હાલના મુશ્કેલ સ્થિતિસંજોગોમાં કોઈ પરિવાર ભૂખ્યો ન રહે એ આપણી જવાબદારી છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2 મહિના 80 કરોડ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજ પ્રદાન કરશે, કેન્દ્ર સરકારે યોજના પર રૂ. 26,000 કરોડથી વધારેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશેઃ પ્રધાનમંત્રી
કેન્દ્ર સરકાર એની તમામ નીતિઓ અને પહેલોના કેન્દ્રમાં ગામડાઓને રાખે છેઃ પ્રધાનમંત્રી
ભારત સરકારે પંચાયતોને અભૂતપૂર્વ રૂ. 2.25 લાખ કરોડની ફાળવણી કરી. આ પારદર્શકતાની ઊંચી અપેક્ષા તરફ પણ દોરી જશેઃ પ્રધાનમંત્રી

આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરજી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઉત્તરાખંડના તમામ માનનિય મુખ્ય મંત્રીગણ, હરિયાણાના ઉપ મુખ્યમંત્રીજી, રાજ્યોના પંચાયતી રાજ મંત્રીઓ, ગ્રામ વિકાસ મંત્રીઓ, દેશભરની ગ્રામ પંચાયતો સાથે જોડાયેલા તમામ જનપ્રતિનિધિ સમુદાય. અને હમણાં નરેન્દ્ર સિંહજીએ જણાવ્યું તે મુજબ આશરે પાંચ કરોડ લોકોએ આ કાર્યક્રમમાં જોડાવા માટે નોંધણી કરાવી છે. આટલી મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવું તે ગ્રામ વિકાસની દિશામાં જે કદમ ઉઠાવાય છે તેને આપોઆપ તાકાત આપે છે. આવા તમામ પાંચ કરોડ ભાઈ બહેનોને મારા સન્માનપૂર્વક નમસ્કાર.

ભાઈઓ અને બહેનો,

પંચાયતી રાજ દિન પ્રસંગે આજનો આ દિવસ ગ્રામીણ ભારતના નવનિર્માણના સંકલ્પોનો પુનરોચ્ચાર કરવાનો એક મહત્વનો અવસર બની રહે છે. આ દિવસ આપણી પંચાયતોના યોગદાન અને તેનાં અસાધારણ કામોને જોવા-સમજવાનો અને તેને બિરદાવવાનો પણ દિવસ છે.

આ કાર્યક્રમમાં મને ગામડાંના વિકાસમાં પ્રશંસાપાત્ર કામગીરી કરનાર પંચાયતોને સન્માનિત કરવાનો, તેમને એવૉર્ડ આપવાની તક પ્રાપ્ત મળી છે. આપ સૌને હું ‘પંચાયતી રાજ દિવસ’ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તાજેતરમાં અનેક રાજ્યોમાં પંચાયતી રાજની ચૂંટણીઓ થઈ છે અને ઘણી જગાએ આ ચૂંટણીઓ ચાલી પણ રહી છે. અને એટલા માટે આજે આપણી સાથે ઘણાં બધા નવા સાથીદારો પણ છે. હું તમામ નવા જનપ્રતિનિધિઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.

સાથીઓ,

આજે ગામ અને ગરીબને તેના ઘરના કાયદેસરના દસ્તાવેજો સોંપવાની ખૂબ જ મોટી અને મહત્વની ‘સ્વામિત્વ યોજના’ને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. ગયા વર્ષે જે સ્થળોએ આ યોજના લાગુ કરવામાં આવી હતી ત્યાં અનેક સાથીદારોને પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યાં છે. આ કામગીરી માટે અને આ કામ સાથે જોડાયેલા તથા તેને સમયબધ્ધ રીતે આગળ ધપાવવાનો પ્રયાસ કરનારા તમામ સાથીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવુ છું. સ્વામિત્વ યોજના ગામ અને ગરીબના આત્મવિશ્વાસને, પરસ્પરના વિશ્વાસને અને વિકાસ માટે નવી ગતિ આપનાર બની રહેશે. એટલા માટે પણ હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું.

