મિત્રો,
મને મુખ્યમંત્રી તરીકે પાછલાં નવ વર્ષોથી ગુજરાતની સેવા કરવાનું ગૌરવ મળેલ છે. અને હું ગુજરાત અને ભારતના લોકોનો તેમના અદમ્ય સમર્થન અને સહકાર આપવા માટે અત્યંત આભારી છું. અનેક અવરોધો અને તોફાનો, કુદરતી આપત્તિઓ અને તે પણ રાજકીય અસહિષ્ણુતા અને વૈમનસ્ય તથા ખોટી માહિતીઓના મારાની વચ્ચે રહેવા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્યમાં નવ વર્ષ પૂરાં કરેલ છે. આ જોકે 21મી સદીમાં ગુજરાતના વિકાસના એક દસકાના રૂપમાં ઈતિહાસની તવારીખમાં અંકિત થશે.
અમે આ સરકારના દસમા વર્ષમાં પ્રવેશને ‘એકતાની પ્રતિમા’ (સ્ટૅચ્યૂ ઑફ યુનિટિ) – વિશ્વની સૌથી મોટી 182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવાની ભવ્ય યોજનાને પ્રસ્તુત કરવા દ્વારા અંકિત કરેલ છે. ભારતના લોહ પુરુષના વ્યક્તિત્વને અનુરૂપ, આ પ્રતિમા, અમેરીકાની ‘સ્વાતંત્ર્યની દેવી’ (સ્ટૅચ્યૂ ઑફ લિબર્ટિ) ની ઉંચાઈ કરતાં બમણી અને રિયો ડી જાનેરોના ‘મુક્તિદાતા ઇશુ ખ્રિસ્ત’ (ક્રાઈસ્ટ, ધિ રિડીમર) કરતાં ચાર ગણી હશે. આને ‘એકતાની પ્રતિમા’ નામ આપવામાં આવી રહેલ છે કારણકે એ સરદાર હતા જેમણે આઝાદી પછીના સૌથી મુશ્કેલ સમયમાં, આશરે 550 રજવાડાંઓને ભારત સંઘની અંદર જોડીને, અને સોમનાથ મંદિરના પુન:નિર્માણ ઉપરાંત આધુનિક ખેતી અને આદિવાસી સમુદાયોના સશક્તિકરણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં એક સમર્થ શાસક તરીકે સુશાસન પૂરું પાડીને ભારતને સંગઠિત કરેલ.
આ ‘એકતાની પ્રતિમા’ સરદાર સરોવર બંધથી લગભગ 3 કિલોમીટરના અંતરે નર્મદા નદીના પટમાં સાધુ બેટ પર નિર્માણ કરવામાં આવશે જ્યાં હોડીઓમાં પહોંચી શકાશે. મારું સ્વપ્ન આ જગ્યાને આવનાર યુગ માટે પ્રેરણાના એક સ્ત્રોત તરીકે વિકસાવવાનું છે. તેમાં ઉચ્ચ પ્રૌદ્યોગિકી સંગ્રહાલય હશે, જે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના 90 વર્ષના ઈતિહાસનો વૃત્તાંત પૂરો પાડશે (1857-1947). ફક્ત એક ઈમારત કરતાં ઘણું આગળ વધીને – ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે, તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસા માટે, કૃષિ ઉપરના સંશોધન માટે કે જે સરદારને પ્રિય હતું, આદિજાતિના જીવન ઉપર સંશોધન માટે અને એવાં બીજાં અનેક કામો માટે તેને એક સંશોધન અને શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. આ રીતે, તે ફક્ત મીટર કે ફુટમાં જ નહીં પરંતુ શૈક્ષણીક, ઐતિહાસિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક મૂલ્યોના સંદર્ભમાં પણ ઉંચી ઉભી રહેશે.
અમે ભારતના મહાન સપૂતોને યોગ્ય શ્રદ્ધાંજલિ આપતા આવ્યા છીએ – પછી તે ગાંધીનગરમાં બની રહેલ મહાત્મા મંદિર હોય, માંડવી-કચ્છમાં ક્રાતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક હોય કે પછી સુરત પાસેના હરિપુર (નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનનું સ્થળ) થી બ્રૉડબેન્ડ જોડાણ હોય.
મિત્રો, મને આશા છે કે તમને આ ભેટ પસંદ આવશે, આનંદના આ પ્રસંગ નિમિત્તે ગુજરાત તરફથી રાષ્ટ્ર અને વિશ્વને માટે એક વધુ. આના પરની વિડિઓ ક્લિપ જરૂર જુઓ. આ ઐતિહાસિક સ્મારક માટે આપના સૂચનો સ્વીકારવાનું મને ગમશે.
જય જય ગરવી ગુજરાત ! જય જય સ્વર્ણીમ ગુજરાત !
આપનો,



