૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૨

આપણે ત્યાં જેટલું મહત્વ શિક્ષાનું છે એના કરતાં વધારે મહત્વ દીક્ષાનું છે અને શિક્ષિત વ્યક્તિ જ્યાં સુધી દીક્ષિત ન થાય ત્યાં સુધી શિક્ષા અધૂરી ગણાય છે. આમ શાસ્ત્રોમાં જોઇએ તો છેક તૈત્તિરીય ઉપનિષદમાં પહેલીવાર આ પ્રકારનો દીક્ષાંત સમારોહ નોંધાયેલો છે. પરંતુ આપણે ત્યાં પરંપરાગત રીતે ગુરુકુળની જે શિક્ષા પરંપરા હતી એમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પૂર્ણ થાય પછી ગુરુજન અનેક કસોટીઓમાંથી એને પાર કરતા હતા, અનેક એવાં સહજ આયોજનો કરે કે જેમાંથી પસાર થતાં થતાં નિત્યક્રમ દરમિયાન પોતે જે શીખ્યા છે એનો અમલ કરી બતાવવો પડે, એને ખબર પણ ન હોય કે અહીં જે હું કરી રહ્યો છું એ મારી કોઇ કસોટીનો ભાગ છે. અને એનું બહુ જ માઈન્યૂટ ઑબ્ઝર્વેશન થતું અને એના પછી એ ડિગ્રીધારી બનતા હતા અને પછી એને જીવનના અન્ય આશ્રમ તરફ જવા માટેની પરવાનગી મળતી.

મિત્રો, વિદ્યાર્થીકાળ ઉત્તમ સમયગાળો હોય છે. આમ એક વાતનો આનંદ આવે કે ભાઈ, આજે અહીંથી ડિગ્રીધારી બનીને આપણે સમાજમાં જઈ રહ્યા છીએ, પણ એની સાથે જ એક મોટી જવાબદારી શરૂ થતી હોય છે. તમે વિદ્યાર્થી હો ત્યારે મિત્રો વચ્ચે, સમાજ વચ્ચે ઉભા હો તો પરિચય કરાવો કે હું ફાઇનલ યરમાં ભણું છું એટલે પછી લાંબા પ્રશ્નો ન પૂછે. ભણો છો, વાત પૂરી થઈ જાય. પણ જે પળે તમે એમ કહો કે હવે હું ગ્રૅજ્યુએટ થઈ ગયો છું એટલે તરત જ પ્રશ્ન આવે કે તો હવે શું કરો છો? હવે શું કરવાના છો? શું વિચાર્યું છે? અને નોકરીની બાબતમાં એ ચાલુ રહે અને છોકરીની બાબતમાં પણ ચાલુ થાય અને છોકરી હોય તો છોકરા માટેય ચાલુ થાય. સહજ છે. ભણતા હો ત્યાં સુધી કોઇ ટેન્શન નહીં, કોઇ પૂછે નહીં અને એટલા માટે ઘણા લોકો શું કરે કે બીજો કોઇ મેળ ન પડે ત્યાં સુધી સી.એ. ની અંદર એન્ટ્રિ લઈ લે, અને બીજું કંઈ ગોઠવાય નહીં ત્યાં સુધી કહેવા ચાલે કે, શું કરો છો? સી.એ. કરું છું, અનએન્ડિંગ પ્રોસેસ છે... મિત્રો, વિદ્યાર્થી હોઇએ ત્યારે જીવનમાં અનેક લોકો હોય છે કે જે આપણું માર્ગદર્શન કરતા હોય છે. એક પ્રકારે પ્રોટેક્ટેડ લાઇફ હોય છે. પરિવારમાં પરિવારજનો ચિંતા કરતા હોય, કુટુંબ સાથે સંબંધિત વડીલો ચિંતા કરતા હોય, શિક્ષણ સંસ્થાની અંદર ઇવન પટાવાળો પણ ઘણીવાર આપણને ગાઇડ કરતો હોય કે ના-ના ભાઈ, આ ન કરાય... એવું કહેતો હોય, તમે અનુભવ્યું હશે મિત્રો, અને આપણને પણ એમ થાય કે આ પટાવાળાને સમજણ પડે છે અને મને નહોતી પડી..! શિક્ષકગણ પણ આપણને ગાઇડ કરે કે ભાઈ, આ કરાય અને આ ન કરાય. અને એના કારણે આપણે નિશ્ચિંત હોઇએ છીએ. કોઇપણ ભૂલ થાય તો ક્યાંક કોઈક રોકનાર, કોઈક ટોકનારની વ્યવસ્થા હોય છે અને એના કારણે મોકળા મને ડગ માંડવાની હિંમત આવતી હોય છે. પણ જે પળે આ અવસ્થાથી બહાર આવીએ ત્યારે પ્રત્યેક પળે નિર્ણય જાતે કરવો પડતો હોય છે. આજુબાજુ જોઇએ ત્યારે કોઇ શિક્ષક ઉભા નથી હોતા, સમાજની આપણા તરફ જોવાની એક આખી માનસિકતા બદલાણી હોય છે અને એક પ્રકારે એક કસોટી કાળનો આરંભ થતો હોય છે. આજે જે લોકો પદવી પ્રાપ્ત કરી રહ્યા છે એ બધા મિત્રો જીવનના કસોટી કાળની અંદર પગરણ માંડી રહ્યા છે. અને જ્યારે કસોટી શરૂ થાય છે એ વખતે પ્રત્યેક પળ, બચપણથી આજ સુધી જ્યાં જ્યાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હશે, જે જે ગુરુજનો પાસેથી કંઈ શીખ્યા હોઇશું એની આખી કથા મનમાં ડગલે ને પગલે યાદ આવતી હોય છે. કંઈ કરવા જઈએ ત્યાં વિચાર આવે કે હા યાર, ક્લાસમાં સાહેબે પેલી વાત તો કહી હતી..! ક્યાંક ઇન્ટર્વ્યૂ આપવા જઈએ ને કોઇ પ્રશ્ન આવે તો તરત વિચાર આવે કે હા યાર, સાહેબે કહ્યું તો હતું પણ આજે યાદ નથી આવતું. ડગલે ને પગલે આ કાર્યકાળ તમને યાદ આવશે મિત્રો અને એ અર્થમાં જેમનો દીક્ષાંત સમારોહ થઈ રહ્યો છે પરંતુ જે લોકો ભવિષ્યના દીક્ષાંત સમારોહના સ્વાભાવિક દાવેદાર છે એ લોકો પણ અહીં બેઠા છે એમને પણ એમાંથી પ્રેરણા મળે કે હા ભાઈ, જીવનની શરૂઆત અઘરી હોય છે. ડગલે ને પગલે જીવનમાં પ્રત્યેક કસોટીમાંથી પાર થવું પડતું હોય છે.