સાથીઓ,

એક વર્ષ પહેલાં જ્યારે આપણે પંચાયતી રાજ દિવસ પ્રસંગે મળ્યા હતા, ત્યારે સમગ્ર દેશ કોરોનાનો મુકાબલો કરી રહ્યો હતો. તે સમયે મેં આપ સૌને આગ્રહ કર્યો હતો કે તમે કોરોનાને ગામડાં સુધી પહોંચતો રોકવામાં તમારી ભૂમિકા બજાવો. આપ સૌએ ખૂબ જ કુશળતાપૂર્વક કોરોનાને ગામડાં સુધી પહોંચતાં રોક્યો હતો અને સાથે સાથે ગામડાંમાં જાગૃતિ ફેલાવવામાં પણ ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. આ વર્ષે પણ આપણી સામે જે પડકાર છે, તે અગાઉ કરતાં થોડો વધારે એટલા માટે છે કે ગામડાઓ સુધી આ સંક્રમણને કોઈ પણ સ્થિતિમાં પહોંચવા દેવાનુ નથી, તેને રોકવાનું જ છે.

ગયા વર્ષે તમે જે મહેનત કરી હતી, દેશનાં ગામડાંને જે નેતૃત્વ પૂરૂ પાડયુ હતું તે કામ પણ આ વખતે તમારે ભારે કડકાઈ સાથે કરવાનુ છે. શિસ્ત સાથે વધુમાં વધુ લોકોને સાથે લઈને ખૂબ જ પાકુ કામ કરવાનુ છે, સફળતા જરૂર મળશે, કારણ કે તમે ગયા વર્ષે પણ આ કામ કર્યુ હતું. હવે એક વર્ષનો અનુભવ છે. સંકટ અંગે ગણી બધી માહિતી છે. સંકટથી કેવી રીતે બચી શકાય તે અંગે ઘણી બધી જાણકારી પણ છે અને એટલા માટે મને વિશ્વાસ છે કે મારા દેશના અને ગામડાંના તમામ લોકો ગામમાં કોરોનાને પ્રવેશ કરતો રોકવામાં સફળ થશે. અને ખૂબ જ સારી રીતે વ્યવસ્થા પણ કરશે. સમયે સમયે જે માર્ગરેખાઓ જારી કરવામાં આવે છે. ગામમાં તેનું સંપૂર્ણપણે પાલન થાય તે બાબતની આપણે ખાત્રી રાખવાની છે.

આ વખતે તો આપણી પાસે રસીનું એક સુરક્ષા કવચ પણ છે. અને એટલા માટે જ આપણે તમામ સાવચેતીઓ સાથે તેનું પાલન પણ કરવાનુ છે અને એ બાબતની ખાત્રી પણ રાખવાની છે કે ગામની દરેક વ્યક્તિને રસીના બે ડોઝ લગાવવામાં આવે. ભારત સરકાર હાલમાં 45 વર્ષથી વધુ વય ધરાવનાર દરેક વ્યક્તિને મફત રસીકરણ કરી રહી છે. ભારતના દરેક રાજયમાં કરી રહી છે. હવે 1 મેથી 18 વર્ષથી વધુ વય ધરાવનાર લોકોને રસી આપવાની પ્રક્રિયા શરૂ થવાની છે. આપ સૌ સાથીઓના સહયોગથી આ રસીકરણ અભિયાન સફળ થશે.

સાથીઓ,

આવા મુશ્કેલ સમયમાં કોઈ પણ પરિવાર ભૂખ્યો ના સુએ, ગરીબમાં પણ ગરીબ પરિવારના ત્યાં ચૂલો સળગે તે આપણી જવાબદારી છે. ગઈ કાલે જ ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રેશન પૂરૂ પાડવાની યોજનાને આગળ વધારી છે. મે અને જૂન માસમાં દેશના તમામ ગરીબોને મફત રેશન મળશે. એનો લાભ 80 કરોડથી વધુ દેશવાસીઓને થશે. આ યોજના માટે કેન્દ્ર સરકાર રૂ.26 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવાની છે.

