અમારી સરકાર દેશના નીતિ-નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે: PM
વિકસિત ભારતના નિર્માણનું મિશન અવિરત ચાલુ છે; અને જ્યારે હું વિકસિત ભારતની વાત કરું છું, ત્યારે તેનો સૌથી મજબૂત સ્તંભ ભારતની નારી શક્તિ છે: PM
કાશીના સાંસદ અને દેશના પ્રધાનમંત્રી તરીકે, હું રાષ્ટ્રીય હિતના એક મહત્વપૂર્ણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારા આશીર્વાદ માંગુ છું અને આ મુખ્ય લક્ષ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલા અનામતનો અમલ કરવાનું છે: PM
અમારી સરકારની નીતિઓએ મહિલા કલ્યાણને હંમેશા સર્વોચ્ચ અગ્રિમતા આપી છે: PM
સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે, અમે મહિલાઓની આર્થિક ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે: PM

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, સંસદમાં મારા સાથી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન નિતિન નવીનજી, ઉત્તર પ્રદેશના સાંસદ અને યુપી ભાજપના અધ્યક્ષ શ્રીમાન પંકજ ચૌધરીજી, જિલ્લા પંચાયત અધ્યક્ષ બહેન પૂનમ મૌર્યજી, મંચ પર ઉપસ્થિત કાશીના મહિલા કાઉન્સિલર અને ગ્રામ પ્રધાન, અન્ય જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં અહીં પધારેલી મારી માતાઓ, બહેનો અને દીકરીઓ. આપ સૌને નમસ્કાર.

સાથીઓ, આપણી કાશી માતા શ્રૃંગાર ગૌરી, માતા અન્નપૂર્ણા, માતા વિશાલાક્ષી, માતા સંકઠા અને મા ગંગા, જેવી દિવ્ય શક્તિઓની ભૂમિ છે. એવામાં આપ સૌ બહેનો-દીકરીઓના સંગમે, આ અવસરને ખૂબ દિવ્ય બનાવી દીધો છે. અમે કાશીની આ ભૂમિ પર, આપ સૌ માઈ-બહેનોને, કાશીની દીકરીઓને પ્રણામ કરીએ છીએ!

સાથીઓ, આજનો આ અવસર નારીશક્તિના વંદન અને વિકાસનો ઉત્સવ તો છે જ, થોડી વાર પહેલા જ અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. તેમાં કાશીમાં દરેક પ્રકારના વિકાસ સાથે જોડાયેલી પરિયોજનાઓ છે. સાથે જ, કાશી અને અયોધ્યાની કનેક્ટિવિટી વધારનારા કામો પણ છે. થોડી વાર પહેલા બે અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવવામાં આવી છે. કાશીથી પુણે અને અયોધ્યાથી મુંબઈ, આ બંને અમૃત ભારત ટ્રેનો, યુપી અને મહારાષ્ટ્રની કનેક્ટિવિટીને વધુ સારી બનાવશે. હવે મુંબઈ-પુણે સહિત, આખા મહારાષ્ટ્રના લોકોને અયોધ્યા ધામ અને કાશી વિશ્વનાથ ધામ પહોંચવાનો વધુ એક આધુનિક વિકલ્પ મળી ગયો છે. હું આ શુભારંભ માટે દેશવાસીઓને અભિનંદન આપું છું.

સાથીઓ, ભારતને વિકસિત બનાવવાનું મિશન અવિરત ચાલી રહ્યું છે, અને જ્યારે હું વિકસિત ભારતની વાત કરું છું, ત્યારે તેનો સૌથી મજબૂત સ્તંભ ભારતની નારીશક્તિ છે. આજે આ કાર્યક્રમમાં આપ સૌ બહેનો-દીકરીઓ પાસેથી એક મહાયજ્ઞની શરૂઆત માટે આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું. કાશીના સાંસદ તરીકે, દેશના પ્રધાનમંત્રી તરીકે મારે દેશહિતના એક મોટા લક્ષ્યની પ્રાપ્તિ માટે આપ સૌના આશીર્વાદ જોઈએ છે, અને આ મોટું લક્ષ્ય છે- લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે અનામતને લાગુ કરવી. હજુ થોડા દિવસો પહેલા સપા અને કોંગ્રેસ જેવા પક્ષોને કારણે અમારો આ પ્રયાસ સંસદમાં સફળ થઈ શક્યો નહીં. પરંતુ હું આપ સૌ બહેનોને ફરીથી ભરોસો આપું છું, તમારા અનામતનો હક લાગુ થાય, તેમાં કોઈ કમી બાકી નહીં રાખું.

