મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
સૌરાષ્ટ્રકચ્છ અને ઉત્તર ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોના પશુધનના ઘાસચારા માટે વ્યાપક ફલક ઉપર
વ્યવસ્થાપન અને વિતરણ
- પાંજરાપોળગૌશાળાને તથા સ્વૈચ્છિક સંસ્થા/ટ્રસ્ટના શરૂ કરાતા ઢોરવાડામાં પશુદીઠ દૈનિક રૂા. રપ સહાયના આદેશો ઙ્ગ ૯૧ ઘાસ ડેપો અછતગ્રસ્ત તાલુકાઓમાં શરૂ
- ૧૧ લાખ કીલો ઘાસચારાનું કીલોદીઠ રૂા. બે ના રાહત દરે વિતરણ થયું
- ૧પ કીલોમીટરની ત્રિજયામાં ગ્રામ કલસ્ટર દીઠ ઘાસડેપો શરૂ કરવાના આદેશો
લીલા ઘાસચારાના વાવેતર માટે ખેડૂતો અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ઉદાર ધોરણે પ્રોત્સાહક યોજનાઓ મંજૂર .......
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી પશુધન માટેના ઘાસચારાની વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે, યુધ્ધના ધોરણે ઉપલબ્ધ ઘાસચારાનું વ્યાપક ફલક ઉપર વ્યવસ્થાપન અને વિતરણની સુઆયોજિત કાર્યયોજનાની સમીક્ષા કરવામાં આવી હતી અને અછતગ્રસ્ત વિસ્તારોની પાંજરાપોળ ગૌશાળા તથા સ્વૈચ્છિક સંસ્થા/ટ્રસ્ટના શરૂ કરાતા ઢોરવાડામાં પશુદીઠ દૈનિક રૂા. રપની સહાય આપવાના નિર્ણયો કરવામાં આવ્યા હતા.
અછતગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે પ્રતિ કીલોના રૂા. બે ના રાહતભાવે ૧૧ લાખ કીલો ઘાસ અછતગ્રસ્ત તાલુકાઓના ઘાસડેપો ઉપરથી વિતરણ થઇ રહ્યું છે તેને વધુ વ્યાપક ફલક ઉપર વિસ્તારીને પશુધન માટે ઘાસચારો સુગમતાથી મળી રહે તે માટે ૧પ કી.મી.ની ત્રિજ્યામાં ગામોમાં કલસ્ટર વચ્ચે ઘાસ ડેપો ખોલવાની સૂચનાઓ આપવામાં આવી છે, તેમજ પાંચ કરોડ કિલોગ્રામ ઘાસ ખૂલ્લા બજારોમાંથી ખરીદવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અને અછતગ્રસ્ત વિસ્તારોની પાંજરાપોળ ગૌશાળાઓને પશુદીઠ દૈનિક રૂા. રપ લેખે રાહત ચૂકવવા અને મામલતદારની મંજૂરીથી નોંધાયેલી સંસ્થા/ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવતા ઢોરવાડાને પણ પશુદીઠ દૈનિક રૂા. રપની સહાય ચૂકવવાના આદેશોને બહાલી આપી હતી.
રાજ્ય સરકારના પ્રવકતા, આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે રાજ્ય મંત્રીમંડળની બેઠકના નિર્ણયોની ભૂમિકા આપતા જણાવ્યું કે રાજ્યના પશુધનને પૂરતો ઘાસચારો મળી રહે એ માટેના અછતના વ્યવસ્થાપનની કાર્યયોજના અને જિલ્લા અછત રાહત કન્ટીજન્સી પ્લાનમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ નાણાંમંત્રીશ્રી વજૂભાઇ વાળાના અધ્યક્ષસ્થાને રચેલી વરિષ્ઠ મંત્રીશ્રીઓની ઉચ્ચ સત્તાધારી સમિતિએ તા. ૭ મી ઓગસ્ટ અને તા. ર૧મી ઓગસ્ટની બેઠકોમાં પશુધનના ઘાસચારા માટે લીધેલા નિર્ણયોના અમલની આજે મંત્રીમંડળની બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે હાલ, રાજ્યમાં કીલો દીઠ રૂા. બેના રાહત દરે ૯૧ ઘાસ ડેપો ઉપરથી ઘાસચારાનું વિતરણ થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૧ લાખ કીલો ઘાસ માલધારી પશુપાલકોને રાહતદરે વહેચ્યું છે અને હજુ વધુ ઘાસડેપોની જરૂરિયાતને ધ્યાનમાં લઇ યુધ્ધના ધોરણે અછતગ્રસ્ત વિસ્તારોમાં દરેક ૧પ કીલોમીટરની ત્રિજ્યામાં ગ્રામ કલસ્ટર બનાવી નવા ઘાસડેપો શરૂ કરી દેવાશે. આ ઉપરાંત ખૂલ્લા બજારમાંથી ટેન્ડર દ્વારા ખરીદાઇ રહેલા વધુ પાંચ કરોડ કિલોગ્રામ ઘાસચારાનું પણ કીલોદીઠ રૂા. બે ના રાહતભાવે પશુપાલકોને વિતરણ કરવાના આદેશો આપ્યા છે.
