સુશાસન આપનાર ગુજરાત ઉપર જુલમ કરનારા ગુજરાત સાથે વિકાસની સ્પર્ધા કરો
વરસાદી હેલી વચ્ચે નડિયાદમાં ઉમટેલી જનમેદનીના હૈયામાં હરખની હેલી
નડિયાદ જિલ્લા સેવા સદનનું ઉદ્ધાધટન કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના વિરોધ પક્ષ અને કેન્દ્રને પડકારતા નરેન્દ્રભાઇ મોદી
ગુજરાતને કેન્દ્રના અન્યાયની થપ્પડની જાહેરાત ટીવી ઉપર આવે છે પણ તેનાથી તમ્મર તમને શું કામ આવે છે ?
આજે જુઠ્ઠાણાંનો વરસાદ વરસાવીને પ્રજાને છેતરપિંડી કરનારાની જમાત ગાંધી-સરદારને પણ છેતરનારી છે !
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નડિયાદ જિલ્લા સેવા સદનના આધુનિક વહીવટી તંત્રનું ઉદ્ધાટન કરતાં કેન્દ્રની સરકાર ગુજરાતને જે અન્યાય કરી રહી છે તેને પડકારતાં જણાવ્યું કે, ગુજરાતને કેન્દ્રના અન્યાયની થપ્પડ ટીવીમાં આવે છે ત્યારે તમને તમ્મર કેમ આવે છે ?ગુજરાત ઉપર જુલમ ગુજારવા માટે સીબીઆઇના ખેલ બંધ કરીને ગુજરાત સાથે વિકાસની સ્પર્ધા કરો અને ગુજરાતની જનતાને તેના સરવૈયાનો હિસાબ કરી લેવા દો એવો કેન્દ્ર સરકારને મુખ્યમંત્રીશ્રીએ પડકાર કર્યો હતો. આ અવસરે વરસાદની હેલી વચ્ચે પણ ઉમટેલી નગરજનોની મેદનીના હૈયામાં હેતની હેલી છલકાતી હતી.

અમને વારસામાં મોટો ખાડો જ મળેલો. આજે દેશમાં વીજળીની સ્થિતિની જે દુર્દશા હતી તે અગાઉ સરકારમાં દશ વર્ષ વહેલા ગુજરાતની હતી પણ દશ જ વર્ષમાં ગુજરાતનું વીજ બોર્ડ ૨૫૦૦ કરોડની વાર્ષિક ખાધ હતી. આજે રૂા.૪૦૦ કરોડની આવક કરે છે કારણ પહેલા સરકારની તિજોરી ઉપર પંજો પડતો હતો. આજે ગાંધીનગરની તિજોરી ઉપર કોઇનો પંજો પડે નહીં તે માટે પ્રજાના નાણાંના ચોકીયાત તરીકે સરકાર બેઠી છે, એમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
૧૯૬૦ પછીની ૨૦૦૧ સુધીની પંચવર્ષિય યોજનાના કુલ સરવાળા કરતાં તેની સામે આ સરકારની હાલની પંચવર્ષિય યોજનાના આયોજનની ફાળવણી વધી જાય છે. તે પુરવાર કરે છે કે, વિકાસની કેવી હરણફાળ ભરી છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની જનતાએ જેને ૨૫ વર્ષથી તગેડી મૂકયા છે એવા લોકો પાણી વગર માછલી તરફડે એમ ખુરશી વગર તરફડી રહયાં છે એટલે સીબીઆઇ, ઇન્કમટેક્ષ જેવી સેન્ટ્રલ એજન્સીઓ ગુજરાતની સાથે દુશ્મન દેશ જેવો વહેવાર કરે છે. પણ દિલ્હીની સલ્તનત ગમે એટલા જુલ્મો કરો તો ગુજરાતને ઝુકાવી નહીં શકે. સીબીઆઇના રમકડાં છોડીને તાકાત હોય તો ગુજરાતની સાથે વિકાસની સ્પર્ધા કરો. જનતાને નકકી કરવા દો કઇ દિશામાં જવું છે, એમ માર્મિક પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે જેની ગાડીને દિલ્હીમાં એન્જિનનો ડ્રાઇવર જ નથી તે ગુજરાતને કઇ દિશા બતાવવા માંગે છે. તેમની ભૂતકાળની દિશા તો કોમ કોમ, જાતિ-જાતિ વચ્ચે લડાઇ, હુલ્લડોની છે. અમારી દિશા તો શાંતિ અને એકતાની છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સારું થયું ૨૫ વર્ષ પહેલાં ગુજરાતની જનતાએ સત્તા ઉપરથી તગેડી મૂકયા નહીં તો આજે દેશની જે દુર્દશા કરી છે, તે ગુજરાતની થઇ હોત. એ વિચારે પણ કમકમાં આવી જાય. વડાપ્રધાનમાં જો હિમ્મત હોય તો ગુજરાતની દિશા પકડો દેશની દુર્દશા બદલાઇ જશે. વિચારોના દારિદ્રયથી દેશને તબાહ કરી દીધો છે. પણ ગુજરાત એમાંય મુકત રહી ગયું છે. ગુજરાતના નવજવાનોને દેશમાં સૌથી વધુ રોજગારી મળે છે.

ગાંધીજીના દાંડીકૂચના હેરિટેજ માર્ગને માટે વચન આપીને ફરી જનારા ગાંધીજીને છેતરી રહયા છે, તો ગુજરાતની જનતાને છેતરવામાં કેવા જુઠ્ઠાણાંના પેતરાં કરે છે, તે ઓળખી લો.
ગુજરાતે સુશાસનનો માર્ગ લીધો છે. વિકાસ એકમાત્ર મંત્ર છે. જેમને છેતરપિંડી કરવી છે તેમને હું છેતરપિંડી કરવા દેવાનો નથી, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદ ખાતે રૂા.૨૦ કરોડના ખર્ચે જિલ્લાના નવનિર્મિત જિલ્લા સેવા સદનના લોકાર્પણ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે મહેસૂલ તંત્રની ૨૦ જેટલી કચેરી સાથે અન્ય કચેરીઓ એક જ ભવનમાં બેસશે. નાગરિકોને પ્રશાસન તંત્ર સાથે વહીવટી કામ માટે કચેરીઓમાં જવું ન પડે તેવા ભવનો રાજયમાં નિર્માણ કરવામાં આવ્યા છે. જિલ્લાની જૂની કચેરીઓ અભાવગ્રસ્ત હતી તેના અઘતન અને આધુનિક કચેરીઓમાં વહીવટીકાર્યમાં પારદર્શકતા આવે આવનાર નાગરિકોને શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કર્મચારી વહીવટી કામ કરે તેવું અઘતન અને આધુનિક ભવન નિર્માણ કરવામાં આવ્યું છે.
શ્રીમતી પટેલે પાલ્લા ખાતે સાત નદીઓના સંગમ સ્થાને રૂા.૪૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિ્રજનું મુખ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હોવાનું જણાવતા ઉમેર્યું કે વર્ષ ૨૦૦૦ પહેલા માર્ગ અને મકાન વિભાગનું રૂા.૫૩૭ કરોડ બજેટ હતું જયારે વર્ષ ૨૦૧૨-૧૩નું રૂા.૪૨૬૦ કરોડનું માર્ગ અને મકાન વિભાગનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેના થકી ગ્રામ્ય તાલુકા અને જિલ્લાના માર્ગોની સુધારણા સામે ફોર લેન તેમજ સીકસ લેન માર્ગો સહિત કિસાન-વિકાસ પથના નિર્માણ કરવામાં આવ્યા છે.
માર્ગ સુવિધાની આગેકૂચનો ઉલ્લેખ કરતા રાજયના ૧૫૬ ગામો વરસાદી પાણી પૂરનાં પાણીમાં ડુબમાં જતા હતા જેને મરૂનવિલેજ યોજના હેઠળ માર્ગ સુવિધા માટે રૂા.૩૦૦ કરોડના બજેટ થકી આ ૧૫૬ ગામોમાં બારમાસી રસ્તાની સુવિધા આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં વિધાનસભાના મુખ્યદંડક શ્રી પંકજકુમાર દેસાઈએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જયારે જિલ્લા કલેકટરશ્રી એમ.વી.પારગીએ સ્વાગત પ્રવચન કરતા સહુને આવકાર્યા હતા.અંતમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.રાઠોડે આભારવિધિ કરી હતી.
નડિયાદ ખાતે જિલ્લા સેવાસદનના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રીશ્રી રમણભાઈ વોરા, સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણ, કઠલાલના ધારાસભ્યશ્રી કનુભાઈ ડાભી, મહિલા આયોગ અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયા, વકફ બોર્ડના અધ્યક્ષશ્રી ઈમ્તિયાઝખાન પઠાણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાકેશ રાવ સાથે નગરપાલિકા પ્રમુખશ્રી સંજય દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મનીષાબેન પરમાર, શ્રી દોલતસિંહ ડાભી, શ્રી વિપુલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી રાજેશ પાઠક, પૂર્વ મંત્રીશ્રી બિમલભાઈ શાહ, જિલ્લા પ્રભારી સચિવશ્રી રાજકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદીપકુમાર સાંગલે, મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા સાક્ષરભૂમિ નડિયાદના સુરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


