શેર
 
Comments 2 Comments

ગાંધીનગર, તા. 23/8/2013

સર્વે મહાનુભાવો,

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી પધારેલ શિક્ષણ સાથે જોડાયેલ સર્વે મિત્રો, અને આ જ કાર્યક્રમની સાથે અત્યારે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં આવો જ કાર્યક્રમ ચાલી રહ્યો છે, મંત્રીમંડળના સૌ મારા સાથીઓ એ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત છે અને ટેક્નોલૉજીની મદદથી વીડિયો કૉન્ફરન્સ દ્વારા રાજ્યના બધા જ જિલ્લામાં અત્યારે સૌ મિત્રો મારી વાત સાંભળી રહ્યા છે અને તેથી જિલ્લાને ખૂણે-ખૂણે બેઠેલા તમામને પણ હું આ સમારંભમાં યાદ કરું છું, મંત્રીમંડળના મારા સૌ સાથીઓને યાદ કરું છું..!

મિત્રો, દેશ ભ્રષ્ટાચારથી તંગ આવી ગયો છે, ચારેય તરફ ભ્રષ્ટાચારના ભલભલાને હલાવી દે એવા સમાચારો રોજબરોજની ઘટના બની ગઈ છે અને લોકોના મનમાં પ્રશ્ન ઊઠે છે કે શું ભ્રષ્ટાચારને નાથી શકાશે..? અને આજે જ્યારે હું શિક્ષક મિત્રોની ભરતીના કાર્યક્રમમાં આવ્યો છું ત્યારે આપણને બધાને ખબર છે મિત્રો, હિંદુસ્તાનમાં સામાન્ય બાબત છે કે આ નોકરી લેવી હોય એટલે આ ભાવ, આ નોકરી લેવી હોય એટલે આ ભાવ, બદલી કરવી હોય તો આ ભાવ... એનું બજાર ચાલે છે..! મિત્રો, હું ખૂબ હિંમત સાથે કહું છું કે આજે રાજ્યમાં 8800 શિક્ષકોની ભરતીનો નિર્ણય થઈ રહ્યો છે અને ક્યાંયથી એકપણ ફરિયાદ કાણી પાઈના ભ્રષ્ટાચારની આવી નથી..! આજે પણ અહીંયાં જે બેઠા છે એમને પણ હું કહું છું કે ક્યાંય કોઈને કાંઈ પણ કરવું પડ્યું હોય તો વિના સંકોચે આ વાત મારા સુધી પહોંચાડજો. મિત્રો, આ હિંમત મારામાં એટલા માટે છે કે જો એક વાર નિર્ણય કરીએ તો આ રોગચાળાથી આ દેશને મુક્ત કરી શકાય છે એનું આ જીવતું-જાગતું ઉદાહરણ મારી સામે બેઠું છે. પારદર્શક પદ્ધતિથી સરકારી નોકરીમાં ભરતી શક્ય છે, કાણી પાઈની લેતીદેતી વગર, પૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીઓ પણ થઈ શકે છે. અને મને સુખ છે મિત્રો, મારે કોઈ સગાવહાલાંની ચિંતા કરવાની નથી..! આ છ કરોડ ગુજરાતીઓ જ મારો પરિવાર છે એટલે તમારો બધ્ધો લાભ એ મારા પરિવારને જ છે..!

આપણે શિક્ષણને અગ્રતાક્રમ આપીએ છીએ. ચીનમાં એક કહેવત છે કે જો તમે એક વર્ષનો વિચાર કરતા હો તો અનાજ વાવો, દસ વર્ષનો વિચાર કરતા હો તો ફળફળાદિનાં ઝાડ વાવો, પણ જો પેઢીઓનો વિચાર કરતા હો તો મનુષ્ય વાવો..! શિક્ષણ એ મનુષ્યની વાવણી માટેનું મહાઅભિયાન છે..! ઉત્તમ મનુષ્યના નિર્માણ માટેનું, ઉત્તમ નાગરિકના નિર્માણ માટેનું એક મહાઅભિયાન એટલે શિક્ષણ..! જે શિક્ષક તરીકે જવાબદારી લે છે તે એક આખી પેઢીનું સર્જન કરતો હોય છે..! એના હાથ નીચેથી એક પેઢી તૈયાર થતી હોય છે. આ રાષ્ટ્રનું ભવિષ્ય કેવું હશે એ આ પેઢીઓના શિક્ષણ અને સંસ્કાર પર નિર્ભર કરતું હોય છે અને એમના શિક્ષણ અને સંસ્કાર શિક્ષણને સમર્પિત સૌના ઉપર નિર્ભર કરતું હોય છે. અને એવા એક પવિત્ર કામમાં આજે આપ જોડાઈ રહ્યા છો, હું આપનું સ્વાગત કરું છું, આપને અનેક-અનેક શુભકામનાઓ પાઠવું છું..!