હું ઇચ્છીશ કે વીર નર્મદના નામ સાથે જોડાયેલ આ યુનિવર્સિટીના આપણે વિદ્યાર્થી છીએ ત્યારે બીજું કંઈ કરી શકીએ કે ના કરી શકીએ મિત્રો, નર્મદનું એક વાક્ય જીવનમાં ઊતારીએ, ‘ડગલું ભર્યું કે ના હટવું...’. અને નર્મદની પુણ્યતિથિએ જ્યારે આપણને આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે... મિત્રો, સમાજજીવનની અંદર અવઢવમાં રહેનારા લોકો ક્યારેય ન તો કંઈ મેળવી શકે છે, ન ક્યારેય સમાજને કંઈ આપી શકે છે. જે લોકો નિર્ણાયક હોય છે એ લોકો નિર્ધારિત મંજિલને પ્રાપ્ત કરી શકતા હોય છે. જે લોકો અનિર્ણીત હોય છે એમનો ઘણો બધો સમય એ અવસ્થામાં જ ગૂંચવાતો હોય છે. તમે ઘણા લોકો જોયા હશે બસ સ્ટેશન પર... ચાર બસો ઊભી હોય તો નક્કી ન કરી શકે કે આમાં જવું કે આમાં જવું. અને ત્રણ જતી રહે પછી છેલ્લે જે મળે એમાં ચડી જાય, નક્કી ન કરી શકે. અને આ અનુભવ રોજબરોજના હોય છે. કેટલાય લોકો માંદા પડ્યા હોય તો ઓપરેશન કરાવવું કે ના કરાવવું, આ ડૉક્ટર પાસે કે પેલા ડૉક્ટર પાસે... એમાં રોગ એટલો બધો વકરી ગયો હોય કે ડૉક્ટરના હાથની બાજી જ ના રહી હોય. કારણ? અનિર્ણાયકતા. મિત્રો, અવઢવવાળી જીંદગીને અને યુવાનને ક્યારેય સંબંધ ન હોવો જોઇએ. હું યુવાન છું એનો મતલબ છે કે હું નિર્ણાયક છું અને જો હું નિર્ણાયક નથી તો નિશ્ચિત છે કે હું યુવાન નથી. હું અત્યંત ભયભીત છું, હું અત્યંત અસુરક્ષિત છું, મને ડગ માંડતા ડર લાગે છે કે ક્યાંક પડી તો નહીં જાઉં... મતલબ, મારા મનની યુવાની મેં ગુમાવી દીધી છે અને તેથી નિર્ણાયક હોવું, અવઢવ મુક્ત જીંદગી હોવી એ યુવા હોવાની પહેલી શરત છે મિત્રો અને જે લોકો નિર્ણાયક હોય છે એ સાહસિક પણ હોય છે. અવઢવવાળો માણસ એટલા માટે અવઢવ નથી કરતો, મૂળભૂત તો સાહસનો અભાવ છે. એ ભયભીત છે કે કદાચ કંઈ થઈ જશે તો? કદાચ કોઇ કંઈ કહેશે તો? કદાચ આમ થશે તો? મિત્રો, બાળકને ક્યારેય અવઢવ નથી હોતી, કારણ એને ભય નથી હોતો. જેને ભય છે એને અવઢવ હોય છે અને તેથી વ્યક્તિના જીવનની અંદર અભય, મારી મનની રચનામાં અભય, જીવનની પ્રગતિ માટેની અનિવાર્યતા હોય છે. જ્યાં સુધી અભયની મન:સ્થિતિ ન હોય, ગમે તેવા વાતાવરણની અંદર પણ ભય મને સ્પર્શતો ન હોય, મને અંધકાર જેવું કંઈ ભાસતું ના હોય, મને પ્રત્યેક પળે પ્રકાશ દેખાતો હોય, એ જ જીંદગીની રાહ નક્કી કરી શકતો હોય છે અને મિત્રો, પ્રકાશ જોવા માટે સૂરજ ઊગવાની રાહ નથી જોવી પડતી. મિત્રો, સામર્થ્યવાન લોકો તારાના પ્રકાશમાં પણ રસ્તો શોધી શકતા હોય છે. સુવર્ણ પળોની રાહ જોવા માટે જીંદગી નથી હોતી મિત્રો. જીવનના અંધકારની અંદર પણ તારાના પ્રકાશમાં રોશનીની રોનક અને મિત્રો ઘેરો અંધકાર હોય, વાદળછાયું હોય તો મારો આદિવાસી ભાઈ આગિયાના પ્રકાશની અંદર જીંદગીની રાહ બનાવતો જોયો છે. જો એક આગિયો જીંદગીની રાહ બતાવી શકતો હોય તો હું તો એવી સમૃદ્ધિની જીંદગી જીવનારો માનવી છું, મારા જીવનમાં રુકાવટ શાના માટે? આ જો સંકલ્પ શક્તિ હશે તો જીવન બદલી શકાતું હોય છે.

