થાઇલેન્ડના રાજદૂતના નેતૃત્વમાં સૌથી મોટું ૪૭ સભ્યોનું બિઝનેસ ડેલિગેશન ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી પરામર્શ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ ર૦૧૩માં થાઇલેન્ડ ડેલીગેશન ભાગ લેશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે ગુજરાત આવેલા થાઇલેન્ડના રાજદૂત શ્રીયુત પિસાન માનાવાપટ (Mr. PISAN MANAWAPAT) ના નેતૃત્વ હેઠળના ૪૭ સભ્યોના થાઇલેન્ડ બિઝનેસ ડેલિગેશને મૂલાકાત લઇને થાઇલેન્ડ અને ગુજરાત વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોની સહભાગીતાનો મજબૂત સેતુ સ્થાપવા ફળદાયી પરામર્શ કર્યો હતો.થાઇલેન્ડ રાજદૂતશ્રી માનાવાપટે ગુજરાત આવેલું વર્તમાન ડેલીગેશન ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું બિઝનેસ-ઇન્ડસ્ટ્રીઝનું થાઇલેન્ડનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાતે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં એશિયાના દેશોમાં જે શાખ પ્રતિષ્ઠા મેળવી છે તે સંદર્ભમાં થાઇલેન્ડ ગુજરાત સાથે વિશાળ પાયા ઉપર સહભાગીદારી કરવા તૈયાર છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાતમાં થાઇલેન્ડ ડેલીગેશનને જે અભૂતપૂર્વ ઉમળકાથી પ્રતિભાવ અને આવકાર મળ્યો છે તે જોતાં ગુજરાત અને થાઇલેન્ડ વચ્ચે પરસ્પર સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા માટે ખૂબ જ અવકાશ છે. આ સંદર્ભમાં અમદાવાદ અને બેંગકોક વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવા અંગે, રાજ્યમાં કેટલફીડ અને પોલ્ટ્રી ફાર્મીંગ માટે થાઇલેન્ડનો સહયોગ આપવા, ગુજરાત જે રીતે ઔઘોગિક અને આર્થિક વિકાસની હરણફાળ ભરી રહયું છે ત્યારે નવા નગર-આવાસ નિર્માણના બાંધકામ પ્રોજેકટ અને પ્રી-ફેબ ટેકનોલોજીના આવાસોના નિર્માણ કરવા, રણોત્સવ સહિત ગુજરાત અને થાઇલેન્ડ વચ્ચે પ્રવાસન વિકાસના ક્ષેત્રો વિકસાવવા રાજ્યના દરિયાકાંઠે ન્યુ પોર્ટસિટી અને ગીફટસિટીની સંલગ્ન માળખાકીય સુવિધા વિકસાવવા સહિતના વિવિધ વિષયો અને ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટેની ફળદાયી ચર્ચા થઇ હતી.

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં થાઇલેન્ડ દ્વારા હેરિટેજ પેવેલીયનમાં મીની થાઇલેન્ડનું આકર્ષણ ઉભૂ કરવાની દરખાસ્તને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ આ ગ્લોબલ સમિટમાં હેરિટેજ પેવેલીયનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવાની નેમ વ્યકત કરી હતી.
આ બેઠકમાં ઉઘોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડના મેનેજિંગ ડિરેકટરશ્રી એ. કે. શર્મા, ઉઘોગ કમિશ્નરશ્રી કમલદયાની પણ ઉપસ્થિત હતા.