Shri Narendra Modi Hands Over Employment Letters to Vidya Sahayaks

2001 માં જ્યારે મેં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે સામાન્ય ચર્ચા એવી હતી કે આ ભાઈને કાંઈ અનુભવ તો છે નહીં, મ્યુનિસિપાલિટીના મેમ્બર પણ નથી રહ્યા, કોઈ ગામમાં પંચાયતના સરપંચ પણ નથી રહ્યા, આ ભાઈ કરશે શું..? અને એ બધાની વાત સાચી હતી કે મારી પાસે સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. સરકાર શું કહેવાય, વહીવટી તંત્ર શું કહેવાય એની મને કોઈ ગતાગમ નહોતી. પણ મિત્રો, આજે ગુજરાત ગૌરવભેર કહી શકે છે કે સારી સરકાર કોને કહેવાય..! અને એનું મૂળ કારણ છે મારી ભીતર જીવતો વિદ્યાર્થી..! આજે પણ મારી અંદર એક વિદ્યાર્થી જેવો તરવરાટ છે, એક વિદ્યાર્થી જેવી જિજ્ઞાસા છે, એક વિદ્યાર્થી જેવી આતુરતા છે..! અને જેની ભીતર વિદ્યાર્થી જીવતો હોય એની વિકાસ યાત્રા અતૂટ રહેતી હોય છે, અખંડ રહેતી હોય છે..! અને મિત્રો, શિક્ષક તો જ સાચો શિક્ષક બની શકે જેની ભીતર વિદ્યાર્થીનો આત્મા વાસ કરતો હોય. જે પળે એ એમ માને કે હવે હું વિદ્યાર્થી મટી ગયો, હવે હું શિક્ષક થઈ ગયો તો સમજવાનું કે એ વિદ્યાર્થી તો મટ્યો જ છે, પણ શિક્ષક પણ મરી પરવાર્યો છે..! સાચા, સારા શિક્ષકની ગેરંટી એ જ છે કે એની ભીતર વિદ્યાર્થી ભાવનો વાસ છે કે નહીં, એના અંતરમનની અંદર વિદ્યાર્થી જીવે છે કે નહીં..! એ જિજ્ઞાસા, એ તરવરાટ, એ ઉમંગ, એ ઉત્સાહ, આખું ભાવજગત જે એક વિદ્યાર્થીની આસપાસ વીંટળાયેલું હોય છે એ ભાવજગત એની ભીતર જીવતું હોય..! અને મિત્રો, વિદ્યાર્થીનો ભાવ ભીતર જીવે છે એનો અર્થ એ થયો કે આપણી સામે બેઠેલો વિદ્યાર્થી પણ આપણો શિક્ષક હોઈ શકે છે..! એની પણ એકાદ વાત એવી હોઈ શકે કે આપણે શીખવા જેવી હોય..! એનું એક આચરણ પણ આપણા માટે શિક્ષક તરીકેનું કામ કરી જતું હોય..! અને જ્યારે સર્વદૂરથી જ્ઞાનપ્રાપ્તિ, માહિતીની પ્રાપ્તિ, અનુભવની પ્રાપ્તિ, આ બધો ક્રમ ચાલુ રહે તો ઉત્તમ શિક્ષક બનવાની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરતી હોય છે. પી.ટી.સી. કરી લીધું, બી.ઍડ. કરી લીધું, એમ.ઍડ. કરી લીધું એટલે જીવનનો પૂર્ણવિરામ નથી આવતો, ત્યાંથી તો એક આપણને સેન્સ ઑફ રિસ્પૉન્સિબિલિટીનો ભાવ જાગે છે. હું બી.ઍડ. કરું, એમ.ઍડ. કરું એ કાંઈ અંતિમ નથી, પૂર્ણતા નથી. એ મને સેન્સ ઑફ રિસ્પૉન્સિબિલિટી, એક શિક્ષક તરીકેની મારી જવાબદારીઓનું મને ભાન કરાવે છે અને એ માત્ર બીજારોપણ થાય છે, એના આધારે મારી ભીતર ઉત્તમ શિક્ષકનું વટવૃક્ષ ઉગાડવાની જવાબદારી મારી હોય છે. નિત્ય અભ્યાસ દ્વારા મારે ખાતર-પાણી નાખવા પડતાં હોય છે અને તો જ ઉત્તમ શિક્ષક બની શકાતું હોય છે..!

મેં એવા શિક્ષકો જોયા છે કે એમના પિતાજી શિક્ષક હોય, એ પણ શિક્ષક હોય અને ભણાવવા આવે ત્યારે પિતાજીના જમાનાની નોટ લેતા આવે..! કારણકે સિલેબસ એ જ ચાલતું હોય..! કોઈ વિદ્યાર્થી ક્યારેય એ શિક્ષકને સ્વીકારી શકતો જ નથી. પણ જે શિક્ષક પ્રાણવાન હોય છે, એની હાજરી માત્રથી ચૈતન્ય ઊભું થાય છે, એની મોજૂદગી જ માહોલને બદલી નાખે છે તો એ શિક્ષક અસરકારક હોય છે, પ્રભાવક હોય છે અને પ્રેરક પણ હોય છે..! મિત્રો, ઘણીવાર ઈશ્વરે શરીર સૌષ્ઠવ આપ્યું હોય તો પ્રભાવ તો પેદા કરી શકાય, મા-બાપ પાસે પૈસા સારા હોય, કપડાં સરસ પહેરીને પણ પ્રભાવ તો પેદા કરી શકાય. પણ પ્રભાવ પેદા થાય એટલે પ્રેરક બની શકાય એવું નથી હોતું..! પ્રેરક તો જ બનાય જ્યારે જીવનની ભીતરથી કોઈ સાદ બીજાને સંભળાતો હોય, કોઈ મૂલ્ય કોઈ અનુભવતું હોય, એને શબ્દોની આવશ્યકતા ન હોય, અશબ્દ હોય..! અને આ જો મનની અવસ્થા હોય તો આપણે આ કામને પાર પાડી શકતા હોઈએ છીએ..!

