ગાંધીનગર, તા. 23/8/2013
સર્વે મહાનુભાવો,
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી પધારેલ શિક્ષણ સાથે જોડાયેલ સર્વે મિત્રો, અને આ જ કાર્યક્રમની સાથે અત્યારે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં આવો જ કાર્યક્રમ ચાલી રહ્યો છે, મંત્રીમંડળના સૌ મારા સાથીઓ એ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત છે અને ટેક્નોલૉજીની મદદથી વીડિયો કૉન્ફરન્સ દ્વારા રાજ્યના બધા જ જિલ્લામાં અત્યારે સૌ મિત્રો મારી વાત સાંભળી રહ્યા છે અને તેથી જિલ્લાને ખૂણે-ખૂણે બેઠેલા તમામને પણ હું આ સમારંભમાં યાદ કરું છું, મંત્રીમંડળના મારા સૌ સાથીઓને યાદ કરું છું..!
મિત્રો, દેશ ભ્રષ્ટાચારથી તંગ આવી ગયો છે, ચારેય તરફ ભ્રષ્ટાચારના ભલભલાને હલાવી દે એવા સમાચારો રોજબરોજની ઘટના બની ગઈ છે અને લોકોના મનમાં પ્રશ્ન ઊઠે છે કે શું ભ્રષ્ટાચારને નાથી શકાશે..? અને આજે જ્યારે હું શિક્ષક મિત્રોની ભરતીના કાર્યક્રમમાં આવ્યો છું ત્યારે આપણને બધાને ખબર છે મિત્રો, હિંદુસ્તાનમાં સામાન્ય બાબત છે કે આ નોકરી લેવી હોય એટલે આ ભાવ, આ નોકરી લેવી હોય એટલે આ ભાવ, બદલી કરવી હોય તો આ ભાવ... એનું બજાર ચાલે છે..! મિત્રો, હું ખૂબ હિંમત સાથે કહું છું કે આજે રાજ્યમાં 8800 શિક્ષકોની ભરતીનો નિર્ણય થઈ રહ્યો છે અને ક્યાંયથી એકપણ ફરિયાદ કાણી પાઈના ભ્રષ્ટાચારની આવી નથી..! આજે પણ અહીંયાં જે બેઠા છે એમને પણ હું કહું છું કે ક્યાંય કોઈને કાંઈ પણ કરવું પડ્યું હોય તો વિના સંકોચે આ વાત મારા સુધી પહોંચાડજો. મિત્રો, આ હિંમત મારામાં એટલા માટે છે કે જો એક વાર નિર્ણય કરીએ તો આ રોગચાળાથી આ દેશને મુક્ત કરી શકાય છે એનું આ જીવતું-જાગતું ઉદાહરણ મારી સામે બેઠું છે. પારદર્શક પદ્ધતિથી સરકારી નોકરીમાં ભરતી શક્ય છે, કાણી પાઈની લેતીદેતી વગર, પૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીઓ પણ થઈ શકે છે. અને મને સુખ છે મિત્રો, મારે કોઈ સગાવહાલાંની ચિંતા કરવાની નથી..! આ છ કરોડ ગુજરાતીઓ જ મારો પરિવાર છે એટલે તમારો બધ્ધો લાભ એ મારા પરિવારને જ છે..!
આપણે શિક્ષણને અગ્રતાક્રમ આપીએ છીએ. ચીનમાં એક કહેવત છે કે જો તમે એક વર્ષનો વિચાર કરતા હો તો અનાજ વાવો, દસ વર્ષનો વિચાર કરતા હો તો ફળફળાદિનાં ઝાડ વાવો, પણ જો પેઢીઓનો વિચાર કરતા હો તો મનુષ્ય વાવો..! શિક્ષણ એ મનુષ્યની વાવણી માટેનું મહાઅભિયાન છે..! ઉત્તમ મનુષ્યના નિર્માણ માટેનું, ઉત્તમ નાગરિકના નિર્માણ માટેનું એક મહાઅભિયાન એટલે શિક્ષણ..! જે શિક્ષક તરીકે જવાબદારી લે છે તે એક આખી પેઢીનું સર્જન કરતો હોય છે..! એના હાથ નીચેથી એક પેઢી તૈયાર થતી હોય છે. આ રાષ્ટ્રનું ભવિષ્ય કેવું હશે એ આ પેઢીઓના શિક્ષણ અને સંસ્કાર પર નિર્ભર કરતું હોય છે અને એમના શિક્ષણ અને સંસ્કાર શિક્ષણને સમર્પિત સૌના ઉપર નિર્ભર કરતું હોય છે. અને એવા એક પવિત્ર કામમાં આજે આપ જોડાઈ રહ્યા છો, હું આપનું સ્વાગત કરું છું, આપને અનેક-અનેક શુભકામનાઓ પાઠવું છું..!

