હવે તો ર૦૧૪માં તેમણે જનતાને હિસાબ આપવાનો છે. તમે શું કર્યું, કોના માટે કોણે કોણે કેવી કેવી રીતે કેટકેટલું કર્યું એ હવે દેશની જનતા જાણે જ છે, એમ તેમણે માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું.દેશમાં એકતરફ નિરાશાનું વાતાવરણ છે ત્યારે બીજી બાજુ ગુજરાત આશાના સપના લઇને સંકલ્પબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું. ૧૮ વર્ષથી ઉપરનો કોઇ યુવાન, મતદાતા તરીકેની નોંધણીથી વંચિત રહેવો ના જોઇએ એવું આહવાન કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મતદાન તરીકે પ્રયેક નવયુવાને ૧૮ વર્ષે મતાધિકાર મેળવી લેવો જ જોઇએ અને ૧૮ વર્ષથી ઉપરના કોઇપણ વ્યક્તિને મતદાતા બનાવવાનો કર્તવ્યભાવ જગાવવા અપીલ કરી હતી. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ કચ્છ જિલ્લામાં આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે આજે કચ્છ યુનિવર્સિટી પટાંગણમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ પરિષદ યોજવામાં આવી હતી.
કચ્છની વિશાળ યુવાશક્તિનું અભિવાદન કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રજીવનમાં આઝાદી જંગના ઇતિહાસની પ્રત્યેક ઘટનાનો પેઢીઓ સુધી આગવો મહિમા હોય છે. નવા ઇતિહાસના અંકુર એમાંથી ફૂટતા હોય છે અને ભારતની આઝાદીનું પર્વ દેશના કોટીકોટી જનમાં પ્રેરણાનો અવસર બનવો જોઇએ. ગુજરાત સરકારે છેલ્લા બાર વર્ષમાં આઝાદીના પર્વને વિકાસનું પર્વ બનાવી દીધું છે, એમાં જનશક્તિને જોડી છે.

વિવેકાનંદજીના ૧પ૦મી જયંતીના વર્ષમાં કર્તવ્યભાવથી દેશ અને સમાજ માટે સંવેદનશીલ બનવાની યુવાનો પ્રેરણા આપતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આઝાદીના લડવૈયાની જેમ દેશની ગુલામીની મુક્તિ માટે મરી ફીટવાનું સૌભાગ્ય આપણને નથી મળ્યું પણ કર્તવ્યભાવથી દેશ માટે જીવી જાણવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. આ સરકારે વિકાસના કાર્ય સાથે જનશક્તિનું લોકશિક્ષણ પણ જોડી દીધું છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં આઝાદી પર્વને વિકાસના પર્વ તરીકે ઉજવવામાં રૂ. ૮૪૦ કરોડના ૪૮૦૦ વિકાસકામોના લોકાર્પણ ખાતમુર્હુતના કામો સંપન્ન થયા છે.
આ દેશના નવજુવાનોને રોજગાર મળે એ માટે સ્કીલ ડેવલપમેન્ટનું અભિયાન ગુજરાતે ઉપાડયું છે. દેશના ખૂણેખૂણેથી યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત અગ્રીમ છે. સૌથી ઓછી બેકારી ગુજરાતમાં છે અને દેશના વિકાસમાં સૌથી વધુ યોગદાન ગુજરાતે આપ્યું છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. કચ્છનું રણ પહેલાં પણ હતું પણ કચ્છનો રણોત્સવ કરીને પ્રવાસન દ્વારા રોજગારી વિકસાવવાનું ગુજરાતે જ બતાવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.