2001 માં મેં જ્યારે કામની યાત્રા શરૂ કરી, ત્યારે શરૂઆતમાં જ્યારે મેં સરકારના અધિકારીઓને પૂછ્યું કે શું હાલ છે અને એમાંય કન્યા કેળવણી વિશે જ્યારે મેં જાણ્યું ત્યારે મને આઘાત લાગ્યો કે આપણા આ ગુજરાતમાં કન્યા કેળવણીની આ દશા..? અને ત્યારથી આપણે એક અભિયાન ઉપાડ્યું કે સરકારી પ્રાથમિક શાળાનું માહાત્મ્ય વધે. હવે તો આઠમા ધોરણ સુધી પણ સરકારી શાળા બની ગઈ છે, ગ્રાન્ટવાળી માધ્યમિક શાળાઓ છે અને સરકારી શાળાઓ પણ છે. સમાજમાં એક હવા બની ગઈ છે કે સરકારી એટલે બધું નકામું..! સરકારી હોસ્પિટલ, ના જવાય, ખાનગીમાં જવું, વધારે પૈસા થાય તોય જવું... સરકારી બસમાં ના જવાય, જીપમાં પાંત્રીસ ભર્યા હોય તોય જવાનું... આ ભાવ બની ગયો છે..! મિત્રો, એમાંથી વિશ્વાસ કેવી રીતે પેદા થાય..! અને હું એના માટેનું ઉત્તમ ઉદાહરણ છું, મિત્રો..! આ નરેન્દ્ર મોદી નામનું વ્યક્તિત્વ જે તમારી સામે ઊભું છે ને એ સરકારી શાળાની પ્રોડક્ટ છે..! તમારા જેવા જ સરકારી શાળાના શિક્ષકોએ જ મને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો..! એનો અર્થ એ થયો મિત્રો, કે આ સામર્થ્ય પડ્યું છે. આજે પણ, હું ત્રણ-ચાર વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક કાર્યક્રમમાં ગયો હતો. કૉર્પોરેશનની શાળા અને 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓમાં એક સરકારી મ્યુનિસિપલ કૉર્પોરેશનની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી નંબર લઈ આવ્યો હતો..! એનો અર્થ કે ત્યાં આવનારા વિદ્યાર્થીઓમાં પણ તેજ અને ઓજ હોય છે, માત્ર મૂર્તિકારની જરૂરત હોય છે, ઘડવૈયાની જરૂર હોય છે, મિત્રો..! અને એક શિક્ષક તરીકે હું જ્યારે વિદ્યાર્થીને ઘડું છું ત્યારે સમાજને ઘડું છું, સમાજને ઘડું છું ત્યારે રાષ્ટ્રનું ઘડતર કરતો હોઉં છું, આ જો મનનો ભાવ હોય તો કામનો આનંદ પણ અનેરો હોય છે..!

મિત્રો, ગુજરાતમાં બાળકો શાળાએ ભણવા જાય એના માટે આપણે આહલેક જગાવી. સોએ સો ટકા શાળામાં ભરતી કેમ ન થાય..? આપણને સફળતા મળી..! પણ ભરતી થઈ એટલે આપણા ધ્યાનમાં આવ્યું કે શિક્ષકો ખૂટે છે. જૂની સરકારોને તો સહેલું હતું કે વિદ્યાર્થીઓ જ નિશાળમાં નહોતા આવતા એટલે શિક્ષકોની ચિંતા જ નહોતી..! આપણે વિદ્યાર્થીઓ લાવ્યા, તો પછી શિક્ષકો પણ લાવવા પડ્યા..! મિત્રો, લાખોની સંખ્યામાં શિક્ષકોની ભરતી કરી. વિદ્યાર્થીઓ આવ્યા, શિક્ષકો આવ્યા તો ધ્યાનમાં આવ્યું કે ઓરડાઓ જોઈએ..! હજારોની સંખ્યામાં ઓરડાઓ બનાવ્યા..! સરેરાશ ગુજરાતમાં 32,000 શાળાઓ અને મને લાગે છે કે 74,000 કરતાં વધારે નવા ઓરડાઓ બનાવ્યા..! કારણ, નીચેથી જ સંખ્યા વધવા માંડી..! પછી ધ્યાનમાં આવ્યું કે સાતમા પછી છોકરાંઓ ઊઠી જાય છે, તો આઠમું ચાલુ કરો, ભાઈ..! પછી ધ્યાનમાં આવ્યું કે પડોશના ગામમાં ભણવા જાય છે તો સાઇકલ આપો, બહેનોને બસના મફત પાસ આપી દો..! ભણાવો, આ અભિયાન ચલાવ્યું..! પછી થયું કે શાળાને જરા આધુનિક કરવી જોઈએ, તો દરેક શાળાને વીજળી મળે એની ચિંતા કરી, કોમ્પ્યૂટર મળે એની ચિંતા કરી, બ્રૉડબેન્ડ કનેક્ટિવિટી મળે એની ચિંતા કરી..! શાળા આધુનિક બને એના માટે લૉન્ગ ડિસ્ટન્સ ઍજ્યુકેશન માટેની કોશિશ કરી..! ઉત્તમ કાર્યક્રમો, ઉત્તમ શિક્ષકો દ્વારા જુદી-જુદી શાળામાં કોમ્પ્યૂટર પર ભણી શકે એના માટેની તજવીજ આદરી. એક પછી એક સુધારા, એક પછી એક માળખાકીય સુવિધાઓમાં વધારાનો આખો ક્રમ ચાલ્યો. પછી ધ્યાનમાં આવ્યું કે પ્રિન્સિપાલની અલગ કૅડર હોય તો સારું, નહીંતો એ શિક્ષકનો ઘણોબધો ટાઇમ કાગળિયાંમાંથી જ ઊંચો નથી આવતો ને બાળકોને નુકસાન થાય છે, લગભગ એ ક્લાસના વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. આચાર્યની અલગ કૅડર કરી, એની અલગ ભરતી કરવા માંડ્યા, પ્રમોશનથી પણ કેટલાક લોકોને લેવા માંડ્યા..! સમગ્રતયા પાયાના શિક્ષણને વ્યવસ્થાની દ્રષ્ટીએ, માળખાંકીય સુવિધાઓની દ્રષ્ટીએ, મૅનપાવરની દ્રષ્ટીએ, ટેક્નોલૉજીની દ્રષ્ટીથી, બજેટની દ્રષ્ટીથી, બધી જ રીતે સજ્જ કરવા માટેનું એક અભિયાન ઉપાડ્યું..! અને આપણે જોયું મિત્રો, કે 2001 થી જે બાળકોને શાળાએ દાખલ કરવા માંડ્યા અને જે જોર લગાવ્યું, તેના કારણે હવે સ્થિતિ એ થઈ છે કે આમાનાં મોટાભાગના એ દસમું-બારમું ધોરણ પાસ કર્યું, હવે એને ગામ છોડીને બીજે ભણવા જવું છે. તો એમાં આગળનું સ્ટેજ શું આવ્યું કે ગુજરાતભરમાં હજારો વિદ્યાર્થીઓ ભણવા માટે રહી શકે એવી હોસ્ટેલ બનાવો..! અને આપણે હજારો વિદ્યાર્થીઓની હોસ્ટેલો બનાવવા માટે ગયા બજેટમાં 200 કરોડ રૂપિયાનું માતબર બજેટ ખર્ચ્યું..! કેમ..? આ જે પાયામાંથી બાળકોને શાળાએ લાવવાની મથામણ આદરી છે એનું શિક્ષણ છૂટવું ના જોઈએ, જેને ભણવું છે એના માટે અવકાશ મળવો જોઈએ..! અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ..! બાળકો ઉપર જવા માંડ્યા એટલે એમને વધારે સારું શિક્ષણ જોઈએ..! એક જમાનો હતો 2001 માં કે આ રાજ્યમાં 11 યુનિવર્સિટીઓ હતી, આજે 46 યુનિવર્સિટી છે..! 1960 માં ગુજરાતનો જન્મ થયો, 1960 થી 2001, 40 વર્ષમાં 11 યુનિવર્સિટી, આજે દસ વર્ષમાં 46 યુનિવર્સિટી..! આને વિકાસ કહેવાય..? તમને ખબર પડે છે, બીજાને નથી પડતી..!

