મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.
આજે અહીં આ કાર્યક્રમથી જોડાયેલા યુવા સાથીઓમાં મને ભારતના ઉજ્જવળ ભવિષ્યનું ચિત્ર દેખાઈ રહ્યું છે. હું અત્યારથી થોડાક જ કલાકો પહેલા જ ફ્રાન્સ અને સ્લોવાકિયાની યાત્રા પરથી પાછો ફર્યો છું. જી-7 માં વિકસિત દેશોના દિગ્ગજ નેતાઓને મળ્યો છું. દુનિયા આજે, ભારતની યુવા શક્તિની ચર્ચા કરી રહી છે. ભારતના ટેલેન્ટ, સ્કિલ અને પોટેન્શિયલની ચર્ચા બધી જગ્યાએ થઈ રહી છે. દુનિયા ભારતના યુવાનોની ક્ષમતાને સારી રીતે ઓળખવા લાગી છે. અને આવા સમયે, આપણી કોશિશ છે કે ભારતનો દરેક યુવાન પોતાની ક્ષમતાને તકમાં બદલી શકે, અને આ જ વિચારની સાથે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો આરંભ થયો. આ રોજગાર યોજના સામાન્ય તોર પર વિચારવામાં આવતી રોજગાર યોજનાથી ઘણી આગળ વધીને, પહેલી નોકરી મેળવનારા યુવાનના સપનાઓને શક્તિ આપનારી યોજના છે. આ યુવા અને ઉદ્યોગો વચ્ચે એક મજબૂત સેતુ બનાવનારી યોજના છે.
સાથીઓ,
આમ તો યોજનાઓ કાં તો કર્મચારી માટે બને છે કાં તો પછી ઉદ્યોગો માટે બને છે, પરંતુ આ એક યોજના એવી છે, આ યોજનામાં ભારતના સામર્થ્યવાન મારા યુવાન, સમૃદ્ધ યુવાન, ભવિષ્ય તરફ અને ઉદ્યોગ વિકાસ તરફ, અને આ બંનેને સાથે લઈને ચાલે છે. જે યુવાન પોતાની પહેલી નોકરી શરૂ કરે છે, સરકાર તેની સાથે ઊભી રહે છે, અને એટલા માટે ઉદ્યોગકારને પણ લાગે છે કે એકલો મારો માણસ નથી આવ્યો, આની પાછળ આખી સરકાર આવી છે. અને આના કારણે આવા યુવકો તરફ જોવાનો તે ઉદ્યોગકારનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. અને જે સંસ્થાન નવા રોજગારનું સર્જન કરે છે, સરકાર તેમનો પણ ઉત્સાહ વધારે છે. અમારે ત્યાં પહેલા કેટલીક નિયમ વ્યવસ્થા એવી હતી કે લોકોને મોટા થવામાં થોડો ડર લાગતો હતો, કે યાર મોટો થઈ જઈશ, તો હું આ આ બંધનોમાં ફસાઈ જઈશ, તો તેને લાગતું હતું નાનો રહેવો જ સારો છે. અને ક્યારેય મોટા થવાની સંભાવના હોય, તેને લાગતું નહીં એવું કરો એક બીજો નાનો ધંધો બીજો કરી દો. આજે તે વિચાર બદલાયો છે. દરેક કોઈને મોટા બનવાનો જુસ્સો મળવો જોઈએ, તેની ઉમ્મીદોને પાંખો મળવી જોઈએ, અને આ ઉદ્યોગને પણ જરૂરત હોય છે. અને આ યોજનાથી તે દ્વાર પણ ખૂલ્યું છે, અને આ જ આ યોજનાની સૌથી મોટી વિશેષતા છે. હમણાં થોડીવાર પહેલા, હું કેટલાક લાભાર્થી નવજુવાનો સાથે બેઠો હતો, તેમના અનુભવો હું સાંભળી રહ્યો હતો, તેમાં કેટલાક લોકો એ હતા જેમને પહેલીવાર નોકરી મળી છે અને કેટલાક લોકો એ હતા, જેમણે આ યોજના હેઠળ પોતાના ત્યાં કેટલાક લોકોને કામ આપ્યું છે. હું વાસ્તવમાં કહું છું, એટલો કોન્ફિડન્સ હતો તે બાળકોમાં અને એવું લાગતું હતું જાણે તેમણે દુનિયા જીતી લીધી છે. તેમના સપના, તેમનો વિશ્વાસ, આ સાચે જ આપણી બહુ મોટી પૂંજી છે.

