિત થતા ભારતની હસ્તરેખાઓ છે અને આ આધુનિક હસ્તરેખાઓ આજે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો જયઘોષ કરી રહી છે.

સાથીઓ,

હવે એ સમય જતો રહ્યો જ્યારે એક રસ્તા માટે દાયકાઓ સુધી રાહ જોવી પડતી હતી! એકવાર જાહેરાત થઈ ગઈ, તો વર્ષો સુધી ફાઈલો ચાલતી હતી! ચૂંટણી માટે પથ્થર લાગી જતો હતો, ત્યારબાદ સરકારો આવતી-જતી રહેતી હતી, પરંતુ કામનું કંઈ નામનિશાન નહોતું મળતું. ક્યારેક તો જૂની ફાઈલો શોધવા માટે મોટા મોટા અફસરોને બબ્બે વર્ષ સુધી મહેનત કરવી પડતી હતી. ડબલ એન્જિન સરકારમાં શિલાન્યાસ પણ થાય છે અને નક્કી કરેલા સમયમાં લોકાર્પણ પણ થઈને જ રહે છે. એટલા માટે જ, આજે યુપીના એક્સપ્રેસવે કરતા પણ વધારે રફ્તાર જો ક્યાંય હોય, તો તે યુપીના વિકાસની રફ્તાર જ છે.

 

સાથીઓ,

આ એક્સપ્રેસવે માત્ર એક હાઈ-સ્પીડ રોડ નથી. આ નવી સંભાવનાઓનો, નવા સપનાઓનો, નવા અવસરોનો ગેટવે છે. ગંગા એક્સપ્રેસવે આશરે 600 કિલોમીટર લાંબો છે. પશ્ચિમ યુપીમાં મેરઠ, બુલંદશહેર, હાપુડ, અમરોહા, સંભલ અને બદાઉન. મધ્ય યુપીમાં શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી. પૂર્વી યુપીમાં પ્રતાપગઢ અને પ્રયાગરાજ, તેની આસપાસના બીજા જિલ્લાઓ, ગંગા એક્સપ્રેસવેથી આ વિસ્તારોના કરોડો લોકોનું જીવન બદલાશે.

સાથીઓ,

આ વિસ્તારોને ગંગા જી અને તેમની સહાયક નદીઓની ફળદ્રુપ જમીનનું વરદાન મળ્યું છે. પરંતુ, પહેલાની સરકારોએ જે રીતે ખેડૂતોની ઉપેક્ષા કરી, તેના કારણે ખેડૂતો મુશ્કેલીઓમાં જ ઘેરાઈને રહી ગયા! અહીંના ખેડૂતોના પાક મોટા બજારો સુધી પહોંચી શકતા નહોતા. કોલ્ડ સ્ટોરેજની અછત હતી. લોજિસ્ટિક્સનો અભાવ હતો. ખેડૂતોને તેમની મહેનતનું સાચું મૂલ્ય મળતું નહોતું. હવે તે મુશ્કેલીઓનું સમાધાન પણ ઝડપથી થશે. ગંગા એક્સપ્રેસવેથી ઓછા સમયમાં મોટા બજારો સુધી પહોંચ મળશે. અહીં ખેતી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. તેનાથી આપણા ખેડૂતોની આવક વધશે.

સાથીઓ,

ગંગા એક્સપ્રેસવે યુપીના એક છેડાને બીજા છેડા સાથે તો જોડે જ છે. તે NCRની અસીમ સંભાવનાઓને પણ નજીક લાવશે. ગંગા એક્સપ્રેસવે પર ગાડીઓ તો દોડશે જ, તેની આસપાસ નવા ઔદ્યોગિક અવસરો વિકસિત થશે. આ માટે હરદોઈ જેવા બીજા જિલ્લાઓમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર વિકસિત કરવામાં આવી રહ્યા છે. તેનાથી હરદોઈ, શાહજહાંપુર, ઉન્નાવ સહિત તમામ 12 જનપદોમાં નવા ઉદ્યોગો આવશે. અલગ-અલગ સેક્ટર્સ જેવા કે ફાર્મા, ટેક્સટાઇલ વગેરેના ક્લસ્ટર્સ વિકસિત થશે. યુવાનો માટે રોજગારના નવા અવસરો પણ તૈયાર થશે.