મિત્રો, શિક્ષણની પાછળ એટલું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું છે આપણે, એટલા બધા અવનવા પ્રયોગો આદર્યા છે અને આપણી મથામણ છે કે ગુજરાતનું પાયાનું શિક્ષણ ઉત્તમ શિક્ષણ તરફ જાય..! અને આ બધી જ વ્યવસ્થાઓ કરી પછી આપણે જોયું કે ભાઈ, શિક્ષક છે, વિદ્યાર્થી છે, ક્લાસ રૂમ છે, કોમ્પ્યૂટર છે, વીજળી છે, પંખા છે, પાણી છે, પુસ્તકો છે, બધું જ છે... પણ બાળકની સ્થિતિ શું છે એ તો તપાસ કરો..! મૂળ પાયો ક્યાં છે..? અને એના માટે આપણે શરૂ કર્યો, ‘ગુણોત્સવ’..! મુખ્યમંત્રી સહિત બધાજ લોકો ત્રણ દિવસ શાળાએ જાય, એકેએક બાળકને પૂછે કે ભાઈ, તને વાંચતાં આવડે છે, લખતાં આવડે છે, ગણિત આવડે છે, સ્પેલિંગ આવડે છે..? અને હિંદુસ્તાનમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં સરકારી પ્રાથમિક શાળાનું ગ્રેડેશન થયું છે..! આ દેશમાં બિઝનેસ સ્કૂલનાં ગ્રેડેશન થાય છે, ‘એ’ ગ્રેડ, ‘બી’ ગ્રેડ, ‘સી’ ગ્રેડની બિઝનેસ સ્કૂલ. આ દેશમાં એન્જિનિયરિંગ કૉલેજનાં ગ્રેડેશન થાય છે, મેડિકલ કૉલેજનાં ગ્રેડેશન થાય છે, આઈ.આઈ.ટી. નાં ગ્રેડેશન થાય છે, આઈ.આઈ.એમ. નાં ગ્રેડેશન થાય છે. પણ આ રાજ્ય એવું છે કે જેણે પ્રાથમિક શાળાઓનું ગ્રેડેશન કર્યું અને કલેક્ટર સહિતના બધા જ લોકોને ઇન્વૉલ્વ કર્યા કે તમારા જિલ્લામાં ‘એ’ ગ્રેડની શાળાઓ કેટલી, ‘બી’ ગ્રેડની કેટલી, ‘સી’ ગ્રેડની કેટલી, ‘ડી’ ગ્રેડની કેટલી, ‘ઈ’ અને ‘એફ’ સુધી ગયા..! અને નક્કી કરાવ્યું કે હવે, ‘સી’ માંથી ‘બી’ માં કેવી રીતે આવશો, બોલો..? ‘બી’ માંથી ‘એ’ ગેડમાં કેવી રીતે લાવશો તમારી શાળાને..? એમાં કેટલીક શાળાઓનો ડી.એન.એ. જ એવો હતો કે નબળાઈ જાય જ નહીં..! તો એવા શિક્ષકોને શોધીને એમની સ્પેશ્યલ ટ્રેનિંગ કરાવી. કયાંક લાગ્યું કે થોડું મિક્સ-અપ કરો, બે અહીંથી ઉઠાવો, બે સારા લાવો, બે અહીં લઈ જાવ, પણ ગોઠવો કાંઈક..! મિત્રો, આટલી બારીક મથામણ એટલા માટે કરી છે કે ગુજરાતની આવતીકાલ ઘડવી છે..! મિત્રો, આ ગુજરાતને વિશ્વની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવું છે અને એના પાયામાં પ્રાથમિક શાળાનું શિક્ષણ છે. શહેર હોય કે ગામડું, જંગલ હોય, આદિવાસી વિસ્તાર હોય કે મછવારાઓનો સમુદ્ર કિનારો હોય, બધે જ ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ મળે એના માટેની મથામણ આદરી છે..!