સાથીઓ,
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના સહયોગથી અત્યાર સુધી આશરે 70 લાખ જોબ સર્જિત થઈ છે. આશરે 70 લાખ, પ્રથમ વખતના કર્મચારીઓને. સોશિયલ સિક્યુરિટીનું કવચ પણ મળ્યું છે. આશરે 20 લાખ યુવાનો પોતાની પહેલી નોકરીના છ મહિના પૂરા પણ કરી ચૂક્યા છે. અને આજે આમાંથી જ આશરે 10 લાખ યુવા સાથીઓને પોતાની પહેલી નોકરીમાં છ મહિના પૂરા કરવા પર, આ યોજના હેઠળ તેના લાભાર્થી હોવાના નાતે પ્રોત્સાહન પણ મળી ચૂક્યું છે. બે હજાર કરોડ રૂપિયાથી વધુની રાશિ સીધી તેમના બેંક ખાતામાં પહોંચી છે. આ રાશિ કેવળ આર્થિક સહાયતા નથી, આ તેમના પરિશ્રમનું સન્માન છે. આ તેમના ઉજ્જવળ ભવિષ્ય પર દેશના વિશ્વાસની અભિવ્યક્તિ છે.
સાથીઓ,
મને એટલી જ ખુશી તે સંસ્થાઓ માટે પણ છે, જેમણે આપણા આ નવજુવાનોને તકો આપી છે, તેમની અંદર છુપાયેલા સામર્થ્યને ઓળખ્યું, અને એટલા માટે આ તક આપનારા પણ એટલા જ અભિનંદનના અધિકારી છે. આ જ સંસ્થાઓએ વિતેલા મહિનાઓમાં લાખો નોકરીઓનું સર્જન કર્યું છે. અને હમણાં મનસુખભાઈ જે આંકડા બતાવતા હતા, હું આશા રાખું છું કે મીડિયાના લોકો આ આંકડાઓ પર ધ્યાન આપશે, દેશના લોકોમાં ખુશીની લહેર છવાઈ જશે કે આટલું મોટું કામ થઈ રહ્યું છે, આ આંકડા અને અનુભવ એ જ બતાવે છે કે જ્યારે સરકાર, યુવાન અને ઉદ્યોગ એક સાથે આગળ વધે છે, તો રોજગાર નિર્માણની ગતિ ઘણી ગણી વધી જાય છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના આ જ નવા ભારતની ઓળખ છે. એક એવું ભારત, જ્યાં યુવાનને તક મળે. ઉદ્યોગને પ્રોત્સાહન મળે. અને રોજગાર નિર્માણ એક રાષ્ટ્રીય અભિયાન બની જાય.
સાથીઓ,
ભારત દુનિયાના સૌથી યુવા દેશોમાંથી એક છે. એટલા માટે વિકસિત ભારતનો રસ્તો પણ, યુવાનોના સપના, તેમના કૌશલ્ય અને તેમના સામર્થ્યમાંથી થઈને જ આગળ જાય છે. અમારો પ્રયાસ છે કે દેશનો દરેક યુવાન પોતાની ક્ષમતા અનુસાર જેટલો આગળ વધી શકે એટલો વધે. જેની પાસે હુનર છે, તેને તક મળે. જેની પાસે આઈડિયા છે, તેને ઇનોવેશન માટે મંચ મળે. અને જે પોતાના દમ પર કશુંક કરવા માંગે છે, તેને પૂરો સહયોગ મળે. મારું સ્પષ્ટ માનવું છે, ભારત જેવા યુવા દેશમાં તકોના સ્ત્રોત જેટલા વધુ હશે, યુવાનોના સપનાઓને એટલી જ વધુ ઉડાન મળશે. આ જ વિચારની સાથે વિતેલા 12 વર્ષોમાં રોજગારના દરેક રસ્તાને મજબૂત કરવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઇનોવેશન સુધી, મેન્યુફેક્ચરિંગથી લઈને ડિજિટલ ઇકોનોમી સુધી, સ્પેસથી લઈને સ્ટાર્ટ-અપ્સ સુધી, દરેક ક્ષેત્રમાં નવી તકો તૈયાર કરવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા અભિયાન, વોકલ ફોર લોકલ, લોકલને ગ્લોબલ લઈ જવાનું અભિયાન, મિશન મેન્યુફેક્ચરિંગ, આ બધી યોજનાઓ દેશમાં રોજગાર અને સ્વરોજગારની નવી તકો બનાવી રહી છે. આજે ગાડીઓથી લઈને મેટ્રો કોચ, ટ્રેનના ડબ્બા અને ડિફેન્સના સાજ-સામગ્રી સુધી, અનેક સેક્ટરમાં નિકાસ ઝડપથી વધી રહી છે, એક્સપોર્ટ વધી રહ્યું છે. આ ત્યારે જ સંભવ થઈ રહ્યું છે, કારણ કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધી રહ્યું છે, ફેક્ટરીઓ વધી રહી છે. અને આમાં કામ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે.