મિત્રો, ઘણીવાર સમાજજીવનમાં આપણે જ્યારે કામ કરતા હોઇએ છીએ ત્યારે તમને એમ લાગતું હશે કે મારા બાપુજીએ ફી ભરી હતી એના કારણે હું ગ્રૅજ્યુએટ થયો છું, એના કારણે આજે પદવી પ્રાપ્ત કરું છું, એવું નથી દોસ્તો. હું રાત્રે મોડે સુધી વાંચતો હતો માટે હું હવે પદવીધારી બન્યો છું, એવું નથી. પરીક્ષાના દિવસોમાં સારામાં સારી ફિલ્મ પણ મેં જતી કરી હતી માટે પાસ થયો છું, એવું છે? એવું નથી હોતું. અનેક લોકોએ મારી જીંદગી ઘડવા માટે કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે. હું કૉલેજમાં કંટાળ્યો હોઇશ અને કોઈકવાર કૅમ્પસમાં બહાર જઇને કોઇ ઝાડના છાંયામાં નાની કીટલી લઈને કોઇ ચા બનાવનારો બેઠો હશે, મેં એની ચા પીધી હશે, મેં તાજગી અનુભવી હશે, ફરી ક્લાસરૂમમાં આવ્યો હોઇશ. આજે પદવી લેતી વખતે એને પણ યાદ કરજો, એને પણ યાદ કરજો કે કોઈક વાર સામાન્ય ગલીમાં જીવનારા માનવીએ તમારી પસંદગીની ચા બનાવીને તમને તાજગી આપી હતી. મિત્રો, કોઇવાર પરીક્ષામાં દોડતા જતા હશો, બસ ચૂકી ગયા હશો, મોડા પડ્યા હશો અને તમે ડ્રાઇવરને વિનંતી કરી હશે કે સાહેબ, જરા દબાવજેને ભાઈ, ઝડપી ચલાવજેને, મારે પરીક્ષામાં પહોંચવાનું છે અને ડ્રાઇવરે રિસ્ક લઈને કદાચ તમને પહોંચાડ્યા હશે. મિત્રો, આજે એમને પણ યાદ કરજો. મિત્રો, તમે જે ખુરશી પર બેસીને, જે બેન્ચ પર બેસીને ભણતા હશો એ બેન્ચ સાફ કરવા માટે કોઇ પટાવાળાએ પોતાની આખી જીંદગી ખપાવી દીધી હશે, એ પટાવાળાને જરા યાદ કરજો. મિત્રો, કેટકેટલા લોકોનું યોગદાન હોય છે, કેટકેટલા લોકોના પ્રયત્નને પરિણામે હું જીંદગીમાં કંઈ પ્રાપ્ત કરી શકતો હોઉં છું, એનો અર્થ એ થયો કે સમગ્ર સમાજનું મારા પર ઋણ હોય છે. આ સમાજનું ઋણ ચૂકવવા માટેની વેળા હું પદવી પ્રાપ્ત કરું પછી શરૂ થાય છે. જીવનની પ્રત્યેક પળ હું આ સમાજનું ઋણ ચૂકવતો રહીશ. આ સમાજનું મારા પર જે ઋણ છે, મારા જીવનભર ક્યારેય એને હું ભૂલીશ નહીં. એ કર્તવ્યના પાલનને હું નિભાવીશ. આ જો જીવનનો ભાવ હશે તો આપણે જીવનમાં એક સંતોષની અનુભૂતિ કરી શકીશું.

મિત્રો, આ પદવીદાન સમારોહમાંથી વિદાય થઈ રહ્યા છો ત્યારે અગર જો આપ વિદ્યાર્થી મટી ગયા તો આપ સમજી લેજો કે આપ જીવન તરફ નહીં, મૃત્યુ તરફ પ્રયાણ કરી રહ્યા છો. હું બહુ જ જવાબદારીપૂર્વક મિત્રો વાત કરું છું. અગર જો અહીંથી નીકળતાની સાથે જ જો તમે એમ માની લીધું કે તમારો વિદ્યાર્થીકાળ પૂરો થઈ ગયો તો એનો અર્થ એ થયો કે તમારો જીવનકાળ પૂરો થઈ ગયો અને તમારો મૃત્યુકાળ પ્રારંભ થઈ ગયો છે. મિત્રો, વિદ્યાર્થી જીવનપર્યંત જીવતો હોવો જોઇએ. જીવનના અંત સુધી વિદ્યાર્થી જીવતો હોવો જોઇએ. આપણી ભીતર જો વિદ્યાર્થી ન જીવતો હોય તો જીવનની વિકાસયાત્રા અસંભવ છે, જીવનમાં ઠહેરાવ આવી જાય છે. અને કોઇ યુવાન એવો ન હોઇ શકે કે જેના જીવનમાં ઠહેરાવ આવે, જીવનમાં નિરંતર વિકાસયાત્રા હોય અને તેના માટે અનિવાર્ય છે કે પ્રત્યેક પળ હું વિદ્યાર્થી હોઉં. પ્રત્યેક પળ જાણવાની મારી કોશિશ છે, મારી જિજ્ઞાસા છે. પ્રત્યેક પળ મારામાં શીખવાની મનોવૃત્તિ છે. અને જીવનના મૂળભૂત તત્વોને જીવનની સાથે બાંધવા પડે, પોતાના જીવનનું ડી.એન.એ. બનાવવું પડે. વિદ્યાર્થી અવસ્થા, મનની વિદ્યાર્થી અવસ્થા એ આપણું પોતાનું ડી.એન.એ. હોવું જોઇએ. અને એ જો હોય તો જ જીવનમાં પ્રગતિની શક્યતા બનતી હોય છે.