મિત્રો, જીવનમાં શિક્ષક બનવું એ સૌભાગ્ય છે..! કેટલાક લોકોને એમ થતું હશે કે નાના હતા અને ઘરે મહેમાન આવે તો મમ્મી-પપ્પા અમને ભાઈ-બહેનને ઊભા કરી દે અને મહેમાનને ઓળખાણ કરાવે, ત્યારે તો હજુ પાંચમા ધોરણમાં આવ્યા ના હોઈએ, અને કહે કે આને ડૉક્ટર બનાવવાનો છે અને આને એંજિનિયર બનાવવાનો છે..! મગજમાં ભર્યું હોય, અહીંયાં બેઠેલા લગભગ બધાના મગજમાં હશે કે ડૉક્ટર બનવાની મા-બાપની ઇચ્છા હતી, એંજિનિયર બનવાની મા-બાપની ઇચ્છા હતી, હવે બની ગયા શિક્ષક..! એટલે ઘણો સમય તો તમારે એમાં જ જશે કે સાલું, રહી ગયું, ડૉક્ટર ના થયો..! જવા દો ને યાર, એ વર્ષે પેપર એટલાં ભારે આવ્યાં’તાં ને... પરીક્ષક એવા હતા ને... એટલે બહાનાં તો એટલાં બધાં જડી જાય કે પૂછો નહીં..! મિત્રો, જે થયું છે તે, હવે તમારે નક્કી જ કરવું પડે, ગઈકાલ ભૂલીને આજે જ્યાં ઊભા છો ત્યાંથી ભવ્ય સપનાં કેમ જોવાં, ભવ્ય ઇમારત કેમ બનાવવી, એની શરૂઆત કરવી જોઈએ..! નહીંતો તમે જો એ બોજ લઈને ચાલો કે મારે તો આમ બનવું હતું, તેમ બનવું હતું, હશે ત્યારે જેવાં નસીબ...! તો ઘડિયાળ જોવે કે કેટલા વાગે પહોંચવાનું છે ને પછી પૂછે કે કેટલા વાગ્યા..! મિત્રો, આપણે નક્કી કરવું પડે કે આપણે કરવું છે શું..? મિત્રો, શાળાનો ઘંટ વાગે ત્યારે ઊર્જા મળે છે કે માનસિક રીતે તનાવ થાય છે એનો નિર્ણય કરવો પડે..! શાળાનો ઘંટ વાગતાંની સાથે જ આમ વાતાવરણની અંદર જાણે પંખીઓના માળા જેવું જો વાતાવરણ બની જતું હોય તો મિત્રો, એ ઘંટારવ જીવનનો નવો નાદ બનતો હોય છે..! પણ જો એ જ બોજ લાગે કે આ અત્યારે ક્યાં... તો પતી ગયું, સાહેબ..! અને જેને સાંજનો છેલ્લો ઘંટ વાગે એનો આનંદ આવતો હોય તો સમજવાનું કે એ શિક્ષક બનવાનો બાકી છે..! એને એમ થવું જોઈએ કે અરે, હજુ તો મારું ભણાવવાનું બાકી છે ને ઘંટ વાગી ગયો..? મિત્રો, આ મનની અવસ્થાના માપદંડ છે બધા..! મિત્રો, મારા વિદ્યાર્થીના મનમાં એમ થવું જોઈએ કે રવિવારની રજા આવે એટલે વિદ્યાર્થી દુ:ખી હોય કે આવતીકાલે રજા છે, મારે નથી આવવાનું, તમે નહીં મળો..? તો સમજજો મિત્રો, કે તમે સાચ અર્થમાં એના ગાર્ડિયન બન્યા છો. પણ જો શનિવારે નિશાળ છૂટવાની હોય ને વિદ્યાર્થીને થાય કે હાશ, હવે સોમવારે આવવાનું..! તો સમજજો મિત્રો, એ શાળાનું મકાન નહીં, એ મુખ્યમંત્રી નહીં, એ બજેટ નહીં, એ શિક્ષણ વિભાગ નહીં, એના માટે કોઈ જવાબદાર હોય તો એ શિક્ષક છે..! જો ઉમંગથી બાળકો આવે છે તો એનો યશ મુખ્યમંત્રીને નથી જતો, એનો યશ સરકારના બજેટને નથી જતો, એનો યશ એ શિક્ષકને જાય છે જેણે પોતાનો જીવ બાળકમાં રેડ્યો છે..! જો આ ભાવથી શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવીશું તો મિત્રો, મને વિશ્વાસ છે કે આવતીકાલના ગુજરાત માટેનાં જે સપનાં સજાવ્યાં છે એ સપનાંને પૂર્ણ કરવા માટેનું સામર્થ્યવાન માનવબળ આપના દ્વારા નિર્માણ થશે, એક અર્થમાં આપ ગુજરાતના સાચા ઘડવૈયા બનશો એવી મારી આપ સૌને શુભકામનાઓ છે..!