 

સાથીઓ, ઘરમાં મહિલા સશક્ત થવાથી આખા પરિવારને તાકાત મળે છે, તેનાથી સમાજ મજબૂત થાય છે, દેશ મજબૂત થાય છે. ભૂતકાળમાં બહેનો-દીકરીઓએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. કાશીની આપ બહેનોએ પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ જોઈ છે, તમે પણ કેટલીય પડકારોનો સામનો કર્યો છે. દીકરીઓને અવારનવાર અનેક પ્રકારના સવાલોમાંથી પસાર થવું પડતું હતું, તું આ કરીને શું કરીશ? તારે આની શું જરૂર છે? તું શું કરીશ, તારે શું જરૂર છે, તું ચૂપ રહે, આ કામ તારાથી નહીં થઈ શકે. અને ઘણીવાર તો સવાલ પણ પૂછવામાં આવતા નહોતા, સીધો આદેશ સંભળાવવામાં આવતો હતો, આ તારા બસનું કામ નથી.

સાથીઓ, આવી પરિસ્થિતિઓ ફક્ત કાશીની બહેનો માટે જ રહી હોય, એવું નથી, દેશની મોટાભાગની બહેનો-દીકરીઓના આવા જ અનુભવો રહ્યા છે, અને તેને સહજ માની લેવામાં આવતું હતું. તેથી હું જ્યારે 25 વર્ષ પહેલા ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યો હતો, ત્યારે સૌથી પહેલા મેં આવી ધારણાઓને તોડવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન દીકરીઓ માટે સમર્પિત બે મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. એક હતી- શાળા પ્રવેશોત્સવ, શાળામાં બાળકીઓને પ્રવેશ, જેથી દીકરીઓ વધુ સંખ્યામાં શાળાએ પહોંચે, અધવચ્ચે જ તેમનું શિક્ષણ ન છૂટે. અને બીજી હતી- મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ, જેથી દીકરીઓની ફીમાં તેમને મદદ કરી શકાય.

સાથીઓ, ત્યારથી લઈને આજ સુધી અમારી સરકારની નીતિઓમાં નિરંતર મહિલા કલ્યાણને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. 2014માં તમે અમને સેવાની તક આપી, તો દેશમાં 12 કરોડથી વધુ શૌચાલયો બન્યા, ઈજ્જત ઘર બન્યા. 30 કરોડથી વધુ બહેનોના બેંક ખાતા ખુલ્યા. અઢી કરોડથી વધુ ઘરોમાં વીજળીનું કનેક્શન આપવામાં આવ્યું. 12 કરોડથી વધુ ઘરોમાં નળ દ્વારા જળ પહોંચાડવામાં આવ્યું. એટલે કે, અનેક મોટી યોજનાઓના કેન્દ્રમાં બહેનો-દીકરીઓને રાખવામાં આવી.

સાથીઓ, બે વર્ષ પહેલા અહીં બનારસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે જોડાયેલું ઘણું મોટું અભિયાન ચલાવ્યું હતું. તે સમયે એક જ મહિનામાં અહીં કાશીમાં 27 હજાર દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા હતા, અને દરેક દીકરીના બેંક ખાતામાં 300 રૂપિયા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દીકરીઓના શિક્ષણમાં અને વધુ સારા ભવિષ્યમાં સુકન્યા સમૃદ્ધિ યોજના મોટી ભૂમિકા ભજવી રહી છે. આ યોજનાથી દીકરીઓના ભણતરને બળ મળ્યું છે, અને મુદ્રા યોજનાથી દીકરીઓની કમાણી સુનિશ્ચિત થઈ છે. સાથે જ, માતૃવંદન યોજના અને આયુષ્માન ભારત યોજનાથી બહેનો-દીકરીઓની દવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

સાથીઓ, ભણતર, કમાણી અને દવાની સાથે જ કરોડો બહેનોના નામે પહેલીવાર કોઈ પ્રોપર્ટી રજિસ્ટર થઈ છે. પીએમ આવાસ યોજનાના મોટાભાગના ઘરો પણ બહેનોના નામે હોય છે. આજે અમારી માતા-બહેનો સાચા અર્થમાં પોતાના ઘરની માલિક બની રહી છે.

