મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોને દેવાં અને વ્યાજખાઉ શોષણખોરોથી છોડાવવા માટે રાજ્યના સખીમંડળોના આર્થિક પ્રવૃત્તિઓના વહીવટને વધુ વ્યાપક અને સક્ષમ બનાવવાની નેમ વ્યકત કરી છે.
રાજ્યમાં હાલ સવા લાખ જેટલા સખીમંડળોમાં ૧પ લાખ જેટલી ગ્રામ્ય મહિલાઓ જોડાયેલી છે અને ગરીબ કુટુંબો માટે બચત તથા ધિરાણની આર્થિક પ્રવૃત્તિઓનો વહીવટ કરી રહી છે. આ સખીમંડળોના હાથમાં અત્યારે બેન્કીંગ લિન્કેજ હેઠળ રૂ. ૪૦૦ કરોડનો વહીવટ સરકારે સોંપેલો છે જે વધારીને રૂ. ૧૦૦૦ કરોડ સુધી લઇ જવાનો નિર્ધાર તેમણે આજે દહેગામમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં વ્યકત કર્યો હતો.
પૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ સાંસદશ્રી એલ. કે. અડવાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાનો પ્રથમ ગરીબ કલ્યાણ મેળો આજે દહેગામમાં યોજાયો હતો. ગાંધીનગર અને દહેગામ-એમ બે તાલુકાઓના ૩૧૩૦૯ ગરીબોને રૂ. પ૦.રપ કરોડના સાધનો સહાયનું વિતરણ શ્રી એલ. કે. અડવાણી, શ્રી નરેન્દ્રભાઇ મોદી અને અન્ય મંત્રીશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
‘‘ચૂંટણી નથી છતાં ગરીબ કલ્યાણ મેળાનું આ અભિયાન રાજકારણમાં ઠોઠ નિશાળીયાનું ભલે ગણાતું હોય પરંતુ રાજકારણ ખેલવાની ચિન્તા અમે નથી કરતા ગરીબોના હક્ક-હિતની ચિન્તા કરી રહ્યા છીએ'' એમ તેમણે વિરાટ જનશકિતનું અભિવાદન કરતાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં પ૦ વર્ષ સુધી યોજનાઓ અને બજેટો ગરીબો માટે બનતા જ રહ્યાં છે પણ તેનું પરિણામ આવ્યું હોત તો ગરીબની આવી દુર્દશા થઇ જ ના હોત. આટલા વર્ષો સુધી કયાંક ખોટું થયું છે તે હકિકત છે.
સખીમંડળો દ્વારા પૂરક આર્થિક પ્રવૃત્તિ અને બચત, ગરીબ પરિવારોને દેવાં અને વ્યાજના ચક્કરમાંથી બહાર લાવવા ઉપકારક બની છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કોઇ ગરીબ મા-બાપ વારસામાં તેના સંતાનને ગરીબી આપવા ઇચ્છતો નથી પરંતુ તેને કોઇ રસ્તો આજ સુધી કોઇએ બતાવ્યો નહોતો પરંતુ આ સરકારે ગરીબ કલ્યાણ મેળા દ્વારા આ ગરીબીમાં દોજખમાંથી બહાર આવવાનો માર્ગ બતાવ્યો છે તેમ ઉમેયું હતું.
ગરીબને તેના હક્કનું સીધેસીધું હાથમાં મળે તે માટે આ ગરીબ કલ્યાણ મેળાએ ગરીબનો રૂપિયો આખેઆખો તેના હાથમાં પહોંચી જાય તેવી પાકે પાયે વ્યવસ્થા ગોઠવી છે અને ગરીબનું લૂંટી લેનારા વચેટીયા-દલાલોની દુકાનો બંધ કરી દીધી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબોને વચેટીયા-દલાલો ભ્રામક વાતો અને પ્રલોભનોથી કઇ રીતે ભરમાવે છે તેના દ્રષ્ટાંતો આપી જણાવ્યું કે હવે કોઇએ આવા તત્વોને કાણી પાઇ પણ આપવાની જરૂર નથી. તેમણે સાધન-સામગ્રી નબળી ગુણવત્તા ધરાવતી હોય તો તેની ફરિયાદ રૂપે મુખ્યમંત્રીને એક પોસ્ટકાર્ડ લખવાનો લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો અને જણાવ્યું કે સરકાર કરોડો રૂપિયા ગરીબોને તેના હક્કના સામે ચાલીને આપે છે ત્યારે નબળા સાધન-વસ્તુ સરકારને આપનારા સામે પણ પૂરી ગંભીરતાથી પગલાં લેવાશે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક ગામમાં ગરીબ લાભાર્થીઓ અને તેની સહાયની યાદી જાહેર ચોરામાં મૂકવાના આદેશની સમજ આપતાં એમ પણ જણાવ્યું કે ગામમાં સાચો લાભાર્થી કોણ અને ખોટો કોણ તેની બધાને ખબર હોય છે. આવી પાકે પાયે વ્યવસ્થા ગરીબોને ગરીબીની લડાઇમાં તૈયાર કરવા કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતા જણાવ્યું કે ગરીબોને તેના હક્કનું તો આપી દીધું છે પણ હું ગરીબ પરિવારો પાસેથી એક વચન માંગવા આવ્યો છું. દરેક ગરીબ કુટુંબ એક કુટેવમાંથી છૂટકારો મેળવે ‘‘તમે કુટેવ છોડો, સરકાર ગરીબીમાંથી છોડાવશે''.
