દિલ્હી : ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓનું સંમેલન
નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત વિકાસ પ્રસ્તુતિ કરી અને ચર્ચા સત્રોમાં ભાગ લીધો
યુપીએ સરકારની આર્થિક નીતિઓની નિષ્ફળતાએ ભારતને શકિતશાળી બનતા અટકાવ્યું
ઉઘોગ વિકાસ સાથે ગુજરાતમાં ૩૭ લાખ હેકટર ખેતીલાયક વિસ્તાર વધ્યો છે
યુપીએ સરકાર પંચાયતી રાજ ગોલ્ડન જ્યુબિલીની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે
ગુજરાતના દરિયાકાંઠે બંદર સ્થાપીને વિશ્વ વેપારના ભાગીદાર બનવા રાજયોને ઇજનઃ કોઇપણ રાજ્ય ગુજરાતમાં પોતાનું બંદર સ્થાપી શકે છે અને મેરીટાઇમ સ્ટેટ બની શકે છે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૩માં ભારતના રાજ્યો માટે ગુજરાત રોકાણ-પ્રોજેકટની વિશ્વની કોઇપણ કંપની સાથે ભાગીદારી કરવાનું બિઝનેસ પ્લેટફોમ બનશે પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતી ઉજવણીમાં ગુજરાતના સરપંચોનું મહાસંમેલન યોજાશે

તેમણે જણાવ્યું કે યુ.પી.એ.શાસિત રાજ્યોનો હજુ સુધી કોઇ પ્રતિભાવ મળ્યો નથી ત્યારે એનડીએ બીજેપી શાસિત રાજ્યોએ ગુજરાતનું આહ્વાાન ઉપાડી લઇને ગુજરાતના દરિયાકાંઠે બંદર વિકસાવીને અને વૈશ્વિક વ્યાપાર માટે દરિયાઇ માર્ગે પોતાના રાજ્ય માટે સ્ટેટ મેરીટાઇમ કંપની સ્થાપવી જોઇએ. ગુજરાત તો ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસનો સંકલ્પ કરેલો છે. ગુજરાતને સમુદ્રકાંઠો હિન્દુસ્તાનની સમૃધ્ધિનું દ્વાર બની રહ્યો છે તેનો લાભ અન્ય રાજ્ય પણ લઇ શકે છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતના પ્રો-પિપલ, પ્રો-એકટીવ, ગુડ ગવર્નન્સ અને સર્વસમાવેશક વિકાસના એક દાયકાની સફળ સિધ્ધિઓ અને તેના નવા આયામો અને પહેલરૂપ ભૂમિકા આપતી પ્રસ્તુતિ ભાજપાના આ મુખ્ય મંત્રી સંમેલનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા ખાસ રાજ્યોને આમંત્રણની રૂપરેખા આપી જણાવ્યું કે ગુજરાતની આ વૈશ્વિક પરિષદ હવે માત્ર ગુજરાતમાં મૂડીરોકાણ વધારવા કે પ્રોજેકટ ઉઘોગ વિકસાવવા પૂરતી સમિતિ નથી પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાતના સમૃધ્ધ વિકાસની શાખ એવી બની છે કે હવે ગુજરાત ગ્લોબલ ઇકોનોમીમાં બિઝનેસ હબ બની ગર્યું છે અને ગુજરાતની ભૂમિ ઉપર ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આવીને દેશનું કોઇપણ રાજ્ય દેશ કે દુનિયાની કોઇપણ કંપની, ઉઘોગો સાથે રોકાણ-ભાગીદારીના સંબંધો વિકસાવી શકે છે. એનડીએના રાજ્યોને આનો મહત્તમ લાભ લેવા તેમણે ઇજન આપ્યું હતું. હવે ગુજરાતની ગ્લોબલ સમિટ "દાઓસ ઇન એકશન' બની ગઇ છે અને ૨૦૧૧ની સમિટમાં ૧૧૦-દેશો તથા ભારતના ૧૯ રાજ્યોએ ભાગ લીધો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ આ પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતીનું વર્ષ છે પરંતુ યુપી.એ સરકાર તેની ઉજવણી કરતું નથી, જ્યારે ગુજરાતે પંચાયતીરાજને ગ્રામસ્વરાજનું અને ગ્રામ વિકાસનું સક્ષમ માધ્યમ ગણીને આખા વર્ષ દરમિયાન પંચાયતીરાજની ગરિમા ઊજાગર કરવાના કાર્યક્રમો હાથ ધર્યા છે તેના જ ભાગરૂપે, ગુજરાતની તમામ ૧૩૯૯૬ ગ્રામ પંચાયતોના સરપંચોનું મહાસંમેલન સપ્ટેમ્બરમાં યોજવામાં આવનાર છે. ગ્રામ વિકાસના ક્ષેત્રે પંચાયતી રાજ અને ગ્રામવિકાસ વિભાગોના માધ્યમથી જુદા જુદા રાજ્યોએ જે ઉત્તમ કામગીરી-સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેનું પ્રદર્શન યોજવા પણ મુખ્ય મંત્રીશ્રીએ એનડીએ રાજ્યોને નિમંત્રણ આપ્યું હતું.