સાથીઓ,
વિતેલા 12 વર્ષમાં ભારત સરકારની જે નીતિઓ રહી છે, જે નિર્ણયો લેવામાં આવ્યા છે, તેમણે દેશમાં નિરંતર રોજગારના નવા સેક્ટર્સ બનાવ્યા છે. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 12 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ, લાખો યુવાનોનો આધાર બની રહ્યું છે. મુદ્રા યોજના હેઠળ 33 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાયતાએ કરોડો-કરોડ યુવાનોને પોતાનું કામ શરૂ કરવાની તક આપી છે. 10 કરોડથી વધુ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગૃપ્સથી જોડાઈ છે અને 3 કરોડથી વધુ લખપતિ દીદી બની ચૂકી છે. સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા જેવી પહેલોએ નાના ઉદ્યોગસાહસિકો, રેહડી-પટરી વાળા અને પરંપરાગત કારીગરોને નવી ટેકનોલોજી આપી છે, નવી આર્થિક સહાયતા આપી છે અને નવી તાકાતથી ભરી દીધા છે. હું હમણાં જે નવજુવાનો સાથે વાત કરી રહ્યો હતો, તેમાં એક નવજુવાન આઈટીઆઈમાંથી નીકળીને ડ્રોન બનાવવામાં લાગ્યા છે તો બહુ ઉમંગથી બતાવતા હતા તે, હું પણ તમને ડ્રોન સેક્ટરનું જ એક ઉદાહરણ આપીશ. દવાઓની સપ્લાય હોય કે પેસ્ટીસાઈડનો છંટકાવ, સ્વામિત્વ યોજનામાં ડ્રોનથી મેપિંગ હોય, કે પછી રક્ષા ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ, ડ્રોન્સનો ઉપયોગ દેશમાં સતત વધી રહ્યો છે. અને ડ્રોન્સનો આ વધતો જતો ઉપયોગ, યુવાનોને નવી નોકરીઓ આપી રહ્યો છે. તે નવજુવાન તો આઈટીઆઈ કરીને નીકળ્યો છે, પરંતુ તે કહી રહ્યો હતો, કે વીડિયો ડ્રોનનો ન જુઓ, ખુદ ડ્રોન બનાવવાનું શરૂ કરો, બનાવી લેશો. એટલા કોન્ફિડન્સથી બોલી રહ્યો હતો. અમારી સરકારે સ્પેસ સેક્ટરને ખોલવાનો જે નિર્ણય લીધો, તેનો પણ મોટો લાભ યુવાનોને મળ્યો છે.
