અમદાવાદઃ શનિવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરામાં ભારતના સર્વપ્રથમ અને એકમાત્ર એવા આધુનિકતમ ચિલ્ડ્રન હોમ - બાલ ગોકુલમ્નું ઉદ્ધાટન કરતા એવી હૃદયસ્પર્શી અપીલ કરી હતી કે, જે પરિવારના માતા-પિતાને શેર માટીની ખોટની પીડા આવે છે તેવા મા-બાપ અનાથ-નિરાધાર બાળકને દત્તક લે અને તરછોડાયેલા બાળકની સંભાળની સંરક્ષકરૂપે જવાબદારી ઉપાડે તેવું વાતાવરણ સર્જીએ. બાળવિકાસ ક્ષેત્રે આ સક્ષમ પ્રોજેકટ હાથ ધરવા તેમણે જિલ્લાતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
ગુજરાતના સ્વર્ણિમ જયંતી અભિયાનના સ્વર્ણિમ સંકલ્પરૂપે વડોદરા જિલ્લા કલેકટર શ્રી વિજય નહેરાના નેતૃત્વમાં જિલ્લા બાળ સંરક્ષણ મંડળે આ બાલ ગોકુલમ પ્રોજેકટ સાકાર કર્યો છે. વડોદરાના ભૂતડીઝાંપા વિસ્તારમાં ૬૦ વર્ષ જૂના જર્જરિત એવા બાળ રિમાન્ડ હોમના મકાનનું રૂા.ર.પ કરોડના ખર્ચે નવનિર્માણ હાથ ધરીને સમાજના તરછોડાયેલા, ઉપેક્ષિત, અનાથ, નિરાધાર અને કાયદાની સાથે સંધર્ષ કરનારા બાળકોના સામાજિક ઉત્થાન, સંભાળ અને સંરક્ષણ માટે બાલ ગોકુલમ્ સ્વરૂપે બાળ રિમાન્ડ હોમનો આધુતિકતમ કાયાકલ્પ કરવામાં આવ્યો છે.
બાળ ગોકુલમ્-ચિલ્ડ્રન હોમનું નિર્માણ સંપૂર્ણપણે લોકભાગીદારીથી રૂા.ત્રણ કરોડનું ભંડોળ મેળવીને સંપન્ન થયું છે અને ૧૦૦ જેટલા બાળકોના મનોવૈજ્ઞાનિક સંભાળ, શિક્ષણ, નિવાસ, ભોજનની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ચિલ્ડ્રન હોમ માટે વડોદરા જિલ્લા વહીવટીતંત્રએ સામાજિક સંવેદના ઉજાગર કરીને સમાજના દાયિત્વ થકી બાળ વિકાસના ક્ષેત્રે નવતર આયામ સાકાર કર્યો છે.
બાલ ગોકુલમ્માં આશ્રય લઇ રહેલા ૪૩ બાળકોની સાથે બાળસહજ ગોષ્ઠિ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી અને નિર્માણ કાર્યમાં સહયોગી સખાવતીઓનું અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ બાલ ગોકુલમ્નો આ નવતર પ્રયોગ ચિલ્ડ્રન હોમ માટે મોડેલ બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યું કે, જે હેતુથી આ યોજના આકાર પામી છે તે હૃદયસ્પર્શી સંવેદનાની અનુભૂતિ કરાવે છે અને ભવિષ્યમાં સમાજની ભાવનાને ઉજાગર કરનારું વટવૃક્ષ બનશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, પરિવાર, માતા-પિતા અને સમાજના પ્રેમ, હૂંફથી વંચિત એવા બાળકો માટેની સંભાળ અને પુનર્વસનની આ સંવેદનાનું ચિન્તન ગુજરાત સરકારના નેકસ્ટ જનરેશન ડેવલપમેન્ટના વિઝન સાથે આગળ વધ્યું છે. વિકાસના પરંપરાગત ખ્યાલથી અતિક્રમીને સમાજની કાયમી સમસ્યાઓના ઉકેલ માટેનું આ ચિન્તન દેશને દિશા આપી રહયું છે. પાણીની સમસ્યાને સર્વાંગીરૂપે હલ કરવાના જળવ્યવસ્થાપન હોય કે વીજળીની તંગીમાં વાળુ કરતી વખતે વીજળી નહોતી મળતી તે સમસ્યામાંથી જયોતિગ્રામ અને તેના પરિણામે ઇ-ગ્રામ બ્રોડબેન્ડ કનેકિટવિટીથી ગામડા ધબકતા થયાં છે. ઉઘોગોમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આજે SEZ અને તે પછી SIR સુધી ઔઘોગિક ક્ષેત્ર ધબકતું થયું છે, જે આધુનિક નવા ઉઘોગોને માટે ગુજરાતને વિશ્વ સમક્ષ મૂકે છે.