ભારત સરકાર પંચાયતીરાજની સ્વર્ણિમ જયંતીનું ગૌરવ કરવા પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે એવું પ્રેરક સૂચન મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું.
ગુજરાતે દશ વર્ષમાં ઔઘોગિક વિકાસની હરણફાળ સાથે કૃષિ વિકાસમાં નિર્ણાયક વાવેતરલાયક ખેતીની જમીનમાં ૩૭ લાખ હેકટરનો વિસ્તાર વધ્યો છે તેના કારણમાં રાજ્ય સરકારની જળશકિત વ્યવસ્થાપન માટેની જનભાગીદારીનું સફળ અભિયાન, વૈજ્ઞાનિક કૃષિ મહોત્સવ અને માત્રને માત્ર પડતર, બિનઉપજાઉ ભૂમિ તથા રણ અને દરિયાકાંઠાની બંજર જમીનોમાં ઉઘોગોના વિકાસની નીતિ સફળ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ યુપીએ સરકારની આર્થિક નીતિઓની સદંતર નિષ્ફળતા અને મોંધવારી, ભ્રષ્ટાચાર દુષ્કાળની સમસ્યાઓમાં જનતાની હાડમારી દૂર કરવાની સંવેદના અને રાજકીય ઇચ્છાશકિતના અભાવને કારણભૂત ગણાવતા જણાવ્યું કે ગુજરાતે સુચારૂ નાણાંકીય વ્યવસ્થાપનથી ભૂતકાળની પ્રથમ દશ પંચવર્ષીય યોજનાઓના કુલ રૂ.૫૫,૦૦૦ કરોડની જોગવાઇઓ સામે ૧૧મી અને ૧૨મી યોજનાના ૨૦૦૧થી શરૂ થયેલા દશક માટે રૂ.૨,૫૧,૦૦૦ કરોડ ની જોગવાઇ કરે છે.