સાથીઓ, અમારી સરકારનો પૂરો ભાર, બહેનોની સુવિધા અને સુરક્ષા પર રહ્યો છે. આ જ બે વસ્તુઓ છે, જે સશક્તિકરણનો પાયો મજબૂત કરે છે. તમે અહીં યુપીમાં તમારી આંખો સામે પરિસ્થિતિ બદલાતી જોઈ છે. થોડા વર્ષો પહેલા સુધી, જ્યારે અહીં સમાજવાદી પાર્ટીની સરકાર હતી, ત્યારે યુપીમાં દીકરીઓનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. પરંતુ હવે ભાજપ સરકારમાં દીકરીઓ વિરુદ્ધ ખોટી માનસિકતા રાખનાર સારી રીતે જાણે છે કે તેનું પરિણામ શું આવશે.

સાથીઓ, ભારતીય ન્યાય સંહિતાએ પણ બહેનો-દીકરીઓને સુરક્ષાનો નવો ભરોસો આપ્યો છે. તેના હેઠળ, મહિલાઓ વિરુદ્ધના ગંભીર ગુનાઓમાં ઝડપથી ચુકાદા આવવા લાગ્યા છે. તેવી જ રીતે, મહિલા પોલીસ સ્ટેશનો અને પરામર્શ કેન્દ્રોનું નેટવર્ક પણ સતત વધી રહ્યું છે. આજે અહીં પણ, એક મહિલા પોલીસ ચોકી અને પરામર્શ કેન્દ્રના ભવન પર કામ શરૂ થયું છે. આવા પગલાં, દીકરીઓને સુરક્ષાની ગેરંટી આપે છે.

સાથીઓ, જ્યારે મહિલાઓની આર્થિક શક્તિ વધે છે, ત્યારે ઘરમાં તેમનો અવાજ પણ તેટલો જ બુલંદ થતો જાય છે. તેથી, સુવિધા અને સુરક્ષાનો વિશ્વાસ આપવાની સાથે-સાથે અમે બહેનોની આર્થિક ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે. વિતેલા 11 વર્ષોમાં દેશની આશરે 10 કરોડ બહેનો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સમાં જોડાઈ છે. કાશીની પણ સવા લાખ બહેનો આવા સમૂહો સાથે જોડાયેલી છે. આ સમૂહોને લાખો રૂપિયાની મદદ મળી રહી છે, જેનાથી બહેનો પોતાનું કામ કરી રહી છે. આવા જ પ્રયાસોથી અત્યાર સુધી 3 કરોડ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે, 3 કરોડ લખપતિ દીદી, અને તેમાં બનારસની પણ હજારો બહેનો સામેલ છે.

સાથીઓ, લખપતિ દીદી અભિયાનને ગતિ આપવામાં આપણા ડેરી સેક્ટરની પણ મોટી ભૂમિકા છે. અહીં, બનાસ ડેરી સાથે જોડાયેલી લાખો બહેનો બહુ જ શાનદાર કામ કરી રહી છે. આજે આ બહેનોને બોનસ તરીકે એક સો છ કરોડ રૂપિયા સીધા મળ્યા છે. હું આ તમામ બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું કાશીમાં ડેરી સેક્ટર સાથે જોડાયેલી મહિલાઓને કહીશ- અત્યારે તો શરૂઆત થઈ છે, બનારસ વધશે, બનાસ ડેરી વધશે અને આ બોનસ પણ વધતું જશે.