ગરીબને ગરીબી સામે લડાઇ માટે સૈનિક તરીકે જોડાઇ જવાનું આહ્્વાન આપતાં મુખ્યમંત્રીશ્રીએ ગરીબી સામે લડવા માટેનું હથિયાર શિક્ષણ છે તે માટે રાજ્ય સરકારે જન્મથી મૃત્યુ સુધી જીવનના હરેક તબક્કે ગરીબોની પડખે સરકાર જુદી જુદી યોજનાઓ લઇને સામે ચાલીને આવી છે તેની વિગતવાર ભૂમિકા આપી હતી.
દહેગામના આ ગરીબ કલ્યાણ મેળામાં ભારતીય સનદી સેવાના સચિવો, અધિકારીઓની પત્નીઓના એસોસિયેશન તરફથી મહિલા સભ્યોએ હાજરી આપી હતી અને ગરીબોના કલ્યાણ માટે રાજ્ય સરકારના આ નવા અભિગમની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબી સામે લડવા માટેની અવરોધક મુસિબત મોંઘવારીની છે પણ કાળજાળ મોંઘવારી ડામવા કેન્દ્ર સરકાર કશું કરી શકતી નથી તેની ચેતવણી આપતાં જણાવ્યું કે ગરીબની આંતરડી કકળતી રહેશે તો કેન્દ્રના શાસનને નષ્ટ કરી દેશે.
ગાંધીનગરના વરિષ્ઠ સાંસદ શ્રી એલ. કે. અડવાણીએ વિરાટ જનશકિતનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો એક યજ્ઞ સમાન પુણ્યકાર્ય છે. પોતાના સુદીર્ઘ રાજનૈતિક જીવનમાં ગરીબી હટાવનો નારો પહેલીવાર ૧૯૬૭માં ચૂંટણી અભિયાનમાં શરૂ થયેલો અને અત્યાર સુધી ૪૩ વર્ષમાં કોઇએ ગરીબી હટાવી હોવાનો કયાંય સફળતાથી દાવો કરી શકયા નથી તેનો ઉલ્લેખ કરી શ્રી અડવાણીજીએ જણાવ્યું કે દેશના ગણતંત્રની હિરક જ્યંતી ઉજવાઇ ગઇ પરંતુ જનતંત્રના આ છ દાયકામાં ગરીબી, મોંઘવારી અને સુરક્ષાનો અભાવ એ ભારતની આજની ત્રણ પ્રમુખ સમસ્યાઓ છે. ગુજરાત સરકારનું નેતૃત્વ સંભાળી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એક સારૂં શાસન કેવું હોઇ શકે તેનું ઉદાહરણ દેશને પુરૂં પાડયું છે. ગુજરાતમાં ગરીબી દૂર થઇ શકશે, આમજનતાને સુરક્ષાની પ્રતીતિ થઇ શકે અને મોંઘવારીમાં પ્રજાને રાહત મળી શકે એવો વિશ્વાસ સામાન્ય માનવીના મનમાં બેઠો છે.
શ્રી અડવાણીએ જણાવ્યું કે રાજ્યના બધાં ૧૮૦૦૦ ગામડામાં જ્યોતિગ્રામથી ર૪ કલાક વીજળી આપીને અને નર્મદાનું પાણી પહોંચાડવાનો સંકલ્પ પાર પાડીને ગુજરાત અને ગાંધીનગર સમગ્ર દેશને એવી પ્રતીતિ કરાવી શકયું છે કે વિકાસના નવા આયામો હરેક ક્ષેત્રમાં ગુજરાત સરકારે અપનાવ્યા છે અને સુશાસન દ્વારા સામાન્ય માનવીની સમસ્યાઓ હલ થઇ શકે.
ગરીબોના કલ્યાણનો આ વિરાટ યજ્ઞ ગરીબીની સમસ્યાના સમાધાન માટેનું એક પથદર્શક પગલું છે અને ગુજરાતના મુખ્યમંત્રી, સરકાર તથા જનપ્રતિનિધિઓ સાચા અર્થમાં અભિનંદનના અધિકારી છે એમ શ્રી એલ. કે. અડવાણીએ જણાવ્યું હતું.
મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં મહિલા અને બાળકોના વિકાસ માટે વિશેષ ચિંતા ગુજરાત સરકારે કરી છે. મહિલા અને બાળકોની ૭પ ટકા વસતિ ધરાવનાર ગુજરાતમાં ભૂતકાળમાં કોઇએ મહિલા-બાળકોની ચિંતા નહતી કરી. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કાર્યભાર સંભાળ્યા પછી અલગ મહિલા અને બાળકલ્યાણ વિભાગની રચના કરી એટલું જ નહીં મહિલા-બાળ કલ્યાણ માટેની સંખ્યાબંધ યોજનાઓ અમલી બનાવી છે.