2001 માં જ્યારે મેં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે સામાન્ય ચર્ચા એવી હતી કે આ ભાઈને કાંઈ અનુભવ તો છે નહીં, મ્યુનિસિપાલિટીના મેમ્બર પણ નથી રહ્યા, કોઈ ગામમાં પંચાયતના સરપંચ પણ નથી રહ્યા, આ ભાઈ કરશે શું..? અને એ બધાની વાત સાચી હતી કે મારી પાસે સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. સરકાર શું કહેવાય, વહીવટી તંત્ર શું કહેવાય એની મને કોઈ ગતાગમ નહોતી. પણ મિત્રો, આજે ગુજરાત ગૌરવભેર કહી શકે છે કે સારી સરકાર કોને કહેવાય..! અને એનું મૂળ કારણ છે મારી ભીતર જીવતો વિદ્યાર્થી..! આજે પણ મારી અંદર એક વિદ્યાર્થી જેવો તરવરાટ છે, એક વિદ્યાર્થી જેવી જિજ્ઞાસા છે, એક વિદ્યાર્થી જેવી આતુરતા છે..! અને જેની ભીતર વિદ્યાર્થી જીવતો હોય એની વિકાસ યાત્રા અતૂટ રહેતી હોય છે, અખંડ રહેતી હોય છે..! અને મિત્રો, શિક્ષક તો જ સાચો શિક્ષક બની શકે જેની ભીતર વિદ્યાર્થીનો આત્મા વાસ કરતો હોય. જે પળે એ એમ માને કે હવે હું વિદ્યાર્થી મટી ગયો, હવે હું શિક્ષક થઈ ગયો તો સમજવાનું કે એ વિદ્યાર્થી તો મટ્યો જ છે, પણ શિક્ષક પણ મરી પરવાર્યો છે..! સાચા, સારા શિક્ષકની ગેરંટી એ જ છે કે એની ભીતર વિદ્યાર્થી ભાવનો વાસ છે કે નહીં, એના અંતરમનની અંદર વિદ્યાર્થી જીવે છે કે નહીં..! એ જિજ્ઞાસા, એ તરવરાટ, એ ઉમંગ, એ ઉત્સાહ, આખું ભાવજગત જે એક વિદ્યાર્થીની આસપાસ વીંટળાયેલું હોય છે એ ભાવજગત એની ભીતર જીવતું હોય..! અને મિત્રો, વિદ્યાર્થીનો ભાવ ભીતર જીવે છે એનો અર્થ એ થયો કે આપણી સામે બેઠેલો વિદ્યાર્થી પણ આપણો શિક્ષક હોઈ શકે છે..! એની પણ એકાદ વાત એવી હોઈ શકે કે આપણે શીખવા જેવી હોય..! એનું એક આચરણ પણ આપણા માટે શિક્ષક તરીકેનું કામ કરી જતું હોય..! અને જ્યારે સર્વદૂરથી જ્ઞાનપ્રાપ્તિ, માહિતીની પ્રાપ્તિ, અનુભવની પ્રાપ્તિ, આ બધો ક્રમ ચાલુ રહે તો ઉત્તમ શિક્ષક બનવાની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરતી હોય છે. પી.ટી.સી. કરી લીધું, બી.ઍડ. કરી લીધું, એમ.ઍડ. કરી લીધું એટલે જીવનનો પૂર્ણવિરામ નથી આવતો, ત્યાંથી તો એક આપણને સેન્સ ઑફ રિસ્પૉન્સિબિલિટીનો ભાવ જાગે છે. હું બી.ઍડ. કરું, એમ.ઍડ. કરું એ કાંઈ અંતિમ નથી, પૂર્ણતા નથી. એ મને સેન્સ ઑફ રિસ્પૉન્સિબિલિટી, એક શિક્ષક તરીકેની મારી જવાબદારીઓનું મને ભાન કરાવે છે અને એ માત્ર બીજારોપણ થાય છે, એના આધારે મારી ભીતર ઉત્તમ શિક્ષકનું વટવૃક્ષ ઉગાડવાની જવાબદારી મારી હોય છે. નિત્ય અભ્યાસ દ્વારા મારે ખાતર-પાણી નાખવા પડતાં હોય છે અને તો જ ઉત્તમ શિક્ષક બની શકાતું હોય છે..!