ભાઈઓ-બહેનો, આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જયંતીનું વર્ષ છે. અને ૧૫૦મી જયંતીનું વર્ષ જ્યારે ઊજવી રહ્યા છીએ ત્યારે ગુજરાતે, રાજ્ય સરકારે પોતે ‘યુવાશક્તિ વર્ષ’ તરીકે એને મનાવવાનું નક્કી કર્યું છે અને એમાં પણ યુવાશક્તિ એટલે માત્ર નિબંધ સ્પર્ધાઓ થાય કે વક્તૃત્વ સ્પર્ધાઓ થાય એટલેથી અટકતું નથી. એક ફોકસ કર્યું છે, કૌશલ્યવર્ધનનું. હુન્નર... મિત્રો, જીવનની અંદર જ્ઞાનની સાથે હુન્નરની એટલી જ આવશ્યકતા હોય છે અને જો હુન્નર ન હોય તો જ્ઞાન ઘણીવાર એક ખાબોચિયામાં વાસ કરતું થઈ જતું હોય છે. અને એ ઘટનાનો મેં ઘણીવાર ઉલ્લેખ કર્યો છે, આજે ફરી કરવા માગું છું. એકવાર દાદા ધર્માધિકારી, વિનોબાજીની સાથે એમના સાથીદાર હતા, ગાંધીવિચારના ચિંતક હતા. એમના ઘણા પુસ્તકો વાંચવા જેવા છે. દાદા ધર્માધિકારીએ એક જગ્યાએ લખ્યું છે કે એકવાર એક યુવાન મને મળવા આવ્યો અને મને કહેતો હતો, “દાદા, કંઈક નોકરીનું કરી આપોને...”, તો દાદાએ એને પૂછ્યું, “ભાઈ, તને શું આવડે છે?”, તો પેલા યુવકે જવાબ આપ્યો, “હું ગ્રૅજ્યુએટ છું.” એમણે કહ્યું, ”એ તો બરાબર છે, પણ તને શું આવડે છે?” તો એણે ફરી કહ્યું, ”હું ગ્રૅજ્યુએટ છું” પછી પોતાની બૅગમાંથી સર્ટિફિકેટ બતાવ્યાં, તો એમણે કહ્યું, “એ તો બરાબર છે, તું ગ્રૅજ્યુએટ છે પણ તને આવડે છે શું?” ફરી એણે કહ્યું, “ સાહેબ, હું ગ્રૅજ્યુએટ છું.” દાદાએ કહ્યું, ”ભાઈ, એ તો બધું બરાબર પણ મને એમ કહે કે તને ડ્રાઇવિંગ આવડે છે?” તો કહે, ”ના”, “તને ટાઇપરાઇટર આવડે છે?” તો કહે, ”ના”, “તને રસોઈ બનાવતા આવડે છે?, તને તરતા આવડે છે?”, “ના, પણ હું ગ્રૅજ્યુએટ છું, મારી પાસે સર્ટિફિકેટ છે.” મિત્રો, ડિગ્રીની સાથે જીવન કૌશલ્ય અનિવાર્ય હોય છે અને એ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીના ૧૫૦ વર્ષ નિમિત્તે સમગ્ર રાજ્યમાં કૌશલ્યવર્ધન માટેનું એક મોટું અભિયાન આપણે ચલાવવાના છીએ. દરેકને કોઇને કોઇ એક્સ્ટ્રા ટૅલેન્ટ હોય, કોઇને કોઇ એક્સ્ટ્રા આવડત હોય, કોઇ કોઇ હુન્નર એને આવડતો હોય, એ આત્મબળે જીવી શકવાનું એને સામર્થ્ય મળે. મિત્રો, ભારત ભાગ્યવાન છે અને આપણે બધા એક એવા યુગમાં છીએ કે જે વખતે હિંદુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે. આ દેશના ૬૫% લોકો ૩૫ કરતાં નાની ઉંમરના છે. જે દેશ પાસે આટલી મોટી યુવાશક્તિ હોય, એના સપનાં કેટલાં યુવાન હોય, એના સપનાં કેટલાં તેજસ્વી હોય..! આ યુવાન સપનાં, યુવાન તેજસ્વી સપનાં સાથે આ ભારતમાતા વિશ્વગુરુ બને એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન સાકાર કરવા માટેનો યુગ આપણા હયાતીકાળમાં આવ્યો છે. એ જો યુવાનના મનની અંદર આપણે પ્રગટાવી શકીએ તો આવડો મોટો દેશ, ૧૨૦ કરોડની જનસંખ્યા, ૬૫% નવજુવાનોથી ભરેલો દેશ, મિત્રો, એના કૌશલ્ય દ્વારા, એની ક્ષમતા દ્વારા, એના જ્ઞાન દ્વારા, એની બુદ્ધિ દ્વારા એ વિશ્વવિજેતા બની શકે એવું સામર્થ્ય ધરાવતો હોય છે. અને, વિવેકાનંદજીનું એ સ્વપ્ન હતું કે ‘હું મારી આંખો સામે જોવું છું, હું મારી આંખો સામે જોવું છું, આ ભારતમાતા કોઇને કોઇ દિવસ જગદગુરુના સ્થાને બિરાજાએલી મને દેખાય છે’. મિત્રો, વિવેકાનંદજીનું સ્વપ્ન, ૧૫૦ વર્ષ વીતી ગયાં, આપણા માથે પૂર્ણ કરવાની જવાબદારી છે. એક યુવાન તરીકે સંકલ્પ લઈને આપણે નીકળીએ તો ભારતમાતાને જગદગુરુના સ્થાને બિરાજિત કરી શકીએ.

મિત્રો, ગુજરાતમાં શિક્ષણની જે આહલેક જગાવી છે, એના સુફળ જોવા મળી રહ્યાં છે. કન્યા કેળવણીનું અભિયાન ચલાવ્યું, પ્રવેશોત્સવ ચલાવ્યો. જે દિવસોમાં કામની મેં શરૂઆત કરી હતી, ૭-૮ વર્ષ પહેલાં ત્યારે લોકોને અંદાજ નહોતો કે આ બધી ચીજો ચાલે છે શું? મિત્રો, આજે સ્થિતિ એવી છે કે ઉચ્ચ શિક્ષણમાં એટલા મોટા પાયા પર લોકો જઈ રહ્યા છે. વંચિતો, દલિતો, આદિવાસીઓ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. અને, એટલા માટે આ બજેટમાં મેં ૧૦૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમ માત્ર છેવાડાના વિસ્તારનાં બાળકો જે ભણીને આગળ આવ્યા છે એમના માટે હોસ્ટેલો બનાવવા માટે નક્કી કરેલ છે. ગુજરાતના બજેટની અંદર ૧૦૦ કરોડ જેટલી માતબર રકમનું બજેટ માત્ર હોસ્ટેલો બનાવવા માટે કર્યું છે, જેથી કરીને આંતરિયાળ વિસ્તારના લોકોને ભણવા માટેની સુવિધા મળે, ક્યાંક એમને રહેવા માટેની જગ્યા મળે આવું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. મિત્રો, ગુજરાતનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે એને અનુરૂપ માનવબળનો વિકાસ થાય એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ૨૦૦૧ માં જ્યારે ગુજરાતની જનતાએ મને આ જવાબદારી સોંપી ત્યારે આ રાજ્યમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી. ભાઈઓ-બહેનો, આજે ૪૧ યુનિવર્સિટી છે. ગઈ સદીમાં જેટલી કૉલેજો હતી એના કરતાં વધારે યુનિવર્સિટીઓ છે અને યુનિવર્સિટીઓએ પણ વિશ્વ કક્ષાની યુનિવર્સિટીની દિશામાં ડગ માંડ્યા છે અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે.