ઊર્જા ક્ષેત્રે ગુજરાતે કેનાલ બેઇઝ સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પાદનનો નવા માર્ગ વિશ્વને બતાવ્યો છે એટલું જ નહીં, સોલાર પાવર સસ્તા દરે મળે અને સોલાર ગેસ, કોલસાના ઇંધણથી મળતી વીજળીનો ભાવ એક સપાટી પર નીચો આવે તે દિશામાં ગુજરાત "ગઇમ ચેન્જર' બની ગયું છે તેની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે દેશ આખામાં યુપીએ સરકારની ઊર્જાનીતિની નિષ્ફળતાથી વીજળીના અંધકારમાં અનેક રાજ્યો ગરકાવ થઇ ગયા છે ત્યારે, ગુજરાતે એવી પ્રેરક ઓફર કરી છે કે ગુજરાતના વીજ સ્ટેશનોની ક્ષમતા જોતા તેને ગેસ પૂરવઠો આપવામાં આવે તો ૨,૦૦૦ મે.વો. જેટલી વીજળી ગુજરાત મફત પૂરી પાડવા તૈયાર છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશમાં માતામૃત્યુ અને શિશુ-મૃત્યુ દરની ગંભીર સમસ્યા છે અને તેના ઉકેલ માટે પણ ગુજરાતે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપનું મોડેલ સફળ બનાવ્યું છે. ગુજરાત સરકારે બી.પી.એલ. ૦-૧૬ કક્ષાના બધાજ ગરીબોને આવાસ પ્લોટ અને મકાન સહાય આપ્યા છે અને હવે તો ૧૭-૨૦ કક્ષાના બી.પી.એલ. એવા ગરીબોને ચાર લાખ આવાસો માટે આવરી લેવાનું અભિયાન ઉપાડયું છે એમ પણ તેમણે જણાવ્યું હતું
ગુજરાતે નેકસ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટનું મોડેલ ઉભું કર્યું છે જેમાં ૧૮,૦૦૦ ગામોમાં ૨૪ કલાક જ્યોતિગ્રામ વીજળી, ઇ-ગ્રામ, બ્રોડબેન્ડ કનેકટીવિટી, ૨,૨૦૦ કી.મી. ગેસગ્રીડ અને વોટર ગ્રીડની સિધ્ધિઓ તેમણે દર્શાવી હતી.
ગેસ ગ્રીડ નેટવર્ક ઉભૂં કરવાથી કેન્દ્ર સરકારની રાંધણગેસના સિલીન્ડર દીઠ રૂ.બસોની સબસીડીની બચત થાય છે એ સમજવા છતાં યુપીએ સરકારે ગુજરાતના ગેસની પાઇપલાઇન નાંખવાનો હક્ક છીનવી લેતા ન્યાયતંત્ર પાસે જવું પડયું છે એમ પણ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કૃષિ વિકાસમાં સોઇલ હેલ્થકાર્ડ અને કૃષિ મહોત્સવમાં વૈજ્ઞાનકિ ખેતીવાડી, જળસંચય અને મૂલ્યવૃધ્ધિ, તથા પશુસંવર્ધનના કારણે ગુજરાતનો કૃષિ વિકાસદર ૧૦ ટકાથી અધિક રહ્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ભાજપા મુખ્યમંત્રીશ્રીઓના આ સંમેલનના બીજા ચર્ચા સત્રમાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુપીએ સરકારની સંધીય ઢાંચા-ફેડરલ સ્ટેટ-સંવૈધાનિક નીતિઓની વિરૂધ્ધની રાજકીય એજન્ડાની માનસિકતાના કારણે ગુજરાત જેવા નોન-યુપીએ રાજ્યોનો વિકાસ રોકવા હક્કો ઉપર તરાપ મારવા અને ચૂંટાયેલી સરકારને બદનામ કરવાના ઇરાદાઓ પાછળની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ભારતના ફેડરલ સ્ટ્રકચરની બંધારણની જોગવાઇઓનું ઉલ્લંધન થઇ રહ્યું છે અને યુપીએની આ માનસિકતાથી રાજ્યોને સહન કરવાનું આવે છે એમ તેમણે ગુજરાત માટે કેન્દ્રએ કરેલા અન્યાયની વિગતો સાથે જણાવ્યું હતું.
ગુજરાતે આ વર્ષના દુષ્કાળની આપત્ત્ને અવસરમાં બદલવાનો નિર્ધાર કર્યો છે અને દુષ્કાળના સંકટનો પડકાર ઝીલવા માટે અસરગ્રસ્ત જનતાની પડખે ઉભા રહેવાની સમયસૂચક સંવેદન સાથે અછતનું કાયમી નિવારણ કરવા ઉત્પાદકીય અસ્કયામતોનું સર્જન કરવાની વ્યૂહરચના ધડી છે જે દેશને પણ પથદર્શક બનશે એમ તેમણે જણાવ્યું હતું.


