મિત્રો,
સુપ્રિમ કોર્ટે નિમેલ SIT અને ગઇકાલની રાત્રે ૧ વાગ્યા સુધી ચાલેલી મેરેથોન પૂછપરછથી આપ સહુને ચિંતા સ્વાભાવિક થાય.
કાયદાનું સન્માન કરવા, સંવિધાનની સર્વોપરિતા બાબતે કોઇપણ પ્રકારે હિચકિચાટ ન હોવો જોઇએ તે વાત આપણે આચરણ દ્વારા પૂરવાર કરવી જોઇએ. એક નાગરિક તરીકે ઇશ્વર સાક્ષીએ નમ્રતાપૂર્વક તેમ કરવાનો મેં પ્રયાસ કર્યો છે.
આપ સહુએ આવી વિકટ પળોમાં પણ રાતભર જાગતા રહી આપની લાગણી વ્યકત કરી તે બદલ આપનો આભારી છું.
આ ઘટના પણ મને ઇશ્વરના આર્શીવાદથી નવી શકિત આપશે.
સહુનો આભાર.
જાહેરજીવનની અસ્પૃશ્યતાના તાલીબાનોઃ
મિત્રો, આજે એક બાબતે પણ હું મારી લાગણી આપના સુધી પહોંચાડવા ઇચ્છું છું.
શ્રી અમિતાભ બચ્ચનજી જેવા મહાન કલાકાર, ખૂબજ નમ્રતા અને લાગણીપૂર્વક ગુજરાતની અસ્મિતાની, ગુજરાતના ગૌરવપૂર્ણ વારસાની વાત કરવા માટે, કોઇપણ વિરોધવિવાદનો સામનો કરવા તૈયાર થાય, એ આપણને સૌને માટે પ્રેરણા આપે તેવી ઘટના છે.
પરંતુ શ્રી અમિતાભ બચ્ચનજીના આ ગુજરાત પ્રેમ અંગે કેટલાક તત્વો કેવા વિરોધઅવરોધ તરકટો કરી રહ્યા છે જે, આ દેશમાં એક નવા પ્રકારની અસ્પૃશ્યતાના એકટીવિસ્ટો છે.
પૂજ્ય મહાત્મા ગાંધીએ સમાજમાંથી અસ્પૃશ્યતા નાબૂદી માટે જીવન ઘસી નાંખેલું પરંતુ ગાંધીજીની દૂહાઇ દેનારાઓએ જાહેરજીવનમાં અસ્પૃશ્યતાનું નવું અને વિકૃતરૂપ આણ્યું છે.
શ્રી અમિતાભ બચ્ચનજીના વિરોધ પાછળ, ગુજરાત વિરોધની આ વિકૃત અસ્પૃશ્યતા ખૂલ્લી પડી ગઇ છે.
‘‘ગુજરાત વિરોધ’’માં હોશ ગૂમાવી બેઠેલા, આ વિકૃત અસ્પૃશ્યતાના તાલીબાનો તો, ભારતમાં મીઠું ખાવાનો પણ વિરોધ કરશે, ‘અમૂલ’ના દૂધ કે માખણ ખાવા ઉપર પણ પ્રતિબન્ધ ફરમાવશે, યુવાનોને ડેનિમનું જીન્સ પહેરવાની પણ મનાઇ ફરમાવશે કારણ?
કારણ, આ બધું જ ગુજરાતનું છે!?
મિત્રો,
જાહેરજીવનમાં આવી રાજકીય અસ્પૃશ્યતા લાવનારા તાલીબાની તત્વો આ દેશને, સમાજને અને માનવતાને કેટલું નુકશાન કરી રહ્યા છે તેનો તેમને અંદાજ નહીં હોય એમ માનવા મન તૈયાર નથી
મિત્રો, સમય છે આ નવતર રાજકીય અસ્પૃશ્યતાના જનક તાલીબાનોને ઓળખવાનો.
મિત્રો, મારી જ એક કવિતાની કડી ટાંકીને, મારે આજના આ વિકૃત જાહેર અસ્પૃશ્યતાના તાલીબાનોને આટલું તો કહેવું છે...
મારા ગુજરાતને પ્રેમ કરે તે, મારો આત્મા મારા ભારતને પ્રેમ કરે તે, મારો પરમાત્મા