ગુજરાતના બધાજ ખૂણાઓમાં જે મિત્રો બેઠા છે, દરેક જિલ્લાઓમાં બેઠા છે અને આજે જેમને આ નોકરી માટેના પત્રો મળવાના છે એ સૌ મિત્રોને મારે ખૂબ-ખૂબ શુભકામનાઓ છે અને મને ભરોસો છે કે એ બધાજ આ રાજ્યના ઘડતર માટે પોતાનાથી બનતો બધોજ પ્રયત્ન કરી છૂટશે, એવી શુભકામનાઓ સાથે,

જય જય ગરવી ગુજરાત..!

Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India's FY22 GDP expected to grow by 8.7%: MOFSL

Media Coverage

India's FY22 GDP expected to grow by 8.7%: MOFSL
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
કોવિડ-19 અગ્રહરોળના કાર્યકરો માટેના કસ્ટમાઈઝ ક્રેશ કોર્સ પ્રોગ્રામના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 18, 2021
શેર
 
Comments
આ પહેલ હેઠળ 2-3 મહિનામાં એક લાખ યુવાઓને તાલીમ અપાશે: પ્રધાનમંત્રી
26 રાજ્યોમાં 111 કેન્દ્રો પરથી 6 કસ્ટમાઈઝ્ડ કોર્સીસ શરૂ કરવામાં આવ્યા
વાયરસ હાજર છે અને ગુણવિકાર-મ્યુટેશનની શક્યતા રહેલી છે, આપણે સજ્જ રહેવાની જરૂર છે: પ્રધાનમંત્રી
કોરોના સમયગાળાએ સ્કિલ, રિ-સ્કિલ અને અપ-સ્કિલની અગત્યતતા પુરવાર કરી છે: પ્રધાનમંત્રી
મહામારીએ વિશ્વના દરેક દેશ, સંસ્થા, સમાજ, પરિવાર અને વ્યક્તિની શક્તિની કસોટી કરી છે: પ્રધાનમંત્રી
21મી જૂનથી રસીકરણ માટે 45 વર્ષની ઉપરના વ્યક્તિઓને જે લાભ મળે છે એ 45 વર્ષની નીચેના લોકોને પણ મળશે : પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ ગામોનાં દવાખાનાંમાં કાર્યરત આશા કાર્યકરો, એએનએમ, આંગણવાડી અને હૅલ્થ વર્કર્સની પ્રશંસા કરી

નમસ્કાર,

કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન મહેન્દ્રનાથ પાંડેજી, આર કે સિંહજી, મંત્રી મંડળના અન્ય તમામ સભ્યો, આ કાર્યક્રમમાં જોડાયેલા મારા તમામ યુવા સાથીદારો, અન્ય મહાનુભવો અને ભાઈઓ અને બહેનો,

કોરોના વિરૂધ્ધના મહાયુધ્ધમાં આજે એક મહત્વના અભિયાનના આગળના ચરણનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન દેશમાં હજારો પ્રોફેશનલ્સ કૌશલ્ય વિકાસના અભિયાન સાથે જોડાયા. આ પ્રયાસને કારણે દેશમાં કોરોના સામે મુકાબલા કરવામાં દેશને મોટી તાકાત મળી. હવે કોરોનાની બીજી લહેર પછી, જે અનુભવો મળ્યા છે, તે અનુભવો આજના આ કાર્યક્રમનો મુખ્ય આધાર બન્યા છે. કોરોનાની બીજી લહેરમાં આપણા લોકોએ જોયું કે કોરોના વાયરસનું બદલાવુ અને વારંવાર સ્વરૂપ બદલવું તે આપણી સામે કેવા પ્રકારના પડકારો લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે હાલમાં પણ છે જ, અને જ્યાં સુધી એ છે, ત્યાં સુધી એના મ્યુટન્ટ હોવાની સંભાવના પણ રહે છે ત્યાં સુધી આપણે દરેક ઈલાજ, દરેક સાવધાની સાથે આવનારા પડકારોનો સામનો કરવા માટે દેશની તૈયારીઓને વધુ વધારવાની રહેશે. આ લક્ષ્ય સાથે આજે દેશમાં 1 લાખથી પણ વધુ કોરોના અગ્રહરોળના કાર્યકરો  તૈયાર કરવાનુ મહા અભિયાન શરૂ થઈ રહ્યું છે.