આજે જે નૌજવાન મિત્રો જીવનની એક નવી રાહ પર ડગ માંડી રહ્યા છે એમને અંત:કરણપૂર્વક અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.

ધન્યવાદ..!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Zojila Tunnel achieves final breakthrough at 11,578 feet, bringing Kashmir-Ladakh link closer

Media Coverage

Zojila Tunnel achieves final breakthrough at 11,578 feet, bringing Kashmir-Ladakh link closer
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05, 2026
આરોગ્ય સંભાળ, ઉડ્ડયન, પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સના લોન્ચિંગ સાથે દમણ માટે એક નવો વિકાસ વેગ; આ પહેલો કેન્દ્રશાસિત પ્રદેશમાં જીવનને બદલી નાખશે: PM
આજે જાહેર કરાયેલા આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો કેટલો મજબૂત છે; વર્ષ 2025–26 માં ભારતે 7.7% નો વૃદ્ધિ દર હાંસલ કર્યો, અને અગાઉના ક્વાર્ટરમાં, જે 31 માર્ચે સમાપ્ત થયો હતો, તેમાં પણ ભારતની વૃદ્ધિ 7.8% રહી હતી: PM
આ ગંભીર વૈશ્વિક કટોકટીની વચ્ચે પણ, 1.4 બિલિયન (140 કરોડ) નાગરિકોના સામૂહિક પ્રયાસોએ સુનિશ્ચિત કર્યું છે કે ભારત માત્ર પોતાને ટકાવી રાખતું નથી, પરંતુ સમય કરતાં આગળ રહેવાના તેના પ્રયાસોમાં સફળ પણ થઈ રહ્યું છે: PM
અમારી સરકાર આરોગ્યને કેવી રીતે પ્રાથમિકતા આપે છે તે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS) ના તારણો દ્વારા સ્પષ્ટપણે સાબિત થાય છે; અગાઉ, ભારતમાં મોટાભાગની બાળકની સુવાવડ (ડિલિવરી) હોસ્પિટલોમાં થતી ન હતી; આજે, દેશમાં 90 ટકાથી વધુ તમામ ડિલિવરી હોસ્પિટલોમાં થાય છે: PM
મિશન ઈન્દ્રધનુષના કારણે, ભારતે બાળ રસીકરણમાં મજબૂત પ્રગતિ જોઈ છે; 2014 પહેલા માત્ર 60 ટકા બાળકોનું સંપૂર્ણ રસીકરણ થતું હતું; આજે આ આંકડો વધીને લગભગ 90 ટકા સુધી પહોંચી ગયો છે: PM

ભારત માતા કી જય! ભારત માતા કી જય!

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ભાઈ પટેલ, સંસદમાં મારા સહયોગી કલાબેન ડેલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ દીપિકા ટંડેલ જી, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધર્મ બાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરેજી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસાર જી, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ હરીશ કપાયાજી, દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કોટિયા રંજીતાબેન અને અહીં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલા ભાઈઓ-બહેનો,

તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

સાથીઓ,

કેટલાક વર્ષો પહેલાં, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો, તો મેં કહ્યું હતું આ આપણું દમણ ઝડપથી મિની ઇન્ડિયા બની રહ્યું છે અને આજે હું જોઈ રહ્યો છું, ડાબી બાજુ આખું બંગાળ છે અને જમણી બાજુ આખું અસામ છે. દમણ મિની ઇન્ડિયાનું જીવતું-જાગતું ઉદાહરણ બની ચૂક્યું છે. અહીંની વિવિધતા, અલગ-અલગ ક્ષેત્રોના લોકોનું અહીં નિવાસ કરવું, આખા ભારતની સુંદર ઝલક તમારી વચ્ચે આવીને મળી જાય છે. તમે બધા આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા, હું આના માટે આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું.

ભાઈઓ-બહેનો,

મને કેટલીય વાર દમણ અને દીવ આવવાનો અવસર મળ્યો છે. દાદરા અને નગર હવેલી પણ આવતો રહું છું અને જ્યારે હું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નહોતો, ત્યારે તો બહુ વાર આવતો હતો. પરંતુ હવે જ્યારે હું અહીં આવું છું અને અહીંના સુશાસનને જોઈને, ગવર્નન્સ મોડલને જોઈને બહુ સારું લાગે છે. દર વખતે મને લાગે છે કે ગત વખતની સરખામણીમાં આ ક્ષેત્ર વિકાસની રાહ પર માઈલો આગળ વધી ગયું છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ દાયકાઓથી વિકાસના સપના જોયા હતા. જે સપના પહેલાં જોયા, એ પેઢીઓ તો ચાલી ગઈ. પરંતુ આજે જે પેઢી છે, તે પોતાની આંખોની સામે જોઈ રહી છે કે તેમના માતા-પિતા, દાદા-દાદી જે સપના જોતા હતા, એ આજે સપના પૂરા થતા તમે પોતાની આંખોથી જોઈ રહ્યા છો. આજે પણ અહીં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આનાથી જોડાયેલી અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયું છે. વિકાસના આ કામ દમણ અને આખી યુનિયન ટેરિટરી માટે અહીંના લોકોના જીવનને સરળ બનાવશે. આનાથી યુવાનો માટે નવા અવસરો તૈયાર થશે. આ કામોની પાછળ પ્રફુલ્લ ભાઈ પટેલની દ્રષ્ટિ, તેમની અને તેમની ટીમની મહેનત સાફ-સાફ નજરે પડે છે. હું આના માટે પણ પ્રફુલ્લ ભાઈ અને તેમની આખી ટીમની સરાહના કરું છું. હું બધાને લક્ષદ્વીપના લોકોને, દાદરા-નગર હવેલીના લોકોને અનેક-અનેક શુભકામનાઓ આપું છું, આપ સૌને વધામણી આપું છું.

