વર્ષ 2013-14નું યુપીએ સરકારનું બજેટઃ લોકોની અપેક્ષાઓ પર પાણી ફેરવતું, નિરાશાજનક અને જનહિત પ્રત્યે ઉદાસીન બજેટ

વર્ષ 2013-14ના યુપીએ સરકારના બજેટથી ફરી એકવાર સ્પષ્ટ થઇ ગયું છે કે કેન્દ્ર સરકારનું ભારતના લોકો સાથે કોઇ જોડાણ રહ્યું નથી. આ બજેટ દ્વારા યુપીએ સરકારે દેશના હિતોના ભોગે 'લોકપ્રિય' બનવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ પ્રયાસમાં સરકાર નિષ્ફળ નિવડી છે કારણકે તેને ખ્યાલ જ નથી કે લોકોને શું જોઇએ છે. વળી, દેશનો વિકાસદર વધે તે માટેના પગલાંઓનો અભાવ આ બજેટમાં જોવા મળે છે. 12મી પંચવર્ષિય યોજના અને આ બજેટ વચ્ચે કોઇ સમન્વય નથી. નાણાકીય ખાદ્ય 5.9 ટકાએ પહોંચી છે અને હજી આ આંકડો પ્રતિવર્ષ ઊંચો જઇ રહ્યો છે ત્યારે ખાદ્ય ઘટાડવા માટે સરકારની કોઇ પ્રતિબદ્ધતા દેખાતી નથી. દેશની સમસ્યાઓ દૂર કરવા અંગે જે વાયદાઓ સરકારે ગત બજેટમાં કર્યાં હતાં તેને પૂરા કરવા માટેની પણ કોઇ દિશા આ બજેટમાં જણાતી નથી. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે ત્યારે યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીના સર્જન માટેની દિશાનો પણ અભાવ આ બજેટમાં જોવા મળે છે. યુપીએની વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ હોવા છતાં પણ દેશ માટે કંઇક સારું કામ કરી બતાવવાનો અવસર સરકારે ગુમાવી દીધો છે.

દેશની સમસ્યાઓના નિવારણ માટે યુપીએના બજેટમાં સ્પષ્ટ નીતિઓનો અભાવ. વોટબેંકની લાલચમાં યુપીએ સરકારે એક ઢીલુંઢાલું બજેટ આપ્યું છે. લોકપ્રિય બની રહેવાની ચિંતામાં સરકારે દેશના મુખ્ય આર્થિક પ્રશ્નોની ઉપેક્ષા કરી છે. આગામી ચુંટણીઓ પહેલાનો સમય યુપીએ સલામત રીતે પસાર કરી લેવા માગતી હોય તેવું આ બજેટ જોતાં જણાઇ આવે છે. બજેટમાં યુપીએ સરકારની આ હતાશા દેખાઇ આવે છે અને એટલે જ આ બજેટે દેશના મોટાભાગના લોકોને નિરાશ કર્યાં છે.

આજે આપણો દેશ મૂશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આપણા અર્થતંત્રનું રેટિંગ ઘટવાનું જોખમ છે. આ ઉપરાંત રોજગારી અને વિકાસનો દર ઘટવાનું, તાલીમબદ્ધ કામદારોની અછત સર્જાવાનું, ચાલુ ખાતાની ખાદ્ય અને રાજકોષીય ખાદ્યમાં વૃદ્ધિ, નવા પ્રોજેક્ટ અને આંતરમાળખાકીય સેવાઓમાં થતાં મૂડીરોકાણ ઘટવાનું જોખમ પણ રહેલું છે. આ સમસ્યાઓના નિવારણ માટે શું યુપીએના બજેટમાં કોઇ જોગવાઇ છે? એક બાજુ જ્યારે નાણાપ્રધાન ભારતના અર્થતંત્રનું કદ વર્ષ 2025 સુધીમાં 5 ટ્રિલિયન યુએસ ડોલરે પહોંચશે તેવો દાવો કરે છે ત્યારે આ આંકડાની થોડી નજીક પણ પહોંચી શકાય તેવી શક્યતા દેખાતી નથી.

સાતત્યપૂર્ણ વિકાસ માટે આંતરમાળખાકીય સેવાઓમાં વધારો થાય તે અત્યંત જરૂરી છે. આંતરમાળખાકીય સેવાઓના વિકાસ માટે રૂ. 55 લાખ કરોડની જરૂર સામે સરકારે ટેક્સ ફ્રી બોન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ બોન્ડ્સ દ્વારા માત્ર રૂ. 55,000 કરોડ જેટલી રકમ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે, જેની પાછળ સરકારની નીતિપંગુતા અને પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વિલંબભરી નીતિ કારણભૂત છે. તાલીમબદ્ધ કામદારોની અછતની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં પણ આ બજેટ નિષ્ફળ રહ્યું છે. થોડાં સમય પહેલાં અમેરિકન પ્રમુખ ઓબામાએ પણ અમેરિકાને આ સમસ્યા સતાવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એક બાજુ ભારતની વિશાળ વસતી અને યુવાધનનો વિનયોગ દેશના વિકાસ માટે કરવાની વાત ચાલી રહી છે, પ્રધાનમંત્રીશ્રી પણ આ અંગે એનડીસીની બેઠકોમાં ચર્ચા કરતાં હોય છે, છતાંય આ હેતુ માટે માત્ર રૂ. 1000 કરોડ ફાળવીને આ બજેટમાં શબ્દોની માયાજાળ રચવામાં આવી છે. ગુજરાત સાથે સરખામણી કરીએ તો આ બાબત સ્પષ્ટ સમજાઇ જશે, કારણકે ગુજરાતે કૌશલ્ય વિકાસ માટે રૂ. 800 કરોડથી વધુની માતબર રકમની ફાળવણી કરી છે.