મેં એવા શિક્ષકો જોયા છે કે એમના પિતાજી શિક્ષક હોય, એ પણ શિક્ષક હોય અને ભણાવવા આવે ત્યારે પિતાજીના જમાનાની નોટ લેતા આવે..! કારણકે સિલેબસ એ જ ચાલતું હોય..! કોઈ વિદ્યાર્થી ક્યારેય એ શિક્ષકને સ્વીકારી શકતો જ નથી. પણ જે શિક્ષક પ્રાણવાન હોય છે, એની હાજરી માત્રથી ચૈતન્ય ઊભું થાય છે, એની મોજૂદગી જ માહોલને બદલી નાખે છે તો એ શિક્ષક અસરકારક હોય છે, પ્રભાવક હોય છે અને પ્રેરક પણ હોય છે..! મિત્રો, ઘણીવાર ઈશ્વરે શરીર સૌષ્ઠવ આપ્યું હોય તો પ્રભાવ તો પેદા કરી શકાય, મા-બાપ પાસે પૈસા સારા હોય, કપડાં સરસ પહેરીને પણ પ્રભાવ તો પેદા કરી શકાય. પણ પ્રભાવ પેદા થાય એટલે પ્રેરક બની શકાય એવું નથી હોતું..! પ્રેરક તો જ બનાય જ્યારે જીવનની ભીતરથી કોઈ સાદ બીજાને સંભળાતો હોય, કોઈ મૂલ્ય કોઈ અનુભવતું હોય, એને શબ્દોની આવશ્યકતા ન હોય, અશબ્દ હોય..! અને આ જો મનની અવસ્થા હોય તો આપણે આ કામને પાર પાડી શકતા હોઈએ છીએ..!
2001 માં મેં જ્યારે કામની યાત્રા શરૂ કરી, ત્યારે શરૂઆતમાં જ્યારે મેં સરકારના અધિકારીઓને પૂછ્યું કે શું હાલ છે અને એમાંય કન્યા કેળવણી વિશે જ્યારે મેં જાણ્યું ત્યારે મને આઘાત લાગ્યો કે આપણા આ ગુજરાતમાં કન્યા કેળવણીની આ દશા..? અને ત્યારથી આપણે એક અભિયાન ઉપાડ્યું કે સરકારી પ્રાથમિક શાળાનું માહાત્મ્ય વધે. હવે તો આઠમા ધોરણ સુધી પણ સરકારી શાળા બની ગઈ છે, ગ્રાન્ટવાળી માધ્યમિક શાળાઓ છે અને સરકારી શાળાઓ પણ છે. સમાજમાં એક હવા બની ગઈ છે કે સરકારી એટલે બધું નકામું..! સરકારી હોસ્પિટલ, ના જવાય, ખાનગીમાં જવું, વધારે પૈસા થાય તોય જવું... સરકારી બસમાં ના જવાય, જીપમાં પાંત્રીસ ભર્યા હોય તોય જવાનું... આ ભાવ બની ગયો છે..! મિત્રો, એમાંથી વિશ્વાસ કેવી રીતે પેદા થાય..! અને હું એના માટેનું ઉત્તમ ઉદાહરણ છું, મિત્રો..! આ નરેન્દ્ર મોદી નામનું વ્યક્તિત્વ જે તમારી સામે ઊભું છે ને એ સરકારી શાળાની પ્રોડક્ટ છે..! તમારા જેવા જ સરકારી શાળાના શિક્ષકોએ જ મને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો..! એનો અર્થ એ થયો મિત્રો, કે આ સામર્થ્ય પડ્યું છે. આજે પણ, હું ત્રણ-ચાર વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક કાર્યક્રમમાં ગયો હતો. કૉર્પોરેશનની શાળા અને 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓમાં એક સરકારી મ્યુનિસિપલ કૉર્પોરેશનની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી નંબર લઈ આવ્યો હતો..! એનો અર્થ કે ત્યાં આવનારા વિદ્યાર્થીઓમાં પણ તેજ અને ઓજ હોય છે, માત્ર મૂર્તિકારની જરૂરત હોય છે, ઘડવૈયાની જરૂર હોય છે, મિત્રો..! અને એક શિક્ષક તરીકે હું જ્યારે વિદ્યાર્થીને ઘડું છું ત્યારે સમાજને ઘડું છું, સમાજને ઘડું છું ત્યારે રાષ્ટ્રનું ઘડતર કરતો હોઉં છું, આ જો મનનો ભાવ હોય તો કામનો આનંદ પણ અનેરો હોય છે..!
મિત્રો, ગુજરાતમાં બાળકો શાળાએ ભણવા જાય એના માટે આપણે આહલેક જગાવી. સોએ સો ટકા શાળામાં ભરતી કેમ ન થાય..? આપણને સફળતા મળી..! પણ ભરતી થઈ એટલે આપણા ધ્યાનમાં આવ્યું કે શિક્ષકો ખૂટે છે. જૂની સરકારોને તો સહેલું હતું કે વિદ્યાર્થીઓ જ નિશાળમાં નહોતા આવતા એટલે શિક્ષકોની ચિંતા જ નહોતી..! આપણે વિદ્યાર્થીઓ લાવ્યા, તો પછી શિક્ષકો પણ લાવવા પડ્યા..! મિત્રો, લાખોની સંખ્યામાં શિક્ષકોની ભરતી કરી. વિદ્યાર્થીઓ આવ્યા, શિક્ષકો આવ્યા તો ધ્યાનમાં આવ્યું કે ઓરડાઓ જોઈએ..! હજારોની સંખ્યામાં ઓરડાઓ બનાવ્યા..! સરેરાશ ગુજરાતમાં 32,000 શાળાઓ અને મને લાગે છે કે 74,000 કરતાં વધારે નવા ઓરડાઓ બનાવ્યા..! કારણ, નીચેથી જ સંખ્યા વધવા માંડી..! પછી ધ્યાનમાં આવ્યું કે સાતમા પછી છોકરાંઓ ઊઠી જાય છે, તો આઠમું ચાલુ કરો, ભાઈ..! પછી ધ્યાનમાં આવ્યું કે પડોશના ગામમાં ભણવા જાય છે તો સાઇકલ આપો, બહેનોને બસના મફત પાસ આપી દો..! ભણાવો, આ અભિયાન ચલાવ્યું..! પછી થયું કે શાળાને જરા આધુનિક કરવી જોઈએ, તો દરેક શાળાને વીજળી મળે એની ચિંતા કરી, કોમ્પ્યૂટર મળે એની ચિંતા કરી, બ્રૉડબેન્ડ કનેક્ટિવિટી મળે એની ચિંતા કરી..! શાળા આધુનિક બને એના માટે લૉન્ગ ડિસ્ટન્સ ઍજ્યુકેશન માટેની કોશિશ કરી..! ઉત્તમ કાર્યક્રમો, ઉત્તમ શિક્ષકો દ્વારા જુદી-જુદી શાળામાં કોમ્પ્યૂટર પર ભણી શકે એના માટેની તજવીજ આદરી. એક પછી એક સુધારા, એક પછી એક માળખાકીય સુવિધાઓમાં વધારાનો આખો ક્રમ ચાલ્યો. પછી ધ્યાનમાં આવ્યું કે પ્રિન્સિપાલની અલગ કૅડર હોય તો સારું, નહીંતો એ શિક્ષકનો ઘણોબધો ટાઇમ કાગળિયાંમાંથી જ ઊંચો નથી આવતો ને બાળકોને નુકસાન થાય છે, લગભગ એ ક્લાસના વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. આચાર્યની અલગ કૅડર કરી, એની અલગ ભરતી કરવા