સાથીઓ,
પાછલા દાયકામાં ડિજિટલ ઇકોનોમીએ પણ તકોની એક નવી દુનિયા બનાવી છે. ગીગ ઇકોનોમી હોય, પ્લેટફોર્મ ઇકોનોમી હોય, કન્ટેન્ટ ક્રિએશન હોય, કે ટેકનોલોજી સર્વિસીસ, રોજગારના નવા ક્ષેત્રો ઝડપથી ઉભરી રહ્યા છે. આજે જે તકોની કલ્પના પણ મુશ્કેલ હતી, તે કરોડો યુવાનોની આવકનું માધ્યમ બની ચૂકી છે. આ જ બદલાવ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ દેખાય છે. એક સમય દેશમાં લગભગ 500 સ્ટાર્ટઅપ્સ હતા. આજે 2 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ, અને તે પણ દેશના દરેક જિલ્લામાં તમને સ્ટાર્ટઅપ્સ નજર આવશે. આ આંકડા વિશ્વાસ આપે છે કે ભારતનો યુવાન, આવનારા વર્ષોમાં, દુનિયાની ગ્રોથ, ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપનું નેતૃત્વ કરશે.
સાથીઓ,
આજે દુનિયામાં દરેક કોઈ ભારતના ભવિષ્યને લઈને બહુ ઉત્સાહિત છે. દરેક કોઈ ભારતની યુવાશક્તિના સામર્થ્યને લઈને બહુ આશ્વસ્ત છે. તમે પણ જોયું હશે, ફ્રાન્સમાં "ભારત ઇનોવેટ્સ" નો આટલો મોટો કાર્યક્રમ થયો. એઆઈ, સ્પેસ, ગ્રીન એનર્જી, બાયોટેકનોલોજી, આવા કેટલાય ક્ષેત્રોમાં, ભારતના સ્ટાર્ટઅપ્સ અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, એટલે કે હું જોઈ રહ્યો હતો તે એક નવી તાકાત ના રૂપમાં ઉભરી રહ્યા છે, તેઓ એક સાથે કામ કરવા માટે આગળ આવી રહ્યા છે. આજે ભારત દુનિયાની સાથે નવા ટ્રેડ એગ્રીમેન્ટ્સ કરી રહ્યું છે. એવા કરારો, જે ભારતના ઉદ્યોગો માટે નવા બજારો ખોલી રહ્યા છે. એવા કરારો, જે ભારતના પ્રોફેશનલ્સ માટે નવી સંભાવનાઓ બનાવી રહ્યા છે. પાછલા મહિનાઓમાં પણ યુરોપના અનેક દેશો સાથે મહત્વપૂર્ણ કરારો થયા છે. આ કરારો પણ દેશમાં લાખોની સંખ્યામાં નવા રોજગાર બનાવવાનું માધ્યમ બની રહ્યા છે.

સાથીઓ,
દુનિયા ભવિષ્યની અર્થવ્યવસ્થા માટે તૈયાર થઈ રહી છે. અને ભારત ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરવાની તૈયારી કરી રહ્યું છે. દુનિયા ફ્યુચર ટેકનોલોજીસ તરફ આગળ વધી રહી છે. અને ભારત પોતાના યુવાનોને ફ્યુચર રેડી બનાવવામાં લાગેલું છે. અને આ જ ભારતના યુવાનો માટે સૌથી મોટી તક છે. અને આપણે આ તકનો પૂરો લાભ ઉઠાવવાનો છે.
સાથીઓ,
વિતેલા 12 વર્ષોમાં ભારતના રોજગાર પરિદ્રશ્યમાં વધુ એક બીજું બહુ મોટું પરિવર્તન આવ્યો છે. અવારનવાર આની ચર્ચા ઓછી થાય છે, પરંતુ વિકસિત ભારતની યાત્રામાં આનું મહત્વ બહુ મોટું છે. આ પરિવર્તન છે, રોજગારની સાથે સુરક્ષા અને સન્માનને જોડવાનું. આપણી વિચારસરણી સિક્યોર એમ્પ્લોયમેન્ટની છે. આપણી વિચારસરણી સોશિયલ સિક્યુરિટી ફોર એવરી વર્કરની છે. એટલા માટે આજે ટેકનોલોજીના માધ્યમથી ઇપીએફઓની વ્યવસ્થાને આધુનિક બનાવવામાં આવી છે. પેન્શન વ્યવસ્થાને પણ સરળ અને સુલભ બનાવવામાં આવી છે. લાખો નવા કર્મચારીઓને હેલ્થ ઇન્સ્યોરન્સ અને સસ્તા ઉપચારની વ્યવસ્થાથી પણ જોડવામાં આવ્યા છે.
