છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટર૦૧૩નો શાનદાર પ્રારંભ
વિશ્વના ૧ર૦થી અધિક દેશોના ડેલીગેશનો માટે મહાત્મા મંદિરઃ
ગાંધીનગર બન્યું ગ્લોબલ બિઝનેસનોલેજ પાર્ટનરશીપનું વાઇબ્રન્ટ ડેસ્ટીનેશન
ગુજરાત : સપના અને સંકલ્પના દર્શનનો સાક્ષાત્કાર કરાવે છે
વિવિધ સંસ્કૃતિઓ અને સમાજોની વિકાસમાં સહભાગીતાનું સમૂહ ચિન્તનઃ ગુજરાત એક્ષ્પરિમેન્ટ વૈશ્વિક અર્થતંત્રમાં સકારાત્મક વાતાવરણ સર્જવામાં સફળ થયો છે
આધુનિક વિકાસ માટે ત્રણ આધાર સ્થંભો SCALE-SKILL AND SPEED
વૈશ્વિક મંદીના વાતાવરણમાં પણ ગુજરાતે પોતાનો વિકાસ દર સાતત્યપૂર્વક જાળવી રાખ્યો છે ગુજરાતની સામૂહિક શક્તિના વિકાસના સામર્થ્યની પ્રતીતિ દુનિયાએ કરી છે
પાવર ઓફ ટેકનોલોજી, પાવર ઓફ નોલેજ, પાવર ઓફ યુથફોર્સ દુનિયાને બદલી શકશે
ગ્લોબલ ઇવેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન નથીઃ ઇનોવેટર્સ અને ઇન્ટરપ્રિનિયોર્સ માટે ઇન્કયુબેટર બની રહી છે
ગુજરાત આધુનિક વિકાસની દીવાદાંડી
વિકાસ અને માનવજાતના કલ્યાણના નીતિ નિર્ધારકો માટે ગુજરાત દિશાદર્શક
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક ગુજરાતની અનુભૂતિ કરાવતી છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના શાનદાર પ્રારંભ પ્રસંગે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો કે, વિકાસ અને માનવજાતના કલ્યાણ માટેના નીતિનિર્ધારકો માટે આ ગ્લોબલ સમિટ દિશાદર્શક બની ગઇ છે. ર૧મી સદીમાં વૈશ્વિક પડકારોને અવસરમાં બદલવા અને ટેકનોલોજી તથા નોલેજમાં પાર્ટનરશીપ વિસ્તારવા ગુજરાતની આ પહેલ વિશ્વ સમસ્તના અર્થતંત્રને વિશ્વાસનો અને સકારાત્મક સંદેશ આપે છે, એમ તેમણે જણાવ્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં આજથી વાઇબ્રન્ટ ગુજરાતની આ વૈશ્વિક ઘટનાએ ઇતિહાસ રચ્યો હતો. વિશ્વના ૧ર૦ દેશોમાંથી આવેલા ડેલીગેશનો માટે ગુજરાત, નોલેજ અને બિઝનેસ પાર્ટનરશીપ માટેનું ગ્લોબલ ડેસ્ટીનેશન બન્યું છે. મહાત્મા મંદિરના વિશાળ કન્વેન્શન પ્લેનરી હોલમાં દુનિયાના દેશોની સરકારોના ઉચ્ચ પ્રતિનિધિ અને પદાધિકારીઓ અને ડેલીગેશનો ઉપરાંત વિદેશમાંથી પ્રતિષ્ઠિત અને ગણમાન્ય આંતરરાષ્ટ્રીય ઉદ્યોગવ્યાપાર જગતના વરિષ્ઠ અગ્રણીઓ, કંપની સંચાલકો અને તજજ્ઞોના ડેલીગેશનો ઉપસ્થિત રહયા હતા.