સામાજિક સેવા ક્ષેત્રે પણ ગુજરાત વિકાસનું નેકસ્ટ જનરેશન ડેવલપમેન્ટ ઊભું કરવા પ્રતિબદ્ધ છે અને ચિલ્ડ્રન હોમમાંથી બાલ ગોકુલમ્નો પ્રોજેકટ સંપન્ન થયો છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાજયના અન્ય વિસ્તારોમાં પણ જનભાગીદારીથી બાલ ગોકુલમ્ બને તે માટેનો અનુરોધ તેમણે કર્યો હતો. સમાજથી ઉપેક્ષિત તરછોડાયેલા બાળકના સપનાં પૂરાં કરવાની સમાજની અંતરઊર્જા જાગૃત કરવાની આ સાચી દિશા છે એમ તેમણે જણાવ્યું હતું.
બાલ ગોકુલમ્ના બાળકોને સંગીત-શિક્ષણના માધ્યમથી તથા યોગ-જિમ્નેશિયમની પ્રશિક્ષાથી સંસ્કાર સિંચિત કરવાની અપીલ પણ તેમણે કરી હતી. બાળકોમાં અભાવની પીડા નહીં પણ આત્મવિશ્વાસ છલકે એવું દૃષ્ટાંત પૂરું પાડવા તેમણે અભિલાષા વ્યકત કરી હતી.
આ પ્રસંગે ગુજરાતના મહેસૂલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ૧૯૪૯માં અહીંના ધનંજય બંગલામાં શરૂ થયેલા બાળ સંરક્ષણ ગૃહનો અનેક બાળકોએ લાભ લીધો છે. તેમ જણાવતા સંસ્થાના જર્જરિત મકાનની લીઝ મંજૂરી બાબતની વિગતો જિલ્લા વહિવટી તંત્ર તરફથી મેળવતાં તેમાંથી આ બાળ ગોકુલમ્નો ઉદ્ભવ થયો છે અને જનભાગીદારીથી રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાસજ્જ મકાનની સવલત ઉપલબ્ધ બનાવાઇ છે, ત્યારે આ સંસ્થામાં બાળકોની શક્તિ, કૌશલ્યનો સર્વાંગી વિકાસ થશે. આ બાળકો સામાન્ય બાળકોની જેમ શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાળકોને આમસમાજની હૂંફ મળે અને દિવાળી, રક્ષાબંધનના તહેવારો કે ધરમાં થતી જન્મ દિવસની ઉજવણી વખતે તેમને યાદ કરીને સામાજિક ઋણ અદાયગી માટે તેમણે આહવાન કર્યું હતું.
નીરોગી બાળ વર્ષના સંકલ્પના રૂપમાં આ સાઇઠ વર્ષ જૂની બાળ કલ્યાણની સંસ્થાનો કાયાકલ્પ લોક સહયોગથી શક્ય બન્યો તેનો હર્ષ વ્યક્ત કરતા વડોદરા જિલ્લા બાળ સંરક્ષણ મંડળના અધ્યક્ષ અને કલેકટરશ્રી વિજય નેહરાએ આ સંસ્થાએ છ દાયકાના કાર્યકાળમાં ૧૨૦૦૦ અસહાય બાળકોને છત્ર પૂરું પાડયું છે. તેમણે સહુને આવકારતા જણાવ્યું હતું કે, બાળ ગોકુલમ્ સમાજ વિકાસના કામોમાં જોડાવા સમાજના સજ્જનોને પ્રેરિત કરશે.
સંસદીય સચિવશ્રી યોગેશ પટેલ, સાંસદ-મેયરશ્રી બાળકૃષ્ણ શુકલ, સાંસદશ્રી રામસિંહભાઇ રાઠવા, પૂર્વ સાંસદ જયાબેન, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ, ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, વુડાના અધ્યક્ષશ્રી નારણભાઇ પટેલ, ગેઇલ, ઓએનજીસી, સૂર્યા પેલેસ, કેમરોક સહિતના દાતા ઉઘોગોના પ્રતિનિધિઓ અને સખાવતીઓ, વડોદરા જિલ્લા બાળ સંરક્ષણ મંડળના ટ્રસ્ટીઓ, મહાનગર સેવા સદનના પદાધિકારીઓ અને નગર સેવકો, મ્યુનિસિપલ કમિશનર મનોજકુમાર દાસ, પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાના, એસએસપીએના વહિવટી સંચાલક શ્રી એમ.એસ.ડાગુર સહિત ઉચ્ચાધિકારીઓ અને નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.


