કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર જોડિયા બહેનો છે, બેય જોડે ને જોડે જ રહે છે :- શ્રી નરેન્દ્રભાઇ મોદી
મોંઘવારી - ભ્રષ્ટાચાર - કુશાસનના મામલે દેશની આંખમાં ધૂળ
ઝોંકનારી કોંગ્રેસ- લોકશાહીની ગરિમા પણ સંસદમાં લોકોની આંખમાં મરચું નાખી લજવે છે
જે પાર્ટીને પ્રજા સાથે જોડયેલા જ ન રહેવું હોય તેની સાથે પ્રજા પણ હવે નહીં જોડાય – મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કર્ણાટકમાં કોંગ્રેસ પર તાતા તીર
કોંગ્રેસને દેશવટો આપવાનો જનઆક્રોશ દેશભરમાં જાગી ઉઠયો છે કર્ણાટક કમળ ખિલવી ભાજપાને સત્તા સોંપશે જઃ-શ્રી નરેન્દ્રભાઇ મોદી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કર્ણાટકમાં દેવનીગીરી તથા મેંગ્લોરમાં વિરાટ જનરેલીને સંબોધતાં કોંગ્રેસ અને ભ્રષ્ટાચારને જોડિયા બહેનો ગણાવ્યા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોંગ્રેસની તો ગળથૂથીમાં જ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એટલે તે પાર્ટી કે તેના કોઇ નેતા ભ્રષ્ટાચારથી અળગા હોય તેવી કલ્પના જ થઇ શકે નહીં, આ બે જોડિયા બહેનો કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ જાય છે તેવો વેધક કટાક્ષ તેમણે કર્યો હતો.
ૃગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોંગ્રેસના આ ભ્રષ્ટશાસનમાંથી દેશવાસીઓ હવે મૂકત થવાનું મન બનાવીને બેઠા છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસમૂકત ભારતનું નિર્માણ થવાનું જ છે. આઝાદી પછી એકહથ્થુ અને પરિવારવાદી શાસન ચલાવીને કોંગ્રેસે દેશમાં લોકશાહી જ ખતમ કરી નાખી છે તેવો પ્રહાર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, લોકશાહીના જે ચાર દુશ્મનો છે. જાતિવાદ, કોમવાદ, તકવાદ અને પરિવારવાદ એ ચારેય દૂષણોથી કોંગ્રેસ ખદબદે છે. તેમના માટે દેશ નહીં સત્તા-ખૂરશી મહત્વની છે અને તેનો અહંકાર સાતમા આસમાને રાખે છે પરંતુ દેશની જનતાનો હવે જે જનઆક્રોશ જાગી ઉઠયો છે તે આવનારા દિવસોમાં કોંગ્રેસનો દેશ નિકાલ કરી દેવાનો છે.
ૃકોંગ્રેસ અધ્યક્ષા મેડમ સોનિયા અને રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ કર્ણાટકને દક્ષિણના અન્ય વિસ્તારોમાં પ્રવાસે આવે છે પરંતુ આંધ્રપ્રદેશના લોકોને અત્યારે જ્યારે જરૂર છે ત્યારે ત્યાં જવાનું ટાળીને કોગ્રેસીઓ આંધ્રવાસીઓના ઘા ઉપર નિમક છિડકવાનું કામ સિમાન્ધ્રા મામલે કરી રહયા છે તેમ આક્રોશપૂર્વક જણાવતાં ભાજપા વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેઇમાની જેવા લોકોની આંખમાં ધૂળ નાંખવાના વરસોથી કારનામા કરનારી કોંગ્રેસ હવે તો લોકશાહીના શ્રેષ્ઠ મંદિર સમાન સંસદગૃહની આબરૂનું પણ લિલામ કરતી હોય તેમ લોકો આંખમાં હવે મરચું નાખીને પોતાના પાપ-પોતાના કલંક છૂપાવવાના હવાતિયા મારી રહી છે અને દોષનો ટોપલો ભાજપા અને સાથી પક્ષો માંથે નાખી રહી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કરતાં સુશાસન અને સુરાજ્ય માટે ભાજપાના કમળને કર્ણાટકમાં ખિલવી કોંગ્રેસને જાકારો આપવાની અપિલ પણ કરી હતી.
ૃગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે દેશ દુર્દશાની ગર્તામાં ધકેલાઇ ગયો છે. ખેડૂતોને આત્મહત્યા કરવા વારો આવ્યો છે. મોંઘવારી એ માઝા મૂકી છે અને ખેડૂતોને ટેકાના ભાવ પણ મળતા નથી છતાં કોંગ્રેસીઓ એક હરફ પણ એ મૂદે ઉચ્ચારવા તૈયાર નથી આવી પ્રજા સાથે જોડાયેલી ન રહેનારી કે પ્રજાની સંવેદના-સમસ્યા ન સમજનારી પાર્ટી સાથે પ્રજા પણ હવે જોડાવાની નથી અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસનો દેશવટો નક્કી જ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.











