ગુજરાતના વર્લ્ડ કલાસ ઇન્કયુબેશન સેન્ટર ફોર યુથના મહત્વાકાંક્ષી પ્રોજેકટનું નેતૃત્વ લેવા ઇન્ફોસિસના શ્રી એન આર નારાયણમૂર્તિને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નિમંત્રણ આપ્યું...
‘મને જોડાવાનું જરૂર ગમે' ......વિધેયાત્મક પ્રતિભાવ આપતા નારાયણ મૂર્તિ
માનવ વિકાસ સંસાધન અને વિકાસની દિશામાં ગુજરાતની વિશિષ્ઠ પહેલ અને સિધ્ધિઓથી પ્રભાવિત
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા વિશ્વપ્રસિધ્ધ આઇ.ટી. કંપની ઇન્ફોસિસ Infosys Ltdના સ્થાપક અધ્યક્ષ શ્રીયુત એન.આર. નારાયણમૂર્તિ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આકાર લેનારા વિશ્વકક્ષાના ઉત્કૃષ્ઠ એવા World Class INCUBATION CENTRE for Youthનું નેતૃત્વ સંભાળવા શ્રીયુત નારાયણમૂર્તિને હાર્દિક આમંત્રણ આપ્યું હતું જેની રૂપરેખાને આવકારતા શ્રી નારાયણ મૂર્તિએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ‘‘તેમને આ સૂચિત મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં જોડાવાનું જરૂર ગમશે પરંતુ તેના માટે તેઓ કેટલો સમય ફાળવી શકશે તે અંગે ગુજરાત સરકાર સાથે પરામર્શ કરશે.''
મુખ્યમંત્રીશ્રીએ વિકાસ અને માનવસંસાધન વિકાસના ક્ષેત્રમાં અભિનવ અને નવીનત્તમ પહેલ માટે પ્રબુધ્ધ અને પ્રતિભાસંપન્ન યુવાનોને પ્રોત્સાહિત કરવા ગુજરાતમાં વર્લ્ડ કલાસ ઇન્કયુબેશન સેન્ટરના મહત્વાકાંક્ષી પ્રોજેકટની ભૂમિકા આપી હતી અને જણાવ્યું હતું કે વિશ્વકક્ષાએ ગુજરાતનું અભિનવ પ્રકારનું આ ઇન્કયુબેશન સેન્ટર ફોર યુથ સંપૂર્ણ સ્વાયત્ત HRD સંસ્થા બને અને શ્રી નારાયણમૂર્તિ જેવા પ્રખર મહાનુભાવના માર્ગદર્શન અને પ્રેરક નેતૃત્વમાં તેનો વિકાસ થાય તો પ્રતિભાસંપન્ન યુવા સાહસિકોને તેમના નવીનત્તમ પ્રયોગો માટે પ્રોત્સાહક બળ મળશે, તેવી રાજ્ય સરકારની અભિલાષા છે.
શ્રી મૂર્તિએ, આ સંદર્ભમાં આ પ્રોજેકટ સાથે જોડાવા માટે સકારાત્મક તત્પરતા વ્યકત કરી હતી અને તે માટે તેમના અતિવ્યસ્ત પ્રવૃતિઓમાંથી કેટલા સમયની જરૂરીયાત ફાળવી શકાય તેનો વિચાર-વિમર્શ રાજ્ય સરકાર સાથે પ્રોજેકટ પ્રોફાઇલની વિગતવાર જાણકારી મેળવીને કરશે એવી ભાવના વ્યકત કરી હતી.
શ્રી નારાયણ મૂર્તિએ ગુજરાતમાં ઇન્ફોસિસ રિસર્ચ સેન્ટર સ્થાપવાની તત્પરતા દર્શાવી હતી. વિશ્વમાં નોલેજ ઇકોનોમી અને સાયન્સ ટેકનોલોજીના વિશાળ ફલકનો પ્રભાવ જોતા, યુવા પેઢી માટેના કારર્કિદી ઘડતર અને કૌશલ્ય સંવર્ધન માટે ઇન્ફરમેશન ટેકનોલોજીના ક્ષેત્રે રોજગારીના અનેકવિધ અવસરો ઉપલબ્ધ થવાના છે તે સંદર્ભમાં શ્રી નારાયણ મૂર્તિએ મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો.
ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, ટિચર્સ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, કામધેનું યુનિવર્સિટી જેવી ભવિષ્યના સુસંસ્કૃત માનવસમાજને માટેની વૈશ્વિક અને રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ એવી વિશિષ્ઠ યુનિવર્સિટીઓ માનવસંસાધન વિકાસના ક્ષેત્રે ટૂંકાગાળામાં ગૌરવ મેળવી રહી છે તેની ભૂમિકાથી શ્રી નારાયણ મૂર્તિ પ્રભાવિત થયા હતા.
આ સૌજન્ય મૂલાકાતમાં ભારતની સાંપ્રત સમસ્યાઓ અને વિકાસની અગ્રીમતા અને એજન્ડા વિષયક મુખ્યમંત્રીશ્રીના વિચારો જાણીને વિવિધ મૂદ્દાઓ ઉપર શ્રી નારાયણ મૂર્તિએ વિચાર-વિમર્શ કર્યો હતો.
ભારતમાં યુવાનોના સશકત ભવિષ્ય અને રાષ્ટ્રના શકિતશાળી નિર્માણ માટે તેમણે મુખ્યમંત્રીશ્રીના ચિન્તનને પ્રભાવકારી ગણાવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાતના અગ્રણી શિક્ષણવિદ્ શ્રી એન. આર. વસાણી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ અગ્ર સચિવશ્રી એમ. શાહુ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન મેનેજિંગ ડિરેકટરશ્રી વી. એસ. ગઢવી, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને ઇન્ફોસિસના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