વૈશ્વિક વિકાસના સપના અને સંકલ્પોના દર્શનનો સાક્ષાત્કાર કરાવતા ગુજરાતના સામર્થ્ય અને ક્ષમતાની પ્રતીતિ કરાવતી આ ગ્લોબલ સમિટમાં સહભાગી બનેલા સહુ દેશવિદેશના વરિષ્ઠ પદાધિકારીઓ ઉત્તમ આયોજનથી પ્રભાવિત થયા હતા. મુખ્ય મંત્રીશ્રીએ ગ્લોબલ સમિટમાં દેશવિદેશના તમામ ડેલીગેશન અને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું કે, વૈશ્વિકરણની આ ર૧મી સદીમાં વિકાસ માટેની સહભાગીદારી માટેનો આ સાચો માર્ગ છે. આપણે સૌએ વિવિધ સંસ્કૃતિ અને સમાજોને માનવજાતના વધુ ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના સમાન સંવેદનાના હેતુ સાથે સમૂહ ચિંતન હાથ ધર્યું છે. ક્રોસકલ્ચર પાર્ટનરશીપનો આ ગુજરાત એક્ષ્પરીમેન્ટ વિશ્વના અર્થતંત્રને સકારાત્મક વિશ્વાસ પૂરો પાડશે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમય હતો જયારે ગુજરાતીઓએ દરિયાપાર દુનિયામાં જઇને પોતાનું ઘર બનાવ્યું હતું. ર૧મી સદીમાં ગુજરાતની એ કોશિશ રહી છે કે આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે.

મહાત્મા ગાંધીની ભૂમિ ઉપર ૧પ૦મી સ્વામી વિવેકાનંદ જયંતિના અવસરે ગુજરાત ‘‘વસુધૈવ કુટુંબકમ્’’ની ભારતીય સંસ્કૃતિની અનુભૂતિ કરાવી રહયું છે તેવો ભાવાત્મક આવકાર આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતની આ ગ્લોબલ સમિટનું આંતરરાષ્ટ્રીય અવસરમાં દશ જ વર્ષમાં રૂપાંતર થયું છે. જાપાન અને કેનેડા પ્રણાલીરૂપે ફરીથી પાર્ટનર કન્ટ્રી બન્યા છે એની સાથોસાથ વિશ્વના વિકાસ માટેનું ચિંતન ધરાવતા અનેક દેશો અને મહાનુભાવોએ આ સમિટને નવી ઊંચાઇ અને પ્રતિષ્ઠા આપી છે. ભારતમાં સૌથી મોટું વૈશ્વિક વ્યાપાર પ્રદર્શન ગ્લોબલ ટ્રેડ શો એક લાખ ચોરસ મીટરના પરિસરમાં વિશ્વભરના બજારઉત્પાદનોની ધબકતી ગતિવિધિઓનું આકર્ષણ બની ગયું છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષેાથી વૈશ્વિક મંદીના વાતાવરણમાં દુનિયાના સામાજિકઆર્થિક જીવન ઉપર વિપરીત અસરો થઇ છે એવા સમયે પણ ગુજરાતે ગ્લોબલ સમિટના સફળ માધ્યમ દ્વારા વિશ્વના અર્થતંત્રને સકારાત્મક સંદેશો અને વિશ્વાસ પૂરો પાડવાની કવાયત કરી છે. એના વિધેયાત્મક પરિણામોની અનુભૂતિ સહુને થશે. ભારતની આર્થિક પ્રગતિમાં ગુજરાતના નિર્ણાયક યોગદાનની ભૂમિકા તેમણે આપી હતી. ગુજરાતે વિકાસના મોડેલથી જીવનની ગુણવત્તા ઉંચે લાવવાની કાર્યસિદ્ધિઓ દર્શાવી છે. ગુજરાતીઓની અનોખી ઉદ્યોગ સાહસિકતા અને રાજ્ય સરકારના પ્રોએકટીવ ગુડગવર્નન્સની પોલીસીઓ પરિણામલક્ષી રહી છે.
