પ્રિય મિત્રો,

આ સમય છે વિતેલા વર્ષને વિદાય આપવાનો અને આવનારા વર્ષનાં અભિવાદનનો.  ૨૦૧૧ માં હર્ષ અને ખેદની અનેક ઘટનાઓ બની જે ૨૦૧૨ માટે આશા અને આશંકાઓ લઈને આવી છે. આ સમયે મને લાગે છે કે વિતેલા વર્ષમાં બનેલી ઘટનાઓની યાદ તાજી કરવી આપણા માટે ઉપયોગી બની રહેશે.

વર્ષ ૨૦૧૧ નું વર્ણન જો એક શબ્દમાં કરવું હોય તો એ શબ્દ છે: જનક્રાંતિ. ટાઈમ મેગેઝિન 

પર્સન ઓફ ધી યર
 નો ખિતાબ જાહેર કરતું હોય છે. વર્ષ ૨૦૧૧ માટે તેણે ‘ધી પ્રોટેસ્ટર’ એટલે કે એક આમ આદમીમાં પ્રગટેલા ‘વિદ્રોહી’ ને પર્સન ઓફ ધી યર નું બિરુદ આપ્યુ. વિતેલું વર્ષ કોઈ એકાદ વ્યક્તિનાં સામર્થ્યનું નહોતું પણ જનતાનાં સામૂહિક સામર્થ્યનો અંદાજ આપણને જોવા મળ્યો. લોકોની, ખાસ કરીને યુવાનોની અપેક્ષાએ ખરી ન ઉતરી હોય એવી સરકારોને લોકોનાં વિરોધનો પરચો મળ્યો. જનસમૂહની સામૂહિક ચેતનાએ વર્ષોથી અચલિત એવી જનવિરોધી સત્તાઓ સામે પડકાર ફેંક્યો. આરબ દેશોમાં ઈજિપ્તથી લઈને મિડલ ઈસ્ટ અને છેવટે ગ્રીસમાં પણ આર્થિક મંદીને લઈને લોકોનો વિદ્રોહ જોવા મળ્યો. માનવજાતની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ગાજેલ વિદ્રોહનાં પડઘમ આપણને આત્મમંથન કરવા મજબુર કરે છે.

૨૦૧૧ માં જનસામાન્યમાં ઉઠેલી વિરોધની આંધીની વાત હોય તો ઘરઆંગણે બનેલી ઘટનાઓને કેવી રીતે વિસરી શકાય? વિશ્વભરમાં બનેલી ચળવળની ઘટનાઓમાં એક યા બીજી રીતે આપણો દેશ આગળ પડતો રહ્યો છે. આપણા માટે ગર્વની વાત તો એ છે કે દુનિયાભરની જનક્રાંતિઓમાં મોટાભાગની જનક્રાંતિઓ અહિંસક હતી. મહાત્મા ગાંધીજીને એથી મોટી શ્રધ્ધાંજલિ બીજી શું હોઈ શકે કે હજી આજે પણ જ્યારે દુનિયાભરની યુવાશક્તિ બંડ પોકારે છે ત્યારે ગાંધીચીંધ્યા રસ્તે ચાલવા પ્રેરાય છે. પછી તે આઝાદીની લડાઈ હોય કે ગુજરાતમાં તત્કાલિન સત્તાશાહી સામે પડકાર ફેંકતું ૧૯૭૪નું નવનિર્માણ આંદોલન હોય કે પછી ૧૯૭૫ નો કટોકટીકાળ હોય જ્યારે લોકશાહી મૂલ્યો સામે પેદા થયેલા ખતરા વિરુધ્ધ વિદ્રોહ ઉભો થયો હતો, ભારતે કાયમ અહિંસક વિદ્રોહની તાકાત દુનિયા સામે પૂરવાર કરી બતાવી છે.

ગત વર્ષે ભારતભરમાં લોકોની ચેતનાને પ્રજ્વલિત કરતું વિરોધનો વંટોળ ફરી વળ્યો. માંદા અર્થતંત્ર અને નબળા શાસન જેવા પરિબળો ઉપરાંત આ વર્ષ દરમ્યાન સત્તાનાં સૂત્રો દ્વારા સમવાય માળખા પર ગંભીર પ્રહારો થતા જોવામાં આવ્યા, જેણે દેશનાં લોકોને નિરાશ અને અધીરા બનાવી મૂક્યા. દેશનાં દરેક ગલી અને ખૂણામાં પ્રવર્તમાન કેન્દ્ર સરકારની ક્ષતિઓ તેનાં અનિર્ણાયક સરકારી શાસન અને અસમર્થતાની વાતો ચાલી. દેશભરમાં ફૂંકાયેલ વિરોધની આંધી આ તથ્યનું સમર્થન કરે છે.

પણ મુશ્કેલીનાં આ સમયમાં પણ એવી કેટલીક બાબતો છે જે આપણા માટે આશાનાં કિરણ સમાન છે. અતિશય નિરાશામાં સરી પડવાનાં બદલે કે અતિશય ટીકાત્મક બનવાનાં બદલે આપણે આ બાબતોને અવસર તરીકે જોવી જોઈએ. મારી ચીન મુલાકાત દરમ્યાન, હાલનાં વૈશ્વિક મંદીનાં કાળમાં એશિયા કેવી રીતે દુનિયાનું ગ્રોથ-એન્જિન બની શકે એમ છે તે અંગે મેં વાત કરી. પશ્ચિમનાં દેશોમાં મૂડીવાદના વળતા પાણી ભારત માટે એક અવસર સમાન છે -  આ અવસર છે વિકાસનો, દુનિયાને આગેવાની પૂરી પાડવાનો અને દેશનાં લાખો લોકોને ગરીબીની ગર્તામાંથી બહાર લાવવાનો.

મિત્રો, તમામ જનઆંદોલનો માત્ર વિદ્રોહ સ્વરૂપે જ આકાર લે છે તેમ કહી શકાય નહિ. હું મારી જાતને નસીબદાર સમજું છું કે જનઆંદોલનનાં એક હકારાત્મક સ્વરૂપને નિહાળવાની તક મને મળીસૌનો સાથ, સૌનો વિકાસનાં મંત્ર સાથે આવા જ એક અનોખા આંદોલને ગુજરાતમાં આકાર લીધો, જેમાં સહિયારા પુરુષાર્થથી વિકાસનાં લાભ દરેક નાગરિક સુધી પહોંચાડવાની ખેવના જોવા મળી. ગુજરાતમાં આપણું વિકાસનું મોડેલ ત્રણ Sઉપર આધારિત હતું  Speed, Scale અને Skill, જેમાં આ વર્ષે આપણે ચોથો
સદભાવનાનો
 S ઉમેર્યો. ગુજરાતનાં વિકાસનો પરિચય દુનિયાને કરાવવા માટે એકત્રિત જનશક્તિને જોઈને હું ભાવવિભોર બની ગયો. રાજ્ય સરકારનાં મંત્રીશ્રીઓ સહિત સમગ્ર વહીવટીતંત્રનાં ટોચનાં અધિકારીઓએ ગામેગામ જઈને લોકોને તેમની દિકરીઓને શિક્ષણ આપવાનું આહવાન કર્યું, જેણે વિકાસનાં આ જનઆંદોલનને વેગ આપ્યો. ખેલમહાકુંભ ૨૦૧૧ માં ક્રિકેટની રમતમાં વિક્રમી જુમલો નોંધવનાર એક વિકલાંગ દિકરીની વાત એક સર્વસમાવેશક જનઆંદોલનનાં પુરાવા સ્વરૂપ હતી. આ કિસ્સાઓ મને યુવાપ્રતિભાઓનાં મહેરામણને બિરદાવવાની અને તેઓ દેશનાં વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકે તેવું વાતાવરણ ઉભુ કરવા માટે વધારે પુરુષાર્થ કરવાની પ્રેરણા પૂરી પાડે છે.

આપણી લોકશાહી હજી યુવાવસ્થામાં છે અને સુદ્રઢ પણ છે. આજે દેશ જ્યારે સંખ્યાબંધ આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યો છે ત્યારે મને વિશ્વાસ છે કે આપણે ભૂતકાળની જેમ આ વખતે પણ વધુ મજબુત બનીને બહાર આવીશું. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મતિથિ નિમિત્તે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૨ ને યુવાશક્તિ વર્ષ તરીકે ઉજવવાનું આયોજન કર્યું છે. જો યુવાશક્તિને પાંગરવાનો અવસર ન મળે તો આપણો વિકાસ પૂર્ણ ન કહેવાય. મને ખાતરી છે કે ‘યુવાશક્તિ વર્ષ’ યુવા પ્રતિભાઓ માટે ઝળકવાનો અવસર બની રહેશે.

૨૦૧૧નું વર્ષ આપણા માટે એક સ્પષ્ટ સંદેશ લઈને આવ્યું છે, કે જનશક્તિ જરૂરી તો છે પણ દેશની કાયાપલટ માટે પર્યાપ્ત નથી. જનશક્તિને જો સુશાસનનો સહકાર મળે તો જ સાચો અને લાંબાગાળાનો વિકાસ સાધી શકાય. જનશક્તિ અને સુશાસન  આ બંને ભેગા મળે તો ભલભલા લક્ષ્યાંક પાર પાડી શકાય, પછી એ ભ્રષ્ટાચાર-નાબુદી હોય કે કુપોષણ અને નિરક્ષરતાથી મુક્તિ. આપણા માટે અને આવનારી પેઢીઓ માટે એક ઉન્નત ભવિષ્યનાં નિર્માણનું સામાર્થ્ય તેમાં છે. ગુજરાતમાં સુશાસન, વિકાસ અને સોહાર્દ જેવા પરિબળોએ છ કરોડ ગુજરાતીઓનાં સામર્થ્યને બુલંદ બનાવ્યું છે. મને આશા છે કે ભારતીયો તરીકે આપણે આ વિકાસગાથાનું પુનરાવર્તન ભારત દેશ માટે પણ કરીશું. ૨૦૧૧નું વર્ષ જનસમૂહનાં વિદ્રોહની તાકાત પૂરવાર કરનાર નીવડ્યું. ૨૦૧૨નું વર્ષ સૌનો સાથ, સૌનો વિકાસ નાં મંત્રથી જનસમૂહનાં સહકારની તાકાત પૂરવાર કરે એવી કામના કરીએ.

આપને અને આપના પ્રિય સ્વજનોને હું વર્ષ ૨૦૧૨ની શુભકામનાઓ પાઠવું છું.  પરમશક્તિમાન પરમેશ્વરનાં આશિષથી નવા વર્ષમાં આપનું આંગણ ખુશીઓ અને સફળતાઓથી છલકાઈ ઉઠે એજ અભ્યર્થના.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative

Media Coverage

From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.