વર્તમાન સરકારનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે છે ત્યારે હવે રહી-રહીને સરકારને લાગે છે કે 'ખાદ્ય ફુગાવો ચિંતાજનક છે' અને છતાં હજૂ પણ આ ફુગાવાને નાથવા માટેનો કોઇ વ્યૂહ કે દિશા જણાતી નથી. જેના પરિણામે 'આમ આદમી'ને અનાજની અછત સહન કરવાનો વારો આવશે. વધુમાં, દેશનું કુલ બાકી દેવું જીડીપીના 40 ટકા જેટલું છે, જેને ઘટાડવા માટે આ બજેટમાં કોઇ પગલાં લેવામાં આવ્યાં હોય તેમ દેખાતું નથી. આ ઉપરાંત ખર્ચમાં કાપ મૂકવાના કોઇ પગલા પણ જાહેર કરવામાં આવ્યાં નથી. રાજકોષીય ખાદ્યને ચાલુ વર્ષમાં 5.2 ટકાએથી ઘટાડવાનો અને વર્ષ 2013-14માં 4.5 ટકા સુધી લઇ જવાનો ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો છે છતાંય તે માટે વેરાની આવકમાં વધારો કરવાના અને અસરકારક રીતે વેરાની વસૂલી માટેના કોઇ સ્પષ્ટ પગલાંઓ સૂચવવામાં આવ્યાં નથી. આથી વિકાસ માટેની રકમ ઉપર કાપ મૂકવાનો વારો આવશે. પરિણામે મૂડીરોકણ અને રોજગારીના સર્જન પર વિપરિત અસરો પડશે. વળી, આના લીધે કેન્દ્ર સરકાર રાજ્યોને ફાળવવામાં આવતા ભંડોળમાં મનસ્વી રીતે કાપ મૂકે તેવી પણ સંભાવના છે.

વિશ્વની સૌપ્રથમ જાહેરક્ષેત્રની મહિલા બેન્ક સ્થપવાની જાહેરાત પણ એક મજાક માત્ર છે. ગુજરાતમાં તો ઘણા લાંબા સમયથી મહિલાઓ માટેની સહકારી બેન્કો અસ્તિત્વમાં છે. કમનસીબે યુપીએ સરકાર તેમની પર આવકવેરો નાખે છે, જે તેમના માટે અત્યંત બોજારૂપ બને છે. આ બજેટમાં અત્યંત અગત્યના એવા આરોગ્યક્ષેત્ર અંગે પણ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આ ઉપરાંત વેરાની વસૂલાત જેવી અન્ય સમસ્યાઓ પણ છે. પરોક્ષ વેરાઓમાં સુધારણા અંગે રાજ્યો વચ્ચે એકમત સધાય તે માટે રાજ્યો લાંબા સમયથી કેન્દ્રને રજૂઆત કરી રહ્યાં છે. સીએસટીના અમલીકરણથી થતાં નુકશાનને ભરપાઇ કરવા માટે રૂ. 9000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જોકે, માત્ર ગુજરાતના જ બાકી લેણાં રૂ. 3800 કરોડ જેટલાં થવા પામે છે. આ જોગવાઇ માત્ર ટોકન જેવી અને સાવ અપુરતી છે. આનાથી જીએસટીના અમલીકરણ સામે અવરોધ સર્જાશે.

વધુમાં, ગરીબો અને મધ્યમવર્ગના લોકો માટે આવાસની અછતની સમસ્યાના નિવારણ માટે પણ આ બજેટમાં કંઇ ખાસ કરવામાં આવ્યું નથી. શહેરી અને ગ્રામ્ય આવાસ માટે રૂ. 8000 કરોડની ફાળવણી અપુરતી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના - 2ની જાહેરાત પણ આન્ધ્ર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવાં મોટાભાગના કોંગ્રેસ શાસિત રાજ્યો માટે કરવામાં આવી છે. આ યોજના કોઇને રાજકીય રીતે પક્ષપાતી લાગે તો નવાઇ નથી.

અંતે, હું એટલું જ કહીશ કે વર્ષ 2013-14નું યુપીએનું બજેટ અત્યંત નિરાશાજનક છે. આર્થિક વિકાસને વેગ આપવા, ફુગાવાને અંકુશમાં લાવવા, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા, કૌશલ્ય અને રોજગારીનું સર્જન કરવા તથા આંતરમાળખાકીય સેવાઓના નિર્માણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને યોગ્ય ન્યાય આપવામાં આ બજેટ સદંતર નિષ્ફળ નિવડ્યું છે. ટુંકમાં, સામાન્ય માણસ હજીપણ ભાવ વધારાના બોજ હેઠળ દબાતો રહેશે, યુવાનોમાં રોજગારીનો પ્રશ્ન યથાવત્ રહેશે અને મૂડીરોકાણકારો આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં અટવાયા કરશે. નવાં પ્રોજેક્ટ અને નાણાની જોગવાઇ કાગળ ઉપર તો કરી દેવામાં આવી છે, પરંતુ યુપીએનો નબળો વહીવટ અને ભ્રષ્ટાચારોની ભરમાર જોતાં આ પ્રોજેક્ટ્સ સાકાર થશે કે નહીં અને આ નાણા યોગ્ય રીતે વપરાશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે. આમ આ બજેટમાં દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટેના વિઝન અને વ્યૂહનો અભાવ જોવા મળે છે. જોકે, એમ કહી શકાય કે પ્રજાથી વિમુખ અને હતાશ એવી યુપીએ સરકાર આ દેશને ફરી એકવાર નિરાશ કરવામાં સફળ રહી છે.

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.