સાથીઓ,

આજે તમારી વચ્ચે આવ્યો છું, તો એક સુખદ સમાચાર આવ્યા છે. હું તો આજે સવારે દિલ્હીથી નીકળી ચૂક્યો હતો, પરંતુ અત્યારે જે આંકડા સામે આવ્યા છે, જે સમાચાર આવ્યા છે, તે ખરેખર પ્રસન્નતા આપનારા છે અને હું પણ ઈચ્છું છું, આ ખુશી તમારી સાથે પણ વહેંચું. આજે જે આંકડા આવ્યા છે, એ આંકડાઓથી સાફ છે કે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો કેટલો મજબૂત છે. વર્ષ 2025-26 માં એટલે કે જે ફાઇનાન્સિયલ યર પાછલું પૂરું થયું, વર્ષ 2025-26 માં ભારતે 7.7 પર્સન્ટનો ગ્રોથ રેટ હાસલ કર્યો છે, 7.7 અને પાછલો ક્વાર્ટર જે 31 માર્ચે ખતમ થયો, તેમાં પણ ભારતનો ગ્રોથ 7.8 પર્સન્ટ રહ્યો છે, 7.8 અને આ દુનિયામાં તેજ ગતિથી આગળ વધનારી મોટી ઇકોનોમી છે. દરેક ભારતીયને ગર્વ થાય, આ છે તેની ગતિ. આજે દેશ જે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી રહ્યો છે, આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે આટલો વિકાસ થઈ રહ્યો છે, ગરીબ કલ્યાણને લઈને આટલા મોટા સ્તરે જે કામ ચાલી રહ્યું છે, આ બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે દેશ મોટી ઇકોનોમીમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ, દુનિયા સંકટોમાં ઘેરાયેલી છે, આખી દુનિયાની અર્થવ્યવસ્થા સવાલોના નિશાનો નીચે દબાયેલી પડી છે, વૈશ્વિક સંકટના આ ખરાબમાં ખરાબ દોરમાં પણ 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત પોતાની જાતને સંભાળી તો રાખી જ રહ્યું છે, પરંતુ સાથે-સાથે સૌથી આગળ રહેવામાં પણ તેના પ્રયાસો સફળ થતા જઈ રહ્યા છે. હું દેશવાસીઓને આર્થિક ક્ષેત્રની આ નવી ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે ખૂબ-ખૂબ વધામણી આપું છું અને હું દેશને ફરી આશ્વસ્ત કરું છું કે દેશ દુનિયાભરમાં ચાલી રહેલા આ સંકટોનો સામનો કરતા Reform, Perform અને Transform ના રસ્તા પર આવી જ રીતે દ્રઢ સંકલ્પની સાથે, તેજ ગતિથી આગળ વધતો જ રહેશે, આ મારી દેશવાસીઓને ગેરંટી છે.

સાથીઓ,

આજે આપણા માટે વિકાસ જેટલો જરૂરી છે, એટલું જ મહત્વનું છે કે આપણું વિકાસનું મોડલ સસ્ટેનેબલ હોય. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે આપણા અહીં યુનિયન ટેરિટરી સ્ટેટ આ સંકલ્પને સાકાર કરી રહ્યું છે. આજે એક તરફ અહીં હજારો કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. સાથે જ અહીં આશરે એક લાખ એક વૃક્ષ માતાના નામે, એક લાખ છોડ પણ વાવવામાં આવી રહ્યા છે. મને ગર્વ છે કે એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેણે સરકારી ઈમારતોમાં શત પ્રતિશત, 100 પર્સન્ટ સૌર ઊર્જાના ઉપયોગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આજે દીવમાં દિવસમાં જેટલી વીજળીની ડિમાન્ડ હોય છે, તે સોલર પાવરથી જ પૂરી થઈ રહી છે અને આપણે તો આને હજુ આગળ લઈને જવાનું છે. ઘરોમાં પણ સોલર ઊર્જાથી વીજળી મળે, એટલું જ નહીં વધારાની વીજળીથી પરિવારની આવક પણ થાય, તેના માટે રૂફટોપ સોલર પ્લાન્ટ્સ લગાવવાની પહેલ શરૂ થઈ છે. હું આ ઉપલબ્ધિઓ માટે પણ આપ સૌની સરાહના કરું છું.

સાથીઓ,

સાથે-સાથે મને એ પણ જણાવવામાં આવ્યું છે, દમણના લોકો આ દિવસોમાં અહીં સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહ્યા છે. આ દર્શાવે છે કે સ્વચ્છતા કઈ રીતે દમણના જનજીવનમાં સંસ્કાર બની ચૂકી છે અને આ સંસ્કાર સ્વચ્છતામાં નજરે પડી રહ્યા છે. હું આ જનભાગીદારીના તમારા પ્રયાસો માટે દમણના લોકોનું અભિનંદન કરું છું.

સાથીઓ,

દાદરા નગર હવેલી, દમણ અને દીવ, આ સંઘ શાસિત પ્રદેશ હોવાની સાથે જ ભારતની ઓળખ અને વિરાસત પણ છે. એટલા માટે, આના વિકાસ માટે અમારા લક્ષ્ય પણ સાધારણ નથી. મને યાદ છે, જ્યારે હું ગયા વર્ષે સિલવાસા આવ્યો હતો, ત્યારે મેં તમને સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. મેં કહ્યું હતું કે એક સમયે સિંગાપોર માછીમારોનું નાનું એવું ગામ હતું. પરંતુ, સિંગાપોરના લોકોએ એક સપનું જોયું, ત્યાંના લોકોએ મોટું લક્ષ્ય નક્કી કર્યું અને આજે એ જ સિંગાપોર દુનિયાનું સૌથી મોટું બિઝનેસ હબ બની ચૂક્યું છે. આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ પણ એ જ સપનું જોઈ રહ્યા છે. આ નમો એરપોર્ટ, દમણગંગા નદી પર બનનારો આઇકોનિક બ્રિજ, ‘બીચ ફ્રન્ટ’ તેના પર બનનારો કન્વેન્શન સેન્ટર, આવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આપણે ભવિષ્યના મોટા સંકલ્પોનો પાયો નાખી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ્સ દ્વારા લોકોની અવરજવર સરળ થશે. અહીં બિઝનેસ માટે નવી સંભાવનાઓ બનશે. દમણના બંને કિનારા પર વિકાસની ગતિ હજુ વધુ તેજ થશે.