સાથીઓ,

આ રેશન ગરીબોનું છે, દેશનુ છે. જે પરિવારોને જરૂર છે તે પરિવારો સુધી અન્નનો દરેક દાણો પહોંચે, ઝડપથી પહોંચે, સમયસર પહોંચે તેની ખાતરી રાખવાનું પણ આપણાં સૌનું કામ છે. મને વિશ્વાસ છે કે રાજ્ય સરકારો અને પંચાયતના આપણાં સાથીદારો આ કામગીરી સારી રીતે નિભાવશે.

સાથીઓ,

ગ્રામ પંચાયતોના જનપ્રતિનિધિ તરીકે તમારી ભૂમિકા લોકતંત્રને મજબૂત કરવાની અને ગામડાંની અપેક્ષાઓ પૂર્ણ કરવાની છે. ભારતના વિકાસ અને આત્મનિર્ભરતામાં આપણાં ગામડાં એ મહત્વનાં કેન્દ્રો છે. પૂજય મહાત્મા ગાંધીજી કહેતા હતા કે “આત્મનિર્ભરતાનો હું એવો અર્થ કરૂ છું કે ગામડાં એવા હોવા જોઈએ કે જે પોતાની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે આત્મનિર્ભર હોય, પણ આત્મનિર્ભર હોવાનો અર્થ એવો નથી થતો કે આપણે આપણી સીમાઓમાં બંધાઈ જઈએ. પૂજ્ય બાપુના વિચારો કેટલા સ્પષ્ટ છે. એટલે કે આપણે નવી નવી તકો અને નવી સંભાવનાઓને શોધતા રહીને આપણાં ગામડાંને વિકાસના માર્ગે આગળ લઈ જવાના છે.”

સાથીઓ,

ગયા વર્ષે જે 6 રાજયોમાં સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યાં એક વર્ષની અંદર જ તેની અસર જોવા મળી રહી છે. સ્વામિત્વ યોજનામાં સમગ્ર ગામનો, સંપત્તિઓનો ડ્રોનથી સર્વે કરવામાં આવે છે અને જેની જે જમીન હોય તે મુજબ તેને પ્રોપર્ટી કાર્ડ ‘સંપત્તિ પત્ર’ પણ આપવામાં આવે છે. થોડી વાર પહેલાં જ 5 હજાર ગામડાંના 4 લાખ કરતાં વધુ સંપત્તિ માલિકોને ‘ઈ-પ્રોપર્ટી કાર્ડ’ આપવામાં આવ્યાં છે. સ્વામિત્વ યોજનાને કારણે આજે ગામડાઓમાં એક નવો આત્મવિશ્વાસ પાછો ફર્યો છે, સુરક્ષાનો એકભાવ જાગ્યો છે.

ગામના ઘરના નકશા, પોતાની સંપત્તિના દસ્તાવેજ જ્યારે હાથમાં હોય છે ત્યારે અનેક પ્રકારની આશંકાઓનો અંત આવી જાય છે. એનાથી ગામડાંમાં જમીન અને સંપત્તિને લગતા ઝઘડા ઓછા થાય છે. કેટલાક સ્થળોએ તો પરિવાર વચ્ચેના ઝઘડા પણ ખતમ થઈ ગયા છે. ગરીબો અને દલિતોના શોષણની સંભાવનાઓ પણ અટકી છે. ભ્રષ્ટાચારનો એક મોટો માર્ગ પણ બંધ થઈ ગયો છે. કોર્ટ- કચેરીના કેસ પણ બંધ થઈ રહ્યા છે. જે લોકોને પોતાની જમીનના કાગળો મળી ગયા છે, તેમને બેંકમાંથી ધિરાણ મેળવવામાં પણ આસાની થઈ રહી છે.