સાથીઓ,
આપણે શ્રમ સુધારાઓને પણ આ જ દ્રષ્ટિથી આગળ વધાર્યા છે. નવા લેબર કોડ્સનો ઉદ્દેશ્ય, કામદારોને વધુ સુરક્ષા, વધુ પારદર્શકતા અને વધુ અધિકાર આપવાનો છે. એપોઇન્ટમેન્ટ લેટરને કાનૂની માન્યતા આપવાની હોય, ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયીસને સમાન સુવિધાઓ સુનિશ્ચિત કરવાની હોય, કે પછી મિનિમમ વેજના દાયરાનો વિસ્તાર કરવાનો હોય, દરેક પ્રયાસનો ઉદ્દેશ્ય એ જ છે કે શ્રમિકનું સન્માન અને સુરક્ષા બંને મજબૂત થાય.
સાથીઓ,
આપણી નારીશક્તિ પણ આજે દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને અડી રહી છે. એટલા માટે મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને વધુ તકોવાળું વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. નાઇટ શિફ્ટથી જોડાયેલા જૂના પ્રતિબંધોમાં બદલાવ હોય, વર્ક ફ્રોમ હોમની સુવિધા હોય, કે સુરક્ષિત કાર્યસ્થળની વ્યવસ્થા, આપણે મહિલાઓની ભાગીદારીને હજુ વધુ મજબૂત કરી રહ્યા છીએ.
સાથીઓ,
આજે અહીં મોટી સંખ્યામાં, મારા ઉદ્યોગ જગતના સાથીઓ પણ ઉપસ્થિત છે. આપ સૌને પણ મારો એક આગ્રહ છે. 21મી સદીમાં તકો તે જ દેશો પાસે જશે, જેમની પાસે સ્કિલ્ડ ટેલેન્ટ હશે. જેમની પાસે ઇનોવેશન હશે. જેમની પાસે ક્વોલિટી હશે. અને આજે ભારત પાસે આ ત્રણેય ક્ષેત્રોમાં આગળ વધવાની અભૂપૂર્વ ક્ષમતા છે. અને એટલા માટે હું ભારતના ઉદ્યોગ જગતને પણ કહેવા માંગું છું, આજે જે તકો આપણી સામે છે, તેમને આપણે પૂરી શક્તિથી અપનાવવી પડશે. આપણે નવા બજારો સુધી પહોંચવું પડશે. આપણે નવા ઉત્પાદનો બનાવવા પડશે. આપણે દુનિયાની સર્વશ્રેષ્ઠ કંપનીઓ સાથે હરીફાઈ કરવી પડશે. કારણ કે આજે દુનિયા ભારત માટે દરવાજા ખોલી રહી છે. પહેલા બારી પણ ખોલવી નસીબમાં નહોતી મિત્રો, આજે દરવાજા ખૂલી રહ્યા છે. ભારતે આશરે 40 દેશોની સાથે જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ કર્યા છે, આપણે આનો પણ પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. આ અગ્રીમેન્ટ્સ નવા બજાર બનાવી રહ્યા છે, નવા માર્કેટ્સ ઉપલબ્ધ કરાવી રહ્યા છે, દુનિયામાં મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડ્સ માટે નવી તકો પેદા થઈ જ રહી છે, અને એટલા માટે આપણે આ તકોને ગુમાવવાની નથી મિત્રો.