 

સાથીઓ,

આ મહામારીએ દુનિયાના દરેક દેશ, દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક પરિવાર, દરેક મનુષ્યના સામર્થ્યની અને તેની સીમાઓની વારંવાર કસોટી કરી છે. આ મહામારીએ વિજ્ઞાન, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિ સ્વરૂપે આપણને પોતાની ક્ષમતાઓ વિસ્તારવા સતર્ક પણ કર્યા છે. પીપીઈ કિટ્સ અને ટેસ્ટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને કોવિડ કેર અને સારવાર સાથે જોડાયેલા મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરનું જે મોટું નેટવર્ક હાલમાં દેશમાં તૈયાર થયું છે તે કામ હજુ પણ ચાલી રહ્યું છે. અને તે તેનું પરિણામ છે. આજે દેશનાં દૂર દૂરનાં હૉસ્પિટલો સુધી પણ વેન્ટીલેટર્સ, કોન્સન્ટ્રેટર્સ, પહોંચાડવાનું કામ પણ ઝડપી ગતિથી હાથ ધરવાના પ્રયાસો ચાલી રહયા છે. દોઢ હજારથી વધુ ઓક્સિજન પ્લાન્ટના નિર્માણનું કામ પણ યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે અને ભારતના દરેક જીલ્લામાં પહોંચાડવાનો એક ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે. આ પ્રયાસોની વચ્ચે એક કુશળ માનવ બળનો એક મોટો સમૂહ હોવો અને તેમાં નવા લોકોનું જોડાતા રહેવું તે પણ એટલું જ જરૂરરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને  કોરોનાને લડત આપી રહેલા વર્તમાન દળને સહયોગ પૂરો પાડવા માટે, દેશના આશરે એક લાખ યુવાનોને તાલિમ આપવા માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ કોર્સ બે ત્રણ મહિનામાં જ પૂરો થઈ જશે અને લોકો તુરંત કામગીરી માટે ઉપલબ્ધ પણ થઈ જશે અને એક તાલિમ પામેલા સહાયક સ્વરૂપે વર્તમાન વ્યવસ્થાને ઘણી બધી સહાય કરી શકશે, તેમનો બોઝ હળવો કરશે. દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની માંગને આધારે દેશના ટોચના નિષ્ણાતોએ આ ક્રેશ કોર્સ તૈયાર કર્યો છે. આજે 6 નવા કસ્ટમાઈઝ કોર્સનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. નર્સીંગ સાથે જોડાયેલું પ્રાથમિક કામ હોય, હોમ કેર હોય કે પછી, ક્રિટિકલ કેરમાં સહાય કરવાની હોય, તેના માટે યુવાનોને તૈયાર કરવામાં આવી રહયા છે. એમાં નવા યુવાનોનો કૌશલ્ય વિકાસ પણ થશે અને જે લોકો અગાઉથી આ પ્રકારે તૈયાર થઈ ચૂક્યા છે, તેમનું અપ-સ્કિલિંગ પણ થશે.

આ અભિયાનથી કોવિડ સાથે લડી રહેલા આપણા હેલ્થ સેકટરના ફ્રન્ટલાઈન ફોર્સને નવી ઊર્જા મળશે અને આપણા યુવાનોને રોજગારની નવી તકો માટે  પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

 

સાથીઓ,

સ્કિલ, રિ-સ્કિલ  અને અપ-સ્કિલનો મંત્ર કેટલો મહત્વપૂર્ણ છે તે કોરોના કાળે વધુ એક વાર સિધ્ધ કર્યું છે. હેલ્થ સેકટરના લોકો સ્કિલ્ડ તો હતા જ, તે કોરોના સાથે કામ પાર પાડવા માટે ઘણું બધુ નવું શિખ્યા પણ છે, એટલે કે એક રીતે કહીએ તો તેમણે પોતાની જાતને રિ-સ્કિલ કરી છે. તેની સાથે સાથે તેમનામાં જે સ્કિલ અગાઉથી હતી તેનું પણ તેમણે વિસ્તરણ કર્યુ છે. બદલાતી પરિસ્થિતિ અનુસાર તેમણે પોતાની જાતને અપગ્રેડ કરવી કે મૂલ્ય વર્ધન કરવુ તે અપ-સ્કિલિંગ છે અને સમયની તે માંગ છે. અને જે રીતે ટેકનોલોજી દરેકના જીવનમાં પ્રવેશ કરી રહી છે ત્યારે લગાતાર ગતિશિલ વ્યવસ્થા અપ-સ્કિલિંગની જરૂરિયાત બની ગઈ છે. સ્કિલ, રિ-સ્કિલ અને અપ-સ્કિલના આ મહત્વને સમજીને દેશમાં સ્કિલ ઈન્ડીયા મિશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત કૌશલ્ય વિકાસનુ અલગ મંત્રાલય રચવાનું હોય, દેશભરમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રો ખોલવાનાં હોય, આઈટીઆઈની સંખ્યા વધારવાની હોય, એમાં લાખો નવી બેઠકો જોડવાની હોય, આ બાબતો ઉપર લગાતાર કામ ચાલી રહ્યુ છે. હાલમાં સ્કિલ ઈન્ડીયા મિશન દર વર્ષે લાખો યુવાનોને આજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાલીમ આપવામાં મોટી મદદ કરી  રહ્યું છે. આ વાતની દેશમાં ઘણી ચર્ચા થઈ નથી કે કોરોનાના આ સમયમાં કૌશલ્ય વિકાસના આ અભિયાને  દેશને કેટલી મોટી તાકાત પૂરી પાડી છે. ગયા વર્ષે જયારથી કોરોનાનો આ પડકાર આપણી સામે આવ્યો છે, ત્યારથી જ કૌશલ્ય વિકાસ મંત્રાલયે સમગ્ર દેશના હેલ્થ વર્કર્સને તાલિમ આપવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. માંગ આધારિત કૌશલ્ય સમૂહ તૈયાર કરવા માટેની જે ભાવના સાથે આ મંત્રાલય બનાવવામાં આવ્યું હતું, તે બાબતે હાલ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

 