 

સાથીઓ, ભાજપ-એનડીએ સરકાર બહેનોને આત્મનિર્ભર પણ બનાવી રહી છે અને વિકસિત ભારત બનાવવા માટે ચાલી રહેલા અભિયાનનું નેતૃત્વ પણ આપી રહી છે. ડિજિટલ પેમેન્ટ્સને આગળ વધારવામાં હજારો બેંક સખીઓની મોટી ભૂમિકા છે. વીમા અને ઈન્શ્યોરન્સ સાથે જોડાયેલા કામને વીમા સખીઓનું નેતૃત્વ મળી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીના કામને આગળ વધારવામાં કૃષિ સખીઓ મોટી ભૂમિકા ભજવી રહી છે. અને ખેતીમાં જે ડ્રોન ક્રાંતિ આવી રહી છે, તેનું નેતૃત્વ પણ આપણી નમો ડ્રોન દીદીઓ જ કરી રહી છે. વિતેલા દાયકામાં, દીકરીઓ માટે ભૂમિ સેના, નૌસેના અને વાયુસેનામાં નવી તકો મળી છે. પહેલીવાર સૈનિક શાળાઓ અને ડિફેન્સ એકેડમીના દરવાજા પણ દીકરીઓ માટે ખોલવામાં આવ્યા છે. એટલે કે, ભાજપ-એનડીએ સરકારનો અર્થ જ છે- નારીનું સશક્તિકરણ, નારીનું ઉત્થાન, નારીનું જીવન સરળ.

સાથીઓ, આજે દરેક ક્ષેત્રમાં, દરેક મોરચે ભારતની દીકરીઓ એટલું શાનદાર કામ કરી રહી છે, તો સ્વાભાવિક છે કે, નીતિ નિર્માણ, રાષ્ટ્રના ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણયોમાં પણ બહેનો-દીકરીઓની ભૂમિકા હજુ વધવી જ જોઈએ. દેશને આજે તેની બહુ જરૂર છે. તેના માટે પણ ઈમાનદારીથી કામ કરવામાં આવી રહ્યું છે. દેશની નવી સંસદ બનાવવા પાછળ પણ બહેનોની ભાગીદારીનો વિચાર એક મોટું કારણ હતું. નવી સંસદ બની, તો પહેલું કામ અમે મહિલાઓને તેંત્રીસ ટકા અનામત આપવાનું જ કર્યું. 40 વર્ષથી બહેનોનો આ અધિકાર અટકેલો અને લટકેલો હતો. તેથી અમે વર્ષ 2023માં સંસદમાં નારીશક્તિ વંદન અધિનિયમ પસાર કરાવ્યો.

સાથીઓ, કાયદો બન્યા પછી તેને લાગુ કરવામાં આવે તે જરૂરી હોય છે. હવે એ જરૂરી છે કે આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ થાય. તેથી, પાછલા દિવસોમાં સંસદમાં આ અંગે ચર્ચા રાખવામાં આવી હતી. બંધારણમાં સુધારા માટે અમે કાયદો લાવ્યા હતા. આ સુધારો એવો હતો, જેના પછી વધુ સંખ્યામાં બહેનો વિધાનસભા અને સંસદમાં પહોંચી શકી હોત. પરંતુ સાથીઓ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી અને ડીએમકે જેવા પક્ષોએ ફરી એકવાર દેશની મહિલાઓને છેતરી છે. આવા પક્ષોએ 40 વર્ષથી મહિલા અનામત પર બ્રેક મારેલી હતી. હવે સમાજવાદી પાર્ટીએ ફરીથી તેને લાલ ઝંડી બતાવી દીધી છે.

સાથીઓ, સાચી વાત એ છે કે આ બધા પરિવારવાદી અને તુષ્ટિકરણમાં ડૂબેલા પક્ષો, નારીશક્તિથી ડરેલા છે, આપ સૌ થી ડરેલા છે. આ પરિવારવાદી પક્ષો, દેશની એ દીકરીઓને વિધાનસભા અને સંસદમાં આવવા નથી દેવા માંગતા, જે કોલેજ કેમ્પસથી લઈને પંચાયતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી, દરેક જગ્યાએ પોતાના દમ પર નેતૃત્વ આપી રહી છે. તેઓ જાણે છે કે જો પાયાના સ્તરે કામ કરનારી દીકરીઓ ઉપર આવી ગઈ, તો તેમનું નિયંત્રણ ખતમ થઈ જશે, તેમની સત્તા પર સવાલો ઊભા થશે. તેથી જ જે પરિવારવાદી પક્ષો છે, તેઓ સંસદમાં થયેલા વિરોધમાં સૌથી આગળ રહ્યા છે.