‘‘આપણા સહુનું ધ્યેય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનું અને માનવ સમાજજીવનને ગુણવત્તાસભર બનાવવાનું છે. આ ગ્લોબલ સમિટના પ્લેટફોર્મ દ્વારા આપણે આપણી સામૂહિક પ્રતિબદ્ધતા વ્યકત કરીએ છીએ’’ એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. ગુજરાત સૌને ભેગા કરવાનું, ભેગા રાખવાનું અને સૌનો સાથ લઇને સમૂહશક્તિથી વિકાસ માટે કાર્યરત રહેવાનું સમાજસંસ્કારનું ધ્યેય ધરાવે છે એનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક વિશ્વના વિકાસ માટેના ત્રણ આધારસ્થંભ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે SCALE-SKILL AND SPEED ના ત્રણ આવિષ્કારોથી આપણે સામૂહિક શક્તિથી આવતીકાલની પેઢીઓનું વિશ્વ તૈયાર કરવાનું છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ઇતિહાસનો બોધપાઠ એ છે કે શોષણ આધારિત અર્થવ્યવસ્થા કામિયાબ બનતી નથી. કુદરતી સંસાધનો, માનવજાત, વંચિતોના શોષણને બદલે જનશક્તિને વિકાસમાં ભાગીદાર બનાવીને ર૧મી સદીમાં શોષણવિહિન અર્થનીતિની આ ગ્લોબલ સમિટ છે. ગુજરાતની આ ગ્લોબલ સમિટ આર્થિક નીતિ નિર્ધારકો માટે દિશાદર્શક બની રહેવાની છે. મુખ્ય મંત્રીશ્રીએ ટેકનોલોજી, નોલેજ અને યુથફોર્સની પાવરશક્તિનું સામર્થ્ય ધરાવતા ભારતમાં વિકાસના વિરાટ સામર્થ્યને ઓળખ આપવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતના વિકાસ મોડેલથી કરોડોના માનવીય ચહેરા ઉપર ખુશી દેખાય છે અને હવે ગુજરાત બીજી ઉડાનમાં મેન્યુફેકચરીંગ, સર્વિસ અને એગ્રીકલ્ચર સેકટરને નવી ઊંચાઇ ઉપર લઇ જવા માંગે છે. ગુજરાતે વિશ્વકક્ષાના માળખાકીય સુવિધા વિકાસ માટે ઊંચી ઉડાન ભરી છે. વિશ્વસ્તરના ઇન્વેસ્ટમેન્ટ રિજીઅન અને સ્માર્ટ સીટીઝના આયોજનો અમલમાં મુકયા છે. પોર્ટ, રોડ, બ્રોડ બેન્ડ કનેકટીવિટી, રેઇલ લોજિસ્ટીક કોમ્યુનિકેશન નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, એજ્યુકેશન, ટુરીઝમ જેવા તમામ મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રકચર ગુજરાત સાકાર કરી રહયું છે. ગુજરાતે દેશની સમસ્યાઓના સમાધાન માટે પાયાનું ચિંતન કરીને અનેક નવા આયામો સફળ બનાવ્યા છે તેની રૂપરેખા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસમાં જનશક્તિને જોડીને પ્રગતિમાં ભાગીદાર બનાવવાની નીતિ ફળદાયી રહી છે.
ગુજરાત વિકાસ માટેની ઉર્વરા ભૂમિ છે તેમાં ભાગીદારી માટેનું આકર્ષણ વધતું રહયું છે તેનો આવકાર્ય પ્રતિભાવ આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભૂભાગના લોકેશન એડવાન્ટેજ ઉપરાંત ગુડગવર્નન્સ પ્રોએકટીવ પોલીસીઓ, ટેકનોલોજી વિનિયોગથી વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરની વિકાસ સિદ્ધિઓએ ગુજરાતને ગ્લોબલ ગુજરાતના નકશામાં અંક્તિ કર્યું છે. વિકાસના સીમાડાથી ગુજરાત બહાર નીકળી ગયું છે એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. ગુજરાત આગામી વર્ષેામાં વિકાસની આધુનિક ગતિવિધિઓમાં લઘુ ઉદ્યોગોના મેન્યુફેકચરીંગ સેકટરને અગ્રીમતાના ધોરણે વિશાળ વ્યાપ ઉપર વિસ્તારવા માંગે છે. યુવાશક્તિને સ્કીલ ડેવલપમેન્ટથી સજ્જ કરી રહયું છે. ગુજરાત આધુનિક વિકાસ માટેની દીવાદાંડી બનવા પ્રતિબદ્ધ છે તેમ નિર્ધારપૂર્વક જણાવતા મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતની ધરતીને પોતાનું ઘર બનાવીને પોતાના સપના સાકાર કરવા માંગતા સૌ માટે ગુજરાત ઉર્વરા ભૂમિ છે, તેનો ખ્યાલ આપ્યો હતો.