સાથીઓ,

સ્વામિત્વ યોજનાની એક વધુ વિશેષ બાબત છે. આ યોજનામાં ડ્રોન દ્વારા સર્વે થયા પછી દરેક ગામનો એક પૂરો નકશો, જમીનનો સંપૂર્ણ હિસાબ- કિતાબ પણ તૈયાર થઈ જાય છે. તેનાથી પંચાયતોને ગામમાં વિકાસના કામોમાં એક દૂરગામી વિચાર સાથે, એક વિઝન સાથે વ્યવસ્થિત રીત કામ કરવામાં આ નકશા, આ મેપ ખૂબ જ કામમાં આવવાના છે. અને હું તમામ સરપંચોને આગ્રહ કરીશ કે આ યોજનાને ખૂબ જ સમજદારી સાથે આગળ ધપાવે કે જેથી ગામનો વ્યવસ્થિત રીતે વિકાસ થઈ શકે.

એક રીત કહીએ તો ગરીબની સુરક્ષા, ગામની અર્થવ્યવસ્થા અને ગામમાં આયોજનબધ્ધ વિકાસની સ્વનિધી યોજના સુનિશ્ચિત કરશે. મારા દેશના તમામ રાજ્યોને પણ આગ્રહ કરીશ કે સર્વે ઓફ ઈન્ડીયા સાથે સમજૂતિના કરાર કરવાની કામગીરી વહેલામાં વહેલી તકે ઝડપભેર પૂરી કરી લે. કેટલાક રાજ્યોમાં આ કામગીરી માટે જમીનના કાયદાઓમાં ફેરફાર કરવાની પણ જરૂર છે. રાજ્યોને મારૂં એ સૂચન છે કે ગામના ઘરોના કાગળ તૈયાર થયા પછી જો કોઈ વ્યક્તિને બેંકમાંથી ધિરાણની જરૂર પડે તો તેને બેંકમાં કોઈ અવરોધ નડે નહીં તેની ખાત્રી રાખવામાં આવે. હું બેંકોને પણ અનુરોધ કરૂં છું કે તે પ્રોપર્ટી કાર્ડ માટે એક એવું સ્વરૂપ બનાવે કે જે બેંકોમાંથી લોન લેવા માટે સ્વિકાર્ય બની શકે. આપ સૌ પંચાયતના પ્રતિનિધિઓએ પણ સ્થાનિક વહિવટી તંત્ર સાથે તાલમેલ અને ગામના લોકોને સાચી જાણકારી આપવા માટે કામ કરવાનું રહેશે.

સાથીઓ,

આપણાં દેશની પ્રગતિ અને સંસ્કૃતિનું નેતૃત્વ હંમેશા આપણાં ગામડાંઓએ જ કર્યું છે. એટલા માટે જ દેશ આજે દેશ પોતાની દરેક નીતિ અને દરેક પ્રયાસના કેન્દ્રમાં ગામડાંઓને રાખીને આગળ ધપી રહ્યો છે. મારો પ્રયાસ એવો રહ્યો છે કે આધુનિક ભારતના ગામડાં સમર્થ હોય, આત્મનિર્ભર હોય. એટલા માટે જ પંચાયતોની ભૂમિકાને પણ વધારવામાં આવી રહી છે. પંચાયતોને નવા અધિકારો આપવામાં આવી રહ્યા છે. પંચાયતોને ડીજીટલ બનાવવા માટે દરેક ગામને ફાઈબર નેટ સાથે જોડવાની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે.

આજે દરેક ઘરને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે ચાલી રહેલી ‘જલ જીવન મિશન’ જેવી મોટી યોજનાઓની જવાબદારી પણ પંચાયતોને જ સોંપવામાં આવી છે. આ બાબતે સ્વયં એક ખૂબ મોટા કામને પોતાની જવાબદારીથી, પોતાની ભાગીદારીથી આગળ ધપાવ્યું છે. આજે ગામડાંઓમાં રોજગારીથી માંડીને ગરીબોને પાકા ઘર આપવા સુધીનું જે વ્યાપક અભિયાન કેન્દ્ર સરકાર ચલાવી રહી છે તે ગ્રામ પંચાયતોના માધ્યમથી જ આગળ ધપી રહ્યું છે.