સાથીઓ,

આપણી વસ્તીના વ્યાપને ધ્યાનમાં રાખીને, હેલ્થ સેકટરમાં ડોકટરો, નર્સ, પેરામેડિકકસ સાથે જોડાયેલી જે વિશેષ સેવાઓ છે, તેમનુ વિસ્તરણ કરતા રહેવું એ પણ એટલુ જ મહત્વનું કામ છે. આ વિષયે અગાઉનાં વર્ષોમાં કેન્દ્રિત અભિગમ સાથે કામ કરવામાં આવ્યું છે. વિતેલા 7 વર્ષમાં નવાં એઈમ્સ, નવી મેડિકલ કોલેજો, અને નવી નર્સીંગ કોલેજો ઉભી કરવા બાબતે ઘણો બધો ભાર મુકવામાં આવ્યો છે. આમાંથી ઘણી સંસ્થાઓએ કામ પણ શરૂ કરી દીધુ છે. આ રીતે તબીબી શિક્ષણ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓમાં સુધારાને પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે. આજે જે ગતિથી, જે ગંભીરતાથી, હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનુ કામ ચાલી રહ્યુ છે. તે અભૂતપૂર્વ છે.

 

સાથીઓ,

આજના આ કાર્યક્રમમાં હું આપણા હેલ્થ સેકટર સાથે જોડેલા એક મજબૂત સ્થંભની ચોકકસ ચર્ચા કરવા માગુ છું. ઘણી વાર આપણા આ સાથીઓની ચર્ચા થતી નથી. આ સાથીઓ છે, આપણા આશા તથા આંગણવાડી અને ગામે ગામમાં ડીસ્પેન્સરીમાં તહેનાત રહેતા આપણા સ્વાસ્થય કર્મીઓ છે. આપણા આ સાથીઓએ સંક્રમણને રોકવાથી માંડીને દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન સુધીની બાબતોમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. મોસમની પરિસ્થિતિ અને ભૌગોલિક પરિસ્થિતિ ગમે તેટલી પણ વિપરિત હોય તો પણ આ સાથીઓ તમામ દેશવાસીઓની  સુરક્ષા માટે દિન રાત મચેલા રહે છે. ગામડાંમાં સંક્રમણના ફેલાવાને રોકવામાં, દૂર દૂરના ક્ષેત્રોમાં, પહાડી અને આદિવાસી વિસ્તારોમાં રસીકરણ અભિયાનને સફળતાથી ચલાવવામાં આપણા આ સાથીઓએ ઘણી મહત્વની ભૂમિકા બજાવી છે.  21મી જૂનથી જ્યારે આપણા દેશમાં રસીકરણ અભિયાનનુ વિસ્તરણ થવાનુ છે. તેને પણ આ સાથીઓ ખૂબ જ તાકાત પૂરી પાડી રહયા છે, ઘણી ઉર્જા પૂરી પાડી રહયા છે. હું આજે જાહેરમાં તેમની ખૂબ ખૂબ પ્રશંસા કરૂ છું, આ તમામ સાથીઓની કામગીરીની સરાહના કરૂ છું.

 

સાથીઓ,

21મી જૂનથી રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. તેની સાથે સંકળાયેલી અનેક ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સાથીઓને પણ એ જ સુવિધા મળશે જે અત્યાર સુધી 45 વર્ષથી વધુ વય ધરાવતા આપણા મહાનુભવોનો  મળી રહી હતી. કેન્દ્ર સરકાર દરેક નાગરિકને રસી આપવા માટે, વિના મૂલ્યે રસી આપવા માટે કટિબધ્ધ છે. આપણે કોરોના પ્રોટોકોલનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાનુ છે. માસ્ક અને બે ગજનુ અંતર પણ ખૂબ જરૂરી છે. સમાપનમાં હું આ ક્રેશ કોર્સ કરનાર તમામ યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું. મને વિશ્વાસ છે કે તમારું નવુ કૌશલ્ય દેશવાસીઓનું જીવન બચાવવામાં લગાતાર કામમાં આવશે અને તમને પણ જીવનનો આ એક નવો પ્રવેશ ખૂબ જ સંતોષ પૂરો પાડશે કારણ કે તમે જ્યારે પહેલી વાર રોજગાર માટે જીવનની શરૂઆત કરી રહયા છો,  છેલ્લા દોઢ વર્ષથી લગાતાર કામ કરી રહયા હતા ત્યારે તમે માનવ જીવનના રક્ષણ માટે પોતાને જોડી રહયા હતા. લોકોની જીંદગી બચાવવાના કામમાં જોડાયેલા રહયા હતા.  વિતેલા વર્ષમાં દોઢ વર્ષથી કામ કરી રહેલા આપણા ડોકટર્સ, આપણી નર્સો, તેમણે એટલો બધો બોજ ઉઠાવ્યો છે કે તમારા આગમનથી હવે તેમને તાકાત મળવાની છે. એટલા માટે આ કોર્સ તમારામાં, તમારા જીવનમાં એક નવી તક લઈને આવી રહ્યો છે. માનવતાની સેવાના લોક કલ્યાણના કામ માટે તમને એક તક ઉપલબ્ધ થઈ રહી છે. માનવ સેવાના આ પવિત્ર કાર્ય માટે ઈશ્વર તમને  ખૂબ શક્તિ આપે. તમે ઝડપથી આ કોર્સની બારીકીઓ શિખો. પોતાની જાતને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો પ્રયાસ કરો. તમારી પાસે એવું કૌશલ્ય છે કે જે દરેક વ્યક્તિનો જીવ બચાવવામાં કામે લાગે તેવું છે. એના માટે મારા તરફથી તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.

ખુબ ખુબ ધન્યવાદ !