પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 12:30 વાગ્યે દિલ્હીના રોહિણી ખાતે લગભગ 11,000 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચે બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે.
આ પ્રોજેક્ટ્સ - દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી સેક્શન અને અર્બન એક્સટેન્શન રોડ-II (UER-II) - રાજધાનીને ભીડ ઓછી કરવા માટે સરકારની વ્યાપક યોજના હેઠળ વિકસાવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં મોટા પ્રમાણમાં સુધારો કરવા, મુસાફરીનો સમય ઘટાડવા અને ટ્રાફિક ભીડ ઘટાડવાનો છે. આ પહેલો પ્રધાનમંત્રી મોદીના વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓ બનાવવાના વિઝનને પ્રતિબિંબિત કરે છે. જે જીવનને સરળ બનાવે છે અને સરળ ગતિશીલતા સુનિશ્ચિત કરે છે.
દ્વારકા એક્સપ્રેસવેનો 10.1 કિમી લાંબો દિલ્હી સેક્શન લગભગ 5,360 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ સેક્શન યશોભૂમિ, DMRC બ્લુ લાઇન અને ઓરેન્જ લાઇન, આગામી બિજવાસન રેલવે સ્ટેશન અને દ્વારકા ક્લસ્ટર બસ ડેપોને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. આ સેક્શનમાં સામેલ છે:
પેકેજ I: શિવ મૂર્તિ સ્ક્વેરથી દ્વારકા સેક્ટર-21 ખાતે રોડ અંડર બ્રિજ (RUB) સુધી 5.9 કિમી.
પેકેજ II: દ્વારકા સેક્ટર-21 ખાતે RUBથી દિલ્હી-હરિયાણા સરહદ સુધી 4.2 કિમી., જે અર્બન એક્સટેન્શન રોડ-2ને સીધી કનેક્ટિવી પ્રદાન કરશે.
દ્વારકા એક્સપ્રેસવેના 19 કિમી લાંબા હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા માર્ચ 2024માં કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2)ના અલીપુરથી દિચાઓં કલાં સેક્શનનું ઉદ્ઘાટન પણ કરશે, જેમાં લગભગ 5,580 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા બહાદુરગઢ અને સોનીપતના નવા કનેક્ટિવિટી રૂટનો સમાવેશ થાય છે. આ દિલ્હીના આંતરિક અને બાહ્ય રિંગ રોડ અને મુકરબા ચોક, ધૌલા કુઆં અને NH-09 જેવા વ્યસ્ત સ્થળો પર ટ્રાફિકને સરળ બનાવશે. નવા પુલ બહાદુરગઢ અને સોનીપત સુધી સીધો સંપર્ક પ્રદાન કરશે, ઔદ્યોગિક જોડાણમાં સુધારો કરશે, શહેરના ટ્રાફિકને ઓછો કરશે અને NCR માં માલસામાનની અવરજવરને ઝડપી બનાવશે.