ગામના વિકાસ માટે અગ્રતા નક્કી કરવાની હોય, તેની સાથે જોડાયેલા નિર્ણયો લેવાના હોય, તેમાં પંચાયતોની ભૂમિકા વધારવામાં આવી છે. તમે તમારા ગામની ચિંતા કરો, ગામની ઈચ્છા અને અપેક્ષાઓ મુજબ વિકાસને ગતિ આપો તેવી દેશ તમારી પાસેથી અપેક્ષા રાખે છે. તમને સાધનો પણ આપવામાં આવી રહ્યા છે. એટલે સુધી કે ગામના અનેક ખર્ચ બાબત સાથે જોડાયેલી ઘણી બધી સત્તા પંચાયતોને આપવામાં આવી રહી છે. નાની નાની જરૂરિયાતો માટે તમારે સરકારી કચેરીઓમાં હવે ઓછામાં ઓછુ જવું પડે તે માટેની કાળજી રાખવામાં આવી રહી છે. હવે આજે જે રીતે રોકડ ઈનામો આપવામાં આવી રહ્યા છે તે સીધા પંચાયતોના બેંકના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

સાથીઓ,

ભારત સરકારે સવા બે લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ગ્રામ પંચાયતોના હાથમાં સોંપી છે. આટલી મોટી રકમ પંચાયતોને આ પહેલાં ક્યારેય પણ આપવામાં આવી નથી. આ નાણાંથી ગામની સ્વચ્છતા સાથે જોડાયેલા કામોને અગ્રતા આપવી જોઈએ. પીવા માટેના શુધ્ધ પાણીની વ્યવસ્થા માટે પ્રયત્ન કરવા જોઈએ. આરોગ્યની સેવાઓને બહેતર બનાવવા માટે ભરપૂર પ્રયાસ કરવા જોઈએ, પરંતુ જ્યારે ગામડાંના વિકાસ માટે આટલા પૈસા ખર્ચાશે અને એટલા કામ થશે તો આપણા ગ્રામવાસીઓ પણ એવી અપેક્ષા રાખશે કે દરેક કામમાં પારદર્શકતા હોવી જોઈએ. આ અપેક્ષા તમારી પાસે રાખવામાં આવશે અને તમારી એ જવાબદારી પણ રહેશે.

એના માટે પંચાયતી રાજ મંત્રાલયે ‘ઈ-ગ્રામ સ્વરાજ’ ના માધ્યમથી ચૂકવણીની ઓનલાઈન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે પણ ચૂકવણી કરવામાં આવશે તે પબ્લિક ફાયનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએસએમએસ) ના માધ્યમથી કરવામાં આવશે. આ રીતે આ પ્રકારના ખર્ચમાં પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવા માટે ઓનલાઈન ઓડિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મને એ બાબતનો આનંદ છે કે ખૂબ મોટી સંખ્યામાં પંચાયતો આ વ્યવસ્થા સાથે જોડાઈ ગઈ છે. હું દેશની તમામ પંચાયતોના સરપંચોને અનુરોધ કરૂં છું કે જો તમારી પંચાયત આ વ્યવસ્થા સાથે જોડાઈ ના હોય તો વહેલામાં વહેલી તકે તમે ચોક્કસ જોડાઈ જાવ.

સાથીઓ,

આ વર્ષે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરવાના છીએ. આપણી સામે પડકારો જરૂર છે, પરંતુ નિકાસના પૈડાંને આપણે ઝડપી ગતિ સાથે આગળ ધપાવવાના છે. તમે પણ તમારા ગામના વિકાસ માટેના ધ્યેય નક્કી કરો અને તેને ચોક્કસ સમયમાં પૂર્ણ કરો. જે રીતે ગ્રામસભામાં તમે સ્વચ્છતા બાબતે, જળ સંરક્ષણ બાબતે, પોષણ બાબતે, રસીકરણ બાબતે તથા શિક્ષણ બાબતે એક અભિયાન શરૂ કરી શકો છો. તમે ગામના ઘરોમાં જળ સંરક્ષણ સાથે જોડાયેલા ધ્યેય પણ નક્કી કરી શકો છો. તમારા ગામમાં જમીનની અંદરના પાણીનું સ્તર ઉપર કેવી રીતે લાવી શકાય તે માટેનું ધ્યેય નક્કી કરી શકો છો. ખેતીને ફર્ટિલાઈઝરથી મુક્ત કરવાની હોય, કેમિકલ ફર્ટિલાઈઝરથી અથવા તો ઓછા પાણી સાથે પેદા થતા સારા પાક તરફ ગામને આગળ ધપાવવાનું હોય, પાણીના દરેક ટીંપાથી વધુ પાક કેવી રીતે લઈ શકાય, પાણીના એક એક ટીંપાથી પાક કેવી રીતે લઈ શકાય તે માટે પણ તમે કામ કરી શકો છો.