સાથીઓ, મને સંતોષ છે કે દેશની બહેનો-દીકરીઓ તેમની આ કુટિલ મંશાને ઓળખી ગઈ છે. તમે જોઈ રહ્યા છો, આસામ, કેરળમ, પુડુચેરી, બંગાળ અને તમિલનાડુમાં બહેનોએ રેકોર્ડ મતદાન કર્યું છે. મહિલા અનામત વિરોધી પક્ષોને અંદાજો નથી કે બહેનોનો આ વોટ મહિલા વિરોધી આ પક્ષોને સજા આપવા માટે થયો છે.

 

સાથીઓ, ભાજપ-NDA સરકારનો એક જ મંત્ર છે- નાગરિક દેવો ભવ. દેશના નાગરિકોનું ભણતર, કમાણી, દવા, સિંચાઈ અને સુનાવણી, આ અમારી અગ્રતા છે. આ જ ભાવ સાથે આજે અહીં કાશીના વિકાસને પણ વિસ્તાર આપવામાં આવ્યો છે. ગંગાજી પર સિગ્નેચર બ્રિજ બનવાથી, પૂર્વાંચલની કનેક્ટિવિટી વધુ સશક્ત થશે.

સાથીઓ, વિતેલા એક દાયકામાં કાશી, ઉત્તર અને પૂર્વી ભારતનું એક મોટું આરોગ્ય હબ બનીને ઉભરી આવ્યું છે. 500 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કાશીના હેલ્થકેર ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે. આ ઉપરાંત, સો બેડના ક્રિટિકલ કેર બ્લોકનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આનાથી ગંભીર બીમારીઓના ઇલાજ માટે એક બહુ મોટી સુવિધા કાશીમાં ઉમેરાશે.

સાથીઓ, ગંગાજીની સાફ-સફાઈ હોય, ઘાટોના વિકાસ સાથે જોડાયેલું કામ હોય, અહીં શાસન-પ્રશાસન સાથે જોડાયેલા ભવનોનું નિર્માણ હોય, હરહુઆ અને ભવાનીપુરમાં ખેડૂતો માટે સંગ્રહ સુવિધાઓ હોય, વૃદ્ધાશ્રમ હોય, મહિલા છાત્રાલય હોય, આ બધું કાશીના સંવેદનશીલ વિકાસના જ પ્રમાણ છે. આ કાર્યોથી બનારસના લોકોને જ સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે.

 

સાથીઓ, કાશીની વિરાસત, અહીંની ધરોહરને સશક્ત કરવાનું અભિયાન પણ નિરંતર ચાલી રહ્યું છે. સંત કબીર સ્થળીનો વિકાસ અને નગવા સ્થિત સંત રવિદાસ પાર્કનો જીર્ણોદ્ધાર, આ અમારા આ જ અભિયાનનો હિસ્સો છે.

 

સાથીઓ, આપણી કાશી, અવિનાશી છે, આ અવિરત ચાલતું શહેર છે. તેવી જ રીતે, વિકાસનું આ અભિયાન પણ નિરંતર ગતિમાન છે. હું નારીશક્તિનું વંદન કરતા, ફરી એકવાર અમને આશીર્વાદ આપવા માટે તમારો આભાર વ્યક્ત કરું છું, અને વિકાસ કાર્યો માટે શુભકામનાઓ પાઠવું છું. મારી સાથે બોલો- ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. હર-હર મહાદેવ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India develops first indigenous expendable turbo jet engine in 350 kg thrust class

Media Coverage

India develops first indigenous expendable turbo jet engine in 350 kg thrust class
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 જુલાઈ 2026
July 27, 2026

Viksit Bharat in Motion: Indigenous Warships, Deepwater Energy, Transparent Exams & Cultural Revival