 

સાથીઓ,

આપણા આ યુવાનો મુદ્રા યોજના અને ODOP જેવી યોજનાઓ, તેની તાકાતથી પોતે પણ નવા નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે. અહીં નાના ઉદ્યોગો, MSMEs ને પ્રોત્સાહન મળી રહ્યું છે. વધુ સારી કનેક્ટિવિટીની સુવિધાથી તેમના માટે પણ નવા રસ્તાઓ ખુલશે. મેરઠની સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી, સંભલની હસ્તકલા, બુલંદશહેરનું સિરામિક, હરદોઈનું હેન્ડલૂમ, ઉન્નાવનું લેધર, પ્રતાપગઢના આમળાની પ્રોડક્ટ્સ, આ બધું મોટા સ્તરે દેશ-દુનિયાના માર્કેટમાં પહોંચશે. લાખો પરિવારોની તેનાથી આવક વધશે. તમે મને જણાવો, શું જૂની સપા સરકારમાં હરદોઈ, ઉન્નાવ જેવા જિલ્લાઓમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાની કલ્પના પણ થઈ શકતી હતી શું? આપણા હરદોઈથી પણ એક્સપ્રેસવે પસાર થશે, તેવું કોઈ ક્યારેય વિચારી શકતું હતું શું? આ કામ માત્ર ભાજપ સરકારમાં જ સંભવ છે.

સાથીઓ,

પહેલા યુપીને પછાત અને બીમારુ પ્રદેશ કહેવામાં આવતું હતું. તે જ ઉત્તર પ્રદેશ આજે 1 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા માટે આગળ વધી રહ્યો છે. આ એક બહુ મોટું લક્ષ્ય છે. પરંતુ, તેની પાછળ એટલી જ મોટી તૈયારી પણ છે. કારણ કે, યુપી પાસે આટલી અસીમ ક્ષમતા છે. દેશની આટલી મોટી યુવા વસ્તીની ક્ષમતા યુપી પાસે છે. આ તાકાતનો ઉપયોગ અમે યુપીને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કરી રહ્યા છીએ. યુપીમાં નવા ઉદ્યોગો અને કારખાનાઓ લાગશે, અહીં જ્યારે મોટા પ્રમાણમાં રોકાણ આવશે, ત્યારે જ અહીં આર્થિક પ્રગતિના દરવાજા ખુલશે, યુવાનો માટે રોજગારના અવસરો પેદા થશે.

ભાઈઓ-બહેનો,

આ જ વિઝનને કેન્દ્રમાં રાખીને વિતેલા વર્ષોમાં સતત કામ થયું છે. તમે બધા પોતે પણ અનુભવી રહ્યા છો, જે યુપીની ઓળખ પહેલા પલાયનથી થતી હતી, આજે તેને ઇન્વેસ્ટર્સ સમિટ અને ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર માટે ઓળખવામાં આવે છે. યુપીની ઇન્વેસ્ટર સમિટમાં દેશ અને દુનિયાથી કંપનીઓ આવે છે. યુપીમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. આજે જો ભારત દુનિયામાં બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક છે તો, તેમાં બહુ મોટું યોગદાન યુપીનું છે. આજે ભારત જેટલા મોબાઈલ બનાવી રહ્યું છે, તેમાં અડધા મોબાઈલ આપણા યુપીમાં બની રહ્યા છે. હમણાં થોડા અઠવાડિયા પહેલા જ મેં નોઈડામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો છે.

