પેટ્રોલીયમ અને કેમિકલ્સ સેકટરોમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્રને આધુનિકતમ ધોરણે સુસજ્જ બનાવાશે : નરેન્દ્રભાઇ મોદી
આપત્તિ વ્યવસ્થાપનમાં ખાનગીક્ષેત્રના ઇમરજન્સી રિસ્પોન્સ ટ્રેઇનીંગ સેન્ટરનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વડોદરા નજીક નવાગામા ખાતે આપત્તિ વ્યવસ્થાપનમાં તત્કાલ રાહત-બચાવની સેવાઓનું અદ્યતન પ્રશિક્ષણ આપતા ઇમરજન્સી રિસ્પોન્સ ટ્રેઇનીંગ સેન્ટરનું ઉદઘાટન કરતાં ગુજરાતમાં પેટ્રોલિયમ અને કેમિકલ્સ સેકટરોના વિકાસની સાથે આપત્તિ વ્યવસ્થાપન તંત્રોને પણ આધુનિક અને ટેકનોલોજીકલી સુસજ્જ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ હેતુસર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલને પ્રોત્સાહિત કરવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
આપત્તિ વ્યવસ્થાપન માટેના તત્કાલ બચાવ પ્રતિસાદનું પ્રશિક્ષણ આપવાના ઇમરજન્સી રિસ્પોન્સ ટ્રેઇનીંગ સેન્ટરનું આજે મુખ્યમંત્રીશ્રીએ વડોદરાથી ૨૦ કી.મી. દૂર વાઘોડીયા તાલુકાના નવાગામા ખાતે ઉદઘાટન કર્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેકટરમાં ખાનગી કંપની તરીકે કાર્યરત ચેકમેટ સર્વિસીઝની ઇન્સ્ટિટયુટ ઓફ ફાયર સેફટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટડી દ્વારા આ ઇમરજન્સી રિસ્પોન્સ ટ્રેઇનીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અમેરીકાની નેવાડા યુનિવર્સિટીની ફાયર સાયન્સ એકેડેમી સાથે IFSDMS દ્વારા સહભાગીદારીથી એશિયાભરમાં આ પ્રકારની આપત્તિ વ્યવસ્થાપનની આધુનિકત્તમ તાલીમ પહેલીવાર ગુજરાતમાં શરૂ થઇ છે.
વિકાસની સાથે સંકટો સામે સુરક્ષાના સ્વાભાવિક પડકારો વધતા રહે છે પરંતુ આફતોના નુકશાનની અસરો નિયંત્રીત કરવાના પ્રયાસો પણ ગુણાત્મક પરિવર્તનથી સફળ થઇ શકે છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના મહાભયાનક ભૂકંપની આપત્તિને અવસરમાં પલટાવીને સમગ્ર દેશમાં પહેલો આપત્તિ વ્યવસ્થાપન કાનુન બનાવ્યો તેની ભૂમિકા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપતાં આપત્તિ વ્યવસ્થાપન અને નિવારણની આદર્શ ગણી શકાય એવી વ્યવસ્થા વિકસાવી છે, તેમ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકા અને મહાનગરપલિકાઓને આધુનિક આપત્તિ વ્યવસ્થાપન સંસાધનોથી સુસજ્જ કરી છે. આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સાર્વજનીક – ખાનગી ભાગીદારીનું મોડલ અપનાવીને આ ક્ષેત્રમાં સામાન્ય માનવીની જીંદગીની સુરક્ષા કરવાની તાલીમ ફાયર સેફટી ક્ષેત્રે માનવ સંસાધન વિકાસ માટેની નવી ટેકનોલોજી અપનાવવા માટે તેમણે IFSDMS ને અભિનંદન આપ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીએ આ ઇન્સ્ટિટયુટનું નિરીક્ષણ કરી ઇન્સ્ટિટયુટની સવલતો અને આધુનિક ટેકનોલોજીના વિનિયોગની નવીન પદ્ધતિઓ નિહાળી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓ, ઇન્સ્ટિટયુટના પદાધિકારીઓ તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.