ગામના તમામ બાળકો અને ખાસ કરીને દિકરીઓ શાળામાં જાય, કોઈપણ દિકરી વચ્ચેથી અભ્યાસ ના છોડી દે તેવી જવાબદારી તમારે નિભાવવાની છે. ઓનલાઈન અભ્યાસ બાબતે ગ્રામ પંચાયતો પોતાના સ્તરે કેવી રીતે ગરીબ બાળકોને મદદ કરી શકે તેમ છે તેમાં તમારે જરૂરથી યોગદાન આપવાનું છે. ‘મિશન અંત્યોદય સર્વેક્ષણ’ માં ગામડાંની જે જરૂરિયાતો, જે ઊણપો સામે આવે છે તેને દૂર કરવા માટે દરેક પંચાયતે લક્ષ્ય નક્કી કરવું જોઈએ.

હાલની આ પરિસ્થિતિઓમાં પંચાયતોનો મંત્ર હોવો જોઈએ કે ‘દવાઈ ભી કડાઈ ભી’. અને મને વિશ્વાસ છે કે કોરોનાના જંગમાં જે લોકો સૌથી પહેલા વિજય હાંસલ કરવાના છે તે મારા ભારતના ગામડાં વિજય હાંસલ કરશે. મારા ભારતનું નેતૃત્વ વિજય હાંસલ કરશે. મારા ભારતના ગામના ગરીબમાં ગરીબ, ગામના તમામ નાગરિકો સાથે મળીને વિજયી બનવાના છે અને દેશ તથા દુનિયાને રસ્તો પણ આપ સૌ ગામના લોકો સફળતાપૂર્વક દેખાડવાના છે, આ મારો ભરોંસો છે, વિશ્વાસ છે અને તે ગયા વર્ષના અનુભવને આધારે છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌ તેને સારી રીતે નિભાવશો. અને ખૂબ પ્રેમભર્યા વાતાવરણમાં તેને નિભાવો છે તે તમારા સૌની વિશેષતા છે. તમે કોઈ ભૂખ્યું ના રહે તેની ચિંતા કરો છો અને કોઈને ખોટુ પણ ના લાગે તે માટેની ચિંતા કરો છો.

હું ફરી એક વખત કોરોના સાથેની તમારી લડાઈમાં વહેલામાં વહેલી તકે વિજય પ્રાપ્ત થાય, તમારૂં ગામ કોરોના મુક્ત રહે તેમાં તમે સફળ થાવ તેવા વિશ્વાસ સાથે ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તમને સૌને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rabi acreage tops normal levels for most crops till January 9, shows data

Media Coverage

Rabi acreage tops normal levels for most crops till January 9, shows data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Diplomatic Advisor to President of France meets the Prime Minister
January 13, 2026

Diplomatic Advisor to President of France, Mr. Emmanuel Bonne met the Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

In a post on X, Shri Modi wrote:

“Delighted to meet Emmanuel Bonne, Diplomatic Advisor to President Macron.

Reaffirmed the strong and trusted India–France Strategic Partnership, marked by close cooperation across multiple domains. Encouraging to see our collaboration expanding into innovation, technology and education, especially as we mark the India–France Year of Innovation. Also exchanged perspectives on key regional and global issues. Look forward to welcoming President Macron to India soon.

@EmmanuelMacron”