સાથીઓ,

અહીં સગવડતાના અર્થતંત્રથી જોડાયેલા અવસરો વધશે અને સાથે જ ટ્રાન્સપોર્ટ નગર જેવી સુવિધાથી વ્યાપાર, લોજિસ્ટિક્સને પણ નવી ગતિ મળશે.

સાથીઓ,

આ ક્ષેત્રમાં બ્લુ ઇકોનોમી માટે અમે જે વિઝન તૈયાર કર્યું છે, તે વિઝન પણ હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાતથી જ સાકાર થશે. એટલા માટે જ, લક્ષદ્વીપના કલપેની અને કદમત દ્વીપોમાં પણ આજે જ આધુનિક પોર્ટ્સની આધારશિલા રાખવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસો બ્લુ ઇકોનોમીમાં દેશની તાકાતને વધારશે અને જેવું મેં કહ્યું આ લક્ષદ્વીપનું ભાગ્ય બદલનારા પગલાં છે.

સાથીઓ,

ભાજપની સરકારમાં, એનડીએની અમારી સરકારમાં અમારા માટે વિકાસની પહેલી કસોટી છે- ગરીબ, વંચિત, આદિવાસી અને મિડલ ક્લાસના જીવનમાં બદલાવ! આના માટે, હેલ્થ સેક્ટર અમારી બહુ મોટી પ્રાથમિકતા છે. વિતેલા વર્ષોમાં દેશ હેલ્થ કેર માટે હોલિસ્ટિક વિઝન લઈને આગળ વધ્યો. અમે ઈલાજથી જોડાયેલી દરેક ચિંતાનું સમાધાન કર્યું છે. આજે ગરીબમાં ગરીબ પાસે પણ આયુષ્માન કાર્ડની સુવિધા છે. તેમની પાસે 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજનો ભરોસો છે. બીમારીની સમયસર તપાસ થઈ શકે, તેના માટે, પ્રધાનમંત્રી આયુષ્માન આરોગ્ય મંદિરોની વ્યવસ્થા છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ પણ મળી રહી છે. આ સુવિધાઓ હજુ બહેતર થાય, હજુ આધુનિક થાય, તેના માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા આજે સ્વાસ્થ્ય સેવાઓને ટેકનોલોજીથી જોડવામાં આવી રહી છે.

સાથીઓ,

આયુષ્માન કાર્ડ અને જન ઔષધિ કેન્દ્રોથી જ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થતા બચ્યા છે.

ભાઈઓ-બહેનો,

કેન્દ્ર સરકારની નીતિઓનો બહુ લાભ આ ક્ષેત્રના લોકોને પણ થયો છે. એક સમયે અહીં ઈલાજની સારી સુવિધાઓનો પણ અભાવ હતો. અહીં મેડિકલ કોલેજ સુધી નહોતી. પરંતુ, હવે મેડિકલ કોલેજ પણ છે અને તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર પણ શરૂ થઈ ગયું છે. સિલવાસાની નમો હોસ્પિટલ ગયા વર્ષથી હજારો લોકોની સેવા કરી રહી છે. આજે દમણમાં પણ નમો હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આ ક્ષેત્રના લોકોને પણ હવે હજુ બહેતર હેલ્થ કેરનો લાભ મળશે.

સાથીઓ,

અમારી સરકાર કેવી રીતે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા ચાલી રહી છે, આનું એક પ્રમાણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પરિણામોમાં પણ મળે છે. એક સમયે ભારતમાં મોટાભાગના બાળકોની ડિલિવરી હોસ્પિટલમાં નહોતી થતી. આજે દેશમાં 90 ટકાથી વધુ ડિલિવરી હોસ્પિટલોમાં થઈ રહી છે, જેના કારણે માતા મૃત્યુ કે નવજાતની મૃત્યુમાં બહુ મોટી અટકાવ આવી છે. મિશન ઇન્દ્રધનુષના કારણે બાળકોના રસીકરણના ક્ષેત્રમાં પણ ભારતે સારી પ્રગતિ કરી છે. 2014 પહેલાં માત્ર 60 ટકા બાળકોનું પૂર્ણ રસીકરણ થઈ શકતું હતું. આજે આ આંકડો વધીને આશરે 90 ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં પણ મોટો બદલાવ આવ્યો છે. 2014 પહેલાં 30 ટકાથી પણ ઓછા પરિવારો સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા હતા. આજે આયુષ્માન ભારતે, એ આંકડાઓને પણ બદલી દીધા છે. હવે 60 ટકાથી વધુ પરિવારોને આ સુરક્ષા મળી રહી છે.

સાથીઓ,

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સરકારના આ પ્રયાસોનો લાભ જો કોઈને સૌથી વધારે મળ્યો છે, તો તે મારા દેશની નારી શક્તિ છે.

સાથીઓ,

પહેલાં આ ક્ષેત્રના યુવાનોને હાયર એજ્યુકેશન માટે પણ બહાર જવું પડતું હતું. પરંતુ, આજે અહીં નેશનલ લેવલની, એક નહીં કેટલીય ઇન્સ્ટિટ્યૂટ બની ચૂકી છે. પાછલા વર્ષોમાં અહીં શાળાઓની નવી બિલ્ડિંગ્સ બની છે, શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ પણ બન્યા છે. 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહ્યો છે. મને ખુશી છે કે કેન્દ્રશાસિત પ્રદેશ ધીમે-ધીમે એજ્યુકેશનના ક્ષેત્રમાં આગળ આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન હબ જેવા કેટલાય નિર્માણ અહીં થઈ રહ્યા છે.

ભાઈઓ-બહેનો,

આ શિક્ષણ ક્રાંતિમાં આપણી દીકરીઓ પાછળ ન રહે, આ પણ મારો સંકલ્પ છે. આના માટે કેટલાય મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરસ્વતી સાયકલ સ્કીમ, સરસ્વતી વિદ્યા યોજના, અહીંની દીકરીઓને બહુ મદદ કરી રહી છે.

સાથીઓ,

આજે ભારતની કોશિશ છે કે દેશના યુવાનોને ડિગ્રીની સાથે જ સાચી દિશા પણ મળે. તેમને એવો એક્સપોઝર મળે, જે લોકલ ટેલેન્ટને ગ્લોબલ અવસરોથી જોડે. ડિઝાઇન, લો, એન્જિનિયરિંગ, મેડિકલ એજ્યુકેશન, આઈટી, ડ્રોન અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આપણી આજની તૈયારી ભારતની વર્કફોર્સને મજબૂત બનાવશે. એટલા માટે પ્રોફેશનલ સંસ્થાઓનો વિસ્તાર બહુ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે NIFT ના અઢારમાં કેમ્પસની આધારશિલા રાખવામાં આવી છે. આ સંસ્થાન અહીંના યુવાનોને ગ્લોબલ એક્સપોઝરથી જોડશે. આઈ.ટી.આઈ. દમણમાં ડ્રોન ટેકનિશિયન જેવા નવા કોર્સીસ પણ શરૂ થયા છે. પીએમ વિશ્વકર્મા અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, આનાથી જોડાયેલા ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો લાભ પણ યુવાનોને મળી રહ્યો છે.

સાથીઓ,

દેશમાં રમતગમતને પણ નવી વિચાકધારા સાથે આગળ વધારવામાં આવી. આપણી રમતો હવે માત્ર મોટા શહેરો કે મોટા સ્ટેડિયમો સુધી સીમિત નથી. ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસોએ યુવાનોને પોતાની પ્રતિભા દેખાડવાનો નવો મંચ આપ્યો છે. આનાથી નાના-નાના ક્ષેત્રોમાં નેશનલ લેવલ પર રમત જગતમાં આપણા બાળકો આગળ આવી રહ્યા છે અને આનો પણ લાભ આ ક્ષેત્રને થયો છે. દીવ આજે બીચ સ્પોર્ટ્સનું એક મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ઘોઘલા બીચ પર થયેલી બીચ ગેમ્સે પણ દેશનું ધ્યાન આ ક્ષેત્ર તરફ ખેંચ્યું છે. આજે અહીં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત કામ થઈ રહ્યું છે. ખાનવેલમાં ફૂટબોલ સેન્ટર અને દમણમાં વોલીબોલ ટ્રેનિંગ સેન્ટર અહીં રમત સંસ્કૃતિને મજબૂત કરી રહ્યા છે.

સાથીઓ,

આજે દેશનું બહુ મોટું ફોકસ ટુરિઝમ પર પણ છે. અમારો પ્રયાસ છે કે ટુરિઝમથી સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે. નાના-નાના સ્થાનોને પણ મોટા-મોટા અવસરોથી જોડી શકાય. ‘દેખો અપના દેશ’ જેવા પ્રયાસે લોકોને દેશની વિવિધતા વિશે જાણવા માટે પ્રેરિત કર્યા છે. આજે ભારતમાં હેરિટેજ ટુરિઝમ, ‘બીચ ટુરિઝમ’, ઇકો-ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, આ સેક્ટર્સને નવી ઊર્જા મળી રહી છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં તો પર્યટન પણ એટલી અસીમ સંભાવનાઓવાળું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્રને પ્રાકૃતિક સુંદરતાનું અદ્ભુત વરદાન મળ્યું છે. એટલા માટે જ પર્યટનને લઈને દેશે જે નીતિઓ પર કામ કર્યું છે, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવને તેનો મોટો લાભ મળી રહ્યો છે. 2021 માં અહીં આશરે 6 લાખ ટૂરિસ્ટ આવ્યા હતા. 2025 માં આ સંખ્યા વધીને લગભગ 50 લાખ સુધી પહોંચી ગઈ છે. એટલે કે કેટલાક જ વર્ષોમાં ટુરિઝમ ફૂટફોલમાં આશરે 10 ગણો વધારો થયો છે. આ સારૂં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સાફ-સુથરા ‘બીચ’ ના કારણે સંભવ થયું છે. દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સી-ફ્રન્ટ, નમોપથ સી-ફ્રન્ટ, નાની દમણ ફોર્ટ, ગંગેશ્વર ટેમ્પલ કોમ્પ્લેક્સ, આવા અનેક સ્થાનો આજે આખા ક્ષેત્રની નવી ઓળખ બનાવી રહ્યા છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, આના સપનાઓને પૂરા કરવા માટે આપણે અહીંની ઔદ્યોગિક તાકાતને પણ વધારવાની છે. આ પણ ગર્વની વાત છે કે આ યુનિયન ટેરિટરીએ મેન મેડ ફાઈબર ના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. દાદરા અને નગર હવેલીને નેશનલ મેન મેડ ફાઈબર કેપિટલના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્લાસ્ટિક એક્સપોર્ટમાં પણ આ ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. સરકારે અહીં ઇન્ડસ્ટ્રીઝ અને MSMEs ને સપોર્ટ આપવા માટે પણ સતત પ્રયાસો કર્યા છે. અહીં MSMEs અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાથી વધુની આર્થિક સહાયતા આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો માટે નવા અવસરો ખુલી રહ્યા છે. મને વિશ્વાસ છે, આવનારા સમયમાં આ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે.

સાથીઓ,

જ્યારે વિકાસના વિઝનની સાથે સંવેદનશીલ ગવર્નન્સ જોડાય છે, તો પરિવર્તન તેજ ગતિથી જમીન પર ઉતરે છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં આપણા આ પ્રયાસોનો પ્રભાવ જોઈને સંતોષ થાય છે. મને આ ધરતીના લોકો પર પૂરો વિશ્વાસ છે. અહીંના યુવાનો, અહીંની માતાઓ-બહેનો, અહીંના ખેડૂતો, કારીગરો, શ્રમિકો અને ઉદ્યમીઓ, આવનારા વર્ષોમાં આ વિકાસ યાત્રાને હજુ આગળ લઈ જશે. હું તમને ભરોસો અપાવું છું, તમારા સપનાઓને પૂરા કરવા માટે કેન્દ્ર સરકાર ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. આ જ વિશ્વાસની સાથે, હું એકવાર ફરી વિકાસ પરિયોજનાઓ માટે તમને ખૂબ-ખૂબ વધામણી આપું છું. મારી સાથે બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!

ખૂબ-ખૂબ ધન્યવાદ.