રાજ્ય સરકારના શ્રેણીબદ્ધ પ્રયાસોના કારણે ૯૯ ટકા જેટલી દીકરીઓએ શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્યમાં વિધવા પેન્શન શરૂઆત કરી, એટલું જ નહીં પરંતુ રાજ્યમાં ૪૦ હજાર વિધવા બહેનોને તાલીમ અપાઇ છે. રાજ્યમાં સખીમંડળોની વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા તેમણે આપી હતી.
સિંચાઇ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગરીબોને પગભર બનાવી તેમનું જીવનધોરણ ઉંચુ લાવીને તેમણે રાજ્યની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું બહુઆયામી અભિયાન ‘ગરીબ કલ્યાણ મેળા'રૂપે હાથ ધરાયું છે. રાજ્યમાં ગરીબો-ખેડૂતો-પશુપાલકો-શોષીત-પીડિતો એમ તમામ લોકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયાસો કરાયા છે. નર્મદા નદીનું પાણી ર૧ જેટલી નદીઓમાં વહાવીને તથા સંખ્યાબંધ તળાવોમાં નાંખીને અને કયાંક લીફટ કરીને નહેર મારફતે અપાયું છે. જેના પરિણામે કૃષિ-દુધ ઉત્પાદનમાં વધારો થયો છે. ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવીને સમગ્ર રાજ્યનું અર્થતંત્ર મજબૂત બનાવ્યું છે. વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે પણ ગુજરાત તેની પ્રગતિની કૂચ અવિરત વધારી રહ્યું છે એટલું જ નહી વિશ્વભરમાંથી ઉદ્યોગો ગુજરાત તરફ આકર્ષાયા છે. આ વર્ષે રાજ્યનો કૃષિ વિકાસ દર ૧ર ટકાથી વધુ થયો છે. જ્યોતિગ્રામ યોજનાથી થયેલા લાભોની વિગતો પણ તેમણે આપી હતી.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના અને પછાત વર્ગોના પરિવારોને સાચા અર્થમાં આર્થિક અને સામાજિક આઝાદી પ્રાપ્ત થાય તે માટે ગુજરાતમાં શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાની શૃંખલાના માધ્યમથી ફેબ્રુઆરી-ર૦૧૦ના અંત સુધીમાં પ૦ ગરીબ કલ્યાણ મેળા યોજીને રપ લાખ જેટલા લાભાર્થીઓને આવરી લઇને રૂ. ૧પ૦૦ કરોડ જેટલી સહાયનું વિતરણ વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સીધેસીધુ કરાશે.
શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, એક મેળામાં એક જ જગ્યાએથી એક સાથે ગરીબોને સીધેસીભા લાભ આપવાનું આ અભિયાન હાથ ધરવામાં ગુજરાત પ્રથમ છે. મુખ્યમંત્રીશ્રીના દીર્ઘદ્રષ્ટિપણે આયોજનથી ગરીબી નાબૂદી માટે અન્ય પ્રયાસોની સાથે શિક્ષણના પ્રસાર પર ભાર મૂકયો છે. એટલું જ નહીં પરંતુ ગુણવત્તાયુકત શિક્ષણ આપવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ, વિદ્યાદીપ યોજના તથા મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ દ્વારા શિક્ષણના પ્રસાર-પ્રોત્સાહનને વ્યાપક બનાવાયું છે.
જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ૩૦ હજારથી વધુ લાભાર્થીઓને અપાયા છે. સમગ્ર વિશ્વમાં કયાંય હાથ ન ધરાયું હોય તેવું આ અભિયાન હાથ ધરીને ગરીબોને શોધીને સીધેસીભા લાભ અપાયા છે. જિલ્લામાં સખીમંડળો-શાળા આરોગ્ય કાર્યક્રમ-કલ્યાણ યોજનાઓની જાણકારી તેમણે આપી હતી.
દહેગામના ધારાસભ્યશ્રી કલ્યાણસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે લાભાર્થીઓ તેમજ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સારવાર મેળવેલ બાળદર્દીએ તેમના પ્રતિભાવો આપ્યા હતા.
આ પ્રસંગે આરોગ્યમંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ, આદિજાતી વિકાસ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, સંસદીય સચિવ સર્વશ્રી યોગેશ પટેલ, સુંદરસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, વિધાનસભાના નાયબ દંડક શ્રી અંબાલાલ રોહિત, સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ, ધારાસભ્યો સર્વશ્રી મંગળભાઇ પટેલ, શંભુજી ઠાકોર, બાબુભાઇ જમનાદાસ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રીમતી શંકુતલાબેન પટેલ, ‘ગુડા'ના ચેરમેનશ્રી અશોકભાઇ ભાવસાર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, પ્રભારી સચિવશ્રી સી. એલ. મીના, જિલ્લા કલેકટરશ્રી અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.