મહામહિમ, મારાં નાનાં બહેન, પ્રધાનમંત્રી ટકાઈચી,

આપણા બંને દેશોના ઉદ્યોગ જગતના અગ્રણીઓ,

નમસ્કાર, કોન્નિચીવા (Konnichiwa)

ભારત-જાપાન સંયુક્ત આર્થિક ફોરમમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેતા મને ઘણો આનંદ થાય છે.

અહીં પ્રતિનિધિત્વ ધરાવતી ઘણી કંપનીઓ દાયકાઓથી ભારત સાથે જોડાયેલી છે. કેટલીક કંપનીઓ તો એક સદી કરતાં પણ વધુ સમયથી ભારતની યાત્રાનો હિસ્સો રહી છે.

અને આ ફોરમમાં જોડાઈ રહેલા અમારા નવા ભાગીદારોને, હું ભારત-જાપાનની સફળતાની ગાથાનો એક હિસ્સો બનવા બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.

મિત્રો,

ભારત-જાપાનના સંબંધો ખરેખર વિશેષ છે. આપણી આર્થિક ભાગીદારીની સફળતાના ઘણા ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.

હજુ થોડા સમય પહેલા જ, આપણે હરિયાણાના ખારખોદા ખાતે મારુતિ સુઝુકીના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે, વિશ્વભરમાં સુઝુકીની લગભગ બે તૃતીયાંશ કાર ભારતમાં બને છે અને 100 થી વધુ દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી ટકાઈચી, મને જણાવવામાં આવ્યું છે કે આપને મોટરસાઇકલનો ખૂબ શોખ છે. અમને એ વાતનો આનંદ છે કે કવાસાકી, યામાહા અને હોન્ડા દ્વારા ભારતમાં ઉત્પાદિત મોટરસાઇકલ આજે વિશ્વભરના બજારોમાં નિકાસ કરવામાં આવી રહી છે.

તે જ રીતે, એર કંડિશનર હોય, પાવર ગ્રીડના સાધનો હોય, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ (ચોક્કસાઈપૂર્વકનું ઉત્પાદન) હોય કે મેડિકલ ટેકનોલોજી હોય, જ્યારે જાપાનની કુશળતા અને રોકાણ ભારતની ગતિ અને સ્કેલ (વ્યાપ) સાથે ભળે છે, ત્યારે સમગ્ર વિશ્વને તેનો લાભ મળે છે.

 

મિત્રો,

આજે વૈશ્વિક અર્થતંત્ર સપ્લાય ચેઈન (પુરવઠા શૃંખલા) માં વિક્ષેપ, વેપારમાં અનિશ્ચિતતા અને વૈશ્વિક માંગમાં મંદીનો સામનો કરી રહ્યું છે. પરંતુ કહેવત છે ને કે: "જ્યારે પરિસ્થિતિ કઠિન બને છે, ત્યારે કઠિન લોકો જ આગળ વધે છે."

ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. છેલ્લા નાણાકીય વર્ષમાં, ભારતે 7.7 ટકાનો જીડીપી (GDP) વૃદ્ધિ દર નોંધાવ્યો છે.

એટલું જ નહીં, છેલ્લા બાર વર્ષોમાં, અમે 'કાઈઝેન' (Kaizen) ની ફિલસૂફી — એટલે કે સતત સુધારાના સિદ્ધાંતને અપનાવીને ભારતના આર્થિક ડીએનએ (DNA) ને બદલી રહ્યા છીએ.

હજુ થોડા મહિના પહેલા જ, અમે કરવેરા, શાસન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (વ્યાપાર કરવાની સરળતા) માં નવી પેઢીના સુધારાઓ રજૂ કર્યા છે.

અમે અર્થતંત્રના દરેક ક્ષેત્રને ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી માટે ખોલી રહ્યા છીએ. સાથે જ, અમે કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) આપી રહ્યા છીએ, જેનો લાભ આપ સૌ લઈ શકો તેવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે.