અછતગ્રસ્ત વિસ્તારો સહિત રાજ્યમાં પશુધન માટે પશુપાલકોને સરળતાથી ઘાસચારો ઉપલબ્ધ થાય તે હેતુથી લીલા ઘાસચારાના વાવેતર માટે પણ વિવિધલક્ષી પ્રોત્સાહક યોજનાઓના તાકીદે અમલ કરવાની બાબતે આદેશો બહાર પાડવામાં આવ્યા છે, એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું. આ ઘાસચારા વાવેતરની પ્રોત્સાહક યોજનાઓ આ પ્રમાણે છેઃ
- ઘાસચારા વાવેતરને પ્રોત્સાહન આપવા ખેડૂતોને બે (ર) એકર સુધી તથા સંસ્થાઓને દશ (૧૦) એકર સુધી મફત બિયારણ અને રાસાયણિક ખાતર કીટ આપવા રૂા. ૭પ કરોડની ખાસ ફાળવણી મંજૂર કરી છે.
- ઘાસચારા વાવેતર માટે હેકટર દીઠ રૂ. પ૦૦૦/ પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
- આ ઉપરાંત ગ્રામ પંચાયત હસ્તકના ગોચરમાં ગ્રામ પંચાયત દીઠ પાંચ હેકટર વિસ્તારમાં ગાંડા બાવળ દૂર કરી ઘાસ વાવેતર માટે પ્રતિ હેકટર રૂા. ર૦,૦૦૦/ લેખે મહત્તમ રૂપિયા એક લાખ સહાય ગ્રામ પંચાયતને મળવાપાત્ર થશે.
- નર્મદા કેનાલની બંને બાજુ આવેલ સરદાર સરોવર નર્મદા નિગમની ખુલ્લી જમીનોમાં વ્યકિતગત ખેડૂતોને બે થી અઢી એકર અને સ્વૈચ્છિક સંસ્થાઓ/ટ્રસ્ટોને રપ એકર સુધી ઘાસ વાવેતરની મંજૂરી આપી નિગમની જમીન અને પાણી એક વર્ષ માટે વિનામૂલ્યે (મફત) ઉપલબ્ધ કરાશે.
- જળસંપત્તિ વિકાસ નિગમના ર૩રર પાતાળકૂવાઓ માટે ખેડૂત ફાળો નાબૂદ કરી ૧૦૦ ટકા સરકારી ખર્ચે સૂક્ષ્મ સિંચાઇ (ડ્રીપ ઇરીગેશન)ની સુવિધા ખેડૂતોને ઘાસચારા વાવેતર માટે અપાશે.
- ઘાસચારાની તંગી તથા પીવાના પાણીની મુશ્કેલીને પહોંચી વળવા મદદરૂપ થવા રાજ્યની ખેતીવાડી ઉત્પણ બજાર સમિતિઓને બજાર ફંડમાંથી રૂ. પ૦ લાખની મર્યાદામાં આ હેતુ માટે રચાયેલ તાલુકા સમિતિની મંજૂરીથી દાનફાળો આપવાની બાબતે પણ બહાલી આપી દેવામાં આવી હતી.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે પશુજીવોને અછતના આ સમયમાં ઘાસચારો મળી રહે તથા જીવદયાના ગુજરાતના સંસ્કારોનું સંવર્ધન થતું રહે તેવા માનવીય અભિગમથી રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે આ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક અમલ કરાવવા પ્રતિબધ્ધ છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે પશુજીવોના ઘાસચારા માટે આ સરકારે અગમચેતી વાપરીને ઘાસચારાની જરૂરિયાતોને પ્રાથમિક અગ્રતા આપી છે અને પશુજીવોને માટે પૂરતો ઘાસચારો મળી રહે તે માટે કોઇ કચાશ નહી રખાય.