માંડ્યા, પ્રમોશનથી પણ કેટલાક લોકોને લેવા માંડ્યા..! સમગ્રતયા પાયાના શિક્ષણને વ્યવસ્થાની દ્રષ્ટીએ, માળખાંકીય સુવિધાઓની દ્રષ્ટીએ, મૅનપાવરની દ્રષ્ટીએ, ટેક્નોલૉજીની દ્રષ્ટીથી, બજેટની દ્રષ્ટીથી, બધી જ રીતે સજ્જ કરવા માટેનું એક અભિયાન ઉપાડ્યું..! અને આપણે જોયું મિત્રો, કે 2001 થી જે બાળકોને શાળાએ દાખલ કરવા માંડ્યા અને જે જોર લગાવ્યું, તેના કારણે હવે સ્થિતિ એ થઈ છે કે આમાનાં મોટાભાગના એ દસમું-બારમું ધોરણ પાસ કર્યું, હવે એને ગામ છોડીને બીજે ભણવા જવું છે. તો એમાં આગળનું સ્ટેજ શું આવ્યું કે ગુજરાતભરમાં હજારો વિદ્યાર્થીઓ ભણવા માટે રહી શકે એવી હોસ્ટેલ બનાવો..! અને આપણે હજારો વિદ્યાર્થીઓની હોસ્ટેલો બનાવવા માટે ગયા બજેટમાં 200 કરોડ રૂપિયાનું માતબર બજેટ ખર્ચ્યું..! કેમ..? આ જે પાયામાંથી બાળકોને શાળાએ લાવવાની મથામણ આદરી છે એનું શિક્ષણ છૂટવું ના જોઈએ, જેને ભણવું છે એના માટે અવકાશ મળવો જોઈએ..! અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ..! બાળકો ઉપર જવા માંડ્યા એટલે એમને વધારે સારું શિક્ષણ જોઈએ..! એક જમાનો હતો 2001 માં કે આ રાજ્યમાં 11 યુનિવર્સિટીઓ હતી, આજે 46 યુનિવર્સિટી છે..! 1960 માં ગુજરાતનો જન્મ થયો, 1960 થી 2001, 40 વર્ષમાં 11 યુનિવર્સિટી, આજે દસ વર્ષમાં 46 યુનિવર્સિટી..! આને વિકાસ કહેવાય..? તમને ખબર પડે છે, બીજાને નથી પડતી..!
મિત્રો, શિક્ષણની પાછળ એટલું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું છે આપણે, એટલા બધા અવનવા પ્રયોગો આદર્યા છે અને આપણી મથામણ છે કે ગુજરાતનું પાયાનું શિક્ષણ ઉત્તમ શિક્ષણ તરફ જાય..! અને આ બધી જ વ્યવસ્થાઓ કરી પછી આપણે જોયું કે ભાઈ, શિક્ષક છે, વિદ્યાર્થી છે, ક્લાસ રૂમ છે, કોમ્પ્યૂટર છે, વીજળી છે, પંખા છે, પાણી છે, પુસ્તકો છે, બધું જ છે... પણ બાળકની સ્થિતિ શું છે એ તો તપાસ કરો..! મૂળ પાયો ક્યાં છે..? અને એના માટે આપણે શરૂ કર્યો, ‘ગુણોત્સવ’..! મુખ્યમંત્રી સહિત બધાજ લોકો ત્રણ દિવસ શાળાએ જાય, એકેએક બાળકને પૂછે કે ભાઈ, તને વાંચતાં આવડે છે, લખતાં આવડે છે, ગણિત આવડે છે, સ્પેલિંગ આવડે છે..? અને હિંદુસ્તાનમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં સરકારી પ્રાથમિક શાળાનું ગ્રેડેશન થયું છે..! આ દેશમાં બિઝનેસ સ્કૂલનાં ગ્રેડેશન થાય છે, ‘એ’ ગ્રેડ, ‘બી’ ગ્રેડ, ‘સી’ ગ્રેડની બિઝનેસ સ્કૂલ. આ દેશમાં એન્જિનિયરિંગ કૉલેજનાં ગ્રેડેશન થાય છે, મેડિકલ કૉલેજનાં ગ્રેડેશન થાય છે, આઈ.આઈ.ટી. નાં ગ્રેડેશન થાય છે, આઈ.આઈ.એમ. નાં ગ્રેડેશન થાય છે. પણ આ રાજ્ય એવું છે કે જેણે પ્રાથમિક શાળાઓનું ગ્રેડેશન કર્યું અને કલેક્ટર સહિતના બધા જ લોકોને ઇન્વૉલ્વ કર્યા કે તમારા જિલ્લામાં ‘એ’ ગ્રેડની શાળાઓ કેટલી, ‘બી’ ગ્રેડની કેટલી, ‘સી’ ગ્રેડની કેટલી, ‘ડી’ ગ્રેડની કેટલી, ‘ઈ’ અને ‘એફ’ સુધી ગયા..! અને નક્કી કરાવ્યું કે હવે, ‘સી’ માંથી ‘બી’ માં કેવી રીતે આવશો, બોલો..? ‘બી’ માંથી ‘એ’ ગેડમાં કેવી રીતે લાવશો તમારી શાળાને..? એમાં કેટલીક શાળાઓનો ડી.એન.એ. જ એવો હતો કે નબળાઈ જાય જ નહીં..! તો એવા શિક્ષકોને શોધીને એમની સ્પેશ્યલ ટ્રેનિંગ કરાવી. કયાંક લાગ્યું કે થોડું મિક્સ-અપ કરો, બે અહીંથી ઉઠાવો, બે સારા લાવો, બે અહીં લઈ જાવ, પણ ગોઠવો કાંઈક..! મિત્રો, આટલી બારીક મથામણ એટલા માટે કરી છે કે ગુજરાતની આવતીકાલ ઘડવી છે..! મિત્રો, આ ગુજરાતને વિશ્વની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવું છે અને એના પાયામાં પ્રાથમિક શાળાનું શિક્ષણ છે. શહેર હોય કે ગામડું, જંગલ હોય, આદિવાસી વિસ્તાર હોય કે મછવારાઓનો સમુદ્ર કિનારો હોય, બધે જ ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ મળે એના માટેની મથામણ આદરી છે..!
મિત્રો, જીવનમાં શિક્ષક બનવું એ સૌભાગ્ય છે..! કેટલાક લોકોને એમ થતું હશે કે નાના હતા અને ઘરે મહેમાન આવે તો મમ્મી-પપ્પા અમને ભાઈ-બહેનને ઊભા કરી દે અને મહેમાનને ઓળખાણ કરાવે, ત્યારે તો હજુ પાંચમા ધોરણમાં આવ્યા ના હોઈએ, અને કહે કે આને ડૉક્ટર બનાવવાનો છે અને આને એંજિનિયર બનાવવાનો છે..! મગજમાં ભર્યું હોય, અહીંયાં બેઠેલા લગભગ બધાના મગજમાં હશે કે ડૉક્ટર બનવાની મા-બાપની ઇચ્છા હતી, એંજિનિયર બનવાની મા-બાપની ઇચ્છા હતી, હવે બની ગયા શિક્ષક..! એટલે ઘણો સમય તો તમારે એમાં જ જશે કે સાલું, રહી ગયું, ડૉક્ટર ના થયો..! જવા દો ને યાર, એ વર્ષે પેપર એટલાં ભારે આવ્યાં’તાં ને... પરીક્ષક એવા હતા ને... એટલે બહાનાં તો એટલાં બધાં જડી જાય કે પૂછો નહીં..! મિત્રો, જે થયું છે તે, હવે તમારે નક્કી જ કરવું પડે, ગઈકાલ ભૂલીને આજે જ્યાં ઊભા છો ત્યાંથી ભવ્ય સપનાં કેમ જોવાં, ભવ્ય ઇમારત કેમ બનાવવી, એની શરૂઆત કરવી જોઈએ..! નહીંતો તમે જો એ બોજ લઈને ચાલો કે મારે તો આમ બનવું હતું, તેમ બનવું હતું, હશે ત્યારે જેવાં નસીબ...! તો ઘડિયાળ જોવે કે કેટલા વાગે પહોંચવાનું છે ને પછી પૂછે કે કેટલા વાગ્યા..! મિત્રો, આપણે નક્કી કરવું પડે કે આપણે કરવું છે શું..? મિત્રો, શાળાનો ઘંટ વાગે ત્યારે ઊર્જા મળે છે કે માનસિક રીતે તનાવ થાય છે એનો નિર્ણય કરવો પડે..! શાળાનો ઘંટ વાગતાંની સાથે જ આમ વાતાવરણની અંદર જાણે પંખીઓના માળા જેવું જો વાતાવરણ બની જતું હોય તો મિત્રો, એ ઘંટારવ જીવનનો નવો નાદ બનતો હોય છે..! પણ જો એ જ બોજ લાગે કે આ અત્યારે ક્યાં... તો પતી ગયું, સાહેબ..! અને જેને સાંજનો છેલ્લો ઘંટ વાગે એનો આનંદ આવતો હોય તો સમજવાનું કે એ શિક્ષક બનવાનો બાકી છે..! એને એમ થવું જોઈએ કે અરે, હજુ તો મારું ભણાવવાનું બાકી છે ને ઘંટ વાગી ગયો..? મિત્રો, આ મનની અવસ્થાના માપદંડ છે બધા..! મિત્રો, મારા વિદ્યાર્થીના મનમાં એમ થવું જોઈએ કે રવિવારની રજા આવે એટલે વિદ્યાર્થી દુ:ખી હોય કે આવતીકાલે રજા છે, મારે નથી આવવાનું, તમે નહીં મળો..? તો સમજજો મિત્રો, કે તમે સાચ અર્થમાં એના ગાર્ડિયન બન્યા છો. પણ જો શનિવારે નિશાળ છૂટવાની હોય ને વિદ્યાર્થીને થાય કે હાશ, હવે સોમવારે આવવાનું..! તો સમજજો મિત્રો, એ શાળાનું મકાન નહીં, એ મુખ્યમંત્રી નહીં, એ બજેટ નહીં, એ શિક્ષણ વિભાગ નહીં, એના માટે કોઈ જવાબદાર હોય તો એ શિક્ષક છે..! જો ઉમંગથી બાળકો આવે છે તો એનો યશ મુખ્યમંત્રીને નથી જતો, એનો યશ સરકારના બજેટને નથી જતો, એનો યશ એ શિક્ષકને જાય છે જેણે પોતાનો જીવ બાળકમાં રેડ્યો છે..! જો આ ભાવથી શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવીશું તો મિત્રો, મને વિશ્વાસ છે કે આવતીકાલના ગુજરાત માટેનાં જે સપનાં સજાવ્યાં છે એ સપનાંને પૂર્ણ કરવા માટેનું સામર્થ્યવાન માનવબળ આપના દ્વારા નિર્માણ થશે, એક અર્થમાં આપ ગુજરાતના સાચા ઘડવૈયા બનશો એવી મારી આપ સૌને શુભકામનાઓ છે..!
ગુજરાતના બધાજ ખૂણાઓમાં જે મિત્રો બેઠા છે, દરેક જિલ્લાઓમાં બેઠા છે અને આજે જેમને આ નોકરી માટેના પત્રો મળવાના છે એ સૌ મિત્રોને મારે ખૂબ-ખૂબ શુભકામનાઓ છે અને મને ભરોસો છે કે એ બધાજ આ રાજ્યના ઘડતર માટે પોતાનાથી બનતો બધોજ પ્રયત્ન કરી છૂટશે, એવી શુભકામનાઓ સાથે,