આ જ કારણે, જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન (JBIC) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સતત ચોથા વર્ષે જાપાનીઝ વ્યવસાયો માટે ભારતને સૌથી આશાસ્પદ ગંતવ્ય (મોસ્ટ પ્રોમિસિંગ ડેસ્ટિનેશન) તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

આજે, હું આપ સૌની સાથે એક નવી પહેલ પણ શેર કરવા માંગુ છું. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એક સમર્પિત 'જાપાન બિઝનેસ વીક' (જાપાન વ્યવસાય સપ્તાહ) નું આયોજન કરશે. આ પહેલ દરમિયાન, પીએમઓ (PMO) ના વરિષ્ઠ અધિકારીઓ સીધા તમારી સાથે જોડાશે, તમારી ચિંતાઓને સાંભળશે અને ભારતમાં વધુ જાપાનીઝ રોકાણ અને ભાગીદારીની સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે વ્યાપાર કરવાની સરળતાને વધુ વધારવા અંગે ગહન ચર્ચા કરશે.

 

મિત્રો,

આજે, પ્રધાનમંત્રી ટકાઈચી અને મેં આપણી ભાગીદારીને વધુ ગતિશીલ અને ઊંડી બનાવવાનો સંકલ્પ કર્યો છે.

અમે આર્થિક સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સંરક્ષણ અને હેલ્થકેર સહિતના વ્યાપક ક્ષેત્રોમાં કરારો કર્યા છે, જે આ ભાગીદારીને ભવિષ્યલક્ષી અને વર્ચ્યુઅલી અસીમિત બનાવશે.

આપણી બંને સરકારો વચ્ચે વ્યૂહાત્મક તાલમેલ, પરસ્પર વિશ્વાસ અને સૌથી વધીને સ્પષ્ટતા છે. હવે આ સહિયારા વિઝનને નક્કર પરિણામોમાં બદલવાની જવાબદારી તમારી છે.

મિત્રો,

તમારે સાથે મળીને એ સુનિશ્ચિત કરવું જ પડશે કે, આગામી દાયકામાં ભારતમાં જાપાનીઝ રોકાણ 10 ટ્રિલિયન યેનના લક્ષ્ય સુધી પહોંચે એટલું જ નહીં, પરંતુ તેને પણ વટાવી જાય. સાથે જ, આપણે આગામી દસ વર્ષમાં ભારતમાં કાર્યરત જાપાની કંપનીઓની સંખ્યા બમણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

મિત્રો,

હું તમારી સાથે એક વિઝન શેર કરવા માંગુ છું. હું એવા વિશ્વની કલ્પના કરું છું જ્યાં જાપાનની ટેકનોલોજી અને ભારતની બજાર ક્ષમતા એકસાથે આવીને વિશ્વને સેમિકન્ડક્ટર્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મહત્વપૂર્ણ ખનિજોમાં સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈન પૂરી પાડે.

 

જ્યાં જાપાનની મૂડી અને ભારતની આકાંક્ષા સાથે મળીને જહાજ નિર્માણ (શિપબિલ્ડિંગ), ગતિશીલતા (મોબિલિટી) અને સ્વચ્છ ઊર્જામાં નવું વૈશ્વિક નેતૃત્વ ઊભું કરે.

જ્યાં ભારત અને જાપાનના સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેકનોલોજીમાં વિશ્વની આગામી પેઢીના ઉકેલો ચલાવે.

 

અને જ્યાં એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સહયોગ આપણને વૈશ્વિક સુરક્ષામાં વધુ મજબૂત યોગદાન આપવા માટે સક્ષમ બનાવે.

મિત્રો,

ચાલો આપણે વિશ્વાસ અને આશાવાદ પર આધારિત આ ભાગીદારી દ્વારા પરસ્પર વૃદ્ધિ અને વૈશ્વિક કલ્યાણનો માર્ગ મોકળો કરીએ. જેમ કે ટોયોટા કહે છે, "લેટ્સ ગો પ્લેસેસ" (Let’s go places)

ખૂબ-ખૂબ આભાર.

x

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort

Media Coverage

‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ઓગસ્ટ 2026
August 16, 2026

Aatmanirbhar Ambitions Meet Global Alliances: The Modi Doctrine in Action