સાથીઓ,
જ્યારે લક્ષ્યો મોટા હોય છે, તો સિદ્ધિઓ પણ તો મોટી હોય છે. જ્યારે વિચાર વૈશ્વિક હોય છે, તો સફળતાઓ પણ, સીમાઓ પણ પોતાની મેળે વિસ્તૃત થઈ જ જાય છે. અને એટલા માટે જ ટ્રેનિંગ, મેન્ટરશિપ અને ઇન્ટર્નશિપ હવે વૈકલ્પિક નથી. આ 21મી સદીની આવશ્યકતા છે. ભારતના ઉદ્યોગ જગતે પોતાના માટે સ્કિલ્ડ વર્કફોર્સને પણ તૈયાર કરવો જ કરવો પડશે, અને ભવિષ્ય માટે નવી તકો પણ તૈયાર કરવાની છે. કારણ કે વિકસિત ભારતનો રસ્તો કેવળ રોકાણથી નહીં બને, તે ટેલેન્ટ, સ્કિલ અને ઇનોવેશનની શક્તિથી બનવાનો છે. અને આ આખી યાત્રાની સૌથી મોટી કસોટી એક જ છે, અને હું ઉદ્યોગ જગતના સાથીઓને વારંવાર કહી રહ્યો છું, આ બધી પરિસ્થિતિઓનો ફાયદો લેવાની એક સૌથી મોટી સફળ જડીબુટ્ટી એક જ છે અને તે જડીબુટ્ટી છે ક્વોલિટી. શિક્ષણની ક્વોલિટી. સ્કિલની ક્વોલિટી. સર્વિસની ક્વોલિટી. પ્રોડક્ટની ક્વોલિટી. ઈવન પેકેજિંગની ક્વોલિટી, દુનિયામાં ટકવું છે, તો દુનિયાના સર્વશ્રેષ્ઠ માપદંડો પર ખરું ઉતરવું જ પડશે. દુનિયામાં આગળ વધવું છે, તો ઉત્કૃષ્ટતાને પોતાની ઓળખ બનાવવી પડશે. આજે દુનિયા ભારતથી બહુ અપેક્ષાઓ રાખે છે. પરંતુ મને વિશ્વાસ છે, ભારતનો યુવાન તે અપેક્ષાઓને પૂરી જ નહીં કરે, બલ્કે તેમનાથી પણ આગળ નીકળીને દુનિયાને બતાવી દેશે, અને ડંકે કી ચોટ પર બતાવશે. અને આ જ વિકસિત ભારતની શક્તિ છે. અને આ જ મારા નવજુવાન સાથીઓની, મારા યુવાનોની, તેમના સામર્થ્યની યુવાશક્તિની ઓળખ છે, આ જ તેમનું સામર્થ્ય છે.
સાથીઓ,
સપના ત્યાં જ મોટા હોય છે, જ્યાં તે સાકાર થાય છે. એક સપનાનું પૂરું થવું, તેનાથી મોટા સપનાનો રસ્તો ખોલે છે. અને આ જ આજે ભારતમાં થઈ રહ્યું છે. હું ભારતના યુવાનોની અધીરતા સમજું છું, અને હું યુવાશક્તિને એક જ વાત કહીશ, તમારા સપના જ, હું ફરી કહું છું મારા નવજુવાન સાથીઓ, તમારા સપના જ મોદીનો સંકલ્પ છે! કામયાબી તરફ વધતું તમારું દરેક કદમ, આ મારી પણ પ્રેરણા છે. અને હા, અસફળ થવા પર પણ તમને હતાશ થવાની કોઈ જરૂર નથી. દરેક અસફળતામાં આપણને કંઈક ને કંઈક તો શીખવા મળે જ મળે છે. અને હું તો રમત જગતના લોકોને હંમેશા જ કહું છું, જે રમતના મેદાનમાં ઉતરે છે ને, કોઈ હારતું નથી, એક જીતે છે તો બીજો શીખે છે, હારતું કોઈ નથી. યુવા મનની એક જ કસોટી છે, જે અસફળતાઓથી નિરંતર નવું શીખવાનો આદિ હોય, જે સપનાઓને સિદ્ધ કરે અને દરેક સિદ્ધિ પછી નવા સપનાઓને જન્મ આપે. મને ભારતની યુવાશક્તિ પર વિશ્વાસ છે, મને ભારતની ઉદ્યોગસાહસિકતા પર ભરોસો છે, આ જ ભરોસાની સાથે એકવાર ફરી આપ સૌને બહુ-બહુ શુભેચ્છાઓ આપું છું, અને વિકસિત ભારત 2047, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ મનાવશે, હિન્દુસ્તાન વિકસિત થઈને રહેશે. આ આપણા સૌનું સપનું પણ છે, આપણા સૌનો સંકલ્પ પણ છે. અને હું માનું છું મિત્રો મારા નવજુવાન સાથી આપણે પોતાની આંખોથી ખુદ જોઈશું, વિકસિત ભારત ખુદ જોઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