 

સાથીઓ,

તમે બધા જાણો છો, AIના આ યુગમાં સેમિકન્ડક્ટર કેટલી મોટી ફિલ્ડ બનતી જઈ રહી છે. યુપી તેમાં પણ લીડ લેવા માટે આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં અસીમ અવસરો વાળો બહુ મોટો વિસ્તાર યુપીના લોકો માટે ખુલી રહ્યો છે.

સાથીઓ,

ઉત્તર પ્રદેશનો ઔદ્યોગિક વિકાસ આજે ભારતની સામરિક તાકાત પણ બની રહ્યો છે. આજે દેશના બે ડિફેન્સ કોરિડોર્સમાંથી એક યુપીમાં છે. મોટી મોટી ડિફેન્સ કંપનીઓ અહીં પોતાની ફેક્ટરી લગાવી રહી છે. બ્રહ્મોસ જેવી મિસાઈલો, જેની તાકત દુનિયા માને છે, આજે તે યુપીમાં બની રહી છે. રક્ષા ઉપકરણોના નિર્માણમાં જે નાના નાના પાર્ટ્સ જોઈએ છે, તેની સપ્લાય માટે MSMEsને કામ મળે છે. તેનો બહુ મોટો લાભ ઉત્તર પ્રદેશના MSME સેક્ટરને થઈ રહ્યો છે. નાના નાના જિલ્લાઓમાં પણ હવે યુવાનો મોટા મોટા ઉદ્યોગો સાથે જોડાવાનું સપનું જોઈ શકે છે.

સાથીઓ,

આજે ઉત્તર પ્રદેશ આટલી ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યો છે, કારણ કે યુપીએ જૂની સિયાસતને પણ બદલી છે અને નવી ઓળખ પણ બનાવી છે. તમે યાદ કરો, એક સમયે યુપીની ઓળખ ખાડાઓથી થતી હતી. આજે તે જ યુપી દેશમાં સૌથી વધારે એક્સપ્રેસવે વાળો પ્રદેશ બની ચૂક્યો છે. પહેલા અહીં પાડોશના જિલ્લા સુધી જવું પણ બહુ મુશ્કેલ હતું. પરંતુ આજે ઉત્તર પ્રદેશમાં 21 એરપોર્ટ છે, 5 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. હવે તો નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ થઈ ચૂક્યું છે. ગંગા એક્સપ્રેસવેથી નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ થોડા જ કલાકોના અંતરે છે.

ભાઈઓ-બહેનો,

આપણું ઉત્તર પ્રદેશ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની ધરતી છે. પરંતુ, પાછલી સરકારોએ પોતાની કરતૂતોના કારણે અપરાધ અને જંગલરાજને યુપીની ઓળખ બનાવી દીધી હતી. યુપીના માફિયાઓ પર ફિલ્મો બનતી હતી. પરંતુ હવે યુપીના કાયદા અને વ્યવસ્થાનું દેશભરમાં ઉદાહરણ આપવામાં આવે છે.

 

ભાઈઓ બહેનો,

સંસાધનોની મનમાની પૂર્વકની વહેંચણી કરનારા જે સપાઈઓના હાથમાંથી સત્તા ગઈ છે, તેમને યુપીની આ પ્રગતિ પસંદ નથી આવી રહી. તેઓ ફરી એકવાર યુપીને જૂના સમયમાં ધકેલવા માંગે છે. તેઓ ફરી એકવાર સમાજને વહેંચવા અને તોડવા માંગે છે.

સાથીઓ,

સમાજવાદી પાર્ટી વિકાસ વિરોધી પણ છે અને નારી વિરોધી પણ છે. હમણાં વિતેલા દિવસોમાં દેશે ફરી એકવાર સપા અને કોંગ્રેસ જેવી પાર્ટીઓનો અસલી ચહેરો જોયો છે. કેન્દ્રની NDA સરકાર સંસદમાં નારીશક્તિ વંદન સંશોધન લઈને આવી હતી. જો આ સંશોધન પાસ થઈ ગયું હોત, તો વર્ષ 2029ની ચૂંટણીથી જ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં અનામત મળત! મોટી સંખ્યામાં અમારી માતાઓ-બહેનો સાંસદ-ધારાસભ્ય બનીને દિલ્હી-લખનૌ પહોંચતી. તે પણ કોઈ અન્ય વર્ગની બેઠકો ઓછી કર્યા વગર! પરંતુ, સપાએ આ સંશોધન બિલની વિરુદ્ધમાં વોટ આપ્યો.

સાથીઓ,

આ બિલથી તમામ રાજ્યોની બેઠકો પણ વધતી. અમે સંસદમાં સાફ સાફ કહ્યું હતું કે તમામ રાજ્યોની બેઠકો એક જ ગુણોત્તરમાં વધશે. પરંતુ યુપીને ગાળ આપીને પોલિટિક્સ કરનારી DMK જેવી પાર્ટીઓ, તેમને આ વાત પર વાંધો હતો કે યુપીની બેઠકો કેમ વધશે? તમે જુઓ, સમાજવાદી પાર્ટી સંસદમાં તેમના જ સૂર પુરાવી રહી હતી. આ સપા વાળા અહીંથી તમારા વોટ લઈને સંસદમાં જાય છે, અને સંસદમાં યુપીના લોકોને ગાળો આપનારાઓની સાથે ઊભા રહે છે. એટલા માટે જ યુપીના લોકો કહે છે કે સમાજવાદી પાર્ટી ક્યારેય સુધરી શકે નહીં. આ લોકો હંમેશા મહિલા વિરોધી રાજનીતિ જ કરશે. આ લોકો હંમેશા તુષ્ટિકરણ અને અપરાધીઓની સાથે ઊભા રહેશે. સપા ક્યારેય પરિવારવાદ અને જાતિવાદથી ઉપર ઉઠી શકતી નથી. આ લોકો હંમેશા વિકાસ વિરોધી રાજનીતિ જ કરશે. યુપીએ સપા અને તેના સહયોગીઓથી સાવધ રહેવાનું છે.

 

સાથીઓ,

આજે દેશ એક જ સંકલ્પ લઈને આગળ વધી રહ્યો છે- વિકસિત ભારતનો સંકલ્પ! આ સંકલ્પને પૂરો કરવામાં ઉત્તર પ્રદેશની બહુ મોટી ભૂમિકા છે. તમે બધા જોઈ રહ્યા છો, આજે આખી દુનિયા કેવી રીતે યુદ્ધ, અશાંતિ અને અસ્થિરતામાં ફસાયેલી છે. દુનિયાના મોટા મોટા દેશોમાં હાલત ખરાબ છે. પરંતુ, ભારત વિકાસના રસ્તે તે જ ગતિથી આગળ વધી રહ્યો છે. બહારના દુશ્મનોને આ પસંદ નથી આવી રહ્યું. અંદર બેઠેલા કેટલાક લોકો પણ સત્તાની ભૂખમાં ભારતને નીચું દેખાડવાના પ્રયાસોમાં લાગેલા છે. છતાં પણ, આપણે ન માત્ર સુરક્ષિત છીએ, પરંતુ વિકાસના નવા નવા કીર્તિમાન પણ સ્થાપી રહ્યા છીએ. આપણે આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારી રહ્યા છીએ. આપણે આધુનિકમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છીએ. ગંગા એક્સપ્રેસવે આ દિશામાં એક વધુ મજબૂત કદમ છે. મને વિશ્વાસ છે કે ગંગા એક્સપ્રેસવે જે સંભાવનાઓને આપણા દરવાજા સુધી લઈને આવશે, યુપીના લોકો પોતાના પરિશ્રમ અને પોતાની પ્રતિભાથી તેમને સાકાર કરીને જ રહેશે. આ જ સંકલ્પ સાથે, આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ!

ભારત માતાની જય.

ભારત માતાની જય.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

ખૂબ ખૂબ ધન્યવાદ!