રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ આજે ગુજરાતના યશસ્વી સ્વર્ણિમ જયંતી સમારોહના સાંસ્કૃતિક સમાપન અવસરે બહુરત્ના ગુર્જરભૂમિના યુગદ્રષ્ટા મહાપુરૂષોએ આધુનિક ભારતના નિર્માણમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને અમૂલ્ય ગણાવ્યું હતું.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ જયંતીનું સમાપન એ ગુજરાતના સ્વર્ણિમ યુગના શિલાન્યાસ તરીકે ગણાવતાં જણાવ્યું કે, ગુજરાત પૂરી તાકાતથી લોકતાંત્રિક માર્ગે વિકાસને નવી ઊંચાઇ ઉપર લઇ જવા પ્રતિબદ્ધ છે પરંતુ કોઇ ઝૂલ્મની સામે ઝૂકવાનું નથી. આગામી દિવસોમાં હું પૂરી તાકાતથી જનતા જનાર્દનના સહયોગ અને વિશ્વાસથી ગુજરાતના વિરોધીઓ સામે લડાઇ લડીશ.
રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજી
ગુજરાતના રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે, બહુરત્ના ગુર્જરભૂમિએ ધણા યુગદ્રષ્ટા મહાપુરૂષોને જન્મ આપ્યો છે જેમણે આધુનિક ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી ગુજરાતને ગૌરવાન્વિત કર્યું છે.
ર્ડા. શ્રીમતી કમલાજીએ કહ્યું હતું કે, પ્રાતઃ સ્મરણીય પૂ. મહાત્મા ગાંધી, અર્વાચિન ભારતના ધડવૈયા લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાન સ્વતંત્રતા સેનાની દાદાભાઈ નવરોજી, પ્રખર લોકનેતા ઇન્દુલાલ યાજ્ઞિક તથા મહાન સમાજસુધારક રવિશંકર મહારાજ જેવી મહાન પ્રતિભાઓએ ગુજરાતના વિકાસને નવો આયામ આપ્યો છે અને તેમના પ્રયાસોના ફલસ્વરૂપ ગુજરાત આજે વિકાસની નવી ઉંચાઇઓએ પહોંચી શકયું છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિના સમાપનનો આ અવસર રાષ્ટ્ર અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે સમર્પિત થવા અને પ્રશાસનના પ્રયાસોમાં સહભાગી બનવાનો છે.
ગુજરાતના નાગરિકોને શાંતિ, એકતા, બંધુત્વ ભાવ તથા વિકાસની લગનની સાથે રાષ્ટ્ર અને રાજ્યને સિદ્ધિઓની નવી ઉંચાઇઓ સુધી પહોંચાડવા માટે તેમનું શ્રેષ્ઠ યોગદાન આપવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત માટે ૧લી મે નું ઐતિહાસિક મહત્વ છે. ૧૯૬૦માં આજ દિવસે રાજ્યની વિકાસયાત્રાનો પ્રારંભ થયો હતો. ગત પ૦ વર્ષોનું જો વિહંગાવલોકન કરવામાં આવે તો તે સ્પષ્ટ થશે કે પૂ. રવિશંકર મહારાજ જેવા મનીષિના આશીર્વાદથી પ્રારંભ થયેલ ગુજરાતની અત્યાર સુધીની વિકાસયાત્રા અત્યન્ત ઉત્સાહવર્ધક રહી છે.
ગુજરાતના સર્વાંગી વિકાસની આપણી તમામ કલ્પનાઓ સાકાર બને તથા આપણું ગુજરાત દેશમાં શક્તિશાળી, સમૃદ્ધ અને આદર્શ રાજ્યોની પંકિતમાં હંમેશા અગ્રેસર રહે તેવી રાજ્યપાલશ્રીએ હાર્દિક શુભકામનાઓ આપી હતી.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાતની જનતા જનાર્દનને સંપૂર્ણ નિધારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત ઝૂલ્મ સામે ઝૂકવા હરગીજ તૈયાર નથી. લોકતાંત્રિક માર્ગે પૂરી તાકાતથી ગુજરાતની જનતાના સમર્થનથી તેઓ આગામી દિવસોમાં ગુજરાતને વિકાસની નવી ઊંચાઇ ઉપર લઇ જવાની પ્રતિબદ્ધતા સાથે જાૂલ્મ સામેની લડાઇ લડશે.
સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણીમાં પૂરી તાકાત અને સામર્થ્યથી પુરૂષાર્થપૂર્વક યોગદાન આપનારા સહુને અભિનંદન અને શુભેચ્છા પાઠવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતની છ કરોડની નાગરિક શક્તિની બાર કરોડ ભૂજા શું કરી શકે છે તેનો અહેસાસ દુનિયાએ કર્યો છે. કેટકેટલા વિક્રમો અને કીર્તિમાનો આ જનશક્તિના સાક્ષાત્કારના પર્વમાં આપણે પ્રાપ્ત કર્યા એ જ બતાવે છે કે, ગુજરાતની વિકાસની કેટલી ઊંચાઇ ઉપર પહોંચી શકે છે.
મુખ્ય મંત્રીશ્રીએ કર્મયોગી વહીવટીતંત્રના ચપરાશીથી ચીફ સેક્રેટરી સુધીના તમામ કર્મયોગીઓએ સાડા પાંચ લાખની સંખ્યામાં ગુજરાતની જનતાની સેવા અને વિકાસ માટે હરેક પળ ખર્ચી છે તેનો અભિનંદન સહ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની અન્ય રાજ્યો ઇર્ષા કરે છે પણ ગુજરાતની આ પ્રગતિ આ કર્મયોગીઓની અગિયાર લાખ ભૂજાઓની કમાલ છે.
કેટલાક લોકો સવાર-સાંજ બીજું બધુ ભૂલી જાય છે પરંતુ મોદીનું ૧૦૮ વાર નામ જપે છે. આવા લોકો ગુજરાતના વિકાસની ટીકા કરે છે. પરંતુ આ સરકારે સ્વર્ણિમ જયંતી અવસરે જે બે પુસ્તકો પ્રકાશિત કર્યા છે તેમાં છેલ્લા પચાસ વર્ષમાં બધી જ સરકારોએ જે જે કાર્યો કર્યા છે તેની સત્તાવાર સિદ્ધિઓની નોંધ વિધાનસભા અંદાજપત્ર સત્રોના બધા રાજ્યપાલશ્રીઓના પ્રવચનોમાં ગ્રંથસ્થ થઇ છે એ જ બતાવે છે કે આ સરકાર ભાજપના શાસનને નહીં પણ પચાસ વર્ષની સરકારોને કેટલું મહત્વ આપે છે. અમે ઇચ્છયું હોત તો માત્ર દશ વર્ષના રાજ્યપાલશ્રીઓના પ્રવચનો જ પ્રકાશિત કર્યા હોત પણ અમારું ધ્યેય સ્પષ્ટ છે. ગુજરાતના વિકાસમાં પચાસ વર્ષની સરકારોનું યોગદાન છે તેવું સ્વર્ણિમ જયંતી વર્ષના પ્રારંભે જ અમે સ્પષ્ટ કરી દીધું હતું. ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદીએ કર્યો છે એવો દાવો અમે કયારેય કર્યો નથી. ગુજરાત વિકાસની ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યું છે અને તેમાં છ કરોડ ગુજરાતીઓનો સહિયારો પુરૂષાર્થ છે એવું સરાજાહેર કહેતા રહ્યા છીએ.
ગુજરાતને કોઇનું પ્રમાણપત્ર મળે કે ના મળે, સત્ય આપોઆપ પ્રગટતું જ હોય છે. ગુજરાતની ટીકા કરનારા માટે ગુજરાતનો વિકાસ જ તેનું ઉત્તમ પ્રમાણપત્ર છે. સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણીનું સમાપન થયું તે તેનો, ગુજરાતના સ્વર્ણિમ યુગના નિર્માણનો વિરોધ કરવાની પણ એક સીમા હોય છે. સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં અમે સહુને સાથે રાખીને ચાલવાની નેમ રાખી છે પણ વિરોધ કરનારા હજારો મોદીનો વિરોધ કરશે, સેંકડો લોકો મોદીને હેરાન પરેશાન કરવા રાત-દિવસ ઉજાગરા કરે છે પણ મોદી ના તો કદી ઝૂકયો છે, ના તો કદી ઝૂકવાનો છે, એમ તેમણે જનતા જનાર્દનના તાળીઓના સમર્થન સાથે મક્કમ નિર્ધારપૂર્વક જણાવ્યું હતું.
ગુજરાતના વિકાસને નવી ઊંચાઇ ઉપર લઇ જવો છે. લોકતંત્રના માર્ગે ગુજરાતનો વિરોધ કરનારાને જનતા સમક્ષ આવવા તેમણે આહ્વાન કર્યું હતું.
આગામી દિવસોમાં હું પૂરી તાકાતથી ગુજરાત ઉપર ઝૂલ્મ કરનારા સામે લડાઇમાં ઉતરવાનો છું. આ લોકતંત્ર છે અને લોકતંત્રના માર્ગે એમણે પડકાર કર્યો હતો કે, ગુજરાત હવે ઝૂલ્મ સહન કરવા હરગીજ તૈયાર નથી. લોકતાંત્રિક માર્ગે ગુજરાત માટે લડવા હું પ્રતિબદ્ધ રહેવાનો છું. આપે મારા ઉપર જે વિશ્વાસ મુકયો છે તેના ભરોસે જ હું જીવું છું, દોડું છું, ગુજરાતની સેવામાં જીવું છું અને મરતે દમ તક ગુજરાત માટે જ હર ક્ષણ કાર્યરત રહેવાનો છું, એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અડગ પ્રતિબદ્ધતાના સ્વરમાં જાહેર કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ તેમની સરકાર ગરીબોના ભલા માટે ગરીબોના કલ્યાણ માટે સદાય કાર્યરત રહેશે એમ જણાવી સ્વર્ણિમ યુગના આરંભ માટે જનતા જનાર્દનના પુરૂષાર્થ માટે આહ્વાન કર્યું હતું.
સ્વર્ણિમ જયંતી ઉજવણી સમાપન સમારોહના આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ પ૦ ગોલ્ડન મોમેન્ટસ ઓફ સ્વર્ણિમ ગુજરાત સેલિબ્રેશન નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. જયારે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સ્થાપના વર્ષથી અત્યાર સુધીના પ૦ વર્ષોમાં ગુજરાતના વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીઓ દ્વારા આપવામાં આવેલા વક્તવ્યો-સ્પીચને ત્રણ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવેલાં તેનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, રાજ્યસભાના વિરોધપક્ષના નેતા શ્રી અરૂણ જેટલી, રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો, સાંસદો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેનશ્રીઓ, પૂર્વ મુખ્ય મંત્રી શ્રી કેશુભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત સંતો-મહંતો સહિત બહોળી સંખ્યામાં વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો અને આગેકદમ ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમને મનભરી માણ